તાજેતરની પોસ્ટસ

જુલાઈ 16, 2011

અશ્વિની ભટ્ટની મહાનવલ ‘આખેટ’

શ્રી અશ્વિની ભટ્ટ
ઘણા નવલકથાકારના ઇન્ટર્વ્યૂમાં એવું વાંચ્યું છે કે તેમને તેમના પ્રકરણના અંત પહેલેથી વિચારી રાખવા પડે છે કારણકે તે અંત એવા રસપ્રદ હોવા જોઈએ કે વાચકો પછીના પ્રકરણની રાહ જુવે. ગુજરાતી નવલકથાના શિર્ષસ્થ લેખકોમાંના એક એવા શ્રી અશ્વિની ભટ્ટને મુશ્કેલી નહિ પડતી હોય કારણ કે તેમનું કથાનક એટલું રસપ્રદ હોય છે કે તે ગમે ત્યાંથી અટકે, તેમના ચાહકો નવા પ્રકરણની આતુરતાપૂર્વક રાહ જુવે . અને તેમાંય જો તમે તેમની મહાનવલઆખેટવાંચી હોય તો તમે ઘટનાઓના ચક્રવાતમાં ફસાયેલ બાજના ટોળાની કથાને હાથમાંથી નીચે મૂકી નહિ શકો.
મહાનવલઆખેટના દરેક વિશેષણની આગળ મહાલગાડવું પડે તેમ છે. કથાનો વિસ્તાર, કદ, પાત્રાવલિ અને કથાનક ખરેખર તેને મહાનવલ કહેવા પ્રેરે તેવા છે. મારી જાણ મુજબઆખેટ ગુજરાતી સાહિત્યની સૌથી લાંબી નવલકથા છે. તેના પ્રથમ આવૃત્તિના ત્રણ ભાગના થઈને અંદાજે ૨૧૦૦ પાના હતા. શેખાદમ આબુવાલાએ સાચું કહ્યું હતું કેઅશ્વિની ભટ્ટ લોખંડી વાચકોનો લેખક છેઆપણે તેમાં ઉમેરી દેવાનું કેલોખંડી અને મજબૂત બાવડાના વાચકોના લેખક છે કારણ કે આટલી વિસ્તૃત અને દળદાર નવલકથા વાંચવાનું કામ કોઈ નબળો વાંચક કરી શકે નહિ. દ્વિતીય આવૃત્તિમાં (ISBN: 978-81-8440-125-7) નવલકથાના પાનાનું કદ વધારવામાં આવ્યું અને ફોન્ટનું કદ ઘટાડવામાં આવ્યું તો પણ ત્રણ ભાગના થઈને કુલ ૧૪૪૯ પાના છે. અભિયાન સામાયિકમાં નવલકથાના પ્રકરણો ત્રણ વર્ષ પર્યન્ત છપાયા હતા, તે પણ ગુજરાતી સાહિત્યનો એક અનોખો વિક્રમ છે.
પૂનાના રેસકોર્સમાં શરૂ થતી મહાનવલનો ફલક વિશાળ છે. કથા પૂના, ખંડાલા, મુંબઈ, નાગપુર, કોટા, દુબાઈ, જયપુર, ગોવા, અમદાવાદ, ઊના, દીવ અને વણાકબારા સુધી વિસ્તરેલી છે. અને તો સ્થળોના ઉપરછલ્લા નામ આપીને કામ ચલાવ્યું પણ નવલકથામાં એવું નથી. દુબાઈમાં આવતા રબ-અલ-ખાલી કે કોટાના જગતેસર કે ખંડાલાના કુણે પ્રપાત કે દીવના પેન્સાઉ -લા-માર જેવા કેટલાય સ્થળો બહુ વિસ્તૃત અને જીવંત આલેખન પામ્યા છે. આજનાસબસે તેજજમાનામાં વર્ણનાત્મક લખાણ લેખકો માટે તેમની નિષ્ફળતાનું કારણ બની શકે છે પરંતું વર્ણનકલા અશ્વિની ભટ્ટનો પ્લસ પોઇન્ટ છે. ‘આશકા માંડલના રણ અનેઓથારના ભેડાઘાટ અને જાનોરની જેમજઆખેટમાં પણ કેટલાય સ્થળો અને ઇમારતોનું દ્રશ્ય આપણી આંખ સામે ઉભું કરવામાં તેમણે કમાલ કર્યો છે. ખંડાલાનુંમોન રિપોઝ’, રાજારાવની કોઠી, કાલી સિન્ધના કોતરો, દુબાઈનું રણ અને રણદ્વિપ, અમદાવાદની હોટલ રિટ્ઝ અને હોટલ રૂપાલી, ઊનાનું નાનકડું બજાર, દીવનો ડક્કો, પેન્સાઉ, ગવર્નર હાઉસ, જેન્ડાર્મરી, બોતડ પટેલની વાડી વગેરે ઘણા સ્થળો જાણે આપણે ફરીને આવ્યા હોઈએ તેમ આપણા પરિચિત બની જાય છે.
કથાના ચાર મુખ્ય પાત્રો છે. વસંત ગાંવકર- તેનો ભૂતકાળ બદનામ અને રહસ્યમય છે અને વર્તમાન સંપન્ન અને રોચક. ગુલશનરાય ઠાકુર- પોતાને, એક નિષ્ઠાવાન પોલીસ ઓફિસરને, થયેલા અન્યાયનું તર્પણ કરવા સત્તાધીશો અને મૂડીપતિઓને અંદરથી કોરી ખાનાર બ્લેકમેઇલર છે અને વખતે તેમની આખેટનો શિકાર છે વસંત ગાંવકર. તેમનો ભાણિયો શેમલ પાસવાન તેમનો મદદનીશ છે, કોન્ફિડાન્ટ છે અને કથાનો નાયક છે. વસંત ગાંવકરની સુંદર પુત્રી ઊર્જા ગાંવકર કથાની નાયિકા છે જેફાધર ફિક્સેસનની હદ સુધી તેના પિતાને ચાહે છે અને પોતાના પિતાને બ્લેકમેઇલ કરીને તેની ઊંઘ હરામ કરી નાખનાર બ્લેકમેઇલર શેમલ પાસવાનના પ્રેમમાં પડે છે. મેઇન પ્લોટની સાથે-સાથે કથાના ચાલક બળ સમાન સબ-પ્લોટ તરીકે એક પછી એક ઘણી વાતો આવતી જાય છેઃ વસંત ગાંવકરનો સાવન્ત શિરકે તરીકેનો ગુનાહિત અને અનાથ ભૂતકાળ તથા અરબ-અલ-મશિકી તરીકેનો ખૂંખાર અને રોમાંચક ભૂતકાળ નવલક્થાના પહેલા ભાગમાં ચિત્રિત થયો છે. બીજા ભાગમાં ઊર્જા અને શેમલની પ્રણય કથાની સમાંતરે રમેશ રુંગટા નામના ચોર અને વસંત ગાંવકરના ગોડફાધર જગજીતસિહ હારા તથા ડો. રનબીરના ભારત-પાકિસ્તાનના ભાગલાને સાંધવાના પ્રયાસની વાત છે. સાથે-સાથે ગાંવકરના જમણા હાથ જેવા હેમન્ત ઑક અને માલતી કિશ્નનના બ્લેકમેઇલરને ઓળખી કાઢવાના પ્રયાસની વાત પણ રોચક છે. કિરણ બાપટ જેવા પ્રાઇવેટ ઇન્વેસ્ટિગેટર અને રસપ્રદ ઇન્વેસ્ટિગેશનની વાત પણ બીજા ભાગમાં છે. જ્યારે આખો ત્રીજો ભાગ લગભગ ઊના અને દીવમાં આકાર લે છે જ્યાં દીવના પોર્ટુગીઝ ગવર્નર એન્દ્રાદે અને જગજિતસિંહ હારાના સોદા અને તેમા ગુલશનરાયે ઊભી કરેલી અને ઉકેલેલી ગૂંચવણોની વાત છે. ગાંવકરના ભૂતકાળમાં આવતો નાગપુરનો રાજારાવ શિન્દે, વિમલા ગોસાઈ અને બન્ડુ, દુબાઇનો અમજદ-અલ-ઝહિદ, કર્નલ જબીર, ફ્વાઝ-ઇબ્ન-મશુર તથા ગાંવકરની પ્રેમિકા અને પત્ની સોફાયા પણ અગત્યના પાત્રો છે. દાણચોર સિરાન અને બાગડી, જુસબ અને બોતડ પટેલ પણ કથાનકમાં અગત્યનો ભાગ ભજવે છે અને ગાંવકરનો ડ્રાઇવર મારિયો કેમ ભૂલાય? કથાને તેના અંત સુધી લઈ જવામાં બ્રાઝિલિયન ડાન્સર બોનિતા તથા વિલ અને મેરી ગોમેઝ પણ અગત્યનો ભાગ ભજવે છે. એક બોનિતા સિવાયના તમામ પાત્રોનું આલેખન સુરેખ અને માંસલ છે. બોનિતામાં આવેલો હ્રદયપલટો આપણી સમજમાં તાત્કાલિક પણે આવતો નથી અને કથાપ્રવાહમાં તે કદાચ એટલો અગત્યનો પણ નથી લાગતો છતાં તે એક પાત્ર સુરેખ (કન્સિસટન્ટ) નથી લાગતું.
પણ તો થઈ અગત્યના પાત્રોની વાત. ઘણા વાંચકો માટે કથાના નાયક-નાયિકા ચંદ્રમા જેવા હોય છે જેને તેઓ પસંદ જરૂર કરે છે, તેમના પ્રત્યે સહાનુભૂતિ પણ અનુભવે છે પરંતું તેમનામાં તેઓ એકાત્મકતા સાધી શકતા નથી. તેઓ તેમના જેવા બનવા જરૂર ઇચ્છે છે પરંતુ તેઓ પોતાની અંગત વાસ્તવિકતા પણ જાણતા હોય છે. માટે ઘણીવાર એવું બને છે કે તેઓ દ્વિતીય કક્ષાના પાત્રોમાંથી પોતાની જાતને શોધવાનો પ્રયત્ન કરે છે કારણકે તેમના માટે આવા પાત્રોપેલ્પેબલહોય છે, તેમના પોતાના સમૂહમાંથી આવતા હોય છે અને એવા પાત્રોનો તો જાણે મહાસાગર છે મહાનવલ. કથામાં આવતા, દ્વિતીય કક્ષાના પણ અનિવાર્ય એવા અનેકાનેક પાત્રો છે. શરૂઆતમાં આવતી ઊર્જાની બહેનપણી સોનલ અને તેણીનો પ્રેમી દુષ્યંત, ગાંવકરના સાવન્ત શિરકે તરીકેના ભૂતકાળમાં આવતા મજીદ, વિશ્વનાથ ભોસલે, વાસુ અણ્ણા, બોતરે પાટીલ, જગજિતસિહનો નોકર દોલતસિંહ, શિરકેને હોસ્પિટલમાંથી બહાર નીકળવા મદદ કરતો નિર્મળ પંડિત, વિમલાની મા આજીબાઈ, ડાકુ રાનોસિહ, ગાંવકરના દુબાઇના ભૂતકાળમાં આવતા શુજા, રેહમત અન્સારી, વેલજી માડમ, નૂરા, મિલ્કા, ક્વાસિમ, રિદ્રાન, જગજિતસિહના જીવનમાં આવતા પીટર હેમિલ્ટન, પટવારી, બાલાચંદ, ગુલશનરાયના ભૂતકાળમાં આવતા પરમજિતસિંહ, ચન્દ્રસિંહ, શૈલેન્દ્રસિંહ, સંતસિંહ અને અનુપમા પાસવાન, રામદાસ બાબુ અને ભોલા પાન્ડે, કિસ્ના, બૂટ-પોલિશ વાળો છોકરો મારુતિ ધોતે ઉર્ફે ધગડુ, ટેક્સી ડ્રાઇવર શામજીકાકા, જહાજ એમ.વી. લક્ષ્મીનો કપ્તાન હાસમ અને બે ખારવા બગ્ગી અને માંજર, પોર્ટુગિઝ તંત્રના ભાગ સમાન મારિયો કોર્ટેસો, સર્જિયો યુરેકો, કર્નલ લુઈ ફેરો, સાર્જન્ટ પિન્ટો, એન્તોનિયો--અલ્મેદિયા, સાઓ, નેતો, અલ્વારો, રોબર્તો, ગાર્સિયા પોર્દાલ, કેપ્ટન ગજાનન નાયક અને જેન્ડાર્મરીનો સોલંકી, આર.એસ.એસ. નો છેલાજી નાયક, મિલિટરી ઇન્ટેલીજન્સનો એસ.કે.મહેતા. યાદી તો અનંત છે. આવા કેટલાય પાત્રોનો પણ એક આગવો માહોલ છે નવલકથામાં અને તેમને પણ અશ્વિની ભટ્ટ લાઘવમાં છતાં સુરેખ પણે રજૂ કરવાનું ચૂક્યા નથી.
પાત્રાલેખનમાં અશ્વિની ભટ્ટે પોતાના મનોવિજ્ઞાનના જ્ઞાનનો પણ બખૂબી ઉપયોગ કર્યો છે. ઘણી વાર પાત્રોનું લંબાણપૂર્વકનું વર્ણન કરવા કરતા એકાદ-બે વાક્યમાં તેને આપણી કલ્પનાના પ્રદેશમાં રમતું મૂકી દેવામાં તેઓ બાહોશ છે. ડો. રણબીરનોપાવડા જેવો પંજોકે ગુલીમામાનુંખભે પતંગ મૂકીને જતા છોકરાની જેમહેન્ડબેગ લઈને જવું એક વાક્યમાં જે તે પાત્રોના શારિરીક બાંધાને આપણી સમક્ષ સુદ્રઢપણે ચિતરી આપે છે. રણપ્રદેશમાંથી આવેલી સોફાયા જ્યારે લંડનના ઘરમાં પાણીના ફુવારા નીચે સ્નાન કરવા ઉભી રહે છે ત્યારે તેને થતા ચિદાનંદનું વર્ણન પણ લેખક કરવાનું ચૂકતા નથી જે દર્શાવે છે કે દરેક પાત્રો વિષે તેઓ કેટલું ઊંડાણપૂર્વક વિચારે છે. એક સાવ નાનકડા પાત્ર બગ્ગીને પણે તેઓ એક વાક્યમાં આપણી સમક્ષ સુંદર રીતે રજૂ કરી દે છે. બગ્ગીને જોઈને શેમલ અને બાપટ બંનેના મનમાં એક વિચાર આવે છે કેઆવો વ્યક્તિ આપણી સામે હોય તેના કરતા આપણા પક્ષે હોય તે વધારે સારું’.
કથામાં આવતા અમુક પાત્રો કે પ્રસંગો જો હાજર હોત તો કથાની રસક્ષતિ થાત પરંતુ કથાના મુખ્ય પાત્રોના પાત્રાલેખનમાં જરૂર રસક્ષતિ થઈ હોત. માટે પાત્રો અને પ્રસંગો મુખ્ય પાત્રોનેજસ્ટિફાયકરવા માટે જરૂરી બન્યા છે. સોનલ અને દુષ્યંતની પ્રેમ કહાણી કથાનકમાં અગત્યની નથી પણ તેનાથી ગાંવકરના ઊર્જા-શેમલના સંબંધનો સ્વીકાર જસ્ટિફાય થાય છે. કિસ્ના પર બળાત્કાર કરનાર ઘીટ રાજકારણી રામદાસબાબુ અને ભોલા પાન્ડે વાળી ઘટના ગુલશનરાયના બ્લેકમેઇલિંગના કામને જસ્ટિફાય કરે છે. શેમલ માત્ર તેના ગુલીમામા પ્રત્યેના પ્રેમને કારણે તેમનાઆખેટમાં જોડાયો છે અને તેના ગુલીમામા છેવટે પોતાનો જીવ જોખમમાં મૂકી શેમલના પ્રેમને બચાવવા ગાંવકરની બાજી સવળી પાડવાનો જે પ્રયત્ન કરે છે પ્રસંગ મામા-ભાણિયાના પ્રેમસંબંધને જસ્ટિફાય કરે છે. શેમલના જન્મ વખતે જો ડો.રનબીર વાળી ઘટના બની હોત તો આપણને ગુલશનરાયનો ગાંવકર પ્રત્યેનો હ્રદયપલટો આશ્ચર્યજનક લાગ્યો હોત. અને જો શેમલે પોતાના જીવને જોખમમાં મૂકીને ઊર્જા અને ગાંવકરને ફિલ્મી હિરોની અદાથી બચાવત તો પરાક્રમ વિના માત્ર નસીબના જોરે નાયિકાને મેળવતા નિર્બળ નાયકે જેવું તેનું ચરિત્રલેખન થયું હોત પણ અશ્વિની ભટ્ટે તેમ થવા નથી દીધું. પરાંત શેમલ અને ગુલશનરાયે જે રીતે ઊર્જા અને ગાંવકરને બચાવ્યા તેને કારણે માલતી અને ઑક શેમલ વિષેની હકીકત જાણતા હોવા છતા અંતમાં ચૂપ રહ્યાં તે પણ જસ્ટિફાય થાય છે.
મહાનવલમાં રમેશ રુંગટાનું પાત્ર કદાચ સૌથી વધારે વિકસતું પાત્ર છે. બાકીના પાત્રોના વ્યાપ કથાની શરૂઆતમાં નક્કી થઈ જાય છે અને તેઓ સુરેખ પણે તેમના પરિઘમાં રમ્યા કરે છે. પરંતુ રુંગટાનુ પાત્ર શરૂઆતમાં એક સામાન્ય પાત્ર તરીકે રજૂ થાય છે જે પાછળથી વિકાસ પામીને વાર્તાના અંતે અતિ મહત્વનું બની જાય છે. તેમાંય તેનો જયપુરના મ્યુઝિયમાં ચોરી કરવાનો જે નકશા સાથેનો પ્લાન છે તે એટલો અસરકારક રીતે રજૂ થયો છે કે એક ક્ષણ આપણે વિચારમાં પડી જઈએ કે અશ્વિની ભટ્ટ જો સફળ નવલકથાકાર હોત, તો કદાચ...
મહાનવલમાં કથાનકના ભાગ તરીકે એક ઐતિહાસિક ઘટનાને પણ અશ્વિનીજીએ આપણી સમક્ષ રજૂ કરી છે અને તે છે ગદર ચળવળ. પંઢરીનાથની ત્રણ પેઢી અને ગદર ચળવળનો ઈતિહાસ અશ્વિની ભટ્ટે બખૂબી નવલકથાના મુખ્ય કથાનકમાં ભેળવી આપ્યો છે. ભાસેઉરુભંગમાં જેમ દુર્યોધનના પાત્રનું ઊર્ધ્વીકરણ કર્યું છે તેવી રીતે ગાંવકરના પાત્રનું ઘટનાના સંદર્ભથી ર્ધ્વીકરણ થાય છે અને કથાનકના મુખ્ય ધ્વનિનો જે ઐતિહાસિક સંદર્ભ છે તે પણ વધારે પ્રભાવક બને છે. અલ્બુકર્ક નામના જહાજની ચાંચિયાગીરી વાળી ઘટનાને મુખ્ય કથાનક સાથે કોઈ દેખીતો સંદર્ભ નથી પણ તેને પાણીપુરી પરની ચટપટી ચટણી જરૂર કહી શકાય. તેને કારણે કથાનક વધારે રોચક અને ઉત્તેજક જરૂર બન્યું છે. અને ગાંવકરના ધનની ગંગોત્રી કદાચ ઘટનામાંથી શોધી શકાશે તેવો લેખકનો એક દૂરગામી વિચાર પણ હોઈ શકે.
અંતે નવલકથાની પ્રસ્તાવનાની વાત કરવી છે. પ્રથમ આવૃત્તિની પ્રસ્તાવનામાં આભાર દર્શનથી વધારે કશું નથી. પણ દ્વિતીય આવૃત્તિની પ્રસ્તાવના આપણને લેખકના અંતરમનના એક ખૂણા સુધી લઈ જાય છે. અહિં કોઈ ખચકાટ કે સંકોચ નથી. પ્રસ્તાવનામાં તેઓ મહાનવલની સફળતાનું કારણ શોધવાનો પ્રયત્ન કરે છે. તેઓ પોતે કહે છે કે કેવળ કથાવસ્તુને કારણે સર્જાતો રસ તેમાં (મહાનવલની સફળતાના કારણમાં) છે તેવું એક લેખક તરીકે કહેવું તે આત્મપ્રશસ્તિ ગણાશે.’ પ્રસ્તાવનાના છેલ્લા બે ફકરા મુજબ છેઃ
હકીકતે સાંપ્રત, સ્વાર્થપટુ સંવેદનહીન રાજકારણીઓ, હિન્દુસ્તાનમાં ઊભરી રહેલી વહાબી ઇસ્લામિક વિચારધારા, તેના પગલે સર્જાઈ રહેલો આતંક અને ઉદાસીન રાષ્ટ્રપ્રેમથી મુંઝાયેલા આપણે સૌ રસ્તો શોધી રહ્યાં છીએ. પરિવર્તક ક્રાંતિ ઇચ્છીએ છીએ. કદાચ સુષુપ્ત એષણા, ગુંગળાવતી મનઃસ્થિતિનું પ્રતિબિંબઆખેટમાં પડતું હશે? લેખક અને વાચક તરીકેનો આપણો વૈચારિક સંગાથ હશે?’
ખબર નથી. વ્યથિત છું. સૌની જેમ. અને બસ રાહ જોઉં છું આવતીકાલની પરોઢની. ઊગતા સૂરજમાંથી ફરતા કોઈ સુંવાળા કિરણની આશાથી, ઉત્કંઠાથી..... સાપ્તાહિકમાં છપાતા નવા પ્રકરણની જેમ.’
જેણે અશ્વિની ભટ્ટનીઆકાંક્ષા અને આક્રોશવાંચી હશે, તેને તેમની વાતમાં વધારે ઊંડાણ જણાશે પણ મહાનવલની વાતમાં બાબતની ચર્ચા અસ્થાને લાગશે. વર્ણનકલામાં માહેર એવા અશ્વિનીજીની કલમથીખબર નથી. વ્યથિત છું. સૌની જેમ.’ એવા, ગાંધીજી જેવા, અતિ ટૂંકા વાક્યો નીકળે તે આશ્ચર્યજનક નથી લાગતું? કદાચ તેમની વ્યથા તેમને લંબાણ કરતા અટકાવતી હશે. પીડાની અભિવ્યક્તિ તેના વર્ણનથી પણ વધારે અસરકારક હોય છે! સાથે-સાથે શ્રી હરકિસન મહેતાનીઅંત-આરંભનવલકથા પણ યાદ આવે છે, જે તેમના જીવનની અંતિમ નવલકથા હતી. વાંચ્યા પછી એમ લાગ્યું હતું કે મહાન તંત્રી, લેખક અને નવલકથાકાર ભારતદેશની તત્કાલિન પરિસ્થિતિ અને જનતા જનાર્દનની બાબતમાં ઉદાસીનતાથી એટલા નિરાશ હતાં કે તેમને તેનો ઉકેલ માત્ર ચમત્કાર વડે શક્ય લાગ્યો હતો. કદાચ અશ્વિની ભટ્ટ પણ એવા કોઈ ચમત્કારની આશા રાખતા હોય તો નવાઈ નહિ. કહે છે ને ‘Great men think alike.’
(આ લેખ ફેસબુકના ગ્રુપ GMMC દ્વારા પ્રસિદ્ધ થતાં વાર્ષિક e_વાચક મેગેઝિનના તૃતીય અંક માં પ્રસિદ્ધ થયો હતો.)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.