તાજેતરની પોસ્ટસ

ડિસેમ્બર 28, 2011

અશ્વિની ભટ્ટઃ લોખંડી વાચકોનો લેખક – શેખાદમ આબુવાલા

પારો સ્થિર થઈ શકે છે, અશ્વિની ભટ્ટ નહિ. એ ગતિનો માણસ છે. એને વિગતિનો જેમ ભય નથી તેમ પ્રગતિનો મોહ પણ નથી. એને ગતિ જોઈએ. ગમે તે દિશામાં. ગમે તે દશામાં. આ ચંચલપગો માનવી મર્યા પછી ચિતા પર સખણો રહેશે કે કેમ તે પણ એક સવાલ છે.
‘લજ્જા સન્યાલ’, ‘શૈલજા સાગર’, ‘નીરજા ભાર્ગવ’ અને ‘આશકા માંડલ’ જેવી અત્યંત લોકપ્રિય નીવડેલી ધારાવાહી નવલકથાઓ લખીને સંદેશ સાથે ‘સેવક’નો પણ ફેલાવો વધારનાર અશ્વિની ભટ્ટ માત્ર નવલકથાકાર નથી, એ બીજું ઘણુંબધું છે. આ ઘણુંબધુંનું લિસ્ટ તૈયાર કરવા બેસીએ તો તે એની નવલકથા જેવું જ લાંબું થઈ જાય.
અશ્વિની ભટ્ટ ઝડપી અનુવાદક છે. એના અનૂદિત પુસ્તકોની સંખ્યા એંસીથી ઓછી નથી. એ સપ્તરંગી પત્રકાર છે. જોઈએ તે રંગની કમાન કાગળ ઉપર ઉતારી શકે છે. એ કાબેલ મૅનેજર છે. પ્રેમાભાઈ હૉલનું મૅનેજમેન્ટ તેનો બોલતો પુરાવો છે. રંગભૂમિનો મજનૂ છે – રંગભૂમિની લયલા માટે પોતાના કપડાં ફાડે તેવો, એ અચ્છો અભિનેતા છે, દિલેર દિગ્દર્શક છે (પણ કાયમ નિચોવાતો), નિર્માતા છે. એની ખોપડીમાં ભેજું નથી, કૉમ્પ્યુટર છે. ચીવટ અને ચોક્સાઈમાં એ રુક્ષ છે તો લાડ અને લાગણીમાં એ ઋજુ છે. એની બૌદ્ધિક તીક્ષ્ણતા સુપર બ્લેડને તો એની વિનોદવૃત્તિ વિનોદ ભટ્ટને બે ઘડી વિચારમાં મૂકી દે તેવી છે.. અને સૌથી વધુ તો એની યોજનાશક્તિ એવી તો ધારદાર છે કે મને ક્યારેક થાય છે કે નહેરુ, શાસ્ત્રી અને (મિસિસ) ગાંધી ને તો જાણે તેની જાણ નહોતી પણ જો મોરારજી દેસાઈને તેની જાણ થાય અને પ્લાનિંગ કમિશનમાં અધ્યક્ષ તરીકે એની નિમણૂંક કરવામાં આવે તો પહેલાં પાંચ વર્ષમાં જ એ પાંચ પંચવર્ષીય યોજનાઓ પૂરી કરી દેખાડે અથવા પૂરી કરી છે તેવું પુરવાર કરી બતાવે.
અશ્વિની ભટ્ટ લોખંડી વાચકોનો લેખક છે, અને એ પણ આકર્ષક અકસ્માત છે કે તેની કલમમાં લોહચુંબક પણ ભારોભાર ભરેલું છે.
(શેખાદમ આબુવાલા દ્વારા લખાયેલો આ અશ્વિની ભટ્ટનો વર્ષો જૂનો ટૂંકો પરિચય તેમની ઘણી નવલકથાઓના છેલ્લા પાના પરે છપાયેલો જોવા મળે છે અને તેને વારંવાર વાંચવો ગમે છે, માટે આ બ્લોગ પર તેને મૂક્યો છે.)

1 ટિપ્પણી:

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.