તાજેતરની પોસ્ટસ

ડિસેમ્બર 18, 2011

યુ.કે. બાઇટ્સઃ ભારતથી યુ.કે. આવતા વિદ્યાર્થીઓની વ્યથા અશ્વિની ભટ્ટની કલમે

          ભારતવર્ષ પર ૨૦૦ વર્ષ રાજ્ય કરી ચૂકેલા બ્રિટિશરો વિશે શ્રી અશ્વિની ભટ્ટની 'ઓથાર' ના બીજા ભાગમાં એક રસપ્રદ અવલોકન વાંચવા મળ્યું. આમ તો એ નવલક્થાનો ભાગ છે, માટે તેને ઈતિહાસ તો ન કહી શકાય, પણ એ વાત સાવ સાચી છે તે તો તમે પણ કહેશો.

          સર પોવેલની અંતિમક્રિયા વખતે (પેજઃ ૭૩, ભાગ ૨) અશ્વિની ભટ્ટ લખે છેઃ

          અહીં આવીને કેટલાયે જવાનો અકાળે વૃદ્ધત્વ પામતાં છતાં હિન્દની ધરતીની મોહિની તેમને ખેંચી લાવતી. અહીં તેમને તેમની શક્તિ સમોવડો કે તેથીય વિશેષ પડકાર સાંપડતો... સત્તા મળતી... સ્વર્ગથી અદકેરો વૈભવ મળતો, તેમની વાસનાઓની મોક્ષાતીત પરિતૃપ્તિ થતી. જે મોતને ખોળે જતા તે અહીં જ સમાઈ જતા. જે જીવતા તે ઇંગ્લેન્ડમાં અલૌકિક સ્વર્ગ પામતા. કર્નલ મેલેટ, ડૉ. મિલમેન, સર વિલિયમ કેમ્પબેલ અને પોવેલ જેવા વજ્જરબંધા અને તેમની સાથે આવતી મેમસાહિબોની મહત્વાકાંક્ષાઓથી હિન્દની ધરતીના પોપડા પર એક નક્કર સંસ્થાન રચાયું હતું. ઉપખંડમાં ક્યારેય રચાયું ન હોય તેવું એકચક્રી સામ્રાજ્ય અહીં પાંગર્યું હતું.

          આ સંસ્થાનવાદીઓ સામ્રાજ્યની બંદીશ સાચવતા છતાં તેમની અંગત આકાંક્ષાઓ, તેમને લૂંટારાઓની કક્ષામાં લઈ જતી. અંગ્રેજ તખ્તની તિજોરીઓની સાથે સાથે તેમની અંગત અલમારીઓ પણ દોલતથી છલકાતી. તેમની મેમસાહિબો હંમેશા દોલત માટે તલસતી. હરહંમેશ એ તરસ પ્રદીપ્ત રહેતી. જે ઇંગ્લેન્ડ પાછા ફરતા તે શેફિલ્ડ કે ડર્બી, વેસ્ટમોર કે યોર્કશાયરની નીલી ધરતી પર સ્વર્ગ રચતા. જંગી ખેતરો, પેન્ટ હાઉસ. વીલા, કેસલ્સ અને વુડલેન્ડ, ઘોડા અને હરિયાળા ચરા, શિકારી કૂતરાઓ...રેશમી વસ્ત્રો અને અલભ્ય ગાલીચા...તેમનો એશ...તેમનો આરામ.. આ બધું જ અંગ્રેજ જુવાનો જોતા. એરેબિયન નાઈટ્સની કથાઓમાં આવતી જિંદગી ગાળતા આ અંગ્રેજ ડેંડીઓની રહનસહન જોઈને કંઈક લોકો હિંદના શમણાં સેવતા. સુરત અને કલકત્તાનાં બારાં ગોરા આગંતુકોથી છલકાતાં. એક પોવેલ ગુજરી જતો તો બીજો લઈ લેતો તેનું સ્થાન. સામ્રાજ્ય વિસ્તરતું અને લૂંટ આગળ ચાલતી. એ લૂંટમાં પણ હરીફાઈ થતી... એક વખત હિંદમાં જતા જવાનોને પોતાની દીકરી પરણાવતાં ગભરાતાં મા-બાપો, હિંદ જનારો મુરતિયો મેળવવા મરી ફીટતા...

     કહે છે ને કે History repeats itself. અત્યારે આજ ઘટનાક્રમ થોડાક ફેરફાર સાથે જોવા મળે છે. ફેરફાર એટલો જ કે હવે સુરત અને કલકત્તાના બારા નહી પણ હિથ્રો અને ગેટવિકના એરપોર્ટ છલકાય છે, ભારતીય વિદ્યાર્થીઓના આગમનથી. હિથ્રો એરપોર્ટ પર એર ઇન્ડિયામાં કામ કરતો એક મિત્ર કહેતો હતો કે ૨૦૦૯ માં એક સમયગાળો એવો હતો કે જ્યારે રોજ સરેરાશ ભારતથી ૩૦૦ વિદ્યાર્થીઓ આવતાં. તે સમયે IELTS વિના અને બેંકમાં માત્ર એક જ દિવસ પૂરતાં ૬ થી ૮ લાખ રૂપિયા બેલેન્સ બતાવવામાં આવે તો કોઈને પણ સ્ટુડન્ટ વિઝા મળી જતાં હતાં. અંગ્રેજીના બિલકુલ ઓછા જ્ઞાનને કારણે અહીં આવી પહોંચેલા કેટલાયે ભારતીયો ખૂબ પરેશાનીનો ભોગ બન્યાં, દેવામાં ડૂબી ગયા કે ખાલી હાથે ભારત પાછા ગયા. માટે ઉપરના બે ફકરાને થોડાક ફેરફાર સાથે આમ લખી શકાયઃ

          અહીં આવીને કેટલાયે જવાનો અકાળે વૃદ્ધત્વ પામતાં છતાં ઇંગ્લેન્ડની ધરતીની (ગોરી) મોહિની તેમને ખેંચી લાવતી. અહીં તેમને તેમની શક્તિ સમોવડો (પ્રાઈમાર્ક, બુટ્સ, ટેસ્કો, આસ્દા) કે તેથીય વિશેષ (કડીયાકામ, સુથારીકામ, ડોર-ટુ-ડોર સેલ્સમેનશીપ જેવો) પડકાર સાંપડતો... સત્તા મળતી... સ્વર્ગથી અદકેરો (એક રૂમમાં ચાર જણાએ બંક બેડ પર બેકારીના દિવસો વિતાવવાનો)  વૈભવ મળતો, , તેમની વાસનાઓની મોક્ષાતીત પરિતૃપ્તિ થતી. જે બેકારીના ખોળે જતા તે ભારત પાછા જતાં. જેને નોકરી મળતી તે ઇંગ્લેન્ડમાં અલૌકિક સ્વર્ગ (બાર માણસો વચ્ચે ભાડે લીધેલ એક ફ્લેટ, ૧૨ કલાકની નોકરી, મોંઘવારી અને વિઝા એક્સટેન્શનના ટેન્શન) પામતા. મિ. પટેલ, મિ. શાહ, મિ. મહેતા અને મિ. ઠક્કર જેવા વજ્જરબંધા અને તેમની સાથે આવતી મેમસાહિબોની (વિદેશગમનની) મહત્વાકાંક્ષાઓથી  ઇંગ્લેન્ડની ધરતીના પોપડા પર (ત્રણ મહિનામાં બંધ થઈ જતી કૉલેજોનું) એક પોલુ સંસ્થાન રચાયું હતું. યુ.કે.માં ક્યારેય રચાયું ન હોય તેવું (હોમ ઓફિસનું) એકચક્રી સામ્રાજ્ય અહીં પાંગર્યું હતું. 

          આ વિદ્યાર્થીઓ કામકાજની બંદીશ સાચવતા છતાં તેમની અંગત આકાંક્ષાઓ, તેમને ડુંગરપુરિયાની કક્ષામાં લઈ જતી. માત્ર અંગ્રેજ તખ્તની તિજોરીઓની તેમણે ભરેલી વિઝા ફી અને ટેક્સથી છલકાતી. તેમની (સાતેય દિવસ કામ કરતી) મેમસાહિબો હંમેશા દોલત માટે તલસતી. હરહંમેશ એ તરસ પ્રદીપ્ત રહેતી. જે ભારત પાછા ફરતા તે અમદાવાદ કે સુરત, લુધિયાણા કે ચંડીગઢની નીલી ધરતી પર સ્વર્ગ રચતા. EMI પર લીધેલી કાર, જૂના ફર્નિચર વાળા નવા ફ્લેટ્સ. (બોક્સિંગ ડે ના દિવસે નેક્સ્ટમાંથી કે બાકીના દિવસોમાં પ્રાઈમાર્કમાંથી લીધેલા) રેશમી વસ્ત્રો અને (પાઉન્ડલેન્ડના) અલભ્ય અત્તર...તેમનો એશ...(ભારત પાછા ફર્યા બાદ શરૂઆતમાં કામ-ધંધો ન મળવાથી કરવો પડતો) તેમનો આરામ.. આ બધું જ ભારતીય જુવાનો જોતા. 'માલગુડી ડે'ઝ'ની કથાઓમાં આવતી જિંદગી ગાળતા આ ભારતીય dudes ની રહનસહન જોઈને કંઈક લોકો ઇંગ્લેન્ડના શમણાં સેવતા. હિથ્રો અને ગેટવિક એરપોર્ટ ભારતીય વિદ્યાર્થીઓથી છલકાતાં. એક પટેલ જતો તો બીજો લઈ લેતો તેનું સ્થાન. વિઝા વિસ્તરતા અને (હોમ ઓફિસની) લૂંટ આગળ ચાલતી. એ લૂંટમાં પણ (વિઝા એજન્ટોની) હરીફાઈ થતી... એક વખત ઇંગ્લેન્ડ જતા જવાનોને પોતાની દીકરી પરણાવતાં ગભરાતાં મા-બાપો, ઇંગ્લેન્ડ જનારો મુરતિયો મેળવવા મરી ફીટતા...
          શ્રી અશ્વિની ભટ્ટની ક્ષમાપના યાચતો ભારતથી આવેલો એક ભૂતપૂર્વ વિદ્યાર્થી એવુ હું ખરા દિલથી એવું સ્વપ્ન સેવું છું કે  History will repeat itself અને આ અંગ્રેજો ફરી એક વાર નોકરી શોધવા ભારત નામના સુપરપાવરમાં આવે. આ સમસ્યાના અનુસંધાનમાં BBC એ તૈયાર કરેલ એક રિપોર્ટની વિડીયો ક્લીપ (૧૦ મિનિટ ૧૮ સેકન્ડ):8 ટિપ્પણીઓ:

 1. અશ્વિની ભટ્ટ ને ટાંકીને જે શરૂઆત આપી પછી સડસડાટ વંચાય જાય એવી તમારી લેખનશૈલી...ફર્સ્ટ ટાઇમ ઓન યોર બ્લોગ...
  હવે આંટા ફેરા ચાલુ રહેશે...
  થેન્ક્સ.
  -વિશાલ જેઠવા.

  જવાબ આપોકાઢી નાખો
 2. સરસ રીતે લખ્યું છે.
  તારણ: સ્કોલરશીપ વગર ક્યાંય ન જવું. લોન લઈને તો બિલકુલ જ નહિ.
  સ્પષ્ટતા: એનો મતલબ એવો નહિ કે સ્કોલરશીપ/ટી.એ.શીપ/ વગેરે માટે પ્રયત્નો ન કરવા.

  Thanks,
  Rutul

  જવાબ આપોકાઢી નાખો
 3. Vishal I have read you many times and like your writing.
  The scene you have naratted, applies to many countries -USA, Canada, Australia, Newzealand...and I saw it here in Korea too !
  In middle east the scene is enacted differently, vis-a-versa working heaven (!!)

  જવાબ આપોકાઢી નાખો
 4. બિલકુલ સાચી વાત કરી છે ચિરાગભાઈ. મને હજુ એ દિવસો યાદ છે જ્યારે અહીંના ગુજરાત સમાચારમાં અપિલ કરવામાં આવતી હતી કે ભારતથિઇ આવેલા વિદ્યાર્થીઓ માટે ગરમ વસ્ત્રો અને ધાબળા આપો. ભારતથી દેવું કરીને આવેલા એ વિદ્યાર્થીઓ (જો કે એમાં ૪૫ વર્ષની ઉંમરના સ્ત્રી-પુરુષોનો પણ્આ સમાવેશ થઈ જાય) અહીં લોકોની દયાને આધારે જીવતાં.

  જવાબ આપોકાઢી નાખો
 5. ચિરાગ ભાઈ,
  મારો એક મિત્ર દેવું કરી ને આવતી કાલે London આવી રહ્યો છે. અને તે પણ student visa પર. આજે જયારે તમારો આ લેખ વાંચું છું અને youtube નો વિડીઓ જોવ છું ત્યારે ચિંતા થાય છે.

  અત્યારે ત્યાં જોબ ના હાલ શું છે?
  Olympic ને કારણે નવી તકો ઉભી થવાની શક્યતાઓ છે?

  કઈ survival tips આપશો તો તમારો ઘણો ઘણો આભાર.

  જવાબ આપોકાઢી નાખો
  જવાબો
  1. ધનંજયભાઈ,

   કૌશલ્યપૂર્ણ માણસને જગતના કોઈ પણ ખૂણે તકલીફ નથી પડતી. તમારા મિત્રને તેમના કૌશલ્ય મુજબ મળી રહેશે માટે તેમની ચિંતા તમે ન કરશો. (સિવાય કે તે Tier - 5 હેઠળ સ્ટુડન્ટ વિઝા લઈને આવતા હોય.)

   ઓલિંપિક્સને કારણે ૧-૨ મહિના માટેની ટેમ્પરરી વેકેન્સી કદાચ હશે પણ લોન્ગ-ટર્મ પ્લાનિંગ તેના પર શક્ય નથી. બાકી જિંદગી કોને ક્યાં ઘસડી જાય તેની શું ખબર?

   આમ જ મળતા રહેજો.

   કાઢી નાખો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.