 |
શ્રી અશ્વિની ભટ્ટ |
‘ચંદન’ સાપ્તાહિકના કર્તા-હર્તા શ્રી એચ.એન. ગોલીબારે સતત થ્રિલર અને હોરર નવલકથાઓ લખીને અવિરત સર્જન કરતા રહેવાની અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. પરંતુ તેમની એક સિદ્ધિ એવી છે કે જે ઘણાને આશ્ચર્ય પમાડી શકે અને ઘણામાં ઇર્ષા જગાવી શકે તેમ છે. શ્રી અશ્વિની ભટ્ટે તેમનું પુસ્તક ‘આયનો’ (ISBN 9788184402063) સપ્રેમ તેમને અર્પણ કર્યું છે. તેનું કારણ એટલું જ કે અશ્વિની ભટ્ટે પોતાના નિયમિત વિષયને છોડીને એક એવા
વિષય પર ‘આયનો’ લખી છે જે એચ. એન. ગોલીબાર ઉર્ફે ભોલાભાઈ ગોલીબારનો પ્રિય વિષય છે.
જીવનની ઘરેડમાંથી બહાર આવવું સહેલું નથી અને ખાસ કરીને ત્યારે જ્યારે એ ઘરેડે તમને સફળતાના શિખરો પર પહોંચાડ્યા હોય. પણ અશ્વિની ભટ્ટ આ બાબતમાં બધાથી અલગ તરી આવતા લેખક છે. અશ્વિની ભટ્ટના પુસ્તકો ‘લજ્જા સન્યાલ’, ‘શૈલજા સાગર’, ‘નીરજા ભાર્ગવ’, ‘ફાંસલો’, ‘અંગાર’ અને ‘કટિબંધ’ ને આપણે ક્રાઈમ થ્રિલરની કક્ષામાં મૂકી શકીએ તો ‘આશકા માંડલ’, ‘ઓથાર’ અને ‘આખેટ’ને હિસ્ટોરીકલ ફિક્શનની કક્ષામાં મૂકી શકાય. ‘કસબ’, ‘કરામત’ અને ‘કમઠાણ’ લઘુનવલ છે અને તેમાંય ‘કમઠાણ’ તો ગુજરાતીમાં ભાગ્યે જ જોવા મળે તેવું હાસ્યરસપ્રધાન પુસ્તક છે. ‘આકાંક્ષા અને આક્રોશ’ એક અલગ જ પ્રકારનું પુસ્તક છે, તો ‘રમણ ભમણ’ નાટક છે. તેમણે કરેલા અનુવાદોમાં પણ વૈવિધ્ય છે. તેમણે ટૂંકી વાર્તાઓ પણ લખી છે. તેમણે એટલું વૈવિધ્ય સભર સર્જન કર્યું છે કે જો આપણને કાલે એવા સમાચાર મળે કે અશ્વિની ભટ્ટે તેમનો ગઝલ સંગ્રહ બહાર પાડ્યો છે તો કોઈને નવાઈ ન લાગવી જોઈએ. ‘પારા જેવા ચંચળ’ અશ્વિની ભટ્ટને એક ઘરેડમાં બાંધી રાખવા મુશ્કેલ છે.

ઘરેડની બહાર આવીને જ અશ્વિની ભટ્ટે એક લઘુનવલ સર્જી છે ‘આયનો’ જેને આપણે સુપરનેચરલ એલિમેન્ટ વાળી કથા કહી શકીએ. પ્રસ્તાવનામાં જ આ નવલકથા કેવી રીતે લખાઈ તેનો ફોડ પાડતાં તેઓ લખે છેઃ ‘ ’આયનો’ એક એવી જ કથા છે જેમાં કેવળ અદ્ભુતનું જ પ્રયોજન છે. મૂળ ટૂંકી વાર્તા રૂપે લખાયેલી ‘આયનો’નું લઘુનવલ તરીકે પુનઃસર્જન, મુંબઈના દૈનિક ‘સમાંતર’માં થયું. તે પણ એક પ્રયોગ હતો. ‘આયનો’નું એક પ્રકરણ રોજેરોજ છપાતું. અને એમ ‘આ માસની નવલકથા’ રૂપે તેનું પ્રકાશન થયું.’ આપણે ‘સમાંતર’ દૈનિકનો આભાર માનવો જોઈએ કારણ કે તેમના કારણે આપણને અલગ પ્રકારના અશ્વિની ભટ્ટ વાંચવા મળ્યા છે. (જો હું ભૂલ ન કરતો હોઉ, તો અશ્વિની ભટ્ટ્નો એક ટૂંકી વાર્તાઓના અનુવાદનો સંગ્રહ પણ પ્રગટ થયેલો છે જેમાં આ પ્રકારની જ ટૂંકી વાર્તાઓ છે.)
માત્ર ૧૭૦ પાનામાં ૧૫ પ્રકરણમાં આલેખાયેલી આ લઘુનવલને એકી બેઠકે વાંચી શકાય તેવું પુસ્તક ગણી શકાય. કથામાં સતત જળવાઈ રહેતો રસ અને એકદમ નાનું કદ બે-ત્રણ કલાકમાં તો આ પુસ્તક્ને સળંગ વાંચવા માટે મજબૂર કરી શકે તેમ છે. પંદર પ્રકરણમાં પણ લેખકે પાત્રો સારી રીતે વિકસાવ્યા છે. આ લઘુનવલની સૌથી આશ્વર્યજનક બાબત હોય તો એ કે તેમાં જે બે પાત્રો સૌથી આકર્ષક રીતે નિરૂપાયા છે, તે બંને પાત્રો મૃત્યુ પામેલા છેઃ વિજય અને કેસર. તે બંને પાત્રોની આસપાસ જ આખી કથા ઘૂમતી રહે છે અને તેમ છતાં તેઓ કથામાં સીધો પ્રવેશ માત્ર એકાદ વાર જ કરે છે. જેના મોઢેથી આ કથા આલેખાઈ છે તે કેતન અને પ્રણય ત્રિકોણની ત્રીજી બાજુ જેવી માધવીને પણ લેખકે લઘુનવલની મર્યાદા છતાં સુરેખપણે આલેખ્યાં છે. આ ઉપરાંત જાસોદના મોહનકુમાર સિંહ, તેમના પત્ની શ્યામકુંવર, ઇન્સ્પેક્ટર પટેલ, સી.બી.આઈ.ના વિરેન્દ્ર શાહ, જાસોદની પોલીસ ટીમના બધા જ પાત્રોને તેમણે જીવંત બનાવી આપ્યાં છે. વિજયના નોકર અમથાલાલનું એક રમૂજી પાત્ર પણ તેમણે આ કથામાં રમતું મૂક્યું છે અને તેની ભાષામાં લેખકે ચરોતરી ભાષાને સુંદર રીતે પ્રગટાવી છે.
લેખકની અન્ય એક નવલકથા ‘નીરજા ભાર્ગવ’ની જેમ આ વાર્તામાં પણ ડૉગ સ્ક્વોડની કામગીરીને લંબાણપૂર્વક રજૂ કરવામાં આવી છે. જોકે એ લંબાણ ગમે તેવું અને સમજાય તેવું છે અને બે કૂતરીઓ રિન્કી અને સિલ્કીના અલગ-અલગ વર્તનથી વાચકને મૂંઝવણમાં મૂકવાની તક લેખકે બખૂબી ઝડપી લીધી છે. કેતનની પોલીસ સ્ટેશનની પહેલી મુલાકાત અને એસ.પી.ના કૂતરા વાળી વાત દ્વારા એક સામાજિક કટાક્ષ થયો છે પણ તે કોઈને ચચરે એવો નથી અને તેમાં લેખકે ક્યાંય સામાજિક પ્રશ્ન ઉઠાવવાનો પ્રયત્ન
કર્યો નથી. તેમણે તો એક પરિસ્થિતિને જેમની તેમ દર્શાવીને બાકીનું કામ
વાચકો પર છોડી દીધું છે. તેમાં લેખકની વર્ણન કલા અને પ્રસંગ અનુરૂપ સંવાદ ઘડવાની આવડત સુપેરે દેખાઈ આવે છે.
અશ્વિની ભટ્ટનો ટ્રેડમાર્ક છે કે દરેક નવલકથામાં ઓછામાં ઓછું એક સ્થળ એવી વિશિષ્ટ રીતે આલેખવું કે જેથી એ સ્થળ તે નવલકથાની ઓળખાણ બની જાય. (એમ પણ કહી શકાય કે એ સ્થળ તે નવલકથાને કારણે ઓળખીતું બની જાય.) જેમ કે ‘ઓથાર’નો ભેડાઘાટ, ‘આશકા માંડલ’ની થોરાડની વીરડી, ‘ફાંસલો’નો રૂઠી રાણીનો મહેલ, ‘આખેટ’નું મોન રિપોઝ. એ જ પરંપરા અનુસાર આ લઘુનવલમાં પણ તેમણે એક સ્થળનું સુંદર આલેખન કર્યું છે અને તે સ્થળ છે જાસોદનો દરિયા કિનારો અને કેસરબાગ મહેલ. અને આ કેસરબાગને તેમણે કથાનું સૌથી અગત્યનું ઘટના સ્થળ બનાવ્યું છે. તેનું વર્ણન કથાને વાસ્તવિક બનાવવાની સાથે-સાથે જરૂરિયાત મુજબનું વાતાવરણ પણ સર્જી આપે છે.
જોકે લેખકે આ નવલકથામાં એક ખાસ ધ્યાન રાખ્યું છે કે આ ભૂત-પ્રેતની ડરામણી કથા ન બને પણ તેમણે પ્રસ્તાવનામાં લખ્યું છે તેમ ‘કેવળ અદ્ભુતનું જ પ્રયોજન’ વાળી કથા બને. લઘુનવલનું વાતાવરણ ડરામણું જરૂર છે પણ બિહામણું નથી. ક્યાંય કોઈ ચિતરીજનક ડરામણા ભૂત-પ્રેત-ચુડેલ નથી આવતાં. ઊલટાનું તેમાં જે કેસરનું પરલૌકીક પાત્ર આલેખાયું છે તે પ્રીતિપાત્ર છે. વાચકને તેનાથી ડર નથી લાગતો પણ એક મૂંઝવણ થાય છે કે આ પાત્રને ચાહવું કે તેનાથી દૂર રહેવું. ઘટનાઓ પણ એવી બને છે કે ડરાવે જરૂર પણ ક્યાંય તમને ભૂત-પ્રેતનો અણસાર ન આવે. કૂતરીઓએ અનુભવેલી મૂંઝવણ, વોર્ડરોબની ફેંકી દીધેલી વસ્તુઓ પાછી આવવી, આયના વાળા કમરામના બધા જ વોર્ડરોબ ભરાઈ જવા અને ખાલી થવા, કેસર અને વિજયની માધવી સાથેની મુલાકાત એ બધી ઘટનાઓ ડરામણી તો ખરી જ પણ સાથે-સાથે જકડી રાખે તેવી છે. ‘કટિબંધ’ના પહેલા ભાગમાં પણ અશ્વિની ભટ્ટે કંઈક આવું જ કર્યું છે.
જો રવિવારે કોઈ ખાસ કાર્યક્રમ ન હોય તો શનિવારની રાત્રે તમારા રૂમની બારી ખુલ્લી રાખીને એક નાનકડા ટેબલ લેમ્પના અજવાળે અંધારા ઓરડામાં બે-ત્રણ કલાક એકલા બેસી આ નવલકથા એકી બેઠકે વાંચવી. અને હા, ઘરના બધા જ સભ્યોને ખાસ સૂચના આપવી કે એ વાચનયાત્રા ચાલતી હોય ત્યારે કોઈએ છુપાઈને ઓરડામાં આવીને કંઈ ટીખળ ન કરવી!