તાજેતરની પોસ્ટસ

ઑગસ્ટ 31, 2011

અશ્વિની ભટ્ટની વાચાળ નવલકથા ‘ફાંસલો’ - ૩


રૂઠી રાણીનો મહેલ
જીવંત પાત્રોની સાથે-સાથે જીવંત લોકાલ અશ્વિની ભટ્ટનો યુ.એસ.પી. છે. ‘ઓથારના  જાનોરની જેમ અહીં જયસમન્દનો ઓવારો છે અને ભેડાઘાટની જેમ રૂઠી રાણીનો મહેલ છે. સંતાડેલી વસ્તુઓ લેવા સાંજ ઢળ્યા પછી જ્યારે જિગર રૂઠી રાણીના મહેલની અંદર પહોંચે છે ત્યારે જગ્યાનું જે વર્ણન આવે છે તે નવલકથાના સૌથી અસરકારક વર્ણનોમાંનું એક છેઃ દિવસે હજુય ઈમારતનાં ખંડેર ભવ્ય લાગતાં, પણ રાત્રે તેનું સ્વરૂપ બદલાતું. દિવસ આખો મહેલની સીલિંગના ખૂણાઓ પર ઊંધા લટકી લટકીને થાકેલાં ચામાચીડિયાં સાંજ પડતાં સ્ફૂર્તિમાં આવીને ઝનૂનથી આમ તેમ ઊડવા માંડતાં. અવાવરુ પાટડા અને મોભ, તૂટેલા ગોખલા અને સડી ગયેલા ટોડલાઓમાં ઘૂસી ગયેલી ચીબરીઓ, મહેલમાં સંગીત રેલાવીને, શરીર અને દિલ નીચોવીને, ઢળતી ઉમ્મરે ખોખલી થઈ ગયેલી તવાયફોના પ્રેતની જેમ કિકિયારીઓ કરીને ઊડવા માંડતી. ઇમારતના ઉપલા મજલે, પથ્થરમાંથી સાબરના શિંગડાની જેમ બહાર આવેલા પીપળાના ઝાડમાં અને ઇમારતની આજુબાજુમાં ઊગેલી પીલુડીનાં પોલાણોમાં રહેતાં, અડધો ડઝન જેટલાં ઘુવડ યુગલો, ઇમારતની અગાસીમાંથી ઝળુંબતા ઝરૂખાઓના ગુંબજ પર બેસીને ભયાનક રાત્રિગાન શરૂ કરતાં. પતરાના ડબ્બા પર આડેધડ લોખંડની ખીલી ઘસીએ અને જે અવાજ પેદા થાય તેવો અવાજ કરતી કાળી કંસારીઓ અને કર્કશ સૂરમાં આસુરી સંગીત ગાતાં તમરાંઓથી ઇમારત જાગી ઊઠતી.’ (ભાગ , પેજ ૨૯૧) વર્ણન વાચકના મનમાં એક અદ્દભુત અસર પેદા કરે છેગંજાવર મધપૂડાઓમાંથી સતત આવતાં મધમાખીઓના અવાજોને વર્ણવવા માટે લેખક ક્યારેક ‘ગંજાવર તાનપુરામાંથી આવતા અવાજ’ની ઉપમા વાપરે છે તો અન્યે એક જગ્યાએ લખે છેઃ ‘આખા વાતાવરણમાં એમ્પ્લીફાયરમાંથી આવતી સાઉન્ડ વ્હીસલની માફક એક ધીરો, છતાં અવિરત ગુંજારવ, ઇમારતથી લગભગ ત્રણસો કદમ દૂરથી સંભળાવો શરૂ થતો. (ભાગ , પેજ ૨૭૨) મધમાખીઓના ડંખથી સૂઝી ગયેલા જિગરના ચહેરાનું વર્ણન લેખકે આમ કર્યું છેઃતેનો આખો ચહેરો મધમાખીઓના ડંખથી સૂઝીને ફૂટબોલ જેવો થઈ ગયો હતો. નાક, કાન અને પોપચાં પર જે સોજા આવ્યા હતા, તેને કારણે બાહ્યવર્તી ગોળાકાર અરીસામાં દેખાતા પ્રતિબિંબની માફક તેનાં નાક, કાન અને પોપચાં ફૂલેલાં લાગતાં હતાં.’ બાહ્યવર્તી ગોળાકાર અરીસાની ઉપમાથી આપણા મનમાં પરિસ્થિતિને તેમણે બહુ તાદ્રશ્યપણે ઉપસાવી આપી છે. (ભાગ , પેજ ૩૪૭) પહેલા ભાગમાં ચંદનની પોલીસ ડોગ સાથેની લડાઈ અને રતનસિંહ આલાત સાથે થયેલી હાથોહાથની લડાઈ પણ વર્ણનાત્મક લખાણનો ઉત્કૃષ્ટ નમૂનો છે. તો ચિતોડગઢનો ઢોળાવ ચડી રહેલી જૂની પોલીસવાનનું વર્ણન લેખકે આમ કર્યું છેઃપંદર-સત્તર વર્ષ જૂના પોલીસ વેહિકલના અંકોડે-અંકોડા થર્રાટી કરતા હતા. અને દમના રોગથી પીડાતા કોઈ વૃદ્ધના ફેફસાની જેમ વાનના એન્જિનમાં દમ ભરાતો હતો અને એન્જિન નૉક થતું હતું. પોલીસ ડ્રાઈવરે ગાડીને હાઇ-ગિયરમાં નાખી હતી છતાં ગાડીને પારાવાર જોર પડતું હતું. ગ્રુંગ્રુંગ્રુંગ્રુંગ્રું અવાજ અને એક્ઝોસ્ટમાંથી નીકળતા પારાવાર ધુમાડાના ગોટ વચ્ચે ગાડી કવાયતના મહાવરા વગરના કૉન્સ્ટેબલની માફક દમ ફેડતી, ઢોળાવ ચડતી હતી.’ (ભાગ , પેજ ૨૨૨) જિગર અને હરીશના પુનર્મિલનનું વર્ણન કોઈની પણ આંખ ભીંજવી દેવા માટે સક્ષમ છે. તે વખતે અશ્વિનીજીએ અંતમાં લખ્યું છે કેઘામાંથી નીકળતા લોહીની જેમ બન્નેની આંખોમાંથી આંસુ વહેતા હતાં.’ (ભાગ , પેજ ૨૩૭)
ત્રીજા પુરુષ એક વચનની કથનરીતિથી આલેખાયેલી નવલકથામાં પાત્રોચિ ભાષા તો અશ્વિનીજીએ સારી રીતે વાપરી છે, પણ ક્યાંક-ક્યાંક તેમણેઅસલ અમદાવાદીભાષા પણ વાપરી છે. જેમકે સાહેબ આગળ સાલા બોલીને તેણે ઇમ્પ્રેશનની પત્તર ફાડી નાખી તેવું તેને લાગ્યું.’ (ભાગ , પેજ ૧૬૧) ‘ચિતોડી મગરીના ઓતરાતા ઢોળાવ પર ખૂંખાર પ્રાણીઓની જેમ આલાત અને ચંદન બાટક્યા હતાં.’ (ભાગ , પેજ ૨૪૪) ‘તમે કહો એટલે શું થઈ ગયું! અમે બધા અહીં પાડા મૂંડીએ છીએ?’ (ભાગ , પેજ ૨૫૭) ‘તમારો દીકરો તો પકડાયેલા બધા કરતાં સાલો અઠંગ ડામીસ છે. એક હરફ બોલતો હોય તો તેના બાપના સમ...’ (ભાગ , પેજ ૨૫૭) ‘જેલમાં આવતો વાળંદ બધાયને એક અસ્તરે મૂંડતો. ફલાણી કટ કે ઢીકણી કટને ત્યાં કોઈ સ્થાન હતું.’ (ભાગ , પેજ ) ‘જોકે પેરોલ પર છૂટનારા બધા કેદીઓને ખબર હોય છે કે જેલની બહાર પણ પોલીસની નજર પેરોલિયાઓ પર ફરતી હોય છે.’ (ભાગ , પેજ ૮૨) ’૧૪ વર્ષની ઉંમરથી તે કબાડાં કરતાં શીખી ગયો હતો.’ (ભાગ , પેજ ૯૦) ‘ઠેઠ સી.બી.આઈ. સુધીના ખાતાંઓમાં ઢિલ્લોંની ઘાલઘૂસ પહોંચી હતી.’ (ભાગ , પેજ ૯૦) ‘ઈસાને કોઈ તેની ફી ચૂકવી આપે તો સગા બાપને ચાકુ પહેરાવી દેતાં તે ખચકાય નહિ.’ (ભાગ , પેજ ૧૬૪) ‘જિગર પરોતને જો બંબજાવ્યો હોત તો પોપટની માફક બોલતો થઈ જાય.’ (ભાગ , પેજ ૧૭૯) તો કેટલીક જગ્યાએ અશ્વિની ભટ્ટ જાણે પોતે રિપીટ થતાં હોય તેમ લાગે છે. જેમકે ચંદન અને પોલીસ ડોગ વચ્ચેની લડાઈ તેમનીનીરજા ભાર્ગવના આવા પ્રસંગની યાદ અપાવી દે છે. બે જગ્યાએ આવતા સંવાદો તેમની અન્ય નવલકથામાં પણ વપરાયા છેઃ બધીય ઘટનાઓમાં થોડીક મિનિટોનો ફેર પડ્યો હોત તો વાત કંઈ જુદી બની હોત. પરંતુ ઘડિયાળને કાંટે જાણે કાળનું ચક્કર ગોઠવાયું હોય તેવું બન્યું હતું.’ (ભાગ , પેજ ૨૧૭) અનેરતનસિંહ આલાતને તો ગઢની નહિ આખા જિલ્લાની ભૂગોળ હથેળીની રેખાઓ જેટલી સ્પષ્ટ હતી.’ (ભાગ , પેજ ૨૩૯) જોકે રિપીટેશનથી ક્યાંય પણ જરા જેટલીય રસક્ષતિ થતી નથી, તે નોંધવું રહ્યું. નવલકથાને અખંડ રાખવા માટે ક્યાંય અશ્વિનીની પ્રકરણનો ઉલ્લેખ કરતાં નથી (અપવાદકટિબંધઅનેઆયનો’) અને પદ્ધતિ તેમણેફાંસલોમાં પણ રાખી છે માટે એક ભાગ હાથમાં લીધા પછી પૂરો કર્યે છૂટકો, એવી વાચકની હાલત થાય તો નવાઈ નહિ.