તાજેતરની પોસ્ટસ

માર્ચ 24, 2012

યુ.કે. બાઇટ્સઃ ટુ રીડ ઓર નોટ ટુ રીડ

          મને મારા બાળપણની એક ઘટના યાદ છે. બુધવારે અમારી સ્કૂલમાં યુનિફોર્મ નહી પરંતું ફ્રી ડ્રેસ રહેતો અને ઘણા બધા છોકરાઓ પોલીસનો યુનિફોર્મ પહેરીને આવતાં, માટે મને પણ એ લેવાની બાળસહજ ઈચ્છા થઈ આવી. જીદ કરીને મે તે ખરીદાવ્યો. એ જમાનામાં તો લાલ દરવાજાની આસપાસનો વિસ્તાર જ ખરીદી માટે 'હોટ સ્પોટ' ગણાતો. અમે ખરીદી કરીને ચાલતા-ચાલતા લાલ દરવાજાના બસ ટર્મિનસ પર પહોંચ્યા. ત્યાં જઈને મમ્મીને મનમાં કંઈક સૂઝી આવ્યું અને તેણે બસ સ્ટોપ પર જ એ યુનિફોર્મનું પેકેટ ખોલ્યું અને તેના પેન્ટની ઝીપ તપાસી. તેની ધારણા મુજબ જ એ બગડેલી નીકળી. માટે ખરીદીના એકાદ કલાકમાં જ અમે તેને બદલાવવા ગયાં પરંતું દુકાનદારે તેને બદલવાની ચોખ્ખી ના પાડી દીધી. એ કહે કે 'તમે આ અમારે ત્યાંથી જ ખરીદ્યો છે તેની શું સાબિતી?' બિલ આપવાનો રિવાજ હજી આવ્યો નહોતો માટે અમારે એ ડિફેક્ટિવ વસ્તુ લઈને ઘરે જવું પડ્યું. આપણે ત્યાં કન્સ્યૂમર પ્રોટેક્શન એક્ટ, ૧૯૮૬ છે ખરો પણ (મોટે ભાગે) કાગળ પર અને તે પણ સમગ્ર ભારત માટે નહી, જમ્મુ અને કશ્મીર સિવાયના ભારત માટે. અને જ્યાં દરેક ખરીદી પર બિલ આપવું જરૂરી નથી સમજવામાં આવતું ત્યાં આવા કાયદા કેટલા ફાયદાકારક? જોકે હવે પરિસ્થિતિ એટલી ખરાબ નથી રહી એમ ૨૦૦૮ની મુલાકાત વખતે લાગ્યું હતું. 'ગ્રાહક સુરક્ષા સમિતિ'ના 'જાગો ગ્રાહક જાગો' જેવા કેમ્પેઈનને કારણે જાગરૂકતા વધી રહી છે.

          યુ.કે.માં 'ગ્રાહક બજારનો રાજા છે!' એવું દરેક જગ્યાએ અનુભવાય છે. મારી એક જોબમાં મારે ગ્રાહકોની ફરિયાદો સાંભળીને તેમણે ખરીદેલી પ્રોડક્ટસ બદલી આપવાનું અથવા પાઉન્ડ પાછા આપવાનું કામ રહેતું હતું. લોકો ખરીદીના બે વર્ષ બાદ ઝીપ બગડી જવાથી વસ્તુ પાછી લાવતાં અને મે પોતે એ વસ્તુના પાઉન્ડ પાછા આપ્યા છે. દૂધના કન્ટેનર પર છાપેલી તારીખ પહેલા દૂધ બગડી જાય તો તેને પણ બદલી આપવામાં આવે. (કોર્નર શોપ્સને બાદ કરતાં) બધે જ ખરીદીની રસીદ આપવામાં અને લેવામાં આવે છે. કન્સ્યૂમર પ્રોટેક્શન એક્ટ ઉપરાંત ગવર્મેન્ટ વોચ-ડોગ અને Which? જેવા ખાનગી કન્સ્યૂમર રાઇટ્સ કેમ્પેઈનર બહુ સતર્ક હોય છે.

          હમણાં Which? પર એક રસપ્રદ રિપોર્ટ પ્રગટ થયો. કોઈ પણ કંપનીની ઓનલાઈન સર્વિસ લેતી વખતે આપણે જે તે કંપનીના ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ વાંચ્યા અને સ્વીકાર્યા છે, તેવું એક ચેક-બોક્ષ ચેક કરવું પડે છે. Which? ના રિપોર્ટ મુજબ કેટલીક કંપનીઓના ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ આપણા પ્રિય શેક્સપિયરના નાટક કરતાં પણ લાબાં હોય છે. જેમકે 'હેમ્લેટ'માં કુલ ૩૦,૦૬૬ શબ્દો છે જ્યારે Paypal ના ટર્મ્સ એન્ડ કન્ડિશન્સના કુલ શબ્દો છે ૩૬,૨૭૫. 'મેકબેથ' ૧૮,૧૧૦ શબ્દોમાં લખાયેલું છે અને iTunes ના ટર્મ્સ એન્ડ કન્ડિશન્સના કુલ ૧૯,૯૭૨ શબ્દો છે. કોણ વાંચતું હશે આ? Which?નું કહેવું છે કે ગ્રાહકોની સરળતા માટે આ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ ખરેખર ટૂંકા હોય, તો વધારે સારુ.

          આપણા ભારતમાં જ્યારે ઓનલાઈન શોપિંગ હજી પાપા પગલી ભરી રહ્યું છે ત્યારે જ ચેતી જવામાં આવે, તો ભવિષ્યમાં આવી વસ્તુ જરૂર ટાળી શકાય. બાકી આપણે ક્યાં લંબાણ કરવું છે! શેક્સપિયરે તો 'હેન્રી ધ સિક્સ્થ'માં માત્ર દસ શબ્દોમાં પતાવ્યું છેઃ 'The first thing we do, let's kill all the lawyers.'

4 ટિપ્પણીઓ:

 1. ફરી એક સરસ મુદ્દો. બગડી ગયેલું દૂધ (એ પણ અમૂલનું!) એ અમદાવાદમાં સામાન્ય ઘટના(ઓ) છે. બાકી, નકલી માવા, માખણ કે મઠાની આપણને આદત પડી ગઈ છે.

  અમે ૯૯ ટકા કિસ્સામાં બિલ લેવાનું રાખીએ છીએ. મોટા સ્ટોર્સમાં એ લોકો બદલી આપે છે, બાકી નાની દુકાનોમાં બિલ એટલે શું?

  જવાબ આપોકાઢી નાખો
  જવાબો
  1. શાકભાજી અને ફાસ્ટફૂડની લારીઓનું શું? નો બિલ, નો ટેક્ષ, નો કન્ઝ્યુમર પ્રોટેક્શન.

   અને નકલી માવા, માખણ, મઠા બનાવનારને તો એવી સજા થવી જોઈએ કે એમની ૭૭૭ પેઢીઓ એવું કરવાથી ડરે. અહીં મારા એક મિત્રની પત્નિ આવી જ કોઈ ગુજરાતી ફરસાણની દુકાનમાં કામ કરતા હતા. તે કહેતા હતા કે રોજ સવારે બનતી તળેલી વાનગીઓ જો સાંજ સુધીમાં ન વેચાય તો તેને ફેકી દેવામાં આવે અને બીજે દિવસે તાજું બનાવવામાં આવે. આવો બગાડ થતો જોઈને એ ગુજરાતી નારી કકળી ઊઠી અને રોજ સાંજે તે જે કંઈ વધ્યું હોય તે ઘરે લાવે અને બીજે દિવસે બ્રેકફાસ્ટમાં બધા એ વાનગીઓ પેટ ભરીને ખાય, (મે પણ એ લાભ ઘણી વાર લીધો છે.) પણે એક દિવસે બનેલી વસ્તુ બીજા દિવસે વેચી ન શકાય. જો એક વાર પકડાયા, તો કડકમાં કડક સજા થાય.

   કાઢી નાખો
 2. ચારેક દિવસ પહેલા જ મેં અમારી ઓફિસની નીચેથી શેવિંગ બ્રશ લીધુ.સુપર સોફ્ટ, નાયલોન જેવા વિશેષણ વાળુ, પરંતુ દાઢી છોલી નાંખી, ૧-૨ દિવસ ચલાવ્યું. ખરેખર તો નવું હોય એટલે જ આવું ન હોવું જોઈએ પણ તો યે થયું કે નવું છે એટલે આવું હશે ;)

  આજે જ સવારે મેં એમને કહ્યું, તો એમણે કહ્યું લઇ આવજો બદલાવી આપીશ. આપણે આવી વાતોથી આદી નહિ ને? એટલે સંકોચ સાથે લંચ બાદ લઈ આવ્યો અને એને આપ્યું. એ કહે છે કે સેલ્સમેન આવશે એટલે બદલાવી દઈશ. લેટ્સ સી . . ..

  જવાબ આપોકાઢી નાખો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.