તાજેતરની પોસ્ટસ

જાન્યુઆરી 06, 2012

યુ.કે. બાઇટ્સઃ લક્ષ્મીના પિતા

          આ દેશમાં મોટા ભાગની વસ્તુઓના ભાવ ૯ ના આંકડા પર જ પૂરા થતા હોય છે. (£૨ નહી પણ £૧.૯૯, £૫.૫૦ નહી પણ £૫.૪૯ કે £૧૦૦ નહી પણ £૯૯.૯૯) તેના મનોવૈજ્ઞાનિક અને વ્યવસાયિક લાભ તો સ્પષ્ટ જ છે પણે તેનો ગેરલાભ પણ છે. ગેરલાભ એ કે ગ્રાહકોના ખિસ્સામાં ૧ પેનીનો ઢગલો થવા માંડે છે અને કેટલાય લોકો તો ૧ પેની પાછી લેવા ઊભા પણ નથી રહેતાં. જે ૧ પેની પાછી લે તેમાંના ઘણા તેને રસ્તા પર ફેંકી દે તેવું પણ બને છે. તાંબાની બનેલી ૧ પેની અને ૨ પેની રસ્તા પર પડેલી મળવી એ રોજની ઘટના છે.
          એક ભારતીય તરીકે લક્ષ્મીદેવીને આમ રસ્તે રઝળતા મૂકી દેવાનું કોને ગમે? મને તો જ્યારે પણ રસ્તા પર પડેલા ૧, ૨, ૫, કે ૧૦ પેનીના સિક્કા જોવા મળે ત્યારે (મોટા ભાગે) હું તેને વિના સંકોચ ઉપાડી લઉં અને  આવા ઘણા બધા સિક્કા ભેગા થાય ત્યારે છેવટે તે પહોંચે મંદિરમાં કે કોઈ ચેરિટીમાં.
          આજે કામ કરવાના સ્થળે મને એક પેનીનો સિક્કો દેખાયો અને મે તેને ઉપાડી લીધો. એ જોઈને મારી સહકાર્યકર બોલી ઊઠી, 'લક્ષ્મીપતિ થવાનો બહુ શોખ છે ને કંઈ!' મારી પુત્રી આર્નાના નામનો મતલબ લક્ષ્મીદેવી થાય માટે મે કહ્યું, 'લક્ષ્મીપતિ નહી પણ લક્ષ્મીના પિતા થવાનો શોખ છે.'
          આમ પણ લક્ષ્મીને પતિની જેમ આધિપત્યમાં રાખવાને બદલે જો પિતાની જેમ એક અમાનત તરીકે સાચવીને યોગ્ય જગ્યાએ વળાવી દેવામાં આવે તો લક્ષ્મીદેવીની વધારે કદર થાય, એવું હંમેશા લાગ્યું છે. શું કહો છો?

5 ટિપ્પણીઓ:

  1. પેનીનું ચિત્ર મૂકવા વિનંતી. બાકી આનંદ થયો.

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. વિરલભાઈ, પોસ્ટ મૂકતા પહેલા આ વિચાર આવ્યો હોત તો સારુ હતું પણ હવે તીર છૂટી ગયું માટે ફેરફાર નથી કરતો. સૂચન અને અભિપ્રાય આપતા રહેજો. આભાર.

      કાઢી નાખો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.