તાજેતરની પોસ્ટસ

સપ્ટેમ્બર 18, 2011

યુ.કે. બાઇટ્સઃ શેક્સપિયરના ગ્લોબ થિયેટરમાં, બીજી વાર


શેક્સપિયરનું ગ્લોબ થિયેટર, લંડન

હસવું અઘરું છે અને હસાવવું તેથીય અઘરું છે. તેમાંય હાસ્યાસ્પદ બન્યા વિના હાસ્યરસપ્રધાન નાટક લખવું તો ખૂબ અઘરું છે. પણ મહાનત્તમ નાટ્યકાર શેક્સપિયરે તો પરાક્રમ કેટલીય વાર કરી બતાવ્યું છે. તેમના ગ્લોબ થિયેટરમાં એક ટ્રેજડી જોયા બાદ જ્યારે કોમેડી જોવાનો મોકો મળ્યો ત્યારે ફરી એક વાર ગુજરાતમાં નાટ્ય સંસ્કૃતિની થયેલી અવદશાના વિચારો આવ્યાં.
નાટક હતું મચ અડુ અબાઉટ થિં અને ખરેખર તે આનંદદાયક હતું. તેની વાર્તા તો બધાને ખબર છે. નાટકે અસંખ્ય એવી બોલિવુડ અને હોલિવુડની ફિલ્મોને પ્રેરણા આપી હશે કે જેમાં નાયક અને નાયિકા એક બીજા સાથે ઝઘડતા હોય અને તેમાંથી પ્રેમમાં પડે. અઢાર અદાકારો અને પાંચ સંગીતકારો સાથે રજૂ થયેલ નાટકના મંચનમાં કેટલાક પ્રયોગો થયા હતાં.
ગ્લોબનું રંગમંચ
ઊડીને આંખે વળગે તેવો પ્રયોગ હતો અદાકારોના વસ્ત્રોનાકલર સિમ્બૉલિઝમનો. જેમકે ખલનાયક ડોન જ્હોન હંમેશા કાળા વસ્ત્રોમાં રજૂ  થતો, નાયક ખુશ હોય તો લાલ વસ્ત્રોમાં અને સામાન્ય હોય તો અન્ય રંગના વસ્ત્રોમાં રજૂ થતો. નાટકમાં નાયિકા બિએટ્રિસ બાદ સૌથી અગત્યનું સ્ત્રી પાત્ર ભજવનાર હિરો (સ્ત્રીપાત્રના નામમાં પણ કદાચ રમૂજ કરવાનો પ્રયાસ હશે!)ના મૃત્યુ વખતના દ્રશ્યમાં બધા પાત્રો કાળા વસ્ત્રોમાં હાજર થાય છે તો ક્લોડિયો અને હિરોના લગ્ન પ્રસંગે જાણે કે મંચ પર રંગોનો મેળો ભરાય છે.
બીજો પ્રયોગ હતો થિયેટરના રંગમંચ સિવાયના ભાગનો ઉપયોગ. પહેલા દ્રશ્યમાં ડોન પેદ્રો સ્ટેજના પાછળના ભાગેથી નહી પરંતું થિયેટરના દર્શકો માટેના એક દરવાજામાંથી પ્રવેશ લે છે. લગ્નના દ્રશ્ય વખતે હિરો અને તેના પિતા પણ એવી રીતે પ્રવેશે છે. તે દ્રશ્ય વખતે તો છેક ઉપરની બેઠકમાંથી કોઈ ફૂલો પણ વરસાવે છે. બે અદાકારો વિશાળ મુખૌટા ઓઢીને તે વખતે અન્ય બે અલગ-અલગ દરવાજાઓમાંથી પ્રવેશે છે, યાર્ડમાં ઉભા રહેલા દર્શકો વચ્ચે ફરીને બહાર નીકળી જાય છે.
ત્રીજો પ્રયોગ હતો સીધો ઓડિયન્સ સાથે ઇન્ટરેક્ટ કરવાનો. સામાન્યતઃ કોઈ શેક્સપિરિયન નાટકમાં આપણે અપેક્ષા રાખીએ પણ ગુજરાતમાં ભજવાતી પારંપરીક ભવાઈની જેમ પાત્રો કેટલીય વાર સીધા દર્શકો સાથે ઈન્ટરેક્ટ કરતાં હતાં. તેમાં સૌથી આગળ હતી નાયિકા બિએટ્રીસ જે સ્ટેજની ત્રણેય બાજુ ફરીને દર્શકો સાથે આંખોમાં આંખો મિલાવી કેટલીય વાર અભિનય દરમિયાન જાણે તેમના અભિપ્રાયની રાહ જોતી હોય તેમ અટકી જતી અને થોડીક વાર પછી તેમની સામે ઈશારો કરીને અભિનય સંધાન કરતી. એક રડવાના દ્રશ્યમાં છેક સ્ટેજની ધાર પાસે આવીને તે નમાઝ પઢતા મુસલમાનની જેમ બેસી ગઈ અને યાર્ડમાં ઉભેલા એક દર્શકનો હાથ પકડીને રડતી રહી. જોકે અભિનય દ્વારા તેણે કરુણ દ્રશ્યમાં પણ હાસ્ય નિસ્પન્ન કર્યું હતું. નાટકના અંતે તેણે દર્શકને યાદ રાખીને પોતાના હાથમાં રહેલા ફૂલ પણ આપ્યા હતાં. નાટકમાં આવતો સંવાદ ‘He that has a beard is more than a youth; and he that has no beard is less than a man.’ બિએટ્રીસ એક ક્લીન-શેવ દર્શકની સામે જોઈને બોલે છે અને બધા એટલા ખડખડાટ હસે છે કે ન પૂછો વાત! જોકે પછી ‘Not him’ કહીને તે દર્શકને માઠું ન લાગે તેમ વાતને વાળી પણ લે છે. નાયક બેનેડિક જ્યારે પોતે લખેલા ઢંગધડા વગરના પ્રેમપત્રની પ્રથમ પંક્તિ વાંચતો હોય છે ત્યારે કોઈ દર્શક જોરથી હસે છે અને તે તરત તેની તરફ જુવે છે, પછી તે બીજી પંકિત વાંચે છે અને પાછળથી બીજો દર્શક હસે છે ત્યારે તે પાછળ ફરીને તેને પણ જુવે છે. દ્રશ્ય જ્યારે પૂરૂ થાય છે અને તે બેક-સ્ટેજ જતો હોય છે ત્યારે ટોપ-ટિઅરમાંથી કોઈ કિશોરી હસે છે અને તે સમયે બિએટ્રીસ પાછળ ફરીને, ડોક ઊંચી કરીને તેણી તરફ જુવે છે અને એક્ઝિટ લાઈન તરીકે નાટક બહારનો એક સંવાદ બોલે છેઃ ‘I have to take a photo of her’ ત્યારે ખૂબ નવાઈ લાગે છે. જોકે બધી વસ્તુઓ કોમેડીના મૂડને અનુરૂપ હોઈ ગમે તેવી છે, ખટકે તેવી નહી.
નાટકમાં પ્રોપ્સ ઘણાં બધા વાપરવામાં આવ્યા હતાં. અભિનેતાના હાથમાં જો પાત્ર હોય તો તેમાંથી છલકાતું પીણું પણ દેખાતું (મોટા ભાગે ખાલી પાત્ર વપરાતા હોય છે.) શરણાઈ, ડ્રમ અને બીજા ત્રણેક વાજિંત્ર વાપરીને પ્રસંગોપાત સંગીત આપવામાં આવ્યું હતું. લિઓનાટો, ડોન પેદ્રો અને ક્લોડિઓ બેનેડિકને બિએટ્રિસના પ્રેમ માટેકન્વિન્સકરવાનો પ્રયાસ કરે છે અને બેનેડિક તેમને છુપાઈને સાંભળે છે તે દ્રશ્ય ખૂબ સરસ રીતે ભજવાયું હતું. એવી રીતે હિરો અને તેની અટેન્ડન્ટ બિએટ્રીસને બેનેડિકના પ્રેમ માટેકન્વિન્સકરવાનો પ્ર્યાસ કરે છે અને બિએટ્રિસ તે છુપાઈને સાંભળે છે તે પણ ખૂબ મનોરંજક રીતે ભજવાયું છે. ( દ્રશ્ય જોઈનેસીતા ઓર ગીતાફિલ્મના એક દ્રશ્યની યાદ આવી ગઈ!) બધા અભિનેતા-અભિનેત્રીઓમાં નાયિકા બિએટ્રીસનો અભિનય અલગ તરી આવતો હતો. એક તો શેક્સપિયર તેની નાયિકાને આમ પણ સુંદર સંવાદો આપે છે અને વધારામાં અભિનેત્રીનો અભિનય પણ જીવંત હતો. તે જ્યારે-જ્યારે સ્ટેજ પર આવતી ત્યારે આખું સ્ટેજ જીવંત બની જતું અને તેની ગેરહાજરી ખરેખર વર્તાઈ આવતી. મધ્યાંત પહેલાની નેવું મિનિટ તો ખૂબ હાસ્યસભર રહી અને બાદની નેવુ મિનિટમાં થોડુંક ગંભીર વાતાવરણ હતું ત્યારે શેક્સપિરિઅન ટ્રેડિશન મુજબ વચ્ચે-વચ્ચે કોમિક રિલી આવ્યા કરતી હતી. અને માત્ર સંવાદો નહી પણ અભિનય દ્વારા પણ હાસ્ય નિસ્પન્ન થતું હતું. બીજા એક્ટના ત્રીજા દ્રશ્યમાં બાલ્થઝારના મુખે ગવાતું ગીતહેય નોની નોનીપણ બધાને ખૂબ હસાવે છે. બેનેડિક અને બિએટ્રીસની વચ્ચે થતી તુ-તુ-મે-મે દરેક વખતે ગમે તેવી છે અને ડોગબેરીનો અભિનય પણ ખૂબ તાલીઓ પડાવી ગયો.
જ્યારે શેક્સપિયરના ગ્લોબ થિયેટરમાં પહેલી વખત જવાનું થયું ત્યારે ઇંગ્લેન્ડની નાટ્ય સંસ્કૃતિ અને ગુજરાતની નાટ્ય સંસ્કૃતિ વચ્ચેના તફાવત ઊડીને આંખે વળગ્યા હતાં. પણ સમયે સ્ટેજ પરહેમલેટભજવાતું હતું માટે મનના કોઈક અજ્ઞાત ખૂણે ગુજરાતી નાટ્ય સંસ્કૃતિના બચાવ માટે એક બહાનું પડ્યું હતું કે આટલા ટ્રેજિ નાટકને દર્શકો ગંભીરતાથી જુવે તો નવાઈ! બહાનું વખતે કોમેડી નાટક જોવા ખેંચી ગયું હતું. મનમાં હતું કે વખતે અહીંના લોકો સ્ટેજની સાચી કદર કરે છે કે માત્ર દેખાવ તેની ખબર પડશે અને ખબર પડી પણ ખરી. ત્રણ ટિઅરમાં આઠસો દર્શક બેઠેલા હતાં અને યાર્ડમાં સાતસો જેટલા ઊભા હતાં. (મારી ટિકિટ ત્રણ મહિના પહેલા બુક થઈ ત્યારે માત્ર યાર્ડની ટિકિટો બચી હતી, સીટો બધી ત્રણ મહિના પહેલા વેચાઈ ગઈ હતી. જ્યારે યાર્ડ માટે વધારાની બે ટિકિટ લેવા મહિના પહેલા પ્રયત્ન કર્યો, ત્યારે તે પણ બુક થઈ ગઈ હતી. મતલબ, શો મહિના પહેલાથી ફુલી બુક્ડહતો.) જ્યારે-જ્યારે કોઈ રમૂજી સંવાદ આવતો કે કોઈ દ્વારા સારો અભિનય રજૂ થતો ત્યારે બધા ખડખડાટ હસતા કે તાલીઓ પાડતાં. પણ ક્યાંય સીટી મારવી કે બૂમો પાડીને કંઈક બોલવાનો પ્રયાસ નહોતો થતો. પરફોર્મન્સ દરમિયાન ખાવા કે પીવાની મનાઈ નહોતી પણ સ્વયંશિસ્તની જેમ કોઈ ખાતું-પીતું નહોતું. એકબીજા સાથે કોઈ વાત કરવી નહી અને જો કરવી હોય તો એકબીજાના કાનમાં કરવી જેથી કોઈને ખલેલ પહોંચે એવો વણલખ્યો નિયમ પણ પાળવામાં આવતો. ઉપરાંત એક બીજી સુંદર વસ્તુની પણ નોંધ લેવી જોઈએ. નાટક જોવા એક સ્કૂલ તરફથી કેટલાક વિદ્યાર્થીઓ અને તેમના શિક્ષક આવ્યા હતાં (વિદ્યાર્થીઓ યુનિફોર્મમાં હતાં માટે ખબર પડી) અને તે બધા પણ યાર્ડમાં ઊભા હતાં. તેમણે પણ સુંદર રીતે શિસ્ત જાળવી. અને એમ પણ કહી શકાય કે શાળા તરફથી એક પ્રસંશનીય પ્રયાસ હતો. જો બાળક નાનપણથી નાટક જોતા શીખે અને તેમાં રુચિ ધરાવતું થાય તો નાટ્ય સંસ્કૃતિ નિઃશંક આગળ ધપવાની છે. (આપણી શાળાઓ પણ આમ કરે તો કેવું?) અહી નાટકોની કદર થાય છે વાત ફરી એક વાર આંખ સમક્ષ સાબિત થઈ.
સાથે-સાથે એક અહેસાસ પણ થયો કે નાટક જોવું પણ એક કલા છે. જોનારમાં સ્વયંશિસ્ત તો હોવી જોઈએ પણ સાથે-સાથે એવી સૂઝ પણ હોવી જોઈએ કે કઈ ક્ષણે સ્ટેજ પર કઈ બાજુ જોવું. આટલા બધા પાત્રોમાં ક્યારે કયું પાત્રે શું કરી રહ્યું છે તે ઘણી વાર ચૂકી જવાય છે.
છેલ્લે-છેલ્લે નાટકના ગમતા સંવાદોઃ
·   How much better is to weep at joy than to joy at weeping!
·  Messenger: I see, lady, the gentleman is not in your books./ Beatrice: No; and he were, I would burn my study.
·    I had rather hear my dog bark at a crow than a man sear he loves me.
·   I would my horse had the speed of your tongue, and so good a continuer.
·   He that has a beard is more than a youth; and he that has no beard is less than a man.
·   Speak low, if you speak love.
·   Friendship is constant in all other things,/ Save in the office and affairs of love:/ Therefore all hearts in love use their own tongues;/ Let every eye negotiate for itself,/ And trust no agent.
·   The world must be peopled. When I said, I would die a bachelor, I did not think I should live till I were married.
·   Some, Cupid kills with arrows, some, with traps.
·   To be a well-favoured man is the gift of fortune; but to write and read comes by nature.
·   For it so falls out /That what we have we prize not to the worth,/Whiles we enjoy it, but being lack’d and lost,/Why, then we rack the value; then we find/The virtue, that possession would not show us/Whiles it was ours.
·   I do love nothing in the world so we as you: is not that strange?
·   For there was never yet philosppher,/That could endure the tooth-ache patiently.

ગ્લોબ થિયેટરની અંદરની વિડીયો ક્લીપ (૩૮ સેકન્ડ્સ) -


પહેલી વારની ગ્લોબની મુલાકાત વખતે લખેલ અહેવાલઃ શેક્સપિયરના ગ્લોબ થિયેટરમાં

3 ટિપ્પણીઓ:

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.