તાજેતરની પોસ્ટસ

જાન્યુઆરી 31, 2012

ગાંધીજી વિષે ચંદ્રકાંત બક્ષી


આજે ગાંધી જયંતી નિમિત્તે મેટ્રો જેવા વિદેશી અખબારે પણ આવી તસવીર રજૂ કરીને ગાંધીજીને સંભાર્યા અને સન્માન્યા હતાં. ઇ.સ. ૧૯૯૭ માં ગાંધીજીની કૌટુંબિક છબીને લગતી એક નવલકથા અને બે નાટકો જોઈને ચંદ્રકાંત બક્ષી ઊકળી ઉઠ્યાં હતાં. ‘જેમને માટે હરિલાલ ગાંધી કે નાથુરામ ગોડસે હીરો છે’ તેમને માટે બક્ષીબાબુએ ગાંધીજી વિષે ઇ.સ. ૧૯૯૮ માં લખેલા એક લેખના કેટલાક અંશોઃ
          જર્મનીના સ્ટુટગાર્ટ શહેરના બુર્ગોલઝોફ વિસ્તારમાં એક માર્ગનું નામ મહાત્મા ગાંધી માર્ગ રાખવામાં આવ્યું છે અને આ ઘટના ૧૯૯૭ના અંતની છે. વીસમી સદીના વિશ્વના મહાન વિપ્લાવક ચે ગુવેરાની પુત્રી એલેઇડા ગુવેરા નવેમ્બર ૧૯૯૭માં દિલ્હી આવી હતી અને એણે કહ્યું કે (મારા પિતા) ચે પર મહાત્મા ગાંધીની જબરજસ્ત અસર હતી. ઇઝરાયલના સ્થાપક અને રાષ્ટ્રપિતા ડેવિડ બેનગુરિયોંનું ઘર દક્ષિણ ઇઝરાયલના નેગેવ રેગિસ્તાનમાં કિબુત્ઝ સ્દેહ બોકર પ્રદેશમાં આજે પણ યથાતથ રાખ્યું છે અને એમાં બેનગુરિયોંએ લટકાવેલો ગાંધીજીનો ફોટો આજે પણ એમ જ છે. ન્યુયૉર્કમાં સ્ટેચ્યુ ઑફ લિબર્ટીની અંદર જે વાક્યો લખ્યાં છે એમાં એક વાક્ય મોહનદાસ કે ગાંધીનું છે. મેક્સિકોના ખેતમજૂરોનો નેતા સિઝારે કહેતો હતો કે એના આંદોલનોની પ્રેરણા ગાંધીજી હતા. ગાંધીજીની હત્યા થઈ ત્યારે શ્રેષ્ઠ કવિતા બ્રાઝિલની એક પોર્ટુગીઝ કવિયત્રીએ પોર્ટુગીઝ ભાષામાં લખી હતી. ફિલિપીન્સના વિરોધનેતા નીનોય એક્વીનોએ ‘ગાંધી’ ફિલ્મ જોઈ અને ગાંધીજીમાંથી પ્રેરણા લઈને ફિલિપીન્સ પાછા ફરવાનો નિર્ણય કર્યો. મનિલા ઍરપોર્ટ પર માર્કોસના હત્યારાઓએ એક્વીનોનું ખૂન કર્યું, ફિલિપીન્સમાં બળવો થઈ ગયો, માર્કોસ દેશનિકાલ થઈ વિદેશમાં મર્યો, અને નીનોય એક્વીનોની વિધવા કોરી એક્વીનો દેશની રાષ્ટ્રપતિ થઈ. એક ગાંધીએ ફિલિપીન્સના ઇતિહાસનું ચક્ર ફેરવી નાખ્યું. અમેરિકન કાળી પ્રજાના દેવતા માર્ટીન લ્યુથર કિંગે ગાંધીજીની અહિંસા અને નાફરમાની પરથી પ્રેરણા લઈને અમેરિકન કાળાઓ માટે ગાંધીવાદી આંદોલન કર્યું અને અમેરિકાના ઇતિહાસે એક કરવટ બદલી નાખી. દક્ષિણ આફ્રિકાના રેબન દ્વીપમાં આજીવન કારાવાસના કૈદી નેલ્સન મંડેલાએ વારંવાર કહ્યું છે કે એમને ટકાવી રાખનાર પ્રેરક પરિબળનું નામ હતું : ગાંધી! ૨૦મી સદીના મહાનતમ વૈજ્ઞાનિક ડૉ. આલ્બર્ટ આઇન્સ્ટાઈને ગાંધીજીના ૭૦મા જન્મદિને અંજલિ આપીઃ આવનારી પેઢીઓ ભાગ્યે જ એ માની શકશે કે આવો કોઈ માણસ, માંસ અને રક્તનો બનેલો માણસ, આ પૃથ્વી પર ચાલ્યો હશે!

          કોણ હતા ગાંધીજી? સિંગાપુર રેડિયો પર નેતાજી સુભાષ બોઝે એમને ‘ફાધર ઑફ ધ નેશન’ અથવા રાષ્ટ્રપિતા કહ્યા હતા. જવાહરલાલ નેહરુએ એમને ‘તાજી હવાની એક લહર’ કહ્યા હતા. રવીન્દ્રનાથ ટાગોરે લખ્યું હતુઃ ...ગાંધીએ આહ્વાન કર્યું અને હિંદુસ્તાન ખીલી ઊઠ્યું એ નૂતમ મહાનતામાં, પ્રાચીન કાલની જેમ, જ્યારે બુદ્ધે દરેક જીવ માટે અનુકંપા અને ભ્રાતૃત્વનું સત્ય કહ્યું હતું. અને ૧૯૮૧માં પાકિસ્તાનના કરાચીમાં એમના પ્રથમ પ્રધાનમંત્રી લિયાકતઅલી ખાન મરહૂમની વિધવા રાના લિયાકતઅલીએ મને (ચંદ્રકાંત બક્ષીને) કહેલી વાત ભુલાતી નથી : પ્રોફેસર બક્ષી! તમને લોકોને ઇંડિયામાં ખબર નથી, ગાંધીએ તમારે માટે શું કર્યું છે? ગાંધીએ ૧૯૧૯માં મુંબઈમાં સારા ઘરની સ્ત્રીઓને રસ્તા પર લાવી હતી, દેશની આઝાદીના સંગ્રામ માટે! આજે (૧૯૮૧માં) પાકિસ્તાનમાં સ્ત્રીઓની હોકી ટીમને અમે ઑલિમ્પિક્સમાં મોકલી શકતાં નથી! હિંદુસ્તાનના ઇતિહાસના દરેક મોડ પર તમને ગાંધી દેખાશે!...
          લંડનમાં ગાંધીજીની પ્રતિમા છે, અને એ પ્રતિમાની સામે ઊભા રહીને તમે શું વિચાર કરી શકો છો?
રાષ્ટ્રપિતાને વંદન!


(આ અંશોની ગંગોત્રી એટલે 'અભિયાન'ના ૩ જાન્યુઆરી, ૧૯૯૮ના અંકમાં છપાયેલ 'ગાંધીજી, ગુજરાતી નાટકિયાઓના અને તમારામારાઆપણા...' લેખ જેને બક્ષીબાબુની નમસ્કાર શ્રેણીના પુસ્તક 'દર્શન વિશ્વ'માં સ્થાન આપવામાં આવ્યું છે.)

6 ટિપ્પણીઓ:

 1. હું ચંદ્રકાંત બક્ષીનો ચાહક છું. લગભગ તેમના દ્વારા લખેલું બધુજ વાંચી નાખ્યું છે. પરંતુ દરેક વ્યક્તિ પ્રત્યેક વિચારો થી સહમત થઇ શકે નહિ. અને મહાત્માના પણ પ્રત્યેક વિચારો થી સહમત ન થઇ શકાય. બક્ષીનું વ્યક્તિત્વ પણ મહાત્માના વિચારો થી ભિન્ન હતું અને તેનો કોઈ અસ્વીકાર ન કરી શકે. બક્ષી મહાત્માના વિચારોના નહિ વ્યક્તિત્વના સમર્થક હતા. મેં પણ આ વિષય પર મારા હિન્દી બ્લોગ પર પોસ્ટ લખી છે. હું પણ બક્ષીની જેમ ભિન્ન મતનો આદર કરું છું, તમે કરી શકશો? મારી પોસ્ટ વાંચ્યા પછી તમે તમારો મત વ્યક્ત કરી શકો છો.

  જવાબ આપોકાઢી નાખો
  જવાબો
  1. વિરલભાઈ,
   તમારી પોસ્ટ વાંચીને ત્યાં મારો અભિપ્રાય મૂક્યો છે.
   આમ જ મળતા રહેજો.

   કાઢી નાખો
 2. કનૈયાલાલ મુનશીએ ગાંધીને ઘણૉ આદર આપેલો. અને એમની એક નવલકથા—પ્રૃથિવીવલ્લભ—ના નાયકના મોઢે કહેવડાવાયેલો આ એક સંવાદ વાંચો--- આનંદની જે અરૂચિ એનુ નામ રોગ......ગાંધી વૈરાગી હતા, તેથી જ તેઓ બ્રહ્મચર્યના પ્રયોગો કરવાના થયેલા, કેમકે તેમના ધર્મનુ નામ વૈરાગ્યધર્મ હતો. અપવાદ વગર, આપણા બધા જ સાહિત્યકારો—વૈરાગી---મુનશીના જ શબ્દોમા કહુ તો---રોગી છે, તેથી આપણુ રાજકારણ વિનાશી છે. આપણુ સાહિત્ય મનુષ્યની સંસ્કૃતિની અભિવ્યક્તિ નથી, પણ વિકૃતિ અને વિરોધાભાસની છે. ગાંધીને પ્રેમ કરવાનો અર્થ.....મહિલા શરીરને રગદોળી નાંખતા બળાત્કારીઓને પ્રેમ કરવો. કોઈએ ગાંધીના વૈરાગ્યના બધા જ સ્તરોનો ખરેખર અભ્યાસ કર્યો છે? મુનશીએ નથી કર્યો, ર.વ. દેસાઈએ નથી કર્યો, ટાગોરે નથી કર્યો.....વિચારો કેમ?

  જવાબ આપોકાઢી નાખો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.