તાજેતરની પોસ્ટસ

માર્ચ 05, 2012

યુ.કે. બાઇટ્સઃ જ્ઞાનની સાથે કેળવણી

          યુ.કે.ના યુનિવર્સિટી એજ્યુકેશન વિશે મારો અભિપ્રાય બહુ ઊંચો છે, પણ તેવું સ્કૂલ વિશે કહી શકતો નથી. સ્કૂલ્સની શિક્ષણ આપવાની પદ્ધતિ, શિક્ષણ વિશેનો અભિગમ અને વિદ્યાર્થીની થતી વધારે પડતી આળપંપાળ એ ચર્ચાનો વિષય છે. વિકસિત દેશોમાં સ્કૂલ અને કૉલેજમાં અધવચ્ચે શિક્ષણ છોડી દેનાર વિદ્યાર્થીઓની ટકાવારી યુ.કે.માં બહુ જ ખરાબ છે, તેવું એકવાર ડેઇલી મે'લના આ સમાચારમાં વાંચ્યું હતું. માટે અહીં GCSE (એટલે કે આપણા દસમા ધોરણ જેવું) પાસ કરેલ વ્યક્તિ બેંકમાં જોબ કરવા માટે એલિજિબલ ગણવામાં આવે છે.

          જો કે દરેક વસ્તુની જેમ અહીંના શિક્ષણના જમા પાસા પણ છે. ગોખણપટ્ટી નહીં પણ જ્ઞાનના ઉપયોગ પર વધારે ભાર હોય છે. તમે કોઈ ડૉકટર પાસે જાવ ત્યારે તમને કઈ કે કેટલી દવા આપવી તેના રેફરન્સ માટે તમારી સામે જ ડૉકટર વિના સંકોચે કોઈ સંદર્ભ પુસ્તકના પાના ફેરવતો જોવા મળી શકે છે. જ્ઞાન માત્ર ક્લાસરૂમ્સમાં કે લેબોરેટરીમાં જ મળે તેવું પણ માનવામાં નથી આવતું. અને જ્ઞાનની સાથે-સાથે કેળવણી પણ આપવામાં આવે છે. (આપણે ત્યાં કેળવણી મુખ્યત્વે માતા-પિતા અને કુટુંબની ફરજ માનવામાં આવે છે.) જ્યારે શેક્સપિયરના ગ્લોબ થિયેટરમાં 'મચ અડુ અબાઉટ નથિંગ' જોવા જવાનું બન્યું ત્યારે ત્યાં એક શાળા તરફથી નાટક જોવા આવેલા વિદ્યાર્થીઓ અને તેમના શિક્ષકને જોયા હતાં. એ કેળવણીનો ભાગ કહેવાય.

          હમણાં ફરીવાર એવું જ જોવા મળ્યું. વેસ્ટમિન્સ્ટર કાઉન્સિલની ક્વિન્સપાર્ક લાઈબ્રેરી હંમેશા મને ૧૮ નંબરની બસમાંથી જોવા મળતી. 'એક મૂરખને એવી ટેવ' જેમ મને જે પણ લાઈબ્રેરી જોવું તેમાં જવાનું મન થાય જ. માટે એક દિવસ સમય કાઢીને ત્યાં પહોંચી ગયો. અને ત્યાં જોયું, તો લાઈબ્રેરીની બહાર જ કેટલાંક બાળકો લાઈન લગાવીને ઊભા હતા અને સાથે-સાથે એક યુવાન પણ હતો જેના હાથમાં બાળકોના નામની યાદી હતી. તે બધાની હાજરી પૂરતો હતો.

          અંદર જઈને જોયું, તો પાંચેક બાળકો પુસ્તકો ઇસ્યુ કરાવવા લાઈનમાં ઊભા હતા અને એક લાઈબ્રેરિઅન એક જ કાર્ડ પર બધાને ચાર-ચાર પુસ્તકો ઈસ્યુ કરી આપતી હતી. બધા જતા રહ્યાં પછી લાઈબ્રેરિઅન સાથે વાત કરતાં તેણીએ જણાવ્યું કે એ બાળકો એક સ્કૂલમાંથી તેમના શિક્ષક સાથે આવ્યાં હતાં. બાળકો લાઈબ્રેરીમાં જતા શીખે અને ત્યાં જવાની તેમને આદત પડે માટે સ્કૂલમાં લાઈબ્રેરી હોવા છતાં તેમને આવી રીતે પબ્લિક લાઈબ્રેરીમાં લાવવામાં આવ્યા હતાં અને આવા પ્રયાસો નિયમિતપણે કરવામાં આવે છે. ક્યાંક વાંચ્યું હતું કે જે સમાજ પુસ્તકાલયોમાં પૈસા ખર્ચે છે, તેને અદાલત અને જેલ પાછળ વધારે ખર્ચ કરવો નથી પડતો. આપણે ત્યાં સ્કૂલ્સમાં કેવી લાઈબ્રેરી હોય છે, તે તો સૌ જાણે જ છે, અને પબ્લિક લાઈબ્રેરીના પણ કેટલા વખાણ કરવા?

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.