તાજેતરની પોસ્ટસ

નવેમ્બર 13, 2011

અનિલ જોશીઃ આઈડેન્ટિટી ક્રાઈસિસ થી સ્ટેચ્યૂ સુધી


શ્રી અનિલ જોશી
જ્યાં પહોંચે રવિ, ત્યાં પહોંચે કવિએવું ઘણી વાર સાંભળ્યું હતું પણ તેનો સચોટ અનુભવ હમણાં થયો. કિશોરાવસ્થામાં શાળામાં એક ગીત અવારનવાર સાંભળવા મળતું હતુંમારી કોઈ ડાળખીમાં પાંદડા નથી, મને પાનખરની બીક ના બતાવોઅને તે ખૂબ પસંદ હતું. છંદ એટલે શું વિષે તો સમયે બહુ જ્ઞાન નહોતું પણ ગીતના શબ્દો અને રાગ બન્ને સ્પર્શી ગયા હતાં. જ્યારે ૨૭ ઓગસ્ટ, ૨૦૧૧ ના રોજ ગુજરાતી સાહિત્ય અકાદમી (યુ.કે.)ના ઉપક્રમે ગેયટન લાઈબ્રેરી, હેરો, લંડનમાં યોજાયેલ કવિ શ્રી અનિલ જોશીના કાવ્ય પઠન નિમિત્તે તેમને મળવાનું થયું ત્યારે મારા પ્રિય ગીતના સર્જકને મળીને ભાવવિભોર બની જવાયું. શ્રી અનિલ જોશીના કાવ્યો અને ગીતો, તેની પાછળના વિચારો અને પરિષદ નહિ, પણ ઉપનિષદજેવો માહોલ હ્રદયસ્પર્શી હતાં. કવિ શ્રી કેટલીયે વાતો એવી કરી કે જેથી જ્યાં રવિ પણ પહોંચી શકે તેવા હ્રદયના અજ્ઞાત ખૂણે ભંડારાયેલી વાતો, વિચારો અને લાગણીઓ બહાર ખેંચાઈ આવી.
શ્રી વિપુલ કલ્યાણી, શ્રી અનિલ જોશી અને શ્રી અનિલભાઈ કાગળવાળા
શ્રી વિપુલભાઈ કલ્યાણીએ કાર્યક્રમનો આરંભ કરતાં શ્રી અનિલ જોશીના ભવ્ય ભૂતકાળને પોતાની બૃહત્ સ્મૃતિના આધારે અમારા યુવાનોના વર્તમાન સાથે જોડી આપ્યો હતો. સાથે-સાથે પુસ્તકાલયના મહત્વ વિષે વાતો કરીને પુસ્તકાલયમાં યોજાયેલ પ્રસંગને પ્રાસ્તાવિક બનાવી આપ્યો.  ટૂંકી પ્રસ્તાવના બાદ તેમણે કાર્યક્રમનો દોરી સંચાર કવિશ્રીના હાથમાં આપી દઈને શ્રોતાજનોની વચ્ચે બેઠક લીધી હતી.
તાજેતરમાં યુ.કે.માં થયેલા હુલ્લડના સંદર્ભે શ્રી અનિલ જોશીએ હુલ્લડ ગીતોના પઠનથી કરેલી શરૂઆત સૂચક હતીઃશેરીમાં ભડકા મે એટલા જોયા, કે હવે અગરબત્તીની બીક લાગે, મારો સાયબો તો બીડીનો હરેડ બંધાણી, હવે બીડી કદીય નહી માગે.’ ત્યાર બાદ બીજા બે હુલ્લડ ગીતો પણ તેમણે રજૂ કર્યાં અને કવિના સંવેદનશીલ માનસ પર જીલાતી સામાજિક સુનામીઓના પડઘમ સંભળાવ્યા.
અભ્યાસકાળ દરમ્યાનઅભિજ્ઞાનશાકુંતલમની તેમના મન પર થયેલી પ્રગાઢ અસરને વર્ણવીને અનિલ જોષીએ તેમના કાવ્યકન્યાવિદાયની વાત માંડી હતી. પછીઅભિજ્ઞાનશાકુંતલમની અસર હેઠળ લખાયેલ બીજા એક કાવ્યને તેમણે આધુનિકતાના સ્પર્શથી આલેખ્યું છે. તેમણે વિદાય વખતે શકુંતલાના સંવેદનને પિછાણવાનો પ્રયત્ન કાવ્યમાં કર્યો છે. પણ સૌથી વધું સ્પર્શતી વાત તો તેમણે શકુંતલાની વીંટીની કરી. દુષ્યંતે શકુંતલાને આપેલી વીંટી જ્યારે નદીમાં પડી જાય છે ત્યારે એક આશા તો છે કે વીંટીને ગળનારી માછલીને કોઈક માછીમાર તો પકડશે  અને છેવટે વીંટી ક્યારેક તો દિવસનું અજવાળું જોવા પામશે જેથી શકુંતલાને તેની ઓળખ પાછી મળશે. જ્યારે અત્યારના સમયમાં જીવતા માનવીની હાલત કફોડી છે. અત્યારના સમયના માનવીની ઓળખની વીંટી તો એક્વેરિયમની માછલી ગળી ગઈ છે અને ઓળખ પાછી મળવાની કોઈ આશા નથી. ‘આઇડેન્ટિટી ક્રાઈસિની કરૂણતાને તેમણે બહુ માર્મિક રીતે પૌરાણિક કથામાં આધુનિક અભિગમ દ્વારા પ્રગટાવી આપી છે.
અમારા જેવા સ્વેચ્છાએ દેશનિકાલ થયેલા લોકોને વાત ઊંડી ચોટ આપી જાય છે. વિદેશમાં આવી વસેલા ભારતીયો આઇડેન્ટિટી ક્રાઈસિનો ભોગ બનેલા છે અને છતાં તેનાથી અજ્ઞાત હોવાનો ડોળ રાખે છે. જન્મથી માંડીને પચીસ-ત્રીસ વર્ષના થયાં ત્યાં સુધી જે સંસ્કૃતિમાં ઉછર્યા, જ્યાં જન્મના વધામણાથી માંડીને મરસિયા સુધીના ગીતો શીખ્યાં, તેનાથી તદ્દન ભિન્ન મૂલ્યો વચ્ચેબિન નિવાસી ભારતીયોજ્યારે મૂળ સમેત ઉખડીને બીજે રોપાવાનો પ્રયત્ન કરે ત્યારે તેમને ત્યાં પોતાના ગીતો મળવાના છે? ખરેખર ક્યાંય રોપાઈ શકતાં નથી અને આજીવન ઉર્ધ્વમૂલ રહે છે. તેઓ વતનની જમીન પર પગ માંડી નથી શકતાં કે વિદેશના ગગનમાં પાંખ પ્રસારી નથી શકતાં. પોતાની ઓળખની વીંટી ખોઈ બેઠેલા અમારા જેવા લોકોના નસીબમાં ચામાચીડિયાની જેમ ડોલર અને પાઉન્ડના વૃક્ષ પર લટા લટકવાનું આવે છે. કેલેન્ડરમાં આવતા અને સ્ટેટસ અપડેટ્સમાં ઉજવાતા તહેવારો બીજું કંઈ નહીં પણ તમાચો મારીને ગાલ લાલ રાખવાની કલા છે. વાતના અનુસંધાનમાં નિસિમ ઈઝિકીલ નામનાં કવિની 'The Egoist's Prayer' કવિતાની પંક્તિઓ યાદ આવે છેઃ
Confiscate my passport, Lord,
I don’t want to go abroad.
Let me find my song
where I belong.
પોતાના એક પ્રખ્યાત નિબંધસ્ટેચ્યૂની રસપ્રદ વાત કરતા-કરતા શ્રી અનિલ જોશીએ પોતાના બાળપણને બહુ લાગણીથી યાદ કરીને બધા શ્રોતાઓને પોતાનું બાળપણ યાદ કરાવી આપ્યું હતું. બાળપણના મિત્રવૃંદને ટણકટોળી નામ આપીને તેમણે વાત માંડી હતી. તેમણે કહ્યું કે તે બધા મિત્રો બાળપણમાં ક્રિકેટ રમતાં પરંતું તેમની શેરીમાંથી કોઈ ક્રિકેટર પાક્યો નહી કારણ કે કોઇના ઘરમાં ગયેલો બોલ કદી પાછો આવતો નહી. છેવટે તેમણે બધાએ સ્ટેચ્યૂની રમત રખાવી. કોઈ એક મિત્ર સાવ અચાનક આવીને બીજા બધાને સ્ટેચ્યૂ કહે તો બીજા બધાએ જે સ્થિતિમાં હોય તે સ્થિતિમાં એકદમ સ્થિર, એટલે કે સ્ટેચ્યૂ, બની જવાનું. ટણકટોળીમાં એક તેજીલા તોખાર જેવો મિત્ર હતો ઝીણો ભરવાડ. વૈશાખી વાયરાની જેમ ગમે ત્યાંથી તે અચાનક ધસમસતો આવી ચડતો અને બીજા બધા મિત્રોને સ્ટેચ્યૂ બનાવીને તેમને વિચિત્ર પરિસ્થિતિમાં પૂતળા બનાવી દેતો. ટોળીના બીજા બધા મિત્રો મનોરથ ઘડે રાખતા કે એક વખત ઝીણાને એવો સ્ટેચ્યૂ બનાવવો છે કે આખું જીવન યાદ રાખે.
એક વખત બધા શેરીની બહાર રમતા હતાં ને શેરીમાં શોરબકોર સંભળાયો એટલે તેઓ દોડ્યાં. શેરી આખી ગામના માણસોથી ઊભરાઈ ગઈ છે. જગ્યા કરીને બધા અંદર પહોંચ્યા તો આઘાતજનક દ્રશ્ય જોવા મળ્યું. લાઇટના થાંભલે પતંગ લેવા ચડેલો ઝીણો ભરવાડ ત્યાં કાયમને માટે સ્ટેચ્યૂ થઈ ગયો હતો. બધા મિત્રો હબકી ગયાં. ગામના મંદીરે જઈને ભગવાન આગળ બહુ ફરીયાદ કરી કે ઝીણો તો અમને થોડીક વાર માટે સ્ટેચ્યૂ કહેતો હતો પણ ભગવાને તો તેને કાયમ માટે સ્ટેચ્યૂ કહી દીધું. એવું કેમ? અને થોડા સમય બાદ તેનો ઉત્તર પણ પોતાના મનમાંથી તેમને જડ્યો. ભગવાન જાણે કહેતા હતાં કે તમે લોકોએ શું મને અહીં મંદીરમાં કાયમ માટેસ્ટેચ્યૂનથી કરી દીધો? અને નિબંધ જેવા નિબંધમાં વ્યંજના પ્રગટાવીને તેમણે એક માર્મિક વિધાન પણ કર્યું કેપૂજારીને કોઈ દિવસ ભગવાન નથી મળતા.’ કારણ કે પૂજારી માટે મૂર્તિ ભગવાન નહી પણ પોતાનો રોટલો છે. અને ફરી એક વખત કવિએ રવિ પહોંચે તેવી જગ્યાએ સંવેદનાના તાર ઝંકૃત કરી મૂક્યાં.
જીવનના વલોણામાંથી અનુભવોના માખણની સફેદીને માથે ધારણ કરનારા વડીલ વર્ગ વચ્ચે અમને પાંચ કાળા માથાના જુવાનિયાઓને જોઈને શ્રી અનિલ જોશીએ લખવા માટે ચાર ટિપ્સ પણ આપી હતી અને લખતા રહેવાનો આગ્રહ કર્યો હતો.
પહેલી ટિપ જે આપી, તે ભાષાશિસ્ત. ભાષામાં શિસ્ત હોવી જરૂરી છે અને તેના માટે તેમણે પિંગળશાસ્ત્રનો અભ્યાસ કરવાની સલાહ આપી. તેમણે મકરન્દ દવે સાથે વસંતતિલકા છંદમાં અંગ્રેજી પંક્તિ લખવાની મથામણને વાચા આપી હતી અને છેવટે તે બંનેએ વસંતતિલકામાં રચેલી અંગ્રેજી પંક્તિ પણ કહી સંભળાવી હતીઃ ‘We sing song but song do not know.’
બીજી ટિપ તેમણે આપી હતી કે જે લખવું તે લોકબોલી માં લખવું, વિવેચકો જેવી અઘરી ભાષા વાપરવી નહી. લોકોને સ્પર્શવા લોકોની ભાષા વાપરવી પડે તો વૈશ્વિક સત્ય છે અને અઘરી ભાષાથી વાચકના હ્રદયમાં ઉતરી નથી શકાતું.
ત્રીજી ટિપ હતી કે કલાકારમાં સંવેદનશીલતા હોવી જોઈએ પછી ભલેને તે લેખક હોય, કવિ હોય કે ફોટોગ્રાફર. ઉદાહરણમાં તેમણે કેવિન કાર્ટર અને થોપિયા દુષ્કાળના ભૂખ્યા બાળકની તેમની જગવિખ્યાત તસવીરની વાત કરી હતી. ઇથોપિયાના દુષ્કાળમાં એક મૃતપ્રાય બાળક ચાલી શકતું હોવાથી ઘસડાતું-ઘસડાતું રાહત છાવણી તરફ જઈ રહ્યું છે અને તેના મોતની રાહ જોતું ગીધ ઉપર ચક્કર મારી રહ્યું છે. ફોટો જગવિખ્યાત બની ગયો. તેને કેટલાય પુરસ્કાર મળ્યાં. પણ જ્યારે એક કિશોરીએ તેમને એમ પૂછ્યું કે બાળકનું શું થયું? શું તમે તેને કંઈ મદદ કરી કે માત્ર ફોટો પાડીને ચાલી નીકળ્યા?’ ત્યારે કેવિન કાર્ટરની સંવેદના પર વજ્રાઘાત થયો. તેમને પોતાનું સ્વાર્થી વર્તન અને પોતાની ભૂલ દેખાઈ અને તેમણે ઘરે જઈને આપઘાત કર્યો. સંવેદનશીલતા કલાકારની નસોમાં વહેતું લોહી છે અને જ્યારે સર્જક સંવેદનશીલતા ગુમાવી દે છે ત્યારે તેની હાલત ધાર ગુમાવી ચૂકેલી બુઠ્ઠી છરી જેવી થઈ જાય છે.
ચોથી ટિપ તેમણે કવિતા લખતા મિત્રો માટે આપી હતી કે કવિતામાં વ્યંજના હોવી જોઈએ. ક્યાંય કશું સીધે-સીધું કહી દેવું કવિતાની રીત નથી. એના માટે નિબંધ જેવા સાહિત્ય પ્રકાર યોગ્ય છે, કવિતા નહી. કવિતામાં એક રંજક વ્યંજના હોવી જોઈએ જે તેની રજૂઆતને અસરદાર બનાવે છે. તેના ઉદાહરણ રૂપે તેમણેઉશનસના એક સોનેટની વાત કહી. સોનેટમાં એક પુરુષ એવું વિચારે છે કે ઈસુ ખ્રિસ્ત કેટલાં મહાન હતાં. તેમણે જગતના પાપને ધોઈ નાખવા પોતાના હાથમાં ખીલા ઠોકાયાની અને જીવતા ક્રોસ પર ચડાવી દેવાની વેદના સહન કરી લીધી હતી. માટે પુરુષ એવું નક્કી કરે છે કે રોજ સવારે ઊઠીને ઈસુ દર્શન કરશે. તે બજારમાં જઈને ઈસુ ખ્રિસ્તનો એક સુંદર ફોટો ખરીદે છે, તેને મઢાવે છે અને તેને પોતાના બેડની સામે લગાવાનું નક્કી કરે છે કે જેથી ઉઠતા ઈસુના દર્શન થાય. પછી તે એક સીડી ગોઠવીને તેની પર ફોટો લઈને ચડે છે અને પોતાની પત્નિને બૂમ પાડે છે કેખીલી અને હથોડી લાવ તો!’ અને ત્યાં સોનેટ પૂરું થઈ જાય છે. આગળ શું થઈ તે ભાવક યથાશક્તિ-યથામતિ કલ્પી લેશે. આમ કવિતામાં વ્યંજના જરૂરી છે તેવું તેમણે આગ્રહપૂર્વક કહ્યું હતું
સાથે-સાથે ગઝલ લખતાં મિત્રોને તેમણે એમ પણ કહ્યું કે ગઝલમાં એક ખૂબસૂરત લાપરવાહી હોવી જોઈએ. અને તેને સમજાવતા કેટલાક ખૂબસૂરત ઉદાહરણ પણ તેમણે આપ્યાં હતાં.
શ્રી અનિલ જોશીએ રમેશ પારેખ, મકરન્દ દવે, મનોજ ખંડેરીયા, મનહર મોદી, હરિવંશરાય બચ્ચન, નિદા ફઝલી જેવા કવિઓ સાથેના પોતાના અંગત અનુભવોની રસપ્રદ વાતો પણ કરી હતી. નિદા ફઝલી સાથે જહાંગીર આર્ટ ગેલેરીના પગથિયે ખાલી ખિસ્સે બેસતા તેની વાત કરીને કહ્યું કે એવા ફાંકામસ્તીના દિવસોમાંમારી કોઈ ડાળખીમાં પાંદડા નથી, મને પાનખરની બીકના બતાવોરચના લખાઈ હતી. બિગ-બેન પહેલાના જગતની ઝલક મળતાં કોઈ ખગોળવિદ્દને જે આનંદ થાય, તેવો આનંદ ગીત કેવી રીતે લખાયું તે જાણ્યાથી થયો હતો.
નવલોહિયા જુવાનોની સાથે-સાથે માથે સફેદી ઓઢીને બેઠેલા વયસ્કોને પણ તેમણે એકાદ-બે વાત કહી હતી. નવી પેઢી અને જૂની પેઢી વચ્ચે જે અંતર છે તે ઘટાડવા તેમણે વયસ્કોને એક સૂચન કર્યું હતું કે જૂના કન્સેપ્ટ્સની એક્સપાયરી ડે હંમેશા જાણી લેવી. ઉદાહરણ સ્વરૂપે તેમણે એક-બે રસપ્રદ વાતો પણ કરી હતી. તેમણે કહ્યું કે જ્યારે આજના બાળકનેચતુર કાગડાની વાર્તા કહેવામાં આવી કે ખૂબ ઊંડે રહેલા પાણીને ઉપર લાવવા તે કાગડાએ એક પછી એક પથ્થર નાખીને પાણીને ઉપર આણ્યું અને પોતાની તરસ છીપાવી, ત્યારે આજની પેઢીનું બાળક બોલી ઉઠ્યું કે કાગડો તો ગાંડો કહેવાય. શું બજારમાં એક સ્ટ્રો પણ નહોતી મળતી?’ આમ બધી સદીઓ જૂની વિભાવનાઓ આજના સમયના સંદર્ભે યોગ્ય પણ હોય તેમ માનવાની વયસ્કોને સલાહ આપી હતી. તેમણે કહ્યું કે અમારા મનમાં માતાનું ચિત્ર કંઈક આવું હોયઃમા એટલે કપાળમાં મોટો ચાંલ્લો કરેલી, સાડી પહેરતી, છાણ વાસીદું કરતી અને કચરો વાળતી સ્ત્રી કે જેના ખોળામાંથી ખાંડેલા મસાલાની વાસ આવતી હોય’. પણ આજની પેઢી માટે વિભાવના અને વાસ્તવિક મા ના ચિત્ર વચ્ચે કોઈ સમાનતા નથી. આજની પેઢી કહેશે કેઃઅમારી મમ્મી તો જિન્સ પહેરે છે, સ્કૂટર ચલાવે છે અને તેના શરીરમાંથી પરફ્યુમની સુગંધ આવે છે.’ માટે વયસ્કોએ જૂના કન્સેપ્ટના આજને અનુરૂપ વિકલ્પો શોધવા જરૂરી છે.
ગેયટન લાઇબ્રેરીમાં પુસ્તકોના સાન્નિધ્યમાં ખૂબ ઓછા ભાવકોની હાજરીમાં ગોઠવાયેલા માઈક વિનાના કાર્યક્ર્મની પ્રશંસા કરતાં તેમણે કહ્યું હતું કે કોઈ પરિષદ નથી પણ ઉપનિષદ છે અને અહીંનાલાઇબ્રેરી કલ્ચરની તેમણે પ્રસંશા કરી હતી. કાર્યક્રમના અંતે કેટલાક ભાવકોએ બે-ચાર સુંદર પ્રશ્નો રજૂ કર્યા હતાં અને પંચમ શુક્લની કામગીરીની પ્રશસ્તિ પણ કરી હતી.
કાર્યક્રમના અંતે  શ્રી અનિલભાઈ કાગળવાળાએ સમાપનના શબ્દો કહેતા-કહેતા શ્રી અનિલ જોશીની એક કવિતાના મર્મને યુ.કે.માં બનેલી ઘટના સાથે જોડી આપી સાબિત કર્યું હતું કે સાહિત્યને કોઈ સીમાઓ નડતી નથી. તેમણે ઓસ્કર વાઈલ્ડના એક સુંદર અવતરણ સાથે કાર્યક્રમનું સમાપન કર્યું હતું.
આ પ્રસંગની ચાર વિડિયો ક્લીપઃ

(આ લેખને 'ઓપિનિયન' મેગેઝિનના ઓક્ટોબર-૨૦૧૧ ના અંકમાં છાપવા બદલ હું શ્રી વિપુલભાઈ કલ્યાણીનો આભારી છું. તસવીરો અને વિડિયો ક્લીપ શ્રી પંચમ શુક્લાના સૌજન્યથી.)

1 ટિપ્પણી:

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.