તાજેતરની પોસ્ટસ

સપ્ટેમ્બર 01, 2011

અશ્વિની ભટ્ટની વાચાળ નવલકથા ‘ફાંસલો’ - ૪


અશ્વિની ભટ્ટ
આગળ નોંધ્યું તેમ ગોવિંદના પાત્ર દ્વારા જાણે અશ્વિની ભટ્ટ પોતે જ બોલતા હોય તેમ લાગે છે અને માટે જ આ નવલકથામાં અશ્વિનીજી વાચાળ રહ્યાં હોય તેમ લાગે છે. પહેલી વાર વાંચતા તો ધસમસતા કથાપ્રવાહમાં ખબર ના પડે કે અશ્વિનીજી બોલી રહ્યાં છે પણ ફરી વખત નવલકથા વાંચતા જરૂર પ્રશ્ન થાય કે અશ્વિની તેમના મિત્રોને (કાંતિ રામી અને નિરંજન) તો સંબોધી નથી રહ્યાંને? જોકે લેખકની કોઈ પણ માન્યતા કે ફિલોસોફી આવી રીતે સ્પષ્ટ શબ્દોમાં અભિવ્યક્ત થાય તેને યોગ્ય માનવામાં નથી આવતું. દલીલ કરનારા એમ પણ કહી શકે કે પોતાની માન્યતા કે ફિલોસોફી રજૂ કરવા લેખકે નવલકથા નહીં પણ નિબંધ લખવો જોઈએ. પણ ‘ફાંસલો’માં આ બધી વાતો સાવ નિરસ પણે નિબંધ સ્વરૂપે રજૂ નથી થઈ. તે કથાના નાયક અને અન્ય પાત્રો વચ્ચે થયેલી બૌદ્ધિક ચર્ચાના રૂપે રજૂ થઈ છે. કથાના પાંચ મુખ્ય પાત્રો દ્વારા સર્જાતી કથાની કેન્દ્રવર્તી ઘટનાનું નેપથ્ય અને તેની પાછળ રહેલી વિચારસરણી રજૂ કરવા આ વાતો રજૂ થવી જરૂરી હતી. જો તેમ ન થયું હોત તો આ લૂંટ અને અન્ય લૂંટમાં કોઈ ફેર રહેત નહિ. માટે ગોવિંદના મુખેથી પહેલા ભાગમાં પ્રગટ થયેલા અશ્વિની ભટ્ટ અપથ્ય નથી લાગતા. ગોવિંદના કેટલાક વિચારોઃ
ગાંધી પણ એટલો જ ક્રાન્તિકારી આદમી હતો જેટલો માઓ અને લેનિન. સમાજની પરિસ્થિતિ બદલાય તેમ ક્રાન્તિનાં સાધનો પણ બદલાય. અહિંસા અને હિંસાની ચર્ચા કાઢીને પાછા આપણે સમય બરબાદ ન કરીએ. ગાંધીની પાસે જે લક્ષ્ય હતું તે લક્ષ્ય માટે તેમણે જે સાધન વાપર્યું તે યોગ્ય હતું, કારણ કે એ સફળ થયું. સાધનની યોગ્યતા સફળતા પછી જ નક્કી થાય છે.’ (પેજ ૨૨)
તને ખબર છે, આ દેશ આશ્રમોથી છલકાયેલો છે...જિગર...અમેરિકામાં કે વેસ્ટ જર્મનીમાં, ઇંગ્લૅન્ડ કે ફ્રાંસમાં જેટલાં દારૂના પીઠાં છે તેના કરતાં આ દેશમાં આશ્રમોની સંખ્યા વધારે છે.’ (પેજ ૨૭)
ગાંધીએ અહિંસાનું શસ્ત્ર આપ્યું, કારણ તે શાણો આદમી હતો. કાંડા વગરના માણસના હાથમાં શસ્ત્ર મૂકવાનું જોખમ લેવા એ વાણિયાનું મન ના કહેતું હશે...તેને તો પૂરો ખ્યાલ હતો કે દેશમાં માટીપગાની મોટી ઓલાદ છે. ગારાના લોકોનું સૈન્ય બની ન શકે.’ (પેજ ૨૮)
હજુ આપણે આપણાં કહેવાતાં મૂલ્યોની બહાર આવ્યા જ નથી. આપણે આપણી જાતનો વિરોધ કરતાં શીખ્યા નથી.....નહિ તો અછૂતો આ દેશમાં, આ જમાનામાં હોય કેવી રીતે? ધર્મના આટલા ચોકા શા માટે હોય? કોમવાદ શા માટે હોય? જ્ઞાતિઓ શા માટે હોય?....આ બધો પૅરેડોક્ષ છે. પણ એ જારી રહ્યો છે, જારી રાખવામાં આવ્યો છે. એ ખૂબી છે. પોલિટિક્સ, સ્ટ્રૅટેજીની ખૂબી છે. સેક્યુલારિઝમનાં ભાષણો કરો પણ ટિકિટો જ્ઞાતિ ને જાતિને ધોરણે આપો. આ રાજકીય સમીકરણો છે જિગર, કાયદા એવા ઘડો કે મજૂરો ખુશ થાય...કૉર્પોરેટ ફાઈનાન્સનાં કૌભાંડો થઈ શકે...હડતાલો પડવા દો અને મૂડીવાદીઓને થાબડો, મજૂરોને માટે ચંદો એકઠો કરો...અને લડાવો અને પછી સમાધાન કરાવો...બે બિલાડી અને વાંદરાનું દ્રષ્ટાંત છેક ઈસપના સમયથી ચાલ્યું આવે છે. ધર્માંધતાને ગાળો દો, અને તિરુપતિમાં ફૂલ ચડાવો. ધર્મનું ખંડન કરો અને શંકરાચાર્યના આશીર્વાદ મેળવો...ગૌવધ ચાલુ રાખો અને પવનાર શાંતિ માટે જાઓ...ક્યાં નથી વિરોધાભાસ? અરે જિગર, મારા દોસ્ત...વિરોધાભાસથી તો આ દેશમાં સત્તાઓ ટકી રહી છે. પી.ડબલ્યુ.ડી. ના પટાવાળાને લાંચ લેતાં પકડો અને સિમેન્ટની થેલીઓ વેચો...માઈ ડિયર, લિસ્ટ એટલું લાંબું છે કે ખુદ ગણપતિ આવે તો પણ ડિક્ટેશન ન લઈ શકે.’ (પેજ ૨૯)
બે હજાર વર્ષથી આપણો આખો દેશ એક જડતામાં જીવે છે. ધ રૂલિંગ ક્લાસ...એ પછી બ્રાહ્મણો હોય કે રાજકારણીઓ હોય, ધર્મવડાઓ હોય કે પંડાઓ હોય...તેમણે એક જ વાતનું ધ્યાન રાખ્યું છે. લેટ ધૅમ રિમેન ઈમ્બેસાઈલ્સ...ગમે તે આવો...દિલ્હીના તખ્ત પર બેસો...પણ અમારું તો આમ જ ચાલવા દો...આ શું બની શકત? પણ એ બન્યું...કારણ...અ દેશના લોકોને ગળથૂથીમાં જ ઉદાસીનતા મળેલી છે. ગાંધીએ એ હઠાવવાનો પ્રયાસ કર્યો, પણ તેમાંથી પેદા થયેલા રૌદ્રને સંહારવાનું શસ્ત્ર તેની પાસે ન હતું. માઓએ એ શસ્ત્ર અનામત રાખ્યું. રાજ્યની ધુરા હાંસલ કર્યા પછી એમ કહેવાય છે કે દેશમાંથી ચૂંટી ચૂંટીને પંદર હજાર માણસોનેનેતાઓને ઠાર મારવામાં આવ્યા હતા...વેલ...ગાંધી એ ન કરી શક્યા...વેલ. જવા દે આ બધી ચર્ચા પણ એક વાત મારે ગળે ઊતરી છે, જિગર, કે ઉન્મૂલન વગર નવનિર્માણ શક્ય નથી અને નવનિર્માણ વગર આ દેશના રોગોનો નાશ થઈ શકવાનો નથી.’ (પેજ ૨૯)
હતાશ આદમીઓ ઈશ્વરનો આશરો લે છે. મંદિરો કે મસ્જિદો કે ગિરજાઘરો તો માનવીની લઘુતાનું પ્રતિક છે. જે જાતે લઘુતા અનુભવે છે તેને ક્યારેય સાચું દર્શન થતું નથી...હી ફાઇન્ડ્ઝ એસ્કેપ ઇન ગોડ...ઇન રિલિજિયન...ઇન ડિવાઈન જસ્ટિસ...ધૅર ઇઝ નો જસ્ટિસ બિયૉન્ડ એ સોશિયલ કૉન્ટ્રેક્ટ. ઍન્ડ એ સોશિયલ કૉન્ટ્રેક્ટ ઈઝ ઓલવેઝ બેઈઝ્ડ ઑન ધ માઈટ ઑફ મેન હુ રાઇઝ ટુ રૂલ.’ (પેજ ૬૬)
કાયદો હાથમાં લેવાનું કોઈને ગમતું નથી. પણ જ્યારે કાયદાના હાથ હેઠા પડતા હોય ત્યારે શું માનવીએ હાથ જોડીને બેસી રહેવું? જેના હાથમાં અનુશાસન હોય તે જ જો કાયદો ખિસ્સામાં લઈને ફરતા હોય તો પ્રજાને પણ કાયદો હાથમાં લેવામાં નૈતિક મૂલ્યો શા માટે નડવા જોઈએ? જો ન્યાય મેળવી શકાતો ન હોય તો ન્યાય શબ્દનો અર્થ શું રહે છે?’ (પેજ ૮૦)
ખુરસીની ખેંચાખેંચ કરવાની...તક મળ્યે પગ હેઠળથી શેતરંજી ખેંચી લેવાની...પણ ખાવાનું એક જ થાળીમાં...થાળી નહિ ઝૂંટવી લેવાની...એ થાળી ઝૂંટવવાની નહિ...થાળી તો સાધન છે. રમતનું સાધન. ન સમજ્યા? ખરેખર તમે વધારે પડતા ભોળા લાગો છો. કરપ્શન...હાસ્તો એ જ થાળી...એ જ. સત્તા પર આવીને વિરોધીઓ વિશે તપાસપંચ...બસ કામ પત્યું. તમે હારો એટલે તમારા માટે તપાસપંચ...તમે પત્તા નથી રમ્યા? જુગારમાં રૂપિયાની હાર-જીત થાય છે. પત્તાની જોડ કોઈ ઝૂંટવી જતા નથી. પત્તાની જોડની હારજીત ન થાય સાહેબો...રુશવત તો ઉસૂલ છે...પત્તાની જોડ છે.’ (પેજ ૨૩૬)
(રેફરન્સ માટે ‘ફાંસલો’નું ૨૦૦૯ નું પુનર્મુદ્રણ ઉપયોગમાં લીધેલ છે.)

અશ્વિની ભટ્ટની વાચાળ નવલકથા ‘ફાંસલો’ - ૧ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.