તાજેતરની પોસ્ટસ

ફેબ્રુઆરી 16, 2012

યુ.કે. બાઇટ્સઃ ભારતની સામાજિક વ્યવસ્થામાં વેડફાતું યુવાધન


(આ લેખને 'ઓપિનિયન' માસિકના જાન્યુઆરી-૨૦૧૨ ના અંકમાં સમાવવા બદલ શ્રી વિપુલભાઈ કલ્યાણીનો તેમજ ફેબ્રુઆરી ૧,૨૦૧૨ ના 'નિરીક્ષક' પાક્ષિકમાં સમાવવા બદલ શ્રી પ્રકાશભાઈ શાહનો આભારી છું.)
અપડેટઃ આ લેખને 'નવનીત સમર્પણ'ના જૂન-૨૦૧૨ ના અંકમાં પણ સ્થાન મળ્યું છે માટે 'નવનીત સમર્પણ'ના તંત્રીગણનો આભારી છું.
યુ.કે. ના વર્ષના નિવાસ દરમિયાન અહી વસેલા ભારતીય સમુદાયનો બહોળો પરિચય થયો. અને તેમાં પણ એવા લોકો કે જે હજારો પાઉન્ડ ખર્ચીને વિઝા એક્સ્ટેન્શન કે રિન્યુઅલ કરાવતાં રહીને દેશમાં ટકી રહેવાની મથામણ કરતાં રહે છે, વર્ગનો પ્રગાઢ પરિચય પામ્યો છું કારણ કે હું પણ એમાંથી એક છું. જ્યારે-જ્યારે પણ સંબંધ ઓળખાણથી થોડોક આગળ વધ્યો છે, ત્યારે-ત્યારે દરેક વ્યક્તિની આંખમાં આંખ મેળવીને એક પ્રશ્ન કર્યો છે, ‘યુ.કે. કેમ આવવું પડ્યું?’ અને જેમ-જેમ જવાબો મળતા ગયા, તેમ-તેમ ભારતીય સમાજમાં અને ખાસ કરીને નવી પેઢીમાં જે એક દાહક સમસ્યા છે, તેનો પરિચય પામતો ગયો.  
મૌલિન પટેલ ગર્ભશ્રીમંત સંતાન અને ખૂબ સંસ્કારી. એને જ્યારે એમ પૂછવામાં આવ્યું કે ભાઈ, તારે તો બધી રીતે સારું છે, તો ભારતથી અહીં કેમ આવવું પડ્યું?’, ત્યારે તેના ચહેરા પર એવા હાવભાવ આવી ગયા જાણે કે લબકારા મારતા ઘા પર બીજો માર વાગ્યો હોય! તેનો જવાબ પણ રસપ્રદ હતો. તેણે કહ્યું કે તે બી.એસ.સી. કરતો હતો, તે દરમિયાન તેને એક છોકરી સાથે પ્રેમ થયો. તે છોકરી પણ પટેલ હતી અને છોકરો પણ પટેલ હતો માટે બંનેના મમ્મી-પપ્પા થોડીક આનાકાની બાદ સંબંધ સ્વીકારવા તૈયાર થઈ ગયાં પણ મૌલિનની બહેનની સાસુને વાત પસંદ પડી. અડીયલ સાસુનું એવું કહેવું હતું કે છોકરી લેઉવા પટેલ છે અને છોકરો કડવા પટેલ છે માટે જો લગ્ન થાય, તો જ્ઞાતિમાં બદનામી થાય. સાસુમાએ એવી આડકતરી ધમકી પણ આપી કે જો મૌલિનને છોકરી સાથે પરણાવવામાં આવશે તો તેને કારણે મૌલિનની બહેનને ઘણું દુઃખ વેઠવું પડશે. માટે મૌલિનના લગ્ન થઈ શક્યા નહી. સમસ્યાનો કોઈ ઉકેલ મળતાં મૌલિન અને તે છોકરીએ વિદેશનો, એટલે કે યુ.કે.નો, રસ્તો પકડ્યો અને હવે તેઓ યુ.કે.માં લગ્નની ગાંઠે બંધાઈ ગયા અને ભારત દેશમાં મળેલી તાલીમનો પયોગ અહી યુ.કે.માં કરી હ્યાં છે.
વિજય વ્યાસના તો લગ્ન થઈ ગયેલા અને તે પણ અરેંજ્ડ એટલે કે માતા-પિતાના ગોઠવ્યા મુજબ . પોતાના ફાર્મસીના વ્યવસાયમાં તે ઠીક-ઠીક કમાઈ લેતો હતો અને તેને ભવિષ્યની કંઈ વધારે ચિંતા કરવા જેવું નહોતું કારણ કે માતા-પિતાએ તેના ભવિષ્ય માટે સારું આયોજન કરી રાખ્યું હતું. પણ તેને યુ.કે. આવવું પડ્યું. કારણ સમજવું તો સરળ, પણ તેનો ઉકેલ સરળતાથી નીકળે તેમ નહોતો, ભારતની સામાજિક વ્યવસ્થામાં તો નહી . કારણ એટલું કે તેના લગ્ન બાદ તેની પત્નિ અને તેની મમ્મીને બન્યું નહી. આમ તો સાસુ-વહુના ઝઘડામાં કંઈ નવું નથી પણ વિજયની સમસ્યા હતી કે તે મા-બાપનો એકનો એક છોકરો હતો અને જો તે મા-બાપથી અલગ રહેવા જાય, તો તેમાં ખૂબ સામાજિક બદનામી થાય જે તેના માતા-પિતાને મંજૂર નહોતી. માટે રોજના કંકાસથી કંટાળીને સમસ્યાનો ઉકેલ લાવવા તે યુ.કે. આવી ગયો. ભારતનો ફાર્માસીસ્ટ હવે પોતાની તાલીમનો ઉપયોગ એક સુપર-સ્ટોરમાં કરે છે.
જ્યારે આર્કિટેક્ટ આફરીન નૂરાની વાત બીજા છેડેથી શરૂ થાય છે. મુંબઈની છોકરીના વિઝા પંદરેક મહિના બાદ પૂરા થઈ જાય છે અને યુ.કે. પ્રશાસનની નવી નીતિઓ મુજબ હવે તેના વિઝા રિન્યુ થાય તેમ નથી. માટે તેણી કેનેડા જવાની તૈયારીઓ કરે છે. તે કહે છે, ‘પાઉન્ડ-ડોલર કે લાઈફ સ્ટાઈલ તો ઠીક છે, પણ મારાથી મારા જીવનમાં લોકોની દખલગીરી સહન નથી થતી. મા-બાપ કશુંક કહે તો સમજી શકાય પણ સગાવહાલા અને પડોશીઓ પણ જીવવું હરામ કરી નાખે તેટલા બધાનોઝીહોય છે. ‘વ્યક્તિગત સ્વાતંત્ર્યએટલે શું તેની લોકોને ખબર નથી હોતી.’
જે ત્રણ કિસ્સા વર્ણવ્યા કંઈ અપવાદ નથી. પાછલા દસ-પંદર વર્ષમાં ભારતથી યુ.કે. આવનારામાં માત્ર દસેક ટકા એવા હશે કે જેમને સારી નોકરીની ઓફર હોવાના કારણે અથવા ભારતમાં થઈ શકે તેવો કોઈ ઉચ્ચ અભ્યાસ કરવા અહીં આવ્યા હોય. બીજા ત્રીસ-ચાલીસ ટકામાં એવા લોકો છે કે જેમનો ધ્યેય માત્ર અને માત્ર પૈસા છે. તેમ છતાં બાકીના પચાસ ટકા લોકો અહીં આવ્યા તેનું કારણ આવી કોઈને કોઈ સામાજિક સમસ્યા છે.
આપણે એક બાજુ આપણી સામાજિક વ્યવસ્થા પર ગર્વ લઈએ છીએ. બધાને કહેતા ફરીએ છીએ કે બાળપણ અને વૃદ્ધાવસ્થા ભારતમાં સચવાય છે તેવી ક્યાંય નથી સચવાતી. સાચી વાત હશે, પણ યુવાવસ્થાનું શું? બાળપણ દેશનું ભવિષ્ય છે અને વૃદ્ધાવસ્થા દેશનો ભૂતકાળ છે, પણ જે દેશનો વર્તમાન છે તેવા યુવાધનનું શું? જો કોઈ યુરોપિયન યુવાનને એમ કહેવામાં આવે કેતારી બહેનની સાસુને તારા લગ્ન મંજૂર નથી, માટે તારે તારી પસંદગીની છોકરી સાથે પરણવું નહી.’ અથવાભલે તું ભણી-ગણીને ગમે તેટલો હોશિયાર થયો હોય, પગભર થયો હોય, પણ માતા-પિતાથી અલગ આત્મનિર્ભરતાપૂર્વક રહેવા જઈશ તો તારી બદનામી થશે.’ ત્યારે યુવાનનો પ્રતિભાવ શું હશે?
યુવાધનને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સવલતો આપીને તેને એટલો વિચક્ષણ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે કે જેથી તે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈ શકે, પોતાની ભૂલો સમજીને સુધારી શકે અને આત્મનિર્ભર બની જીવન વ્યતિત કરી શકે. પણ જ્યારે એજ યુવાધન કોઈ નિર્ણય લે, ત્યારે તેની સામે પરિસ્થિતિઓના જાત-જાતના નિરર્થક કોયડા ઊભા કરીને તેને પીછેહઠ કરવા માટે મજબૂર કરવામાં આવે છે. પહેલા પાંખો આપીને ઊડતા શીખવવામાં આવે છે અને પછી કહેવામાં આવે છે કે પાંખો તો પીંજરાની શોભા માટે છે, ઊડવા નહિ! ત્યારે પંખી શું કરશે? પીંજરુ છોડીને જવામાં તેને શ્રેય લાગશેને? એકલા હાથે બીજા દેશમાં સંઘર્ષ કરી ટકવું રમત વાત નથી માટે વિશેષતઃ એવા યુવક/યુવતીઓ વિદેશગમન પસંદ કરશે કે જેમનામાંપોટેન્શિઅલછે અને સરવાળે નુકસાન એ દેશનું જ થશે જેણે તેમને તાલીમ આપી તૈયાર કર્યા છે.
ભારતની સામાજિક પરિસ્થિતિનો જેને પ્રત્યક્ષ પરિચય નહી હોય તેને એમ લાગશે કે બધા પાત્રો પરિસ્થિતિનો સામનો કરવાને બદલે ભાગી રહ્યા છે પરંતું એવું નથી. હું એક એવા વ્યક્તિના સંપર્કમાં આવ્યો કે જે લંડનની એક ફૂડ ફેક્ટરીમાં સેન્ડવિચ બનાવવાનું કામ કરે છે અને અઠવાડીયાના ૬૦-૭૦ કલાક કામ કરી પાઉન્ડ બચાવે રાખે છે. ભારતમાં હતાં ત્યારે એક કૉલેજમાં કોન્ટ્રાક્ટ બેસિસ પર લેક્ચરર હતાં. મે તેમને પૂછ્યું કેઆમ કેમ?’ તો કહે કેઑપન કેટેગરીમાં છું એટલે લેક્ચરરની પરમેનન્ટ પોસ્ટની તક શૂન્યવત હતી. મારા પગારમાં ઘરનું સરસ રીતે પૂરું થતું પણ હજી તો ત્રણેય બહેનોના લગ્ન કરાવવાના બાકી છે અને મારી પાસે બહુ સમય પણ નથી.’ બહેનોના લગ્ન માટે પોતાનું ભવિષ્ય કુરબાન કરી દેનાર ભાઈને માનની નજરે જોવા આપણી આંખો ટેવાયેલી છે પણ આજ પરિસ્થિતિને એક બીજી દ્રષ્ટિથી પણ જોઈ શકાય છે. લગ્ન નામક અતિ અંગત પ્રસંગને ખર્ચાળ સામાજિક તમાશો બનાવવાની પ્રથાને કારણે આપણા દેશનો એક આશાસ્પદ વિદ્યાભ્યાસુ પોતાની તમામ ટેલેન્ટ વેડફીને સેન્ડવિચ બનાવે છે. પરિસ્થિતિથી ભાગવાની નહી, પરંતું પરિસ્થિતિમાં, વ્યવસ્થામાં પીસાવાની વાત છે.
ભારતમાં તૈયાર થયેલ સ્નાતક (મૌલિન પટેલ), ફાર્માસિસ્ટ (વિજય વ્યાસ), આર્કિટેક્ટ (આફરીન નૂરા) કે સેન્ડવિચ બનાવનારા ભૂતપૂર્વ લેક્ચરરની પોતાની આગવી આવડત છે જે માત્ર અને માત્ર સામાજિક વ્યવસ્થાના કારણે વિદેશમાં વેડફાઈ રહી છે. હવે મૌલિનને પસંદગીને અધિકાર મળે કે વિજયની પત્નિ અને સાસુનું સમાધાન થાય કે આફરીનના સગાવહાલા વ્યક્તિ સ્વાતંત્ર્યની જરૂરિયાત સમજે કે લેક્ચરરની બહેનોના લગ્ન સાદગીથી થાય, તો પણ તેમની વેડફાયેલી આવડત કે સમય દેશમાં પાછા આવવાના નથી. ઊલટું આટલી સ્વતંત્રતાથી રહ્યાં બાદ હવે ઘણાના મનમાં એવી શંકા થતી હોય છે કેપાછા ભારત જઈશું તો ફાવશે?’ વિદેશ ગયેલા સો યુવાનોમાંથી  સિત્તેર વહેલા-મોડા પાછા આવતા રહે તો પણ દેશના સરવૈયામાં ત્રીસની ખોટ બોલશે. અને જો Brain Drain (બુદ્ધિધનનો અપવ્યય) લાંબો સમય ચાલ્યું તો દેશને કેટલું નુકસાન થશે તે કલ્પનાતીત છે.
સંસ્કૃતમાં કહેવાયું છે કેसा विद्या या विमुक्तये।’ (મુક્તિ અપાવે વિદ્યા) અને આજનો યુવાન એજ આશા રાખે છે કે તેને વિદ્યા મળે પછી તે મુક્તિ તરફ દોડે, બંધન તરફ નહી. શું આપણા સમાજમાં એ વિચારધારાને સ્થાન છે?
(લેખમાં આવેલ પાત્રોના નામ સકારણ બદલ્યા છે અથવા અજ્ઞાત રાખ્યા છે.)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.