તાજેતરની પોસ્ટસ

ઑગસ્ટ 10, 2011

યુ.કે. બાઇટ્સઃ ઈંગ્લેન્ડ રાયટ્સના ગ્રાઉન્ડ ઝીરો પરથી

          એક સહકાર્યકર Tottenham Hale થી આવતી અને અમે મજાકમાં કહેતા કે Hell થી આવે છે. આજે ખરેખર એ વિસ્તારની હાલત Hell જેવી જ છે. Mark Duggan અને પોલીસ વચ્ચે બનેલી ઘટના દાવાનળની જેમ ઈંગ્લેન્ડ આખામાં ફેલાઈ જશે તેવી કોને ખબર હતી? એ ઘટનામાં પોલીસ દોષિત હતી કે Mark Duggan, તે વિષે કોઈ ચોક્કસ ભરોસાપાત્ર માહિતી મળતી નથી. અને સાચું-ખોટું તો સાબિત થતાં થશે, પણ એ ઘટનાએ જે રૌદ્ર સ્વરૂપ પકડ્યું છે, તે લાખો લોકોને અસર કરી રહ્યું છે, તે બાબત નિઃશંક છે.
          ઈંગ્લેંડ રાયટ્સના ગ્રાઉન્ડ ઝીરોને તો પોલીસે કોર્ડન કરી રાખ્યું છે અને કોઈને પણ ત્યાં જવાની પરવાનગી આપવામાં નથી અપાતી. વધુમાં પોલીસ પણ વાત કરવા માટે પણ ઉત્સુક નહોતી જણાતી. આમ પણ પોલીસ અને મિડિયા જાણે 'ટોમ એન્ડ જેરી'ની જેમ જ ક્યાં નથી વર્તતા?
          જ્યારે એક પોલીસને પૂછ્યું કે 'અમે ઘણાં વિડીયોમાં એવું જોયું કે પોલીસ તોડફોડ અને લૂંટફાટ અટકાવવાનો પ્રયત્ન જ નહોતી કરતી. શું તમે ટિયર ગેસ શેલ જેવી કોઈ બિનહાનિકારક અને બિનખર્ચાળ પદ્ધતિ વાપરી ન શક્યાં હોત?' ત્યારે જવાબ મળ્યો કે 'પોલીસ પગલા લે તો પણ ટીકા થાય છે અને ન લે તો પણ ટીકા થાય છે. બોલો શું કરવું?' મે કહ્યું કે, 'એ તો તમારા કામનો જ ભાગ છે ને? ગમે તેટલી ટીકા-ટિપ્પણી થાય, પણ જનતાના જાન-માલની સુરક્ષાની જવાબદારી શું તમારી નથી?' ત્યારે એ જનાબ જવાબ આપ્યા વિના ચાલવા માંડ્યા.
          કદાચ તેમનો ઈશારો G20 Summit વખતે પોલીસ દ્વારા વપરાયેલ બળ અને તેના બાદ થયેલી તેની આકરી ટીકાઓ તરફ હશે. એક મત એવો પણ સાંભળવા મળ્યો કે G20 Summit બાદ થયેલી આકરી ટીકાઓને કારણે જ આ વખતે પોલીસનું વલણ નરમ છે. કદાચ તે જનતાને એવું સૂચવવા માંગતી હશે કે અમારી પદ્ધતિઓની ટીકા કરવાના બદલે અમારા કામની કદર વધારે જરૂરી છે.
          આખા વિસ્તારની મુલાકાત લેતા એક વાત જરૂર ધ્યાનમાં આવી કે શનિવારે રાત્રે જે બન્યું તે સ્વયંભૂ પ્રતિક્રિયાની જેમ હશે. તે સાંજે લોકો Mark Duggan ની પોલીસના હાથે થયેલી હત્યાના વિરોધમાં એક મૂક પ્રદર્શન કરવા જ આવ્યાં હતાં. અને ધીમે-ધીમે એ પ્રદર્શનકારોનો મિજાજ પલટાયો હશે માટે તેમણે તોડ-ફોડ આદરી હશે પણ એ દરમિયાન લૂંટ-ફાટ નહોતી થઈ. જેને સળગાવવામાં આવ્યું હતું તે પોલીસ સ્ટેશનથી માત્ર પાંચ જ મિનિટ ચાલતાં Currys જેવા ઈલેક્ટ્રોનિક્સના મોટા શો-રૂમ્સ આવેલા છે પણ ત્યાં કોઈ જ લૂંટફાટ કે તોડફોડ કરવામાં નથી આવી. જ્યારે રવિવારથી શરૂ થયેલા પ્રદર્શનમાં આવા ઈલેક્ટ્રોનિક્સના શો-રૂમ્સ, બેંકો, જ્વેલર્સ વગેરેને જ લક્ષ્ય બનાવવામાં આવ્યાં અને ખૂબ જ લૂંટફાટ થઈ. લંડનમાં પ્રગટેલી આ ચિનગારીએ આખા ઈંગ્લેન્ડમાં દાવાનળ પ્રગટાવ્યો છે. 
          આસપાસના રહીશો જોડે વાત કરતાં ઘણાંના મોઢે એક વાત જરૂર સાંભળવા મળી કે 'આ તો આ દેશના માતા-પિતાની ભૂલ છે. જે બાળકો-કિશોરો-યુવાનો રાતના સમયે ઘરમાં હોવા જોઈએ, તેઓ જ આટલી મોટી સંખ્યામાં બહાર આવીને તોફાન કરી રહ્યાં છે કારણ કે તેમની પર કોઈનો કાબુ નથી.' એક રીતે આ વાત ખોટી પણ નથી. ૧૬ વર્ષથી નીચેની ઉંમરના કોઈ પણ બાળકને મા-બાપ-શિક્ષક કે પોલીસ હાથ પણ ન લગાડી શકે તેવા અહીં કાયદા છે. માટે તેઓ ફાટીને ધુમાડે ન જાય તો જ નવાઈ. 


UK Riots 1

UK Riots 2

UK Riots 3

UK Riots 4

UK Riots 5

UK Riots 6

UK Riots 7

UK Riots 8

UK Riots 9

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.