તાજેતરની પોસ્ટસ

માર્ચ 23, 2012

સીનિઅર


ભારતને આઝાદી મળી તે પહેલાની વાત છે. રાજા-રજવાડાઓમાં વહેંચાયેલા ભારતીય ઉપખંડમાં દરેક જગ્યાએ રાજા કે અંગ્રેજની મહેરબાની વડે રહી શકાતું. ખેતીવાડી, નાનકડા ધંધા અને રાજ-રજવાડાની કે અંગ્રેજ સરકારની નોકરીઆવકના આટલા વિકલ્પ હતાં. બચત એજ મૂડી અને બચત એજ પેન્શન.
આવા સમયે એક હવાલદાર અંગ્રેજ સરકારની નોકરીમાંથી નિવૃત્ત થયો. વહેવાર-તહેવારમાં  પગાર અને છોકરા-છોકરીઓના પ્રંસંગો પાર પાડવામાં બધી બચત પૂરી થઈ ગયેલી. ઉંમરના કારણે નિવૃત્ત તો થવું પડ્યું પણ ઘરે બેસી રહેવું પોસાય તેમ નહોતું. તેણે વિચાર્યું કે કોઈ રાજ-રજવાડામાં બે હાથ જોડીને વિનંતી કરું અને ક્યાંક દરવાનની નોકરી મળે તો કામનું કામ અને આરામ નો આરામ. આમ વિચારીને તે ઘરેથી ખીચડી ખાવા દાળ-ચોખા અને હવાલદારની બે જૂની વર્દી એક પોટલીમાં બાંધી નીકળી પડ્યો.
દૂરના એક રજવાડામાં જઈને મૂછાળા દરબાર સામે બે હાથ જોડીને તેણે પોતાનો અનુભવ કહી સંભળાવ્યો અને દરવાનની નોકરી માટે વિનંતી કરી. નશામાં ચકચૂર દરબારે ખાલી હકારમાં ડોકું ધુણાવ્યું અને બીજે દિવસથી હવાલદાર તો પોતાની ખાખી વર્દી પહેરીને દરવાજે ઊભો રહેવા માંડ્યો. જ્યારે-જ્યારે દરબારની સવારી દરવાજેથી બહાર નીકળતી કે અંદર પ્રવેશતી ત્યારે તે એકદમ કડક સલામ કરતો પણ નશામાં ચકચૂર દરબાર તેની નોંધ લે છે કે નહી તે વાત દરવાનને સમજાતી નહી.
દરબારને એમ તો પૂછાય નહી કે કેટલો પગાર આપશો. ખુશ થઈને જે બક્ષિસ આપે તે જ પગાર એટલે દરવાન તો હવે મહિનો થવાની રાહ જોવા લાગ્યો. આખો મહિનો તેણે ઘરેથી લાવેલા દાળ-ચોખાની ખીચડી ખાધી હતી અને પૈસા હાથમાં આવતાં પકવાન ખાવાનો તેનો મનસૂબો હતો. પણ મહિનો વીત્યાં છતાંય તેને કોઈ બક્ષિસ મળી નહી. દરવાનને થયું કે પછીના મહિને બે મહિનાની બક્ષિસ સાથે મળશે માટે ત્યાં સુધી તે ધીરજ રાખવા તૈયાર થયો. બીજો મહિનો વીત્યો પણ કશું નહી. ત્રીજા મહિનાના પહેલા અઠવાડિયામાં તો ઘરેથી લાવેલા દાળ-ચોખા પણ ખૂટી ગયા. હવે શું? તેને થયું કે બે પૂનમ પછી દિવાળી આવે છે, કદાચ દરબાર આખા વર્ષની બક્ષિસ સામટી આપશે. આથી તે પોતાની એક વર્દી વેચી આવ્યો અને તેનાથી દિવાળી સુધી ચાલે એટલા દાળ-ચોખા લઈ લીધા. દિવાળી આવી અને ગઈ, પણ નશામાં ચકચૂર દરબારને તેનો નવો દરવાન યાદ આવ્યો નહી અને દરવાનને તો ખાવાના પણ ફાંફા. છેવટે તેણે બિચારાએ તેની બીજી વર્દી પણ વેચી નાખી અને માત્ર લંગોટભેર તે દરવાજે સલામો મારવા લાગ્યો. તેના મનમાં એમ થયું કે દરબાર નહી જુવે, તો બીજું કોઈ તો જોશે ને કે દરબારનો દરવાન લંગોટીભેર સલામો ભરે છે. કોઈક તો દરબારના કાનમાં વાત નાખશે કે નહી? પણ સત્તા આગળ શાણપણ શું કામનું? અને એ પણ નશામાં ચકચૂર સત્તાધીશની સત્તા સામે?
દરમિયાન એવું બન્યું કે એકવાર એક નગ્ન માણસ મુખ્ય દરવાજેથી દોડાતો-દોડતો રાણીવાસમાં ઘૂસી ગયો. રાણીવાસમાં બૂમરાણ મચી ગઈ અને રાણીની રાડારાડથી દરબારનો નશો ઊતર્યો. તેણે હુકમ કર્યો, ‘દરવાન હોવા છતાં એક નગ્ન માણસ મહેલમાં ઘૂસી કઈ રીતે શકે? જાવ દરવાનને હાજર કરો.’ અને લંગોટભેર દરવાનને દરબાર સામે હાજર કરવામાં આવ્યો. દરબારે જ્યારે સવાલ પૂછ્યો કેતારા હોવા છતાં એક નગ્ન માણસ મહેલમાં કઈ રીતે ઘૂસી ગયો? સમયે તું તારી ફરજ પર હતો કે ક્યાંક બીજે હતો?’ દરવાને જવાબ આપ્યો, ‘હજૂર, હું તો મારી ફરજ પર હતો. મને અહીં કામ કરતાં મહિના થયાં અને હું લંગોટ પર આવી ગયો. મે જોયું કે માણસ વસ્ત્રવિહીન છે એટલે મેં તેને મારો સીનિઅર સમજીને મહેલમાં જવા દીધો!’
* * * * *
મહિનાભરની તનતોડ મહેનત પછી મળતાં ટૂંકા-ટચ પગારની લંગોટમાં જીવતી જનતાને બેશરમ નગ્ન નેતાઓ કદાચ પોતાના સીનિઅર લાગતાં હશે અને તેથી ભ્રષ્ટાચારી અને ગુનાહિત ભૂતકાળ ધરાવનારા ઉમેદવારોને જનતા માત્ર જ્ઞાતિ-જાતિ અને ઠાલા વચનોના આધારે ચૂંટીને વિધાનસભા અને લોકસભામાં મોકલતી હશે. સત્તાના નશામાં ચૂર સત્તાધીશોને લંગોટભેર જનતાની તો શું પડી હોય? તેમનો નશો તો રાણીવાસની બૂમરાણથી ઊતરી શકે છે. યાદ છે ભગતસિંહે એકવાર રાણીવાસમાં બોમ્બ ફેંકીને સત્તાધીશોનો નશો ઊતાર્યો હતો? આપણો મત આપણો બોમ્બ બની શકે, જો તેનો સાચો ઉપયોગ થાય તો!
(આ કટાક્ષકથાને 'ઓપિનિયન' માસિકના માર્ચ ૨૦૧૨ના અંકમાં સમાવવા બદલ શ્રી વિપુલભાઈ કલ્યાણીનો આભારી છું.)

1 ટિપ્પણી:

  1. ये भुखे वो नंगे, नंगइ साबित नही हुइ और लोग सडको पे आ गए. किसी संत महंत पे सच्चा या जुठा आरोप लगा तो लोग कानून तोडेँगे पर किसी करप्ट किडे को मसलना हो तो चुनाव का इन्तजार करेँगे और न्याय पर श्रद्धा की दुहाइ भी देँगे.

    જવાબ આપોકાઢી નાખો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.