તાજેતરની પોસ્ટસ

ઑગસ્ટ 07, 2011

જેમ્સ પેટરસનની 'પ્રાઈવેટ' ડિટેક્ટિવ એજન્સી


જેમ્સ પેટરસન

અત્યાર સુધી જેમના પુસ્તકોની કુલ ૨૨ કરોડ નકલો વેચાઈ ચૂકી છે અને જે એક માત્ર એવા લેખક છે કે જેમની સળંગ ૧૯ નવલકથાઓ ન્યુયોર્ક ટાઈમ્સની નંબર વન બેસ્ટ-સેલર રહી ચૂકી છે તેવા જેમ્સ પેટરસન એક નવી શ્રેણી લઈને આવ્યા છે. તેઓ અત્યાર સુધી લેક્ષ ક્રોસ, વિમેન્સ મર્ડર ક્લબ, માઈકલ બેનેટ, મેક્ષિમમ રાઈડ, ડેનિયલ એક્ષ અને વિચ એન્ડ વિઝર્ડ શ્રેણીમાં ૭૦થી વધું નવલકથાઓ આપી ચૂક્યા છે. .. ૧૯૮૫થી સતત લખતા રહેલા પેટરસનની નવી શ્રેણી પ્રાઈવેટની પણ નવલકથાઓ આવી ગઈ છેપ્રાઈવેટઅનેપ્રાઈવેટ લંડન’.
જેમ્સ પેટરસનનીપ્રાઈવેટ’ The World’s Most Exclusive Detective Agency ની ટેગ લાઈન સાથે આવે છે માટે આપણી જિજ્ઞાસા સહેજે જાગૃત થવાની અને તેમાં આલેખાયેલી કથા પણ રસપ્રદ છે. હકીકતમાં એક નહી પણ ચાર કથાઓ તેમાં સમાંતરે ચાલતી રહે છેઃ નેશનલ ફૂટબોલ લીગમાં ચાલી રહેલ મેચ ફિક્સીંગની તપાસ, અઢાર સ્કૂલ ગર્લ્સની પાછલા બે વર્ષમાં થયેલી હત્યાઓનું અન્વેષણ અને ડિટેક્ટિવ એજન્સીપ્રાઈવેટના માલિક અને ભૂતપૂર્વ સૈનિક જેક મોર્ગનની ભૂતપૂર્વ પ્રેમિકાની થયેલી હત્યા ત્રણ કેસ એક સાથે પ્રાઈવેટમાં આવી જાય છે અને સાથે-સાથે જેકના અંગત જીવન અને પ્રશ્નોની પણ વાત થતી રહે છે. વાર્તા રસપ્રદ છે અને સરળ રીતે કહેવાઈ છે અને આપણને તે જકડી રાખે છે. એકથી ચાર પાનાના નાના-નાના પ્રકરણ અને ધસમસતો ઘટના પ્રવાહ આપણને પાના ફેરવવા મજબૂર કરે રાખે છે. કથનરીતિ પણ નિરાળી છે. જ્યાં જેકની વાત આવે ત્યાં તે પોતે પ્રથમ પુરુષ એક વચનથી વાત કરે છે અને જ્યાં જેક સિવાયની વાત આવે ત્યાં લેખકે ત્રીજા પુરુષ વાળી કથનરીતિ અપનાવી છે. ડિટેક્ટિ નવલકથાઓના શોખીનઓ માટે વાંચવા જેવું પુસ્તક. જોકે તેમાં કશું ય અસામાન્ય નથી પણ તમે જેમ્સ પેટરસન પાસે જે અપેક્ષાઓ રાખો છો તે બધી અહીં પૂર્ણ થતી જોવા મળશે.
જેમ્સ પેટરસન, સ્ટીફન કિંગ, ડેન બ્રાઉન, જ્હોન ગ્રીશમ, જેફ્રી આર્ચર, સીડની શેલ્ડન, રોબર્ટ લડલમ, જે. કે. રોલિંગ જેવા તત્કાલીન અને આર્થર હેઈલી, ઈરવિંગ વૉલેસ, એલિસ્ટર મેકલિન જેવા એકાદ-બે દસક પહેલાના નવલકથાકારોને વાંચીને એક પ્રશ્ન સતત મનમાં આવે રાખ્યોઃ ગુજરાતી ભાષામાં ફુલ-ટાઈમ નવલકથા લખનારા નવલકથાકારો કેટલા અને વ્યવસાય તેમને આર્થિક રીતે કેટલો ફળદાયી છે? તેના વિષે વિચારતા ઘણાં સામાજીક, આર્થિક અને સાહિત્યિક કારણો નજરે આવ્યાં, જેની વાત ફરી ક્યારેક.
બીજી એક નોંધવા જેવી બાબત પણ ખરી. જેમ્સ પેટરસને તેમના પોતાના પુત્રને જ વાંચન માટે ખચકાટ અનુભવતો જોયો અને તેની ઉંમરના કિશોરોને વાંચતા કરવા તેમને લાયક કિશોર સાહસ કથાઓ લખવાનું પણ તેમણે શરૂ કર્યું અને તે તેમની ‘વિચ એન્ડ વિઝર્ડ’ શ્રેણી. આપણા ખ્યાતનામ નવલકથાકારોએ કિશોરો કે બાળકો માટે કેટલું સાહિત્ય સર્જ્યું એ પણ રસપ્રદ સંશોધનનો વિષય બની શકે છે કારણકે પોતાનો હાથ જેમાં બેસી ગયો છે તેનાથી અલગ પ્રકારનું લખવાનું જોખમ કોણ લેશે? (શ્રી અશ્વિની ભટ્ટે ‘આયનો’ અને ‘કમઠાણ’ સ્વરૂપે એ જોખમ સફળતાપૂર્વક લીધું છે.)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.