તાજેતરની પોસ્ટસ

જાન્યુઆરી 31, 2012

ગાંધીજી વિષે ચંદ્રકાંત બક્ષી


આજે ગાંધી જયંતી નિમિત્તે મેટ્રો જેવા વિદેશી અખબારે પણ આવી તસવીર રજૂ કરીને ગાંધીજીને સંભાર્યા અને સન્માન્યા હતાં. ઇ.સ. ૧૯૯૭ માં ગાંધીજીની કૌટુંબિક છબીને લગતી એક નવલકથા અને બે નાટકો જોઈને ચંદ્રકાંત બક્ષી ઊકળી ઉઠ્યાં હતાં. ‘જેમને માટે હરિલાલ ગાંધી કે નાથુરામ ગોડસે હીરો છે’ તેમને માટે બક્ષીબાબુએ ગાંધીજી વિષે ઇ.સ. ૧૯૯૮ માં લખેલા એક લેખના કેટલાક અંશોઃ
          જર્મનીના સ્ટુટગાર્ટ શહેરના બુર્ગોલઝોફ વિસ્તારમાં એક માર્ગનું નામ મહાત્મા ગાંધી માર્ગ રાખવામાં આવ્યું છે અને આ ઘટના ૧૯૯૭ના અંતની છે. વીસમી સદીના વિશ્વના મહાન વિપ્લાવક ચે ગુવેરાની પુત્રી એલેઇડા ગુવેરા નવેમ્બર ૧૯૯૭માં દિલ્હી આવી હતી અને એણે કહ્યું કે (મારા પિતા) ચે પર મહાત્મા ગાંધીની જબરજસ્ત અસર હતી. ઇઝરાયલના સ્થાપક અને રાષ્ટ્રપિતા ડેવિડ બેનગુરિયોંનું ઘર દક્ષિણ ઇઝરાયલના નેગેવ રેગિસ્તાનમાં કિબુત્ઝ સ્દેહ બોકર પ્રદેશમાં આજે પણ યથાતથ રાખ્યું છે અને એમાં બેનગુરિયોંએ લટકાવેલો ગાંધીજીનો ફોટો આજે પણ એમ જ છે. ન્યુયૉર્કમાં સ્ટેચ્યુ ઑફ લિબર્ટીની અંદર જે વાક્યો લખ્યાં છે એમાં એક વાક્ય મોહનદાસ કે ગાંધીનું છે. મેક્સિકોના ખેતમજૂરોનો નેતા સિઝારે કહેતો હતો કે એના આંદોલનોની પ્રેરણા ગાંધીજી હતા. ગાંધીજીની હત્યા થઈ ત્યારે શ્રેષ્ઠ કવિતા બ્રાઝિલની એક પોર્ટુગીઝ કવિયત્રીએ પોર્ટુગીઝ ભાષામાં લખી હતી. ફિલિપીન્સના વિરોધનેતા નીનોય એક્વીનોએ ‘ગાંધી’ ફિલ્મ જોઈ અને ગાંધીજીમાંથી પ્રેરણા લઈને ફિલિપીન્સ પાછા ફરવાનો નિર્ણય કર્યો. મનિલા ઍરપોર્ટ પર માર્કોસના હત્યારાઓએ એક્વીનોનું ખૂન કર્યું, ફિલિપીન્સમાં બળવો થઈ ગયો, માર્કોસ દેશનિકાલ થઈ વિદેશમાં મર્યો, અને નીનોય એક્વીનોની વિધવા કોરી એક્વીનો દેશની રાષ્ટ્રપતિ થઈ. એક ગાંધીએ ફિલિપીન્સના ઇતિહાસનું ચક્ર ફેરવી નાખ્યું. અમેરિકન કાળી પ્રજાના દેવતા માર્ટીન લ્યુથર કિંગે ગાંધીજીની અહિંસા અને નાફરમાની પરથી પ્રેરણા લઈને અમેરિકન કાળાઓ માટે ગાંધીવાદી આંદોલન કર્યું અને અમેરિકાના ઇતિહાસે એક કરવટ બદલી નાખી. દક્ષિણ આફ્રિકાના રેબન દ્વીપમાં આજીવન કારાવાસના કૈદી નેલ્સન મંડેલાએ વારંવાર કહ્યું છે કે એમને ટકાવી રાખનાર પ્રેરક પરિબળનું નામ હતું : ગાંધી! ૨૦મી સદીના મહાનતમ વૈજ્ઞાનિક ડૉ. આલ્બર્ટ આઇન્સ્ટાઈને ગાંધીજીના ૭૦મા જન્મદિને અંજલિ આપીઃ આવનારી પેઢીઓ ભાગ્યે જ એ માની શકશે કે આવો કોઈ માણસ, માંસ અને રક્તનો બનેલો માણસ, આ પૃથ્વી પર ચાલ્યો હશે!

          કોણ હતા ગાંધીજી? સિંગાપુર રેડિયો પર નેતાજી સુભાષ બોઝે એમને ‘ફાધર ઑફ ધ નેશન’ અથવા રાષ્ટ્રપિતા કહ્યા હતા. જવાહરલાલ નેહરુએ એમને ‘તાજી હવાની એક લહર’ કહ્યા હતા. રવીન્દ્રનાથ ટાગોરે લખ્યું હતુઃ ...ગાંધીએ આહ્વાન કર્યું અને હિંદુસ્તાન ખીલી ઊઠ્યું એ નૂતમ મહાનતામાં, પ્રાચીન કાલની જેમ, જ્યારે બુદ્ધે દરેક જીવ માટે અનુકંપા અને ભ્રાતૃત્વનું સત્ય કહ્યું હતું. અને ૧૯૮૧માં પાકિસ્તાનના કરાચીમાં એમના પ્રથમ પ્રધાનમંત્રી લિયાકતઅલી ખાન મરહૂમની વિધવા રાના લિયાકતઅલીએ મને (ચંદ્રકાંત બક્ષીને) કહેલી વાત ભુલાતી નથી : પ્રોફેસર બક્ષી! તમને લોકોને ઇંડિયામાં ખબર નથી, ગાંધીએ તમારે માટે શું કર્યું છે? ગાંધીએ ૧૯૧૯માં મુંબઈમાં સારા ઘરની સ્ત્રીઓને રસ્તા પર લાવી હતી, દેશની આઝાદીના સંગ્રામ માટે! આજે (૧૯૮૧માં) પાકિસ્તાનમાં સ્ત્રીઓની હોકી ટીમને અમે ઑલિમ્પિક્સમાં મોકલી શકતાં નથી! હિંદુસ્તાનના ઇતિહાસના દરેક મોડ પર તમને ગાંધી દેખાશે!...
          લંડનમાં ગાંધીજીની પ્રતિમા છે, અને એ પ્રતિમાની સામે ઊભા રહીને તમે શું વિચાર કરી શકો છો?
રાષ્ટ્રપિતાને વંદન!


(આ અંશોની ગંગોત્રી એટલે 'અભિયાન'ના ૩ જાન્યુઆરી, ૧૯૯૮ના અંકમાં છપાયેલ 'ગાંધીજી, ગુજરાતી નાટકિયાઓના અને તમારામારાઆપણા...' લેખ જેને બક્ષીબાબુની નમસ્કાર શ્રેણીના પુસ્તક 'દર્શન વિશ્વ'માં સ્થાન આપવામાં આવ્યું છે.)

જાન્યુઆરી 28, 2012

યુ.કે. બાઇટ્સઃ પુસ્તકપ્રેમીની વ્યથા

          બસ કે ટ્યૂબમાં  નિયમિત મુસાફરી કરનારા એ સમયનો ઉપયોગ અહીં મોટાભાગે સંગીત સાંભળવા માટે કે વાંચવા માટે કરતા જોવા મળે છે. કોઈ પરિચિત તેમને જોઈ જાય તો બે વસ્તુ બનેઃ (૧) વાંચનાર કે સંગીત સાંભળનારને ડિસ્ટર્બ ન કરવા. (૨) જો બંનેની નજરો મળી જાય તો એકદમ ધીમા અવાજે વાતો કરવી કે જેથી બીજા ડિસ્ટર્બ ન થાય. પણ જો કોઈ ભારતીય ઉપખંડની વ્યકિત સંગીત સાંભળતી કે વાંચતી હોય, અને તેને ભારતીય ઉપખંડનું જ કોઈ જોઈ જાય તો શું થઈ શકે તેની એક યાદીઃ
 • જો નેટવર્ક હોય, તો પોતાના મોબાઈલ થી જે-તે સંગીત સાંભળી રહેલા પરિચિતને મિસ-કૉલ મારવો.
 • જો નેટવર્ક ન હોય, તો તેની બાજુમાં જઈને બેસવું અને તેને ખભા પર એક ટાપલી મારી આખો ડબ્બો સાંભળે તેમ પૂછવું, 'શું પાર્ટી, બહુ બિઝિ થઈ ગયા છો ને આજકાલ?'
 • બસની છેલ્લી સીટ પર જગા મળી હોય, અને પરિચિત બે-ત્રણ સીટ આગળ બેસીને સંગીત કે પુસ્તક માણતો હોય તો ત્યાંથી જ બૂમો પાડીને વાતો કરવી.
 • જો પેલો પુસ્તક પ્રેમી હસીને એકાદ-બે સવાલના જવાબ આપીને પાછો તેની નજર પુસ્તક તરફ લઈ જાય તો પછી પુસ્તક વિશે સવાલ પૂછવામાં આવે. 'શેની ચોપડી છે?' અથવા 'એકાદ લીટીમાં કહો કે શું વાર્તા છે?' (સૌથી પીડાકારક સવાલ.) lol
 • કોઈ નવલકથાનું નવું પ્રકરણ શરૂ થતું હોય, તો તે જોઈને પૂછે, 'બીજી વાર્તા શરૂ થઈ? આગળની વાર્તામાં શું હતું?'
 • પુસ્તકપ્રેમીની વાંચવાની આદત વિશે કોમેન્ટ કરવી, 'આ શું યાર આખો દિવસ વાંચવાનું? કંટાળો નથી આવતો? હું તો ભણવાની ચોપડીઓ પણ માંડ-માંડ વાંચતો'તો.'
(ઇમેજ કર્ટસી @Quote4Writers http://t.co/I66mxo90 )

જાન્યુઆરી 21, 2012

જાન્યુઆરી 20, 2012

યુ.કે. બાઇટ્સઃ ઓક્સફર્ડ સ્ટ્રીટ જળબંબોળ

          જેમ અમદાવાદનો સી.જી. રોડ તેમ લંડનની ઓક્સફર્ડ સ્ટ્રીટ. ગઈકાલે, જાન્યુઆરી ૧૨, ૨૦૧૨ ના રોજ સાંજના આઠથી સાડા આઠ દરમિયાન એ ઓક્સફર્ડ સ્ટ્રીટના પશ્ચિમ છેડે પાણી લઈ જતી એક પાઈપ ફાટતાં તે ભાગ જળબંબોળ થઈ ગયો હતો. શરૂઆતનો અડધો કલાક તેને હળવાશથી લેવામાં આવ્યું પણ જેવું પાણીનું સ્તર વધવા લાગ્યું કે તરત જ પોલીસ અને ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી અને તેને કાબુમાં લેવાના પ્રયત્નો શરૂ થયા હતાં. માત્ર ભારતમાં જ આવું થાય તેમ થોડું છે! ત્યાં આવા દ્રશ્યો સર્જાયા હતાં-

Flooded Oxford Street Flooded Oxford Street Flooded Oxford Street
Flooded Oxford Street Flooded Oxford Street

          તે સમયની એક નાનકડી વીડિયો ક્લિપ (૧ મિનિટ ૨૧ સેકન્ડ)-


જાન્યુઆરી 19, 2012

નેતા

          ફ્રાન્સ એક કાફેટેરિયામાં દરવાજાની બાજુના જ ટેબલ પર મુખ્ય રસ્તો દેખાય તે રીતે એક ફ્રેન્ચ સજ્જન અને એક વિદેશી મુસાફર બેઠા-બેઠા બ્રેકફાસ્ટ કરતા હતા. અલક-મલકની વાતો ચાલતી હતી. તે દરમિયાન બંને એ જોયું કે એક મોટું ટોળુ બહુ જ ઝડપથી એફિલ ટાવર બાજુ જતું હતું. એ ટોળાને જોઈને ફ્રેન્ચ સજ્જન ઊભા થયા અને તેમણે પેલા વિદેશી મુસાફરની કહ્યું, 'એક્સક્યુઝ મી મોન્સ્યૉર, મારે એ ટોળામાં ઝડપથી જોડાવું પડશે.' મુસાફરને આશ્ચર્ય થતાં તેણે પૂછ્યું, 'એકદમ અચાનક! કેમ?' ફ્રેન્ચ સજ્જને જવાબ આપ્યો, 'હું તેમનો નેતા છું.'

જાન્યુઆરી 18, 2012

એકવીસમી સદીના જિન્ન


એક વાર એક ઘરના બેક યાર્ડમાં એક પતિ-પત્ની દડો લઈને મસ્તી કરતાં હતાં અને ઉછળકૂદમાં એ દડો તેમની બાજુના વર્ષોથી અવાવરુ પડેલા ઘરની બારી પર જઈને લાગ્યો. ખણણણ.... અવાજ સાથે બારીનો કાચ ફૂટ્યો અને તેમાંથી ધુમાડો નીકળ્યો. એ ગાઢ ધુમાડો ઓસરતા એ યુગલે જોયું કે તેમની સમક્ષ પહોળી છાતી અને પાતળી કમર વાળો એક કદાવર પુરુષ બે હાથ જોડીને ઊભો છે. તે પુરુષે માત્ર કટિવસ્ત્ર પહેર્યું હતું. જાણે નાક અને હોઠની વચ્ચે કોઈએ અંગ્રેજીના મૂળાક્ષર ‘C’ ને આડો પાડ્યો હોય તેમ ઉપરના હોઠના મધ્ય ભાગેથી બંને બાજુ પાતળી મૂછો શરૂ થઈને, બન્ને હોઠના ખૂણેથી નીચેની તરફ વળાંક લઈને છેક નીચે હડપચી સુધી પહોંચતી હતી. જાણે અરેબિયન નાઇટ્સનું કોઈ પાત્ર સામે આવીને ઉભું હોય તેમ તે યુગલ સ્તબ્ધ થઈ ગયું.
તે કદાવર પુરુષ બોલ્યો, ‘મારા માલિક, સદીઓથી હું આ મકાનમાં બંધ હતો. મને શાપ હતો કે જ્યાં સુધી રામ અને સીતા જેવું એક યુગલ મને મુક્ત નહી કરે ત્યાં સુધી હું આ જ ઘરમાં બંધ રહીશ. આજે સદીઓ પછી આપ બંનએ મને મુક્ત કર્યો છે માટે આ જિન્ન આપનો ગુલામ છે. હું આપ બંનેની કોઈ પણ એક ઈચ્છા પૂરી કરીશ પરંતું આપે પણ મારી એક ઈચ્છા પૂરી કરવી પડશે.’
એ યુગલ થોડીક ક્ષણો માટે અવાક બનીને આ અજીબો-ગરીબ ઘટના સત્ય છે કે શમણું તે વિચારતું રહ્યું. થોડીક ક્ષણો બાદ પતિએ પત્નીને ચૂંટલી ભરી અને પત્નીની સ્તબ્ધતા ઓસરી. તેણે જિન્નને કહ્યું, ‘ઓ અજાયબ  જિન્ન, આખા જગતમાં ફરતાં રહેવું એવી મારી ખ્વાહિશ છે અને તેમાં સરળતા રહે તે માટે એમ કર કે દુનિયાના દરેક દેશમાં મારું એક આલીશાન મકાન હોય.’
જિન્ને કહ્યું, ‘જેવો આપનો હુકમ’.      
પછી પતિ બોલ્યો, ‘ઓ અદ્દ્ભુત જિન્ન, મારી ઈચ્છા એવી છે કે દરેક મહિને મારા બેંક અકાઉન્ટમાં એક કરોડ રૂપિયા આવતા રહે.’
જિન્ન બોલ્યો, ‘જેવી આપની ઈચ્છા.’
પછી પતિ-પત્ની બોલ્યા, ‘હે જિન્ન, હવે તું અમને તારી ઈચ્છા જણાવ.’
જિન્ને એક ઊંડો શ્વાસ લીધો અને બોલ્યો, ‘મારા માલિક, આમ તો આ કાયનાતની કોઈ વસ્તુ મારી પહોંચ બહાર નથી પરંતું આટલી સદીઓ આ એક ઘરમાં બંધ રહ્યો હોવાથી મે કોઈ ખૂબસુરત હૂરને જોઈ કે માણી નથી. અને સદીઓ પછી મને આજે એક ખૂબસુરત સ્ત્રીનો ચહેરો જોવા મળ્યો છે તો મારી ઈચ્છા એ સ્ત્રી સાથે, એટલે કે માલકિન આપની સાથે, એક રાત ગાળવાની છે.’
આ વાત સાંભળીને એ પતિ-પત્ની ગુસ્સે થઈ ગયા અને તેમણે જિન્ન પર ખૂબ ગુસ્સો કર્યો. પરંતું ત્યાર બાદ બંનેને લાગ્યું કે જો આ એક વાતના બદલામાં આટલું બધું સુખ મળતું હોય તો આટલું બલિદાન તો આપવું જ રહ્યું. આમ પતિની સમજાવટ અને મંજૂરીથી એ પત્ની જિન્ન સાથે રાત ગાળવા તૈયાર થઈ. બીજે દિવસે સવારે જ્યારે જિન્ન ઘરની બહાર નીકળ્યો ત્યારે આખી રાતના ઉજાગરાથી થાકેલો પતિ ઉચાટ ભર્યા ચહેરે ઘરના પગથિયા પર બેઠો હતો. પત્ની પણ કંઈક સંકોચ સાથે એ જિન્નની પાછળ ઝૂકેલી નજરે બહાર નીકળી.
પછી પતિએ જિન્નને કહ્યું, ‘ઓ જિન્ન, અમે તારી ઈચ્છા પૂરી કરી. હવે તું અમારી ઈચ્છા પૂરી કર.’
જિન્ને પૂછ્યું, ‘માલિક આ કઈ સદી ચાલી રહી છે?’
પતિ જવાબ આપ્યો, ‘એકવીસમી સદી.’
‘અને આપની ઉંમર કેટલી?’ જિન્ને બીજો પ્રશ્ન પૂછ્યો.
‘પાંત્રીસ વર્ષ.’ પતિએ જવાબ આપ્યો.
‘આપ એકવીસમી સદીમાં પાંત્રીસ વર્ષની પાકટ ઉંમરે હજી પણ જિન્ન જેવી વસ્તુમાં વિશ્વાસ કરો છો?’ એમ બોલી, કટુતાથી હસતો તે પુરુષ જતો રહ્યો.
*****
આપણે ભલે ન સ્વીકારીએ પરંતું આજે પણ, આ એકવીસમી સદીનું એક દશક વીત્યા બાદ પણ, આપણે જાતિ, જ્ઞાતિ, ધર્મ, વહેમ, અંધશ્રદ્ધા, બાવા, ભૂવા, મંદિર-મસ્જીદ, ટીલા-ટપકાં, શુકન-અપશુકન, મુર્હુત, અસ્પૃશ્યતા જેવા કેટલાયે જિન્નમાં વિશ્વાસ કરીને તેના પર આપણા આદર્શ, ગુણ અને તાલીમનો ભોગ આપતાં ફરીએ છીએ અને છેવટે મુર્ખ બનીએ છીએ. ક્યાં સુધી?

યુ.કે. બાઇટ્સઃ ગુજરાતીમાં શેક્સપિયરનું 'All's Well That Ends Well'

          શેક્સપિયરના ગ્લોબ થિયેટરમાં વર્ષ-૨૦૧૨માં 'Globe to Globe' કાર્યક્રમ હેઠળ શેક્સપિયરના ૩૭ નાટકો અલગ-અલગ ૩૭ ભાષામાં રજૂ થવાના છે અને તેમાંની એક આપણી ગુજરાતી પણ છે. ૨૩/૫/૨૦૧૨ (બુધવાર બપોરે ૨.૩૦ વાગ્યે) અને ૨૪/૫/૨૦૧૨ (ગુરુવાર સાંજે ૭.૩૦ વાગ્યે) ના રોજ મુંબઈના 'અર્પણ' થિયેટર ગ્રુપ દ્વારા 'All's Well That Ends Well' ગુજરાતીમાં ભજવાશે. ગુજરાતી ભાષા અને સાહિત્યમાં રસ ધરાવનારા મિત્રોએ શેક્સપિયરનું ગ્લોબ થિયેટર અને ગુજરાતી ભાષાનો જીવનમાં એકવાર જોવા મળનારો આવો અનોખો સંગમ ચૂકવા જેવો નથી. ટિકિટ પાંચ પાઉન્ડથી શરૂ થાય છે. તો ત્યાં મળીએ!
  

જાન્યુઆરી 16, 2012

યુ.કે. બાઇટ્સઃ Hole in the Wall

          ભારતીય ક્રિકેટ ટીમની Wall તરીકે ઓળખાતા રાહુલ દ્રવિડને ઑસ્ટ્રેલિયામાં ઉપરા-ઉપરી કિલન બૉલ્ડ થતો જોઈને મને યુ.કે.ની પ્રખ્યાત બેન્ક Barclays નું ATM યાદ આવી ગયું.

Barclays ATM Hole in the Wall Rahul Dravid Clean Bowled


          ('Hole in the Wall' એ Barclays Bank નો trademark છે કે જેણે દુનિયાનું પહેલું ATM ઉત્તર લંડનના Enfield વિસ્તારમાં 1967 માં શરૂ કર્યું હતું. wiki)

જાન્યુઆરી 12, 2012

યુ.કે. બાઇટ્સઃ Disagree with Dignity

          થોડા સમય પહેલા @SrBachchan ની એક tweet માં વાંચ્યું હતું 'Discussion better than argument ! Argument finds out WHO is right, discussion finds out WHAT is right !' આપણા દેશમાં રાજકારણીઓ પ્રત્યે માન ન હોવાનું સૌથી મોટું કારણ આજ છે. જ્યારે રાજ્યસભા કે વિધાનસભાની ચર્ચાઓ જોવામાં આવે ત્યારે આપણા ચૂંટેલા પ્રતિનિધિઓ 'WHAT is right' નહી પરંતું 'WHO is right' ની પાછળ જ સમય અને શક્તિ બગાડતાં જોવા મળે છે. ઘણીવાર આ ચર્ચાઓ ખૂબ નિમ્નસ્તરની હોય છે અને ક્યારેક તો છુટ્ટા હાથની મારામારી પણ થઈ જાય છે. તેમને એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરતાં જોઈને તો આપણને કાદવમાં આળોટતા ડુક્કર જ  યાદ આવે. (કોઈને દિગ્વિજય સિંગ યાદ આવ્યા?) જો તેઓ પોતે જ એકબીજાનું અપમાન કરતા રહેશે તો જનતા તેમનું માન કઈ રીતે રાખશે? આવા નેતાઓને જનતા તમાચો ન મારે તો જ નવાઈ.
          ઇંગ્લેન્ડમાં પણ રાજકારણી તો રાજકારણી જ છે. (કાગડા બધે કાળા જ હોય ને!) પણ એમના જમા ખાતે એટલું તો જરૂર લખી શકાય કે તેમને એકબીજાનો વિરોધ કરતાં આવડે છે. પાછલા ત્રણ-ચાર વર્ષથી જાણે એક વણલખ્યો નિયમ હોય તેમ દરેક ૨જી જાન્યુઆરીએ બસ અને ટ્રેનના ભાડા અચૂક વધે છે. જે સિંગલ ટિકિટના (ઓઈસ્ટરમાં) ૨૦૦૬ માં ૫૦ પેન્સ હતાં તેના ૨૦૧૨ માં £૧.૩૫ છે. કોઈ બસ કે ટ્રેન કંપની એક પણ વર્ષ ખોટમાં નથી જતી અને છતાં પ્રત્યેક વર્ષે મુસાફરીના દર વધતાં જ રહે છે. કારણ આપવામાં આવે છે કે નેટવર્કના સુધારા અને વધારાનું પણ જેટલા ભાડામાં સુધારા અને વધારા દેખાય છે તેટલા નેટવર્કમાં નથી દેખાતા. બોરિસ જ્હોન્સનના પ્રશાસનમાં થયેલા આ વધારાનો વિરોધ કરવા મુખ્ય વિરોધી પક્ષ લેબર પાર્ટી દ્વારા કાલના Evening Standard વર્તમાનપત્રમાં આવી જાહેરાત છપાવવામાં આવી હતીઃ 
Disagree with dignity!

જાન્યુઆરી 06, 2012

યુ.કે. બાઇટ્સઃ લક્ષ્મીના પિતા

          આ દેશમાં મોટા ભાગની વસ્તુઓના ભાવ ૯ ના આંકડા પર જ પૂરા થતા હોય છે. (£૨ નહી પણ £૧.૯૯, £૫.૫૦ નહી પણ £૫.૪૯ કે £૧૦૦ નહી પણ £૯૯.૯૯) તેના મનોવૈજ્ઞાનિક અને વ્યવસાયિક લાભ તો સ્પષ્ટ જ છે પણે તેનો ગેરલાભ પણ છે. ગેરલાભ એ કે ગ્રાહકોના ખિસ્સામાં ૧ પેનીનો ઢગલો થવા માંડે છે અને કેટલાય લોકો તો ૧ પેની પાછી લેવા ઊભા પણ નથી રહેતાં. જે ૧ પેની પાછી લે તેમાંના ઘણા તેને રસ્તા પર ફેંકી દે તેવું પણ બને છે. તાંબાની બનેલી ૧ પેની અને ૨ પેની રસ્તા પર પડેલી મળવી એ રોજની ઘટના છે.
          એક ભારતીય તરીકે લક્ષ્મીદેવીને આમ રસ્તે રઝળતા મૂકી દેવાનું કોને ગમે? મને તો જ્યારે પણ રસ્તા પર પડેલા ૧, ૨, ૫, કે ૧૦ પેનીના સિક્કા જોવા મળે ત્યારે (મોટા ભાગે) હું તેને વિના સંકોચ ઉપાડી લઉં અને  આવા ઘણા બધા સિક્કા ભેગા થાય ત્યારે છેવટે તે પહોંચે મંદિરમાં કે કોઈ ચેરિટીમાં.
          આજે કામ કરવાના સ્થળે મને એક પેનીનો સિક્કો દેખાયો અને મે તેને ઉપાડી લીધો. એ જોઈને મારી સહકાર્યકર બોલી ઊઠી, 'લક્ષ્મીપતિ થવાનો બહુ શોખ છે ને કંઈ!' મારી પુત્રી આર્નાના નામનો મતલબ લક્ષ્મીદેવી થાય માટે મે કહ્યું, 'લક્ષ્મીપતિ નહી પણ લક્ષ્મીના પિતા થવાનો શોખ છે.'
          આમ પણ લક્ષ્મીને પતિની જેમ આધિપત્યમાં રાખવાને બદલે જો પિતાની જેમ એક અમાનત તરીકે સાચવીને યોગ્ય જગ્યાએ વળાવી દેવામાં આવે તો લક્ષ્મીદેવીની વધારે કદર થાય, એવું હંમેશા લાગ્યું છે. શું કહો છો?

જાન્યુઆરી 03, 2012

Sex, Porn અને Google Trends - સ્પ્રિંગ ઍક્શન?

          હમણાં જ એક સમાચાર વાંચ્યા  'Pak notches up top slot in Google search for sex' અને થયું કે પાકિસ્તાનનું નામ આવતા જ કૂદી પડવાને બદલે તેને ચકાસીએ. માટે ગુગલ ટ્રેન્ડસ પર જઈને બે શબ્દો એક સાથે શોધ્યાઃ sex, porn અને એ સર્ચ માત્ર ૨૦૧૧ માટે નહી પણ બધા જ વર્ષો માટે કરી. જે પરિણામ જોવા મળ્યું તે આશ્ચર્યજનક હતું. પાકિસ્તાન વાળા સમાચાર તો સાચા છે પણ આપણે ભારતીયો કંઈ બહુ પાછળ નથી, આપણે ત્રીજા નંબરે છીએ. (પ્રથમ ૧૦ નંબર આ  ક્રમમાં = પાકિસ્તાન, વિયેટનામ, ભારત, ઇજિપ્ત, મોરક્કો, ઇન્ડોનિસિઆ, મલેસિઆ, ટર્કી, ગ્રીસ, પોલેન્ડ)


એ ઉપરાંત પણ જે નોંધવાલાયક બાબતો હતી, તે નીચે મુજબઃ
 • પ્રથમ ૧૦ માંથી પહેલા ૩ અને કુલ ૬ દેશો એશિયાના છે.
 • પ્રથમ ૧૦ માંથી કુલ ૬ દેશોની બહુમતી દ્વારા પાળવામાં આવતો ધર્મ ઇસ્લામ છે.
 • પ્રથમ ૧૦ માંથી ૬ દેશોમાં આર્થિક અને/અથવા રાજનૈતિક કટોકટી ચાલી રહી છે.
 • જો આ જ ગણતરી દેશ નહી પણ શહેર મુજબ કરવામાં આવે, તો પહેલા ક્રમે નવી દિલ્હી આવે છે.
 • બેંગલુરુ બીજા ક્રમે અને મુંબઈ પાંચમા ક્રમે છે.
 • ગુગલ ટ્રેન્ડસના ડેટાની ચોક્સાઈ હંમેશા વિશ્વસનીય નથી હોતી.

કહેવાય છે ને કે સ્પ્રિંગ જેટલી દબાય તેટલી ઉછળે છે. શું આ ટ્રેન્ડસ એ જ વસ્તુ બતાવે છે?