![]() |
શ્રી રજનીકુમાર પંડ્યા |
![]() |
'એકલપંખી' |
પ્રથમ પ્રકરણના અંતે રાધા જ્યારે વિરાજના સંદર્ભે એમ વિચારે છે કે ‘પણ હવે એ આવશે? ક્યારે આવશે?’ ત્યારે આપણને એમ થાય છે કે ‘ડેડી અંકલ’ વિરાજ અને રાધા વચ્ચે પ્રણયનું બીજ વવાયું. આગળ જતાં અવારનવાર રાધાના મનમાં વિરાજના વિચાર મૂકી લેખક આપણી એ આશાને પાણી સિંચતા રહે છે. જેમ કે સ્વામીજીની કુટિરે વિરાજ મળી જાય છે ત્યારે રાધા વિચારે છે ‘બધા જોડે કરવાની એને ટેવ નથી, પણ આની જોડે ટપાટપીનું જાણે કે ઝનૂન જ ચડે છે. કારણ શું?’ (પેજ ૧૯) જ્યારે રાધા ફરી વાર સ્વામીજીની કુટિરે જાય છે ત્યારે તેના મનમાં વિચાર આવે છેઃ ‘વિરાજ ત્યાં જોવા મળી જાય તો કેવું? (પેજ ૧૧૩) પ્રકરણ ૧૫ માં રાધા અમેરિકન મુરતિયા વાળા પ્રકરણનો અંત આણીને તેના ઘરે પાછી ફરે છે એજ પ્રકરણના અંતમાં તેનું અને વિરાજનું પુનર્મિલન થાય છે ત્યારે આપણને એમ થાય છે કે ખોટી પસંદગી કરીને પસ્તાયેલી રાધા તેના દિલની વાત સાંભળીને હવે વિરાજની દિશામાં વળશે. પણ કથાના અંત સુધી ક્યાંય એવું બનતું નથી અને એ બીજ પણ અંકુરિત થયા બાદ રોળાઈ જાય છે. ઉલટાની ત્યાંથી પાછી કથા વાસંતી તરફ વળે છે અને કથાની નાયિકા રાધાની વાત તો રહી જ જાય છે. છેક છેલ્લા પ્રકરણમાં વિરાજ રાધાને પત્ર લખે છે અને આવી કોઈ વણસર્જાયેલી પ્રેમકથાનો ઉલ્લેખ કરી લે છે, પણ એ અધૂરું લાગે છે.
ત્રીજા પ્રકરણની શરૂઆતમાં રાધાના મનમાં લગ્ન કરવા વિષે કેમ નકાર છે તેનું કારણ જાણવા મળે છેઃ ‘ધારી લો કે મુરતિયો જોઈને, એને અમેરિકામાં કિંડર ગાર્ટન છે અને કદાચ એ વાત પર પણ મન ડગી જાય, ને બા-બાપુજીની ઝંખના પૂરી કરવાના ઇરાદાથી પણ મન ચલિત થઈ જાય તો પછી લગ્ન તો એ લોકો તરત જ માગે. ને તો પછી બાનું શું? એને થોડો જુવાન કંધોતર છે?’ (પેજ ૨૩) આ વાંચીને આપણા મનમાં થાય છે કે આ કથા એ નાયિકા રાધાની છે જે મા-બાપના ઘડપણને સાચવવા માટે પોતાના વિરાજ સાથેના પ્રણયનું બલિદાન આપશે અને હંમેશા મા-બાપની સેવા કરતી ‘એકલપંખી’ બની રહેશે. પરંતું આ કથાબીજ પણ સંપૂર્ણ વિકાસ પામતું નથી. પ્રણયકથા તો નથી જ સર્જાતી, પરંતું સાથે સાથે કથા પણ એવી બે અજાણી દિશામાં ઘસડાઈ જાય છે કે આ એંગલ તો તદ્દન ભુલાઈ જ જાય છે અને બીજું બીજ પણ અંકુરિત થયા બાદ રોળાઈ જાય છે.
ચોથા પ્રકરણમાં રાધાની સહેલી વાસંતીના કુકર્મનું બીજ રોપાય છે અને આપણને લાગે છે કે કથાના કેન્દ્રમાં બાળકોને ચાહતી નાયિકા રાધા અને બાળકોનું શોષણ કરતી વાસંતી વચ્ચેનો સંઘર્ષ હશે પણ એમ પણ થતું નથી. વાસંતી વાળી વાતને કથામાં જરૂરી જગ્યા મળી છે પણ એ ભાગ આ નવલકથાનો અભિન્ન હિસ્સો બની નથી શકતી. જો આખી વાસંતી વાળી વાત કથામાંથી કાઢી નાખવામાં આવે, તો કથાનો જે બીજો અમેરીકન મુરતિયા વાળો ભાગ છે તેમાં કોઈ ફર્ક નથી પડતો. ઉલટાનું એમ લાગે છે કે બાળશોષણના બે અલગ-અલગ બનાવોને લેખકે થોડાક બહેલાવીને મારી મચડીને એક નબળી નવલકથા લખી છે.
પાંચમા પ્રકરણમાં અમેરિકન મુરતિયા રૂપેશની વાત શરૂ થાય છે અને પછી તેને કેન્દ્રમાં રાખીને એક પછી એક ઘટનાઓ એમ બનતી રહે છે કે વાસંતી વાળી વાત લગભગ ભુલાઈ જાય છે. કશું જ વિચાર્યા વિના માત્ર લાગણીના લલકારે રૂપેશને શબ્દશઃ અધરસ્તે છોડીને અકસ્માતનો ભોગ બનેલા બાળકની શોધમાં એકલી નીકળી પડેલી રાધા પહેલી વાર ‘એકલપંખી’ની પરિસ્થિતિમાં હોય તેમ આપણને લાગે છે. એમ લાગે છે કે કથા તેના શિર્ષકને જીવી જશે. પણ ત્યાં જ તેને અણધારી ઈશ્વરી મદદની જેમ સુલભાદી મળી જાય છે અને પછી આખી કથામાં ક્યાંય રાધા નામનું પંખી એકલું પડતું જ નથી! રાધાના એકલા રહેવાના નિર્ણયની ભૂમિકા આખી કથામાં બંધાતી રહે છે પણ રાધા બસની મુસાફરી સિવાય ક્યાંય એકલી પડી જ નથી. વાર્તાના અંતે વિરાજના પત્રના જવાબમાં રાધાએ લખેલ ‘એકલપંખી’ જાણે કે નવલકથાના શિર્ષકને જસ્ટિફાય કરવા માટે જ લખાયું હોય તેમ લાગે છે.
સુલભાદી અને તેના પતિના સંબંધની વાત પણ કથામાં ક્યાંય બંધ બેસતી નથી, તે માત્ર એક સમસ્યાને વાચા આપવાનો પ્રયાસ હોય તેમ લાગે છે. જો આ આખી વાતને કથામાંથી દૂર કરવામાં આવે તો ક્યાંય પણ રસક્ષતિ થશે નહી.
ત્રીજા પુરુષની કથનરીતિથી આલેખાયેલી આ સમગ્ર નવલકથામાં ક્યાંક-ક્યાંક એવા વાક્યો આવી જાય છે કે આપણને સવાલ થાય કે અચાનક લેખકની શૈલી બદલાઈ ગઈ કે પછી આ મુદ્રણદોષ માત્ર છે? જેમ કે પેજ નંબર ૮૯ પર ‘પીડાનો માર્યો જ હશે પણ મને લાગ્યું કે એણે મને મારી ફિલિંગની પહોંચ આપી.’ આમાં મને એટલે કોણ? પેજ નંબર ૧૦૯ પર પણ આવું જ જોવા મળે છેઃ ‘મને કોણ જાણે કેમ આખા શરીરે એની શીત વળતાં હોય એમ લાગ્યું.’ અને એજ પેજ પર પછીના જ ફકરામાં પણ ‘મને એણે કહ્યું’ જેવું વાક્ય આવે છે. કથનરીતિમાં અચાનક થતો આ ફેરફાર પણ આપણને જરાક ચકિત કરી દે તેવો છે.
દર સપ્તાહે એક-એક પ્રકરણ લખાતી નવલકથાની હકારાત્મક બાજુ એ હોય છે કે લેખકે દરેક વખતે વાચકને બીજા સપ્તાહ સુધી પકડી રાખે તેવું લખવું પડતું હોય છે અને માટે કથામાં ખેંચાયેલ ધનુષની પણછ જેવી ચુસ્તી જળવાઈ શકે છે અને સરવાળે નવલકથાનું સ્તર ઊચું આવે છે. પણ ઘણીવાર એનાથી ઉલટું પણ બને છે. ક્યારેક અંગત કારણોસર લેખક આખા સપ્તાહ દરમિયાન લખી જ શકતો નથી અને છેવટે ડેડલાઈન જાળવવા એક નબળું પ્રકરણ પણ લખવું પડે છે. ‘એકલપંખી’ના પ્રકરણ ૧૩ માં કદાચ આમ જ થયુ લાગે છે. પહેલા ચાર પેજ તો માત્ર રિપિટેશન જ છે, જે ટાળી શકાયુ હોત. તેનાથી કથામાં કોઈ હેતુ સિદ્ધ થતો નથી કે નથી કથા આગળ વધતી.
શૈલી અને ભાષા એ લેખકની આગવી ઓળખ હોય છે અને રજનીકુમાર પંડ્યા પાસે તે બંને છે. ભાષાની વાત કરીએ તો તેમણે કેટલાય એવા શબ્દો વાપર્યા છે જેનો અર્થ શોધવા વાચકે કદાચ પ્રયત્ન કરવો પડે પણ સાથે સાથે જ શબ્દો તેમની શૈલીના આગવા છડીદાર પણ બની જાય છે. જેમ કે ધોંકાવી શકાય (પેજ ૭), ગજવાટના ભણકારા (પેજ ૮૭), વાતાવરણને દુણી નાખ્યું (પેજ ૯૧), કઢાપો (પેજ ૯૮), ધખના (પેજ ૧૦૪), લાગણીનો પુટ (પેજ ૧૦૬), પડપૂછ (પેજ ૧૦૭), મરકલું (પેજ ૧૧૮), બકારી (પેજ ૧૨૩), મન કચોટતું (પેજ ૧૩૫), કચરોપૂંજો (પેજ ૧૪૫), વ્રતવરતોલા (પેજ ૧૪૫), જગતા અંગારા (પેજ ૧૫૫).
શબ્દોની સાથે-સાથે વિવિધ ઉપમાઓ કે રૂપકો પ્રયોજીને આપણા સુધી વાત સરળ પણ સટીક રીતે પહોંચાડવામાં પણ રજનીકુમાર પંડ્યાનો કસબ નોંધવો રહ્યોઃ પાણીમાં તેલનું ટીપું પડે ને રંગોળી બનવા માંડે એમ આખા પરિવારનું ચિત્ર મનમાં રમવા માંડ્યું. (પેજ ૩) એ જોઈ શકતી હતી કે પોતે એક બાળકને કદાચ મોતના મુખમાં ધકેલી દીધો છે એ હકીકતનો કોઈ જ પસ્તાવો આ માણસની સિકલ ઉપર વરતાતો નહોતો. ઊલટાનું કોઈ જંગલી પ્રાણી છંછેડાયું હોય અને જે જાતનો હિંસક ભાવ એના સમગ્ર તંગ શરીરને વીંટળાઈ વળે એવો દેખાવ આનો થઈ ગયો. (પેજ ૪૫) કોઈ ફળને ચાખ્યા પહેલાં જ એની કડવી ગંધથી મન ઉબાઈ જાય તેમ લગ્ન નામની ચીજથી મન ઉબાઈ રહ્યું હતું (પેજ ૫૪) જાણે કે પગની પિંડી ઉપર જ પ્રહાર થયેલાં હોય એમ ચાલતા હતાં (પેજ ૭૪) અર્ધોપોણો કલાકથી ચાલતા પ્રયત્નો માત્ર પાણી વલોવવા જેવા જ સાબિત થયા હતા. (પેજ ૮૧) અચાનક કોરા આકાશમાં વીજળી ચમકી જાય તેવો એક સવાલ એના મનમાં ઝબકી ગયો. (પેજ ૧૧૩) આજે સ્વામીજી જે કક્ષાએ વિહરે છે એ કક્ષાને કોઈ ગગનચુંબી ઈમારતનું શિખર ગણીએ તો નક્કી એના પાયા આવા શરીર અને મનના પાણીપતની ભૂમિ ઉપર હશે. (પેજ ૧૩૬)
વિચારો સાવ સરળ શબ્દોમાં સમજી શકાય તેમ રજૂ કરવામાં પણ લેખકનું પ્રભુત્વ આ નાનકડા પુસ્તકમાં દેખાઈ આવે છેઃ બોલનારી નજર હતી. જીભ તો કેવળ દુભાષિયો હતો. (પેજ ૮) આ માણસ જો આપણા કહેવાથી જ અહીં ડોકું કાઢવા આવ્યો હોય તો એમાં ભક્તિભાવ ના જ હોય. નર્યું કુતૂહલ હોય. એને દર્શન ના કહેવાય. જોણું કહેવાય. (પેજ ૧૯) એ વિરાજની સાથે નહિ, પણ એને અનુસરીને ચાલતી હતી. (પેજ ૨૮) મારા અવિચારીપણાનો વિચાર કરું છું. (પેજ ૬૧) જવાબ ‘શોધવાની’ જરૂર નહોતી. જવાબ ‘પામવાનો’ હતો. (પેજ ૧૦૩) ઉપદેશો સ્વાદિષ્ટ હોય છે, પણ તેનાથી સદાચાર જન્મતો નથી, મિથ્યાચાર જન્મતો હોય છે. (પેજ ૧૩૯)
શ્રી મનુભાઈ પંચોળી ‘દર્શક’ દ્વારા સર્જાયેલી અમરકૃતિ ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ના બે ભાગ બાદ અધૂરી રહી ગયેલી રોહિણી અને સત્યકામની પ્રણયકથા લેખકે છેક ચાલીસ વર્ષ બાદ ત્રીજા ભાગમાં પૂરી કરી હતી અને તેને પહેલા બે ભાગથી પણ વધારે ઉમળકાભેર આવકાર મળ્યો હતો. કલા અને કલાકારને સ્થળ અને કાળના ભેદ નથી નડતા. માટે આપણે આશા રાખીએ કે ‘એકલપંખી’ના લેખક શ્રી રજનીકુમાર પંડ્યા તેમની આ અધૂરા માસે અવતરેલી નવલકથાને ઇક્યુબેટરમાં રાખે અને તેમને યોગ્ય લાગે તે સમયે તેમણે વાવેલા બીજ ઉગાડીને આ નવલકથાનો બીજો ભાગ લખે. જો એમ નહી થાય તો લેખક અને ભાવક બંને પક્ષે એક વસવસો જરૂર રહી જશે.
No comments:
Post a Comment
આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.