તાજેતરની પોસ્ટસ

ઑક્ટોબર 22, 2011

ધ્રુવ ભટ્ટની નવલકથા 'કર્ણલોક'

પત્નિ શ્રીમતી દિવ્યાબહેન ભટ્ટ
સાથે શ્રી ધ્રુવ ભટ્ટ

         
         
          કર્ણ અને કુંતી એ ભારતીય જનસમાજના અનાથ બાળક અને મજબૂર માતાના પ્રતિક છે. પણ કર્ણના જીવનનું કારુણ્ય તેની અનાથતાથી પણ ઘણું વધારે છે અને એ તરફ આપણે બહુ વિચાર નથી કરતાં.પરંતું શ્રી ધ્રુવ ભટ્ટ જુદી માટીમાંથી ઘડાયેલ માનવી છે, એવું તમે તેમનું કોઈ પણ પુસ્તક વાંચીને કહી શકશો.સામાન્ય માનવીના જીવનમાં પણ કર્ણના જીવનનું કારુણ્ય રહેલું છે તેમ ધુવ ભટ્ટે તેમના પુસ્તક ‘કર્ણલોક’માં તારવી આપ્યું છે.

          સામાન્યતઃ તેમના લેખન માટે ધ્રુવ ભટ્ટ લખાણ શબ્દ વાપરે છે,પણ આ પુસ્તકને નવલકથા ગણવામાં આવી છે.તેમ છતાં વાંચતાં-વાંચતાં પ્રતિત તો એમ જ થાય કે ધ્રુવ ભટ્ટ તો એ જ છે, જે આપણને તેમના અન્ય પુસ્તકોમાં જોવા મળે છે. તેમની આગવી શૈલી મુજબ તેમણે પુસ્તક અર્પણ કર્યું છે ‘માનવજાતની પ્રથમ માતાને’.પ્રસ્તાવના પણ માત્ર એક જ લીટીની છેઃ ‘આ પુસ્તક વિશે આનાથી વધારે મારે કંઈ કહેવાનું નથી.’ સાચી વાત છે. પુસ્તકમાં જ તેમણે ઘણું બધું કહ્યું છે, પછી પ્રસ્તાવનામાં કહેવાની શું જરૂર હોય? જોકે પ્રસ્તાવનાના પાના પર જમીનમાં ખૂંપી ગયેલા રથના પૈડાનું રેખાંકન પ્રતિકાત્મક છે. આ નવલકથા ૨૪ પ્રકરણ અને ૨૫૨ પાનામાં આલેખાયેલી છે. ધ્રુવ ભટ્ટ આમ પણ લાંબુ નહી, ગહન લખે છે. ઘણી વાર તમારે વાચન અટકાવીને જે વાંચ્યું તેના પર બે ક્ષણ વિચારવું પડે.

          બીજા પ્રકરણથી નાયક પોતાની વાત માંડે છે અને આખી કથા તેના જ મુખે કહેવાઈ છે. બીજા જ પ્રકરણમાં આ કથાના ઘણા બધા પાત્રો આવી જાય છે શરૂઆતમાં આપણા મનમાં કયું પાત્ર શું છે તેની ગડભાંજ થવી પણ શરૂ થઈ જાય છે. આજ પ્રકરણમાં નંદુ નાયકને કહે છે કે ‘માન કે કવચ-કુંડળ લઈને જન્મ્યો છે. નહીંતર નિમ્બેન ગાડીમાં ચડે એ સમયે તું શા કારણે બેઠો હોય!’ (પેજ ૧૯) ત્યારે આપણી નાયક વિશેની પૂર્વધારણાને સ્વીકૃતિની મહોર વાગે છે.

          મામા-મામીના ઘરેથી બાર-તેર વર્ષની ઉંમરે ‘ભિનિષક્રમણ’ કરવા નીકળેલા નાયકને પોતાના માતા-પિતા-કુળનું ગૌરવ છે અને સંજોગો તેને જ્યારે અનાથાલયના દ્વારે ઘસડી લાવે છે, ત્યારે તે વિચારે છેઃ ‘પાંચ વરસની ઉંમરથી જ સાત પેઢીના પૂર્વજોના નામ બોલતાં શીખેલો,....ગૌરવશાળી પિતા અને જાજરમાન માતાનું સંતાન. મારે કદી પણ ન આવવાનું હોય તેવી જગ્યાએ આવીને ઊભો હતો.જે શબ્દથી દૂર ભાગવા નીકળેલો તે જ શબ્દ મારી સામે ભડકતા લાલ રંગે ચમકતો હતો. ....બાલાશ્રમ.’ (પેજ ૨૧) નાયક ત્યાંથી ભાગી જવાનું વિચારે છે, પણ દુર્ગાને જોઈને રોકાઈ જાય છે. નાયક પોતાની જાતને અનાથ ગણાવવા તૈયાર નથી. માટે તે અનાથાલયમાં રહેવા તૈયાર નથી. ‘કોઈ મને અનાથ કહે તે મને કોઈ કાળે મંજૂર થવાનું નહોતું.અનાથ કહેવાતા માનવસંતાનો વિશે મારા મનમાં એક નક્કી છાપ હતી...મામીનું ઘર છોડવા પાછળનાં કારણોમાં મુખ્ય,અડોશ-પડોશમાંથી સાંભળવો પડતો આ ‘અનાથ’ શબ્દ જ હતો ને!’ (પેજ ૨૬) આ વાંચીને આપણે નાયકના ઘર છોડી જવાના કારણ વિશે વિચારવા પ્રેરાઈએ છીએ. પણ સાચું કારણ જોકે આપણી કલ્પનાથી પણ આગળ વધી જાય તેવું છે, તે પાછળથી ખબર પડે છે. આત્મનિર્ભર થવા માટે નાયક સાઈકલ રિપેરિંગની દુકાન શરૂ કરે છે અને તેમાં આગળ વધતો રહે છે. અનિચ્છાએ પણ તે ‘પીળા મકાન’ એટલે કે ‘બાલાશ્રમ’ અને તેના રહેવાસીઓ કર્મચારીઓ સાથે જોડાતો જાય છે.

ધ્રુવ ભટ્ટની 'કર્ણલોક'
          રેખા નામની અનાથાલયમાં રહેતી છોકરી જન્મે અનાથ નહોતી પણ તેનો આખો પરિવાર એક દુર્ઘટનામાં બળી ગયો તેથી તેણીને અનાથાલયમાં રહેવું પડે છે,તેવી વાત જાણીને નાયકનો ‘બાલાશ્રમ’ પ્રત્યેનો ખ્યાલ પહેલી વાર બદલાય છે. તે વિચારે છે, ‘અત્યાર સુધી મને એમ હતું કે અનાથ આશ્રમમાં એવા બાળકો આવે જેના જન્મને દુનિયાથી છુપાવવાનો હોય.’ (પેજ ૪૬) દુર્ગા જ્યારે તેને પૂછે છે કે તારી પરિસ્થિતિ આવી સરસ હતી તો ઘર છોડીને ભાગ્યો શું કામ,ત્યારે નાયક છેડાઈ પડે છે. તે દુર્ગાને કહે છે, ‘પણ ઘર છોડીને ભાગવું તે એક વસ્તુ છે અને પોતાની ઇચ્છાથી ગૃહત્યાગ કરવો, પોતાની દુનિયા રચવા નીકળવું ત બીજી વાત છે.’ (પેજ ૭૧)

          પછી નિમુબહેન, જી’ભાઈ અને તેમની વાડીની વાત આવે છે. ત્યાં દરેક વખતે નાયક કોઈક જુદા જ ભાવ અનુભવતો હોય છે અને કંઈક શીખીને આવતો હોય છે.નદીમાં નહાતી વખતે તેને પોતાનો ભૂતકાળ સાંભરી આવે છે અને પહેલી વાર આપણને તેના ‘ભિનિષક્રમણ’નું સાચું કારણ જાણવા મળે છે. ‘તે દિવસ સુધી હું બિચારો, અનાથ હતો. હવે શાપિત વંશનો પણ થયો.’ (પેજ ૬૫) અને આપણી સમજમાં આવે છે કે આ કર્ણની અનાથતાની પીડાની વાત નથી પણ તેનાથી ય કંઈક વિશેષ છે. અનાથ ઉપરાંત શાપિત ગણાવાને કારણે નાયક જે લઘુતા અનુભવે છે,તેને કારણે તેણે મામાનું ઘર છોડીને જવાનો નિર્ણય કર્યો છે.

          ખસથી સડી ગયેલા શરીર વાળા મુન્નાને નંદુ અને નાયક ભેગા થઈને દવાખાને લઈ જાય છે અને ત્યાર બાદ એ અનુભવનું વર્ણન નાયક પોતાની ડાયરીમાં ઉતારે છે.એ વર્ણન વાંચી નંદુ કહે છે, ‘તું હજારવાર મથીશ તોયે પીડાની સીમાનું વર્ણન તારાથી થઈ શકવાનું નહીં. દરેકની કંઈક મર્યાદા હોય તેમ આ તારી મર્યાદા રહેવાની.રથનું પૈડું અણીને સમયે જમીનમાં ખૂંપ્યા વિના રહેવાનું નથી. એકલા કરણને જ નહીં,માણસમાત્રને માથે આ શાપ છે.’(પેજ ૧૫૦)આ વાંચીને આપણને આ નવલકથાનું શીર્ષક સમજાવા માંડે છે. દરેક માણસના જીવનમાં કેટલીય વાર એવું બને છે કે દશેરાના દિવસે જ ઘોડો દોડતો નથી અને આપણને તેનું સમજાય એવું એક પણ કારણ મળતું નથી.કદાચ કર્ણને મળેલો શાપ માનવમાત્રની એ મૂંઝવણનું પ્રતિનિધિત્વ કરે છે અને એ વખતે આ મર્ત્યલોક ‘કર્ણલોક’ બનીને રહી જાય છે. અનાથ શબ્દથી દૂર રહેવાનો પ્રયત્ન કરનારો નાયક તેમાં નિષ્ફળ નીવડે છે એવો તેને વર્ષો બાદ અહેસાસ થાય છે. તે કહે છે, ‘આટલાં વરસો પીળા મકાનની બહાર દીવાલે રહેવાની કોશિશમાં ખરેખર તો હું અંદરનો બનતો ગયો હોઉં તો એ મારી નબળાઈ છે.’ (પેજ ૧૯૪) અને ત્યારે આપણને આ શીર્ષક યોગ્ય લાગે છે.

          નવલકથાના ઘણા પાત્રોમાં આપણને આ શાપ જોવા મળે છે. ગોમતીના પતિનું છેલ્લી ઘડીએ મૃત્યું થવું, શેફાલીને દત્તક આપતી વખતે છેક અંતમાં બનતી ઘટના, સૌમ્યા માટે ન્યાયાધીશે આપેલો ચૂકાદો આપણને આ લોક ‘કર્ણલોક’ છે તેનો અહેસાસ કરાવતા રહે છે.

          આગળ જતાં જાણે હજી કંઈક કહેવાનું રહી જતું હોય તેમ લેખક પોતે નાયકના વિચાર સ્વરૂપે નવલકથામાં પ્રવેશ કરે છે અને કહે છે,‘કર્ણ માત્ર સાહિત્યનું એક પાત્ર નથી.તે તો એક પ્રતીક છે. જીવનના સત્યનું પ્રતીક. એ પ્રતીક માનવજીવનના મહાપ્રશ્નનું. માતાની સંમતિ વગર, માતાની ઇચ્છા વગર તેના પર થોપી દેવાયેલા અસત્યનું. સર્જક પાસે કમને સર્જાવાયેલી કૃતિનું. તેથી જ આ દુઃખમય જગતમાં સર્વાધીક પીડા કર્ણને ભાગે આવી પડે છે. પોતાની ઓળખ તેણે રચવાની હોય છે. ભલે તે સ્વયં સૂર્યનું સંતાન ન હોય! આ નિષ્ઠુર જગતમાં તેણે એકલાં રહેવાનું છે, એકલાં જીતવાનું, એકલાં હારવાનું છે.’ (પેજ ૨૧૦)

          એક ઈન્ટર્વ્યુ દરમિયાન ધ્રુવ ભટ્ટને પૂછવામાં આવ્યું કે તેમની લગભગ બધી જ નવલકથાના સ્ત્રી પાત્રો સમગ્ર કૃતિ પર છવાઈ જાય એટલા સક્ષમ અને લેખક જાતે મળ્યા હોય તેવા પોતીકા કેમ લાગે છે?ત્યારે લેખકે જવાબ આપ્યો હતો,‘હું પોતે માનું છું કે સ્ત્રી પોતે પુરુષની સરખામણીમાં વધુ શક્તિશાળી હોય છે. લાગણીશીલ હોય છે. જંગલમાં એકલી રહેતી સ્ત્રી મે જોઈ છે. કુટુંબ માટે બધું જ ન્યોછાવર કરતી સ્ત્રી મે જોઈ છે અને સ્ત્રી વગર ઓશિયાળો બનતો પુરુષ પણ મે જોયો છે એટલે સ્ત્રી પાત્રના વર્ણન વખતે હું ખૂબ સભાનપણે એને એક ડગલું ઊંચે રાખું છું.’ (GMCC ના વાર્ષિક મેગેઝિનના તૃતિય અંકમાં મેઘા જોષી દ્વારા લેવાયેલ ઈન્ટર્વ્યુ.) ‘કર્ણલોક’માં દુર્ગાનું પાત્ર રસપ્રદ રીતે આલેખાયું છે. તેની નાની ઉંમર છતાં તેને ખૂબ જ પરિપક્વ બતાવવામાં આવી છે. પહેલા જ પ્રકરણમાં દુર્ગાના પરાક્રમની વાત આવે છે અને શરૂઆતમાં આપણને દુર્ગા કોણ છે, તે ખબર જ નથી પડતી. ધુવ ભટ્ટના અન્ય એક પુસ્તક ‘સમુદ્રાન્તિકે’ની નાયિકા અવલની જેમ છેક અંત સુધી દુર્ગાનું રહસ્ય જળવાઈ રહે છે અને કદાચ એ જ આ કથાનું ચાલકબળ બની રહે છે. ધીમે ધીમે દુર્ગાના વ્યક્તિત્વની પરતો ખુલતી જાય છે અને તેના માટે બીજા પાત્રો દ્વારા થયેલા ઉદ્ગારોથી દુર્ગા કોણ છે, એ આપણને જાણવા મળતું રહે છે. દુર્ગા પોતાના વિશે ક્યારેય કશું જ બોલતી નથી.

          નંદુને દુર્ગા માટે અહોભાવ છે. પ્રથમ પ્રકરણના અંતમાં તે કહે છે, ‘આલતુફાલતું લોકોએ શીખવેલું દુર્ગાઈ કદી પણ બોલવાની નહીં. એ કોણ છે તે જાણીશ ત્યારે સમજાશે.’ (પેજ ૧૩) અને આમ પ્રથમ પ્રકરણમાં જ આપણી જિજ્ઞાસા જાગૃત કરીને લેખક તેને છેક અંત સુધી લઈ જાય છે. દુર્ગા વિશેના વિવિધ ઉદ્ગારોઃ ‘દુર્ગામાં સમય પારખવાની અને તેને અનુરૂપ નિર્ણયો લેવાની એક ખાસ સૂઝ દેખાઈ.’ (પેજ ૫૭) ‘એ ઉમ્મરે પણ દુર્ગા સ્પષ્ટ અને પૂર્વગ્રહરહિત વિચારી શકતી તે મેં જોયું ન હોત તો હું માની પણ ન શકત.’ (પેજ ૧૧૨) ‘કોણ જાણે કોના પેટની છે! મા ઉકરડે ફેંકી ગઈ ‘ને ત્યાંથી કૂતરાંએ તાણી તોય મરી નહીં.’ (પેજ ૧૩૩) ‘તું તો આરાસુરથી આવી છે મા. તારે વળી જાત શી! જાત-પાત, મા-બાપ, બધાંની જરૂર તો અમને બુદ્ધિહીન માણસોને.’ (પેજ ૧૩૬) ‘તો દુર્ગા રડે પણ છે.’ (પેજ ૧૭૫) અને ધીમે-ધીમે આપણાં મનમાં દુર્ગાનું પાત્ર અંકાતું જાય છે અને આપણને તે ગમવા માંડે છે.

          ડાયરો માંડીને બેઠેલો કલાકાર આમ તો ખૂબ માંડીને વાત કરે છે અને ડાયરો બરાબર જમાવે છે, પણ જ્યારે તેને અહેસાસ થાય છે કે હવે રાતના આખરી પ્રહરનો અંત આવી રહ્યો છે અને સૂર્યદેવ પ્રગટ થવાની તૈયારીમાં છે, ત્યારે તે પોતાની વાતની ઝડપ વધારી દે છે જેથી તેને જે કહેવાનું છે તેમાંથી કશું બાકી ન રહે. પાછલા પચાસેક પાનામાં (પ્રકરણ ૧૯થી) ધુવ ભટ્ટે પણ એમ જ કર્યું છે. તેમાં નવલકથાની ઝડપ એકદમ વધી જાય છે અને ઘટનાક્રમ ખૂબ ઝડપથી આગળ વધી જાય છે. જાણે કે પોતે સર્જેલા પાત્રોને વિદાય આપવામાં તકલીફ થતી હોય તેમ તેઓ પરાણે-પરાણે આ પાત્રોને વિદાય આપી શક્યાં છે.

          આ નવલકથા દ્વારા તેમણે ત્રણ પ્રકારની અનાથતા દર્શાવી છે. જન્મથી અનાથ થયેલ બાળક -જેમ કે દુર્ગા,અકસ્માતે અનાથ થયેલ બાળક -જેમ કે રેખા,અને સ્વેચ્છાએ અનાથતા સ્વીકારનાર બાળક –જેમ કે નાયક.નવલકથાની એક નબળી બાજુ એ છે કે જ્યારે પણ કંઈક અગત્યનું બનવાનું હોય ત્યારે તે જગ્યાએ નાયકની ત્યાં હાજરી હોય જ, એ જરા વધારે પડતું લાગે છે. દરેક વખતે લેખકે તેનું યોગ્ય કારણ આપવાનો પણ પ્રયત્ન કર્યો છે.ઘણી વાર એ કારણ ગળે ઉતરે તેવું હોય છે અને ઘણી વાર ‘વિલિંગ સસ્પેન્શન ઑફ ડિસબિલીફ’ વડે વાચકે કામ ચલાવવું પડે છે.

          આર્થર હેઈલીની નવલકથાઓ વાંચનાર તેમની શૈલીથી પરિચિત જ હશે. તેમની શૈલી એવી હતી કે કોઈ એક ક્ષેત્રમાં ખૂબ જ ઊંડા ઉતરવું અને ત્યાંથી જ કોઈ વાર્તા મળી આવશે.જેમ કે હોટેલ, વ્હીલ્સ, હોસ્પિટલ, એરપોર્ટ, ધી મની ચેન્જર. ‘કર્ણલોક’માં ધ્રુવ ભટ્ટે અનાથાલયોના ક્ષેત્રમાં કદાચ એમ જ કર્યું છે.કેટલીય વખત એમનું ‘ઇનસાઈડર્સ નોલેજ’આપણને ચમકાવી દે તેવું છે. જેમકે અનાથાશ્રમમાં આવનારા મુલાકાતીઓ બધા બાળકોને કહેતા હોય કે હું તો તમારી મા ગણાઉં કે તમારો બાપ કહેવાઉં. તેના વિશે નાયક કહે છે,‘બહારથી આવનારા મુલાકાતીઓ પણ એવું માનીને જ આવતાં કે અહીંના નિવાસીને સહુથી વધારે સ્પર્શતી બાબત માતા-પિતા છે...મહેમાનનો પરિચય પણ તે જો પુરુષ મહેમાન હોય તો ‘આપણા છત્ર કે આપણા સહુના મોભી’કહીને અને સ્ત્રી મહેમાન હોય તો ‘આપણા બધાની માતા’ કહીને અપાતો.’ (પેજ ૪૭) નાના બાળકોની સફાઈ થતી જોઈને નાયક વિચારે છે, ‘બે દિવસથી માંડીને વરસ દિવસ સુધીનાં છોકરાં એઠાં કપ-રકાબીની જેમ સાફ થતાં જોયાં...’(પેજ ૫૪)ભેટમાં મળતાં રમકડા દરેક ઑડિટ વખતે ગણાવાં પડે.તે તૂટી ગયાં હોય તો તેને ચોપડેથી સરળતાથી કાઢી નથી શકાતાં માટે તેને તૂટે નહિ તેમ કબાટમાં મૂકી રખાય છે. તે જોઈને નાયક વિચારે છે, ‘વિચિત્રતા તો એ છે કે જે મકાનમાં ચીજ-વસ્તુ ચોપડેથી કમી કરવાની ન થાય તેની આટલી કાળજી લેવાય છે તે જ મકાનમાં રહેતાં બાળકોમાંથી કોઈનું પણ નામ ચોપડેથી કાઢી નાખવું સાવ સહેલું છે. (પેજ ૫૬) ‘ત્યાં વસતાં કે કામ કરતાં, દરેકની ઇચ્છા હોય છે કે ભાંગી તૂટી લારીમાંથી ટ્રક કે બસમાં ચડીને દૂર નીકળી જતા સામાનની જેમ પોતે પણ કોઈ નવા માર્ગે જઈ શકે.’ (પેજ ૧૧૩) અનાથાશ્રમમાં બાળક જેમ જેમ મોટું થતું જાય તેમ તેમ તેની દત્તક લેવાવાની સંભાવનાઓ ઘટી જાય છે, એ જોઈને નાયક વિચારે છે, ‘મોટા થવાનું દુઃખ કેટલી નાની ઉમ્મરે શરૂ થઈ જાય છે,’ (પેજ ૧૧૫) ‘પૃથ્વી પર કદાચ આ એક જ જગ્યા એવી છે જેને છોડી દીધા પછી યાદ કરવાની નથી. જ્યાં બાળપણ વીત્યું, ઊછર્યાં, જ્યાં રહીને ભણ્યાંગણ્યાં તે જ સ્થળને ભૂલવાની મથામણ કરવાની.’ (પેજ ૧૯૯)

          આખી નવલકથાની સૌથી સૂચક વાત તો એ છે કે પહેલેથી છેલ્લે સુધી નાયકનું નામ ક્યાંય આવતું જ નથી. કદાચ લેખક દ્વારા વાચકોને આ એક પડકાર છે. આમ તો વાચકને કોઈ પણ કથાના નાયક બનવું ગમતું હોય છે. શું આ કથાના નાયક બનવું ગમશે? અથવા લેખક એમ કહેવા માંગે છે કે આ કોઈ વ્યક્તિ વિશેષની નહિ પણ દરેક માનવની વાત છે, તમને ગમે તે નામ રાખી લો!

(આ લેખમાં રેફરેન્સ માટે નવલકથાની ૨૦૦૫ ની પહેલી આવૃત્તિ ઉપયોગમાં લીધેલ છે.)

9 ટિપ્પણીઓ:

 1. ખૂબ જ સરસ આલેખન અને વિષ્લેષણ. આપની કલમને સલામ છે. ધ્રુવભટ્ટ મારા પણ અતિપ્રિય લેખક છે. સમુદ્રાન્તિકેની નાયિકા અચલ નહીં પણ અવલ છે. જરા સુધરો કરી લેશો.

  જવાબ આપોકાઢી નાખો
  જવાબો
  1. હીનાબહેન, આજે જ તમારી કૉમેન્ટ જોઈ. આભાર અને અવશ્ય સુધારો કરીશ.

   કાઢી નાખો
 2. ધ્રુવ ભટ્ટના ઘણા (લગભગ બધા) પુસ્તક વાંચ્યા છે, કર્ણલોક ચાલે છે. અકુપાર નાટક પણ જોયું છે અને અગ્નિ કન્યા ની કાગ-ડોળે રાહ જોઈ રહ્યો છું.
  લેખક ની, સ્ત્રી પત્રો તરફે વધારાનો લગાવ આંખે ઉડીને વળગે જ :)
  નાયક ભલે પુરુષ હોય પરંતુ મને તો નાયક હંમેશા સ્ત્રી જ લાગી છે, પછી તે દુર્ગા હોય, દ્રૌપદી હોય.....
  એમની, ગાય તેના ગીત પણ મજાની છે.
  બધું વંચાઈ જાય એટલે એમને રૂબરૂ મળવા જવું છે :), વાતચીત કરવા નહી - મૌનચીત કરવા ;)

  જવાબ આપોકાઢી નાખો
 3. ધ્રુવ ભટ્ટ, ફકત વાચવા જેવા જ નહીં પણ મળવા જેવા સાહિત્યકાર. એમની દરેક કૃતિ માણી છે અને મુલાકાત પણ યાદગાર રહી છે.

  જવાબ આપોકાઢી નાખો
 4. ધ્રુવ ભટ્ટ, ફકત વાચવા જેવા જ નહીં પણ મળવા જેવા સાહિત્યકાર. એમની દરેક કૃતિ માણી છે અને મુલાકાત પણ યાદગાર રહી છે.

  જવાબ આપોકાઢી નાખો
 5. આભાર નેહાજી. આપની વાત સાથે સહમત છું.

  જવાબ આપોકાઢી નાખો
 6. જ્યારે ધ્રુવ ભટ્ટ સાહેબની નવલકથા વાચતો હોવ તો એક અલગ દુનિયામાં જતો રહુ છુ. એક જાદુ છે તેમની નવલકથા મા. તિમિરપંથી, અતરાપી, અગ્નિકન્યા, તત્વમસિ, અકુપાર, લવલીપાન હાઉસ, પ્રતિશ્રૃતિ અને આજે કર્ણલોક વાચી. તેમની રચના વાંચી મને પણ લખવાની પ્રેરણા મળે... સાચુ કહુ તો એમના માટે શબ્દ નથી.. એમની રચનાજ અતુલ્ય છે....

  જવાબ આપોકાઢી નાખો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.