![]() |
શ્રી અશ્વિની ભટ્ટ |
સતત એક જ પ્રકારનું ખાવાનું ખાઈને માણસ કંટાળી શકે છે માટે આપણને ખાવામાં વૈવિધ્ય જોઈએ છે. વાચન એ મગજનો ખોરાક છે અને સતત એક જ પ્રકારનું વાચન પણ માણસને કંટાળો આપી શકે છે. માટે જ એક સાથે બે-ત્રણ પુસ્તકો વાંચવા મારી અંગત આદત છે. અત્યારે ઇરવિંગ વોલેસની ‘ધ પ્લૉટ’ અને ચંદ્રકાંત બક્ષીની ‘દર્શન વિશ્વ’નું વાચન ચાલું છે. ‘સરસ્વતીચંદ્ર’, ‘કિતને પાકિસ્તાન’ અને ‘ધ ઓલ્ડ મેન એન્ડ ધ સી’ વેઇટિંગમાં છે. એ દરમિયાન booksforyou.co.in દ્વારા પ્રાયોગિક ધોરણે મંગાવવામાં આવેલી (અને આ પહેલા ઓછામાં ઓછી પાંચેક વાર વાંચેલી) શ્રી અશ્વિની ભટ્ટની ‘કમઠાણ’ (ISBN: 978-81-8440-141-7) એકદમ સમયસર ઘરે આવી પહોંચી. મનમાં થયું કે ‘કમઠાણ’ તો કેટલીય વાર વાંચી છે, માટે આ બધા પુસ્તકો વંચાઈ જાય પછી તેને હાથમાં લઈશ. પણ રાત્રે જેવો પથારીમાં પડ્યો કે અતિ પ્રિય સ્વજન આપણા શહેરમાં જ હોય અને તેને મળવા જવાનું ટાળ્યું હોય તેવી ગિલ્ટ ફીલિંગ મનમાં આવવા લાગી અને છેવટે ‘કમઠાણ’ હાથમાં લીધી અને એકી બેઠકે તેને પૂરી કર્યે જ છૂટકો થયો. જેણે પ્રિયદર્શન દિગ્દર્શીત ‘હેરા ફેરી’ જોઈ
છે, તેને એ ફરી વાર જોવાનો ક્યારેય કંટાળો નહી આવે. તેવું જ આ પુસ્તકનું છે. તેને
ગુજરાતી
નવલકથાની ‘હેરા ફેરી’ કહી શકાય અને તમે જેટલી વાર વાંચશો, તેટલી વાર ખડખડાટ હસશો, એની ગેરંટી.
![]() |
હાસ્યનવલ 'કમઠાણ' |
પ્રસ્તાવનામાં શ્રી અશ્વિની ભટ્ટે એકદમ હળવાશથી કહ્યું છે, ‘આ એક પ્રહસન છે. હળવું વાંચન પૂરું પાડે તેવી કથા છે. તમને મજા પડે, થોડુંક હસવું આવે, તો આ હાસ્યકૃતિ ગણી લેવાય અથવા હાસ્યનવલ કહી શકાય.’ પણ પ્રસ્તાવના પહેલા આવતા શ્રી વિનોદ ભટ્ટના ‘અશ્વિની ભટ્ટનું કમઠાણ’ લેખમાં વિનોદ ભટ્ટ લખે છે, ‘તેની આ હાસ્ય-નવલકથા વાંચીને પહેલો પ્રતિભાવ આ જ આપી શકાય કે હાસ્યલેખન એ કોઈના પૂજ્ય પિતાશ્રીનો ઈજારો કે ઈલાકો નથી એ વાત અશ્વિનીએ આ પુસ્તક લખીને
સિદ્ધ
કરી આપી છે.’
માત્ર એકસો ચોર્યાસી પેજમાં લખાયેલી આ નાનકડી હાસ્યનવલમાં હાસ્ય ઠાંસી-ઠાંસીને ભર્યું છે. જાણે કોઈ Farcical Play ને આપણે માણતા હોઈએ, તેમ એક પછી એક દ્રશ્યો ભજવાતા જાય છે. પાત્રોનું આવાગમન, તેમના સંવાદો અને પરિસ્થિતિમાંથી નિષ્પન્ન
થતું ખડખડાટ હાસ્ય બધું જ બહુ સુંદર રીતે આલેખાયું છે.
બીજે ક્યાંય નહીં ને એક ઘરફોડિયો પોલીસ ઈન્સ્પેક્ટરના ઘરમાં જ ચોરી કરે છે અને ઈન્સ્પેક્ટરનો યુનિફોર્મ, પિસ્તોલ, ચંદ્રકો, સર્ટિફિકેટ્સ અને રોકડ રકમ ચોરી જાય છે. એવી ટ્રેજિ-કોમિક પરિસ્થિતિ ઊભી થાય છે કે પોતે ઈન્સ્પેક્ટર હોવા છતાં આ બાબતની કાયદેસર ફરિયાદ નોંધાવી નથી શકતાં. પછી જોઈતો ચા વાળા, કનીઓ કેળાવાળા અને વિઠ્ઠલ પાનવાળાથી કમઠાણની શરૂઆત થાય છે. તેમાં પ્રભુસિંહ ફોજદાર, સબ ઈન્સ્પેક્ટર મલેક, પંડ્યા સાહેબ અને તેમનો ગગલો જોડાય છે. ચંપાબેન ચાંપાનેરીના અણધાર્યા પ્રવેશ સાથે એક ખડખડાટ હસાવતું દ્રશ્ય રચાય છે જે ડૉકટર દેસાઈના ક્લિનિક સુધી વિસ્તરે છે. એ ક્લિનિકમાં એક બીજું અદ્દભુત હાસ્યસભર દ્રશ્ય રચાય છે. ત્યાં જયંતી જાગૃત નો પ્રવેશ થાય છે અને નાનુ નવસાર તથા મસાથી પીડાતા રાણાસાહેબ પણ વચ્ચે વચ્ચે આવી જાય છે. છનાભાઈ, બાબુભાઈ અને તેમનો પરિવાર તો ‘કસબ’ અને ‘કરામત’ વાંચનારાઓનો પરિચિત જ હશે. તેમની અને પોલીસની વચ્ચે થતી નાટકીય મુલાકાત અને વાટાઘાટ, મકુજી અને ગોટુ અને વાર્તાનો અત્યંત રમૂજી અંત ‘કમઠાણ’ને શબ્દશઃ એકી બેઠકે વાંચવા જેવી બનાવે છે. ખરેખર તો આ હાસ્યનવલમાં અશ્વિની ભટ્ટે એક કુશળ નાટ્યકારની જેમ એક પછી એક દ્રશ્યો સુંદર રીતે ભજવાતા બતાવ્યા છે માટે આ હાસ્યનવલને બહુ સરળતાથી એક હાસ્યસભર નાટક તરીકે પણ રજૂ કરી શકાય તેમ છે.
સુદ્રઢ પાત્રાલેખન અને વાર્તામાં આવતાં વાસ્તવિક સ્થળોનું આબેહૂબ વર્ણન એ અશ્વિની ભટ્ટનો ટ્રેડમાર્ક છે અને આ વાર્તા તેમાંથી બાકાત નથી. નાનકડી હાસ્યનવલ છે અને તેમાં નાટકની જેમ એક પછી એક દ્રશ્યો ભજવાતા જાય છે, અને બધાં જ પાત્રો બોલકા છે માટે પાત્રોના માનસપ્રવાહોનું બહુ ઊંડાણપૂર્વકનું આલેખન નથી થયું, અને તેની જરૂર પણ નથી રહેતી. તેના બદલે પાત્રોચિત ભાષાનો ઉપયોગ કરીને લેખકે એક કાંકરે બે પક્ષી માર્યા છે. એક તો પાત્ર પ્રમાણે જે-તે બોલીમાં સંવાદો રજૂ કરી એ પાત્રનું આલેખન સુદ્રઢ કર્યું છે અને સાથે-સાથે તેના વડે જ માર્મિક હાસ્ય પણ નિપજાવ્યું છે. તેનું એક ઉદાહરણઃ
‘સાહેબ સાપરું હંસળાવો સો?’ જોઈતાને બ્રેઈન વેવ આવ્યું અને એક ઢગરો ઊંચો કરીને ઉપર જોઈને બોલ્યો.
‘હવે XXX તારે શી પંચાત?’ સાહેબ બોલી ઊઠ્યા.
‘નહિ નહિ સાહેબ, આ તો મારી હાહનું સાપરામાં આવડું મોટું ભગદાળું જોઈને મને કૌતુક થયું.’‘શેનું કૌતુક?’ રાઠોડે પૂછ્યું.‘અમથું જ... ઘડીક વાર તો હું સોંકી ગયેલો. એક શેકન્ડ તો મને થ્યું કે એની બુનને... સાહેબના ઘરમોં ચીઓક સાપરું ફાડીને પેઠો કે હું?’‘જોઈતા... શું કહ્યું તે?’ રાઠોડ સાહેબ હલબલી ઊઠ્યા. તેમની આંગળીઓ અને અંગૂઠાના ટેરવા પર તોળાઈ રહેલી રકાબી સહેજ નમી અને ચા ઢોળાઈ. જોઈતાએ આવતાવેંત શારલોક હોમ્સની માફક ભગદાળાનું ડિટેક્શન આપીને સાહેબને થથરાવી નાખ્યા.‘ના ના, આ તો ઠીક સે તમે સાપરુ હંસળાવતા હશો. બાકી તમે આ મિલ જોઈસેને... તેની હોમેના મેદાનની કોરે... મારા જૂના શેઠની બંગલી સ.’‘તેનું શું છે?’‘અરે શું સાહેબ... આ તમે અહીં ચારજ લીધો તીના થોડા મહિના મોરની વાત સે. મારા દિયોર! બંગલીનું સાપરું ફાડીને ચીઓક મોંય પેઠોં ને કરી મેલ્યું બધું શફાચટ... દાગીનોં ને કપડોં ને રેડિયા ને ફેડિયા અને જાણે એની બુનને ઘરમોં, મારી હાહુના પરોણા થઈને આયા હોય ઈમ... ખાધુંય ખરું અને થઈ જ્યા અંતરધોન...’‘જોઈતા..’ સાહેબ રકાબી ભોંય પર મૂકી અને ભમ્મરો ઊંચી કરીને પૂછ્યું, ‘જોઈતા, ચોર પકડાયા પછી?’‘બુઝારું પકડાય શાહેબ... આ તમારી પહેલા હતા તી પટેલ શાહેબનો દમ ફૂટી જ્યો. આજુબાજુના પાટણવાડિયા ને છારા ને ભીલોંનેય પકડી લાયેલા... બેસારને તો મારી મારીને, એની બૂનને... સોતરા ફાડી નાશ્યેલા. પણ મારા દિયોર, મોઢામાંથી મગ ઓચરે નહિ. પોલીસ સોકીમાં અઠવાડિયું ઘાલી મેલેલા પણ રોમ રોમ કરો...’ (પેજ ૭)
બીજું ઉદાહરણ
પારસી ડોકટર દેસાઈની ભાષાનું આપી શકાયઃ
‘સાહેબ, એક અર્જન્ટ કામ પડ્યું છે. પોલીસ સ્ટેશનમાં થોડી ગડબડ થઈ છે.’
‘પોલીસ સ્ટેશનમાં ગરબડ ઠેઈ ટેમાં મને હું કેટો છે? સાલા ગરબડ બંઢ કરાવવાનું કામ ટે, એમ કે કે, પોલીસનું છે કે ડૉકટરનું?’
‘પણ વાત તો સાંભળો દેસાઈ સાહેબ!’‘ટો આ હું કરટો છું! સાલા અમઠો ફોન ઉઠાવેલો છે?’‘એવું છે...’ પ્રભુસિંહ કંઈક ભારે કુનેહથી બોલતો હોય તેમ હોઠ ફફડાવીને બોલ્યો, ‘ડૉકટર સાહેબ એક બાઈ બેહોશ થઈ ગઈ છે.’‘હું કીઢું! બાઈ બેહોશ થઈ ગઈ છે! સાલા મે હટ્ટરઘડી હખણા રેવા કીઢેલું છે પણ એમ કે કે, ટમારી સાલી આડટ જ જટી છે નઠી.’‘પણ વાત તો સાંભળો સાહેબ!’‘હવે હું હાંભળવાનું! સાલા તમે હુઢરટા જ છો નઠી.’ ડો. દેસાઈ પોતે સુંવાળી સૂંઠનો હોય તેમ બોલ્યો. ‘આટઆટલું છાપાવાલું થાય છે, ટોય સાલી ટમારી આંખ ખૂલટી નઠી. કોઈ બાઈને પકડી નઠી કે ટમે પ્રોબ્લેમ કીઢો નઠી. મારે ટે કેટકેટલીવાર હાઠ કાલા કરવા! ટમે કમ્બખ્ટો કશું વધું પડટું કીઢેલું હોય ટો સરકારી અસ્પટાલમાં અટ્ટરઘડી ટેને લોંખી આવો.’‘પણ સાહેબ તમે સમજો... બધું ખાનગી રાખવું પડે તેમ છે. એટલે તો તમને ફોન કર્યો.’‘XXX ખાનગી એટલે! સાલા બાઈ ટો જીવટી છે ને! કે ટમે બઢું પટાવી લાખ્યું છે! ખાનગી રાખવા જેવું કરી લાખ્યા પછી મને હું કેટો છે!’‘ઓહો દેસાઈ સાહેબ, તમે સમજો છો તેવું કંઈ નથી.’‘ટો પછી ટુ જ કેની, બાઈની બાબટમાં બીજુ હું હમજવાનું છે!’‘સાહેબ એવું થયું કે એ બાઈને ગગલાએ ડાચિયું ભર્યું અને-’ હજુ પ્રભુસિંહ વાતની શરૂઆત કરે તે પહેલા જ ડૉકટર દેસાઈ તડકી ઊઠ્યો.‘પણ ટો પછી મારું હું કામ છે! સાલા કટ્રાએ ડાચિયું ભયરું હોય ટો ટેમાં મારે હું કરવાનું! બાઈને અસ્પટાલમાં લઈ જા ને ઈન્જેક્શન મરાવી લે.’‘સાહેબ, કૂતરાએ ડાચિયું નથી ભર્યું. સબ ઈન્સ્પેક્ટર પંડ્યાના ગગલાએ ડાચિયું ભર્યું અને બાઈની નસકોરીય ફૂટી છે.’‘હું કેટો છે? ડાચિયું ભયરું લેં લસ્કોરી ફૂઈટી! પરભુસિંહ સાલા સવારઠી જ બાટલીવાલુ ચાલુ કીઢેલુ છે? ફોન મૂકી ડે કમ્બખ્ટ અને ટન-ચાર લીંબુ લીંચોવીને કડક લાકડા જેવી કોફી પી લે!’‘દેસાઈ સાહેબ! અત્યારના સવારની ચા સિવાય મેં બીજું કશું પીધું નથી. હું તમને લેવા માટે ગાડી મોકલું છું. આ બાઈ પોલીસ સ્ટેશનમાં બેભાન પડી છે અને એ હોશમાં નહિ આવે તો આખું મહિલામંડળ આવશે.’‘સાલા અક્કલના ઓઠમીર, હું ટાં આવીને હું કરવાનો. મારે માટે ગાડી મોકલવાને બડલે બાઈને અહીં લઈ આવની... ને સાલા ફીના રૂપિયા લેટો આવજે.’ (પેજ ૨૮)
પેજ નંબર ૧૦૦ થી ૧૦૯
માં પથરાયેલો બાબુભાઈ અને નાનુ નવસારનો ટેલિફોનિક સંવાદ અને પેજ નંબર ૧૨૨ થી ૧૨૬માં
આલેખાયેલો રાઈટર ગઢવી જીતુદાન ભીખુદાનનો મજકૂર રિપોર્ટ આવા જ સંવાદોની કક્ષામાં
મૂકી શકાય. અને તે પ્રકારના સંવાદ કંઈ બે-ચાર જગ્યાએ
આવતા નથી પણ આખી હાસ્યનવલમાં ઠેર ઠેરે વિખરાયેલા પડ્યા છે. શ્રી ચંદ્રકાંત બક્ષી
કહેતા કે ‘ગાળો એ પુરુષનું મેન્સિસ છે.’ અને તેનો આ પુસ્તકમાં છૂટા હાથે ઉપયોગ થયેલો
છે. જોકે પુસ્તકમાં શબ્દશઃ ગાળો નથી પણ તેની જગ્યાએ XXX મૂકીને બધું વાંચનાર પર છોડી
દેવામાં આવ્યું છે. માટે તેને ગાળો ગણવી કે નહી, તે પણ આપણા હાથમાં છે. પરંતું એને
કારણે પુસ્તક આપણને વધારે વાસ્તવિક લાગે છે અને વધારે હસાવે છે.
પોલીસખાતાની ‘કમઠાણ’માં
સારી એવી ખિલ્લી ઉડાવવાંમાં આવી છે. એક જગ્યાએ ઈન્સ્પેક્ટર રાઠોડ પોતે કાયદો ભુલી જવાની
વાત ખાતાની જબાનમાં કરે છે.
‘એ મને ખ્યાલ આવ્યો સાહેબ, પણ કાયદેસર તો-’
‘હવે કાયદાની હમણાં કહું તે... ચીકણા થવાની જરૂર નથી.’ (પેજ ૧૦)
ગેરકાયદેસર રીતે લોકઅપમાં પૂરાયેલ જોઈતા અને કનીઆ માટે ગાંઠિયા
અને જલેબી મંગાવવામાં આવે છે પણ ‘જોઈતો અને કનીઓ તો જલેબી-ગાંઠિયા ખાય કે નહિ પણ બે
ડઝન પોલીસવાળાએ તો રાઠોડસાહેબની દીકરીનાં લગ્ન હોય તેમ જમાવી હતી.’ (પેજ ૧૬) છાપાંવાળાની
વાત આવતા પંડ્યાસાહેબ ઉવાચઃ ‘છાપાવાળા જેવા નાલાયક તો આપણા ખાતામાંય - એટલે કે કોઈ
ખાતામાં જોવા ન મળે.’ (પેજ ૧૮) પોલીસની ગાળો બોલવાની કળા વિશે છેઃ ‘બરાબર તોલીને ફક્ત
ગાળ બોલીને જ ભલભલાનાં ગાત્રો ઢીલાં કરી નાખવાની પોલીસ કલાથી રાઠોડ માહેર હતો.’ (પેજ
૨૧) બેહોશ ચંપાબહેનને માટે ‘મોઢું બંધ રાખે તેવો ડૉકટર’ શોધવા માટે ઈન્સપેક્ટર રાઠોડ
પ્રભુસિંહને પૂછે છેઃ
‘આટલા વખતથી પોલીસખાતામાં રહીને તમે હજામત કરી? કોઈ ચાલુ ડૉકટર નથી તમારો ઓળખીતો?’
‘છે ને! એક કરતાં એકવીસ ડૉકટર હાજર કરી નાખું.’
‘એકવીસને અહીં મહીં મારવા છે? મોઢું બંધ રાખે તેવો ડૉકટર નથી કોઈ?...‘એ સમજ્યો સાહેબ, એવો છે ને ડૉકટર દેસાઈ, પણ સાલો, અઢાર ને છનો છે. તેના બાપને ઈન્જેક્શન આપવાનું હોય તોય મફતમાં આપે તેમ નથી.’‘એટલે પ્રભુસિંહ, સાલા નડિયાદમાં કાયદો કે વ્યવસ્થા જેવું કશું છે જ નહિ! પોલીસ પાસે પણ ડૉકટરો પૈસા લે છે?’ (પેજ ૨૫)
પોલીસે કમાયેલી ઈજ્જત વિશે ભોગીલાલ રાઈટર પોતે જ કહે છે, ‘સાલી
પોલીસવાળાની મથરાવટી જ હલકી થઈ ગઈ છે. વિઠ્ઠલ પાનવાળો તો શું, વિઠ્ઠલ વૈકુંઠવાળો પણ
ચોકીએ આવે તો લોક એમ જ માને કે કંઈ લફરું થયું છે.’ (પેજ ૮૭) નવલકથાની હાઈલાઈટ સમી
રમૂજ ‘સરસ્વતીચંદ્ર’ના સર્જક ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી વિશે આવે છેઃ
‘ગો. મા. ત્રિ.?’ રાઠોડ સાહેબને સાહિત્ય સાથે કોઈ સ્નાનસૂતક ન હતું.
‘યસ સર... ગોવર્ધનરામ... અહા... પંડ્યા સાહેબ બોલી ઊઠ્યા, ‘સાકળચંદ શેઠ ચાલતા ગોવર્ધનરામને ત્યાં જતા. અને પછી રંગત જામતી દીવાનખંડમાં... બસ લીલો ચેવડો ખવાતો જાય અને કુસુમસુંદરી, ગુણસુંદરી અને કુમુદ જેવા પાત્રો...’
‘શું વાત કરો છો પંડ્યા? લીલા ચેવડા સાથે આવી લીલા! આ નડિયાદમાં? મને એમ કે સાલું આવુ બધું લખનઉમાં થતું હશે! નડિયાદમાં પણ આવું ચાલતું?’ રાઠોડ ચોંકીને બોલી ઊઠ્યા. રાઠોડનું અક્ષરજ્ઞાન બોમ્બે પોલીસ એક્ટ અને ઈન્ડિયન પિનલ કોડની ગુજરાતી આવૃત્તિ સુધી મર્યાદિત છે. (પેજ ૮૯)
પોલીસખાતામાં લેવાતી લાંચને લઈને એક માર્મિક કટાક્ષ આવે છેઃ
‘પોલીસ થઈને પોતાને એક ત્રણ પૈસાની બાઈને લાંચ આપવી પડશે તે વિચારથી તેને (પ્રભુસિંહને)
પોતાનો જનમ એળે ગયો તેવું લાગતું હતું, છતાં તેણે ગજવામાંથી પાંચની નોટ કાઢીને તૈયાર
રાખી હતી.’ (પેજ ૧૩૨) ઊકા છીતાની સારવાર માટે ડૉકટર દેસાઈ ફોજદાર પ્રભુસિંહને તેજ દારૂની
બાટલી લાવવાનો હુકમ કરે છે, ત્યારે ફોજદાર પોતાની અશક્તિ દર્શાવતા કહે છેઃ
‘પણ સાહેબ મારી પાસે અત્યારે દેશી દારૂ ક્યાંથી હોય!’
‘સાલા પોલીસ સ્ટેશનમાં એક બાટલી નઠી?’ દેસાઈએ પૂછ્યું, ‘પેલો તારો ઈન્સ્પેક્ટર પટેલ તો ચોકીમાં રીટસરનો ‘બાર’ રાખટો હુટો.’ (પેજ ૧૩૮)
જો કે પોલીસખાતાનો કોઈ માણસ આ પુસ્તક વાંચે તો તેને ડંખે એટલા
ઝેરીલા કટાક્ષ નથી, માટે નિઃશંક આખું પોલીસખાતું પણ આ પુસ્તકને માણી શકે તેમ છે. પુસ્તકના
અંતે જોકે એક સામાજિક કટાક્ષ પણ આવે છે. છનાભાઈ રઘલાને ભણતરનું મહત્વ સમજાવતા કહે છેઃ ‘સાલા જમાનો બદલાયો છે, પણ
તું બદલાયો નથી. ભણતર વગર ચોરીઓ નહિ થઈ શકે. સમજ્યોને!....હર્ષદ મહેતાનું નામ તેં ક્યાંથી
સાંભળ્યું હોય! બોર્ફ્સ તોપની વાતેય તને ક્યાંથી
ખબર હોય! તું સમજ રઘા, આપણી ન્યાતના છોકરા ભણશે નહિ તો આપણે ભૂખે મરવાનો વખત આવશે.
કહેવાતી ઉજળિયાત કોમોએ આપણા ધંધામાં હાથ નાખ્યો છે. એટલે તું રિટાયર થઈ જા.’ (પેજ ૧૮૩)
છેલ્લે પાછી આ પુસ્તકની
પ્રસ્તાવની વાત કરવી જરૂરી છે. એક લેખક તરીકે અશ્વિની ભટ્ટે બીજા સરસ્વતી પુત્રો અને
પુત્રીઓને હાકલ કરી છે. તેઓ કહે છેઃ ‘ગુજરાતીમાં આપણી પાસે હાસ્યકૃતિઓ આપનારા બહુ જૂજ
લેખકો છે. અને વિશ્વસાહિત્યની તુલનામાં ગુજરાતીમાં હાસ્યનવલો કે નાટકો ખરેખર ઓછાં છે.
તે દ્રષ્ટિએ હું અંગત રીતે માનું છું કે દરેક પ્રકારના સાહિત્યની રચના કરનારા લેખકે
એકાદ બે હાસ્યકૃતિઓ ગુજરાતને આપવી જોઈએ. એમ થઈ શકશે તો તેમાંથી નવું મનોરંજક વાંચન
તો મળશે જ પરંતુ તે ઉપરાંત ક્યારેક આપણે મરાઠી સાહિત્યકાર પુ. લ. દેશપાંડે કે અંગ્રેજી
સાહિત્યકાર પી. જી. વુડહાઉસ જેવા કોઈક સાહિત્યકારને પેદા કરી શકીશું કે તેમની સાથે
ઊભી રહી શકે તેવી વાર્તાઓ આપી શકીશું.’ ચાલો રાહ જોઈએ કેટલા સાહિત્યકારો આ પડકાર ઊઠાવે
છે. જોકે આપણે ‘કમઠાણ’ને પુ. લ. દેશપાંડે કે
પી. જી. વુડહાઉસ કરતાં પણ વધારે માણી શકીશું કારણ કે તે આપણી ભાષામાં છે. મારું પોતાનું
વાંચન એટલું વ્યાપક નથી, છતાં જેટલું વાંચ્યું છે તેમાં રમણભાઈ નીલકંઠની ‘ભદ્રંભદ્ર’
સિવાય કોઈ હાસ્યનવલ વાંચ્યાનું યાદ નથી આવતું. (હાસ્યલેખ ઘણા છે, પણ હાસ્યનવલ નહી.)
કોઈ ફાલતું મૂવીની એક ટિકિટ પાછળ ૧૦૦ રૂપિયા બગાડવા કરતાં આ પુસ્તક માટે ૧૪૦ રૂપિયા
ખર્ચી, ચોખલિયાવેડા છોડીને XXX ની જગ્યાએ મનભાવન ગાળો મૂકીને આ પુસ્તક વાંચી જુઓ. એ
મૂવી કરતાં પણ ઓછા સમયમાં એકી બેઠકે વંચાઈ જનાર આ પુસ્તક જો તમને ખડખડાટ ન હસાવે, તો
પૈસા પાછા આપવાની આપણી ગેરંટી.
આખા પુસ્તકમાં એક
જ વાક્ય છે જે આપણને ગમે તેવું નથી અને તે છે પ્રસ્તાવનાનું પ્રથમ વાક્યઃ ‘જે પ્રકારની
નવલકથાઓ મેં લખી છે અને હજુય લખવાનો છું તેવા નવલકથા પ્રકારમાં આ ‘કમઠાણ’ આવતી નથી.’
આપણે સાદર શ્રી અશ્વિની ભટ્ટને પૂછીએ, ‘કેમ?’
(રેફરેન્સ માટે 'કમઠાણ' ના ૨૦૦૯ ના પુનર્મુદ્રણનો ઉપયોગ કર્યો છે.)
(રેફરેન્સ માટે 'કમઠાણ' ના ૨૦૦૯ ના પુનર્મુદ્રણનો ઉપયોગ કર્યો છે.)
સરસ રસદર્શન.
જવાબ આપોકાઢી નાખોઆભાર બીરેનભાઈ.
કાઢી નાખોચિરાગભાઈ, તમે સાચું જ લખ્યું કે ફરી ફરી ને વાંચો તો ય ક્યારેય કંટાળો ના આવે, જાને ભી દો યારો મુવી ની જેમ :)
જવાબ આપોકાઢી નાખોઆ વાર્તા આખી વાચવી છે ,,છુ કરુ ? કયા એપ મા મલે ? લખો
જવાબ આપોકાઢી નાખો