![]() |
અશ્વિની ભટ્ટ |
ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ નવલકથાઓ અને અનુવાદો તથા વૈવિધ્યપૂર્ણ લેખનથી અમૂલ્ય પ્રદાન કરનાર શ્રી અશ્વિની ભટ્ટ વિષે તેમના વાચકો બહુ ઓછું જાણે છે કારણ કે તે હંમેશા ‘લૉ પ્રોફાઈલ’ રહેતા આવ્યાં છે. તેમણે સચિન તેંડુલકરની જેમ પોતાના કામને જ બોલવા દીધું છે અને લાઇમ-લાઈટ થી બને ત્યાં સુધી દૂર રહેતા આવ્યાં છે. (સામાન્ય વાચકોની જેમ લેખક અને પત્રકાર જગતમાં પણ તેઓ ખૂબ જ પ્રીતિપાત્ર છે, માટે ક્યારેક કોઈ લેખક કે પત્રકાર તેમના વિષેના અંગત અનુભવો જાહેરમાં લઈને આવે ત્યારે જ આપણને આપણા અશ્વિની ભટ્ટ વિષે કંઈક જાણવા મળે છે અને તે પણ માત્ર આચમન જેટલું જ.) બક્ષીબાબુની જેમ તેઓએ પોતાના લેખનમાં પાત્ર દ્વારા પ્રવેશવાનું પણ મહ્દઅંશે ટાળ્યું છે પણ અશ્વિની ભટ્ટની ‘ફાંસલો’ નવલકથા તેમની આ રીતિથી અલગ પડતી કથા છે. આ વાચાળ નવલકથાના પ્રથમ ભાગમાં ગોવિંદના પાત્ર સ્વરૂપે અશ્વિની ભટ્ટના વિચારો આપણે કોઈ પણ ભેળસેળ વિના ‘નીટ’ સ્વરૂપે સાંભળવા મળ્યા છે.
‘નિરંજનને...’ આ પુસ્તક અર્પણ કર્યા પછી આવતી પુસ્તકની પ્રસ્તાવના તો સામાન્ય છે જેને લેખકે ઋણસ્વીકાર ગણાવી છે અને યાદ રાખીને ઘણાં બધાંના ઋણને સ્વીકાર્યું છે. તેના પછી આવે છે એક રસપ્રદ પાનુ ‘વાચકોને....’ અને તે બે પાનામાં લેખક શ્રીએ વાચાળપણે નવભારત સાહિત્ય મંદિર અને શ્રી મહેન્દ્રભાઈ શાહના યોગ્ય વખાણ કર્યા છે.
નવલકથા બે ભાગમાં છે અને આપણે એમ કહી શકીએ કે પહેલો ભાગ આદર્શવાદ રજૂ કરે છે અને બીજો ભાગ વાસ્તવવાદ. પહેલા ભાગમાં પાંચ આદર્શ મિત્રો અને એક ચોક્કસ સિદ્ધાંત માટે તેમણે કરેલી બેન્ક ઓફ મેવાડની લૂંટની કથા છે. આખો પહેલો ભાગ ફ્લેશબેક ટેક્નિકનો ઉપયોગ કરીને કહેવાયો છે માટે કથાનક વધારે વેગીલું અને રસપ્રદ રીતે રજૂ થઈ શક્યું છે. ગોવિંદ ભંડારી મેડિસિનનો તેજ્સ્વી વિદ્યાર્થી છે, અશોક શેખાવત એક જીનિયસ એન્જીનિયરિંગ સ્ટુડન્ટ છે, કથાનો નાયક જિગર પરોત અંગ્રેજી સાહિત્યનો અભ્યાસ કરી રહ્યો છે, ચંદન નામેચા એક આશાસ્પદ ક્રિકેટર છે અને હરીશ જૈન ગર્ભશ્રીમંત છેલબટાઉ યુવાન છે. ટૂંકમાં આપણા સમાજના યુવાવર્ગનું એક આદર્શ પ્રતિબિંબ આ પાંચેય પાત્રો રજૂ કરે છે અને તેમની વચ્ચે મૈત્રીની અદભુત સ્નેહગાંઠ છે. દેશમાં વ્યાપ્ત ભ્રષ્ટાચાર અને બ્યુરોક્રસીથી સડી ગયેલી સિસ્ટમથી આ યુવાનો અસંતુષ્ટ છે. આ સિસ્ટમ બદલાવી જોઈએ તેવું બધા જ માને છે પણ કેવી રીતે બદલાવી જોઈએ તે કોઈને ખબર નથી. નકસલવાદનો અભ્યાસ કરીને ગોવિંદ દેશના ઉન્મૂલનની ક્રાંતિમાં જોડાય છે અને રાજસ્થાનમાં નક્સલાઈટ સેલની રચના માટે ૧૦ લાખનું ભંડોળ ભેગું કરવા વચનબદ્ધ થાય છે. આ આદર્શ માટે બેન્ક ઓફ મેવાડની લૂંટ કરવાનું નક્કી થાય છે. ગોવિંદના પડછાયા જેવા અશોકને વાણીવિલાસ નહિ પણ નક્કર કામમાં રસ છે માટે તે આ કામમાં ગોવિંદને સાથ આપવા કટીબદ્ધ થાય છે. હરીશ અને ચંદન માત્ર અને માત્ર મૈત્રીને ખાતર આ કાર્યમાં જોડાય છે. પણ કથાનો નાયક જિગર એમાં જોડાવા સંમત નથી. તેને સિદ્ધિ જેટલો જ રસ સાધનમાં પણ છે અને તેને સમજાવવા માટે અન્ય મિત્રો, ખાસ કરીને ગોવિંદ, દ્વારા જે દલીલો થાય છે તેમાં આપણને અશ્વિની ભટ્ટ સાંભળવા મળે છે.
પછી આ પાંચેય મિત્રો મિલિટરી ઓપરેશનની જેમ ખૂબ જ ચોક્સાઈથી આયોજન કરે છે. લૂંટ પહેલાની તૈયારીઓ, લૂંટ દરમિયાન બનેલી ઘટનાઓનો મિનિટે-મિનિટનો અહેવાલ અને લૂંટ બાદ માલ વગે કરવા જેવી તમામ બાબતોનું ખૂબ જ વિસ્તૃત આલેખન છે. લૂંટ થયા બાદનું પોલીસ ઇન્વેસ્ટિગેશન, સી.સી.ટી.વી. જેવી ટેક્નોલોજીની ગેરહાજરીમાં પોલીસને (અશ્વિનીજીને) મળેલો ઉકેલ, આઈ.જી.પી. મોરારકાની મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓ, લિયો અને શેક્સપિયરની તપાસ, હરીશની ધરપકડ, ચંદનનો પીછો, ચિતોડમાં મચેલું રમખાણ, ચંદન અને આલાત વચ્ચે થયેલી હાથોહાથની લડાઈ, જિગરની ધરપકડ, કાયદાકીય લડાઈ અને, ગોવિંદ, અશોક અને ચંદનનો અંત, આ બધી બાબતો પહેલા ભાગમાં સુંદર નિરૂપણ પામી છે. જે લોકો એવો દાવો કરતાં હોય કે ‘અમે તો ઑન્લી ઇંગ્લિશ થ્રીલર જ વાચીએ છીએ કારણ કે ગુજરાતીમાં થ્રીલર જેવું કંઈ લખાતું જ નથી’ તેમને ચેલેન્જ છે કે આ પુસ્તક વાંચો. જગવિખ્યાત ઇંગ્લિશ થ્રીલર્સને ટક્કર મારે તેવી રીતે આ કથા આલેખાઈ છે.
આખો પહેલો ભાગ આ પાંચ મિત્રોની આદર્શ મૈત્રીની આસપાસ ઘૂમે છે જ્યારે બીજા ભાગમાં નિતર્યું વાસ્તવ છે. જિગરનો જેલવાસ પૂરો થયા પછીની કથા બીજા ભાગમાં શરૂ થાય છે. કથાના બીજા ભાગમાં નાયિકા સરજુ દીવાનનો પ્રવેશ થાય છે અને રોમાન્સનું તત્વ પણ ઉમેરાય છે. સરજુની અંગત કથની પણ રોમાંચક છે. બેંક લૂંટ દરમિયાન તોડેલા લોકર્સમાંથી જે અગત્યની વસ્તુઓ મળી હતી તેને જિગરે રૂઠી રાણીના મહેલમાં છુપાવી હતી પણ દસ વર્ષ બાદ પણ તેનું મહત્વ ઓછું નથી થયું. ત્રણ અલગ-અલગ બાજુથી રમતો રમાવી શરૂ થાય છે. એક બાજુથી જિગર, સરજુ, હરીશ અને પાનિયો, બીજી બાજુથી મિશ્ર ભાઈઓ, કરમવીર ઢિલ્લો, ઈસા બંઠર અને રામતીરથ અને ત્રીજી બાજુ ઈન્સપેક્ટરમાંથી ડી.એસ.પી. બનેલા નાગર પેલી છુપાયેલી ચીજો મેળવવાનો પ્રયત્ન કરે છે. ચેસની રમતની જેમ બધા ખેલાડીઓ એક પછી એક ચાલ ચાલતા જાય છે. સરજુની વાતમાં વચ્ચે-વચ્ચે જિગરનો પ્રવેશ કથાનકને વધારે રોચક બનાવે છે તો હરીશનો નાટ્યાત્મક પુનઃપ્રવેશ વાચકને ચમકાવી દે છે. અદાનું અપહરણ અને તેમનો છૂટકારો થયા બાદ સરજુનું ફસાઈ જવું ચેસની રમતની જેવું જ લાગે છે. આખું કથાનક છેવટે રૂઠી રાણીના મહેલ પર આવીને ક્લાઈમેક્સ પર પહોંચે છે. આ ભાગમાં પણ પહેલા ભાગની જેમ જ ઘટનાઓને સુંદર રીતે ગૂંથીને ચોક્કસ ક્રમ માં રજૂ કરીને ઉત્તેજક અસર ઊભી કરવામાં અશ્વિની ભટ્ટે પોતાનો તમામ કસબ ઠાલવ્યો છે અને રોમાંચક ઉત્તરાર્ધનો એવો જ રોમાંચક પૂર્વાર્ધ પણ આપ્યો છે.
(રેફરન્સ માટે ‘ફાંસલો’નું ૨૦૦૯ નું પુનર્મુદ્રણ ઉપયોગમાં લીધેલ છે.)
kem jaane ashweeni saheb ane harkisan mehta ne vanchya pa6i have bija lekhko ma jamtu j nathi.....!!..hamna j FANSLO puri kari....pane pane uttejna vadharti ane khara arth ma vachaal evi aa novel vanchya pa6i bhatt saheb ne rubroo malvani i66a thai aavi 6e...
જવાબ આપોકાઢી નાખોમાત્ર તમને જ નહીં, ઘણો બધાને એવો જ અનુભવ થયો છે.
કાઢી નાખોસરસ
જવાબ આપોકાઢી નાખોઆભાર.
કાઢી નાખો