તાજેતરની પોસ્ટસ

જુલાઈ 02, 2011

હરકિસન મહેતાની ડેબ્યુ નવલકથા 'જગ્ગા ડાકુનાં વેરનાં વળામણાં'

મૌલિક કોટક, જગતસિંહ જગ્ગા અને હરકિસન મહેતા

એલિઝાબેથ ડ્રુ (Elizabeth Drew) નામની એક વિવેચકે એક વાર કહ્યું હતું કે ‘Life of course is the basic raw material of all art, but no artist is so close to his raw material as the novelist.’ (જીવન અલબત્ત તમામ કળાઓનો મૂળભૂત કાચો માલ છે, પણ નવલકથાકાર જેટલું કાચા માલની સમીપ અન્ય કોઈ નથી.) અને તેનું કારણ એજ કે જીવનની સામગ્રીને વાપરવાની સૌથી વધું મોકળાશ નવલકથામાં મળી રહે છે. પણ જો સામગ્રીને જેમની તેમ રજૂ કરવામાં આવે તો તે વધું માં વધું એક અહેવાલ બની શકે, નવલકથા નહિ. સામગ્રી પર નવલકથાકારે અમુક સંસ્કાર કરવા પડેઃ જેમકે ઘટનાઓ વચ્ચેનો કાર્ય-કારણનો ચોક્કસ સંદર્ભ રજૂ કરવો પડે, ઘટનાઓ દરમિયાન ઉદ્દભવતા સંઘર્ષ અને મનોવ્યાપારોને રજૂ કરવા પડે અને બધું એટલી સાહજીકતાથી રજૂ કરવું પડે કે કથાના ભાગ તરીકે વાચક સ્વીકારી શકે, નહિતર -રસ કથા નહિ પણ નિરસ ઈતિહાસ બની જાય.
જલંધરમાં રિક્ષામાં જગ્ગા-હરકિસન મહેતા
શ્રી હરકિસન મહેતાએ તેમની નવલકથાઓમાં સંસ્કાર બખૂબી કરી બતાવ્યા છે. તેમની એક નવલકથાએ તો વાચકોમાં એટલો રસ ઉભો કર્યો હતો કે તેના પ્રકરણ આગોતરા વાંચવા વાચકો ચિત્રલેખાના કાર્યાલય પર પહોંચી જતા. તેના પ્રકરણ વાંચવા માટે એટલી પડાપડી થતી કે એક ઘરમાં ચિત્રલેખાના ત્રણ-ત્રણ અંકો મંગાવવામાં આવતા. આજની પેઢીને કિવદંતી સમાન લાગે તેવી બંને ઘટનાઓને લોકપ્રિય પત્રકાર કાંતિ ટ્ટે નોંધી છે. નવલકથા એટલે હરકિસન મહેતાનીજગ્ગા ડાકુના વેરના વળામણાં’ (પ્રથમ આવૃત્તિ .. ૧૯૬૮) જેણે ગુજરાતીઓને એક એવા નવલકથાકાર આપ્યાં કે જે આજે લગભગ અડધી સદી બાદ પણ વાચકોમાં લોકપ્રિય છે. તે સમયે અંદાજે પંદર હજાર નકલનો ફેલાવો ધરાવનારચિત્રલેખા નવલકથા બે વર્ષ છપાઈ દરમિયાન પાંસઠ હજાર નકલ સુધી પહોંચી ગયું હતું અને પ્રથમ નવલકથા બાદ હરકિસન મહેતા બેસ્ટસેલર લેખક બની ગયા હતાં.
પેલી અંગ્રેજી ઉક્તિ Life is stranger than fiction ની જેમ કલ્પનાથી પણ કલ્પનાતીત જીવન જીવેલા, કુખ્યાતમાંથી ખ્યાત બનેલા, વેરથી પ્રેમ અને પ્રેમથી વેર ની અવિરત સફર ખેડતા રહેલા, એક સમયના ડાકુ અને પછીથી રેડિયો આર્ટિસ્ટ બનેલા જગતસિંહ જગ્ગાનું જીવન ઉક્તિને સાર્થક કરે છે. અને જીવનકથાને ગુજરાતી ભાષામાં નવલકથાનું સ્વરૂપ આપનાર હરકિસન મહેતાને પોતાને આટલી લાંબી અને આટલી સફળ નવલક્થા લખવાનો અંદાજો નહોતો. તેમણે તો એક પાક્કા તંત્રીની જેમ માણસના જીવનમાં લોકોન રસ પડશે એમ માનીને જગતસિંહની મુલાકાત લીધી હતી. પછી બીજાના આગ્રહને વશ થઈને તેમણે ૨૫-૩૦ પ્રકરણની નવલકથા લખવાનું નક્કી કરીને લખવાનું શરૂ કર્યું અને ૧૧૦ પ્રકરણ લખાયા પછી જે બન્યું તો હવે ઈતિહાસ છે.
જગ્ગા ડાકુના સન્માન સમારંભમાં ચંદનકૌર, જગ્ગા, રામાનંદ સાગર,
હરકિસન મહેતા, મદનમોહન મહેતા અને કલ્યાણજીભાઈ
મૂળે પાકિસ્તાનના પંજાબ પ્રાંતને ગજવનાર જગ્ગા ડાકુની કથા પહેલીવાર ગુજરાતીમાં લખાઈ તેનું જગ્ગાને પોતાને આશ્ચર્ય થયું હતું. જગ્ગાના ગામ રતિયાની મુલાકાત કરીને વર્ણન કરવાનું શક્ય બનતા હરકિસન મહેતાએ પોતાનું બાળપણ જ્યાં વીત્યું હતું મહુવાને નજર સામે રાખીને પ્રથમ પ્રકરણમાં રતિયાનું વર્ણન કર્યું હતું. અને પહેલા પ્રકરણમાં એક એવી પ્રણયકથાના બીજ તેમણે વાવ્યા કે મારા જેવા ઘણાને ડાકુ કથા કરતાં પણ વધારે પ્રણયકથા લાગે છે. સ્વાભાવિક છે કે જગ્ગાના જીવન પર આધારિત હોવાને કારણે નવલક્થામાં જગ્ગાનું પાત્ર તો પ્રભાવક ચીતરવું પડે પણ આશ્ચર્યની વાત તો છે કે લેખકે એવો કોઈ વિશેષ પ્રયત્ન નથી કર્યો. તેમણે તો જે બન્યું હતું તેને એકદમ સરળ ભાષામાં રજૂ કર્યું અને છાસમાંથી નિતરતા માખણની જેમ સ્વાભાવિક રીતે જગ્ગાનું પાત્ર પ્રભાવક બનાવી આપ્યું.
કથાની શરૂઆતમાં જગ્ગાનું પાત્ર લાગણીશીલ વ્યક્તિ અને વિશ્વાસુ મિત્રના રૂપમાં રજૂ થયું માટે આગળ જતા પણ રીતે ચાલશે એમ આપણ ધારી લઈએ. પણ ધીમે-ધીમે પાત્રના બીજા પાસાઓ નીખરતા ગયા. ધીમે-ધીમે આપણને પાત્રના ગુસ્સા, જુસ્સા અને ખુદ્દારીનો ખ્યાલ આવે છે. પહેલી કતલ કરીને નાસી જાય છે અને પછી ફોજમાં ભરતી થાય છે ત્યારે આપણને તેની કુનેહ અને સમજદારી પણ જોવા મળે છે. અને ફોજમાંથી જ્યારે તે મિત્રો સાથે નાસી જઈને ડાકુગીરી શરૂ કરે છે ત્યારે આપણને તેનો આત્મવિશ્વાસ અને નેતૃત્વની શક્તિ જોવા મળે છે. જોકે એક લક્ષણ જગ્ગામાં સતત દેખાયા કરે છે અને તે છે માનવ પ્રત્યેની સંવેદના. તેને જેની સાથે દુશ્મની નથી તેને હાથ અડાડવા પણ તૈયાર નથી. ગરીબોને મદદ કરવા તે તત્પર રહે છે. સ્ત્રીઓ પર કદી હાથ ઉપાડતો નથી. દહેજ વિના જેના લગ્ન અટકી ગયા છે તેવી ક્ન્યાઓના તે લગ્ન કરાવે છે. અને .. ૧૯૪૭ વખતના કોમી તોફાનોમાં ભાગ લેવાની તે ચોખ્ખી ના પાડી દે છે. લક્ષણો તો બધા રોબિનહૂડના લાગે છે પણ આપણો પોતીકો રોબિનહૂડ છે જે ફરીથી એક સામાન્ય માણસ પણ બની જાય છે. અને રોબિનહૂડ આપણા મનમાં એટલો પ્રીતિપાત્ર બની જાય છે કે જ્યારે ભાગલા બાદ તે ભારત આવે છે ત્યારે આપણને થાય છે કે તે ફરી પાછો ડાકુ બને તો સારું.
જોકે આટલે સુધી તો જગ્ગા વધતે-ઓછે અંશે અન્ય ડાકુઓ જેવો લાગે છે. હરકિસન મહેતાએ પોતે પણ ઘણા ડાકુઓના જીવનની કથા આલેખી છે અને તે ડાકુઓમાં પણ આમાંના ઘણા ગુણ જોવા મળે છે. પણ છેલ્લી વાર પકડાયા બાદ કથા એક અણધાર્યો વળાંક લે છે. પહેલા જેલમાં કરેલ તોફાનો અને ત્યાર બાદ મદનમોહન મહેતાએ જગ્ગા ઉપર મૂકેલા વિશ્વાસને સાચો ઠેરવવા જગ્ગાએ કરેલા પ્રયત્નો પાત્રને અનેરી ઊંચાઈ આપે છે. ડાકુમાંથી ગાયક બનવાનું વાસ્તવિક જીવનમાં જેટલું દુષ્કર હતું એટલું દુષ્કર લેખક માટે પરિવર્તનને કાગળ પર ઉતારવાનું હતું પણ જરા પણ નાટ્યાત્મક ન લાગે તેવી રીતે તદ્દન સાહજીકતાથી લેખકે એ પરિવર્તન આલેખી બતાવ્યું. ત્રણ મહિનાની પેરોલ પર પ્રાયોગિક ધોરણે જેલની બહાર પહેલ-વહેલો પગ મૂકનાર કેદી બનતાની સાથે જગ્ગા પર એક મોટી જવાબદારી આવી પડે છે. સાચી જેલ કરતાં દુનિયા કેટલી વધારે પીડાદાયક છે તેનો જગ્ગાને ડગલે ને પગલે અનુભવ થતો રહે છે. મુદ્દત કરતાં પણ તે બાર કલાક વહેલો જેલમાં પાછો આવી જાય છે અને મહેતાસુપર જ્યારે પૂછે છે કે તેને ત્રણ મહિના ઓછા પડ્યાં, ત્યારે તેના જવાબમાં તે કહે છેઃનહી સાહેબ, ભારે પડ્યાં, એટલે તો બાર કલાક વહેલો પાછો આવ્યો, બહારની દુનિયા મને એક મોટી જેલ લાગી.’ (ભાગ-, પાન ૨૯૯) ત્યારે વાચકને નિખાલસ પાત્ર માટે પ્રેમ જાગ્યા વિના રહેતો નથી.
કદાચ સમાજમાં એક ખોટો આદર્શ રજૂ થાય તેવી લેખકની જવાબદારી વિષેની સભાનતા હોય કે પ્રતિનાયકને નાકનું ટેરવું ચડાવીને જોનારા વાચક-વિવેચક નજર સામે હોય, પણ હરકિસન મહેતાની નવલકથાઓમાં એવું એકથી વધારે વાર જોવા મળ્યું છે કે પ્રતિનાયકના વિષયવાળી નવલકથામાં એક તદ્દન સામેની કક્ષાનું પાત્ર પણ સર્જવું અને તેને પણ ખૂબ નિષ્ઠાવાન અને પાસાદાર બનાવવું. અમીરઅલી ઠગના પીળા રૂમાલની ગાંઠ માં વિલિયમ સ્લીમનનું પાત્ર લો કે નવલકથાના પોલીસ ઉપરી સિંહાસાહેબ, બંને પાત્રો કથાના નાયકની સામે પડેલા હોવા છતાં વાચકોના આદરને પાત્ર બની શક્યાં છે. સિંહાસાહેબે ચંદનકૌરને આપેલ આશીર્વાદ કે કોર્ટમાં આપેલી જુબાની તેમના માટે અચૂક આદર જન્માવે તેવી છે. અને ત્રીજા ભાગમાં આજ જગ્ગા તેમની પુત્રીને કોમી હુતાશનનો ભોગ બનતી બચાવે છે ત્યારે તેઓ જગ્ગાને ખબર આપી દે છે કે તેની પોલીસ દ્વારા તલાશ થઈ રહી છે અને તેણે ભાગવું જોઈએ. જોકે ત્યારે બાદ તેઓ મનોમંથન પણ અનુભવે છે કે ભલે તેઓ રિટાયર્ડ થઈ ગયાં છતાં હજી પેન્શન તો સરકારનું જ ખાય છે ને? તેમણે જગ્ગાને માહિતી આપીને સારું કર્યું કે ખરાબ?
પોતાની ષષ્ઠિપૂર્તિ નિમિત્તે શ્રી સૌરભ શાહને આપેલા ઈન્ટરર્વ્યુંમાં હરકિસન મહેતાએ કહ્યું હતું કે તેમણે સર્જેલા તમામ નારી પાત્રોમાં જો સૌથી વધુ લોકપ્રિય થયા હોય તો તેજડ-ચેતનની તુલસી અનેજગ્ગા ડાકુની વીરો. વીરો એટલે જગ્ગાના જીવનમાં આવેલી ત્રણ સ્ત્રીઓમાંની પ્રથમ સ્ત્રી. અને આપણને વાંચતા વાંચતા ઘણી વાર એમ પણ વિચાર આવે કે જગ્ગા ખરેખર વીરોના પ્રેમને કારણે ડાકુ બન્યો. જગ્ગાએ કરેલી પહેલી કતલ આમ તો પરાપૂર્વથી ચાલી આવેલી ખાનદાની દુશ્મનીનું પરિણામ હતું પણ તેનું તાત્કાલિક કારણ તો વીરો હતીને? અને એક વાર સજા ભોગવીને સ્વચ્છ થઈને બહાર આવેલ જગ્ગાને ફરીવાર ડાકુ બનાવનારું પરિબળ તો વીરો હતી, સુસ્પષ્ટ છે. વાર્તાના અંત સુધી વીરો માટેની જગ્ગાની તડપ તો એની એજ રહે છે અને આપણને અહેસાસ થયા વિના રહેતો નથી કે નવલકથા એક પ્રણયકથા પણ છે.
બીજું અજબનું નારી પાત્ર છે જગ્ગાની પત્નિ ચંદનકૌર. સ્ત્રીઓ માટે સામાન્ય રીતે બે વાતો માનવામાં આવતી હોય છેઃસ્ત્રીની દુશ્મન સ્ત્રી હોય છેઅનેસ્ત્રી હંમેશા ઇર્ષાળુ હોય છે’. બંને બાબતોને ચંદનકૌરનું પાત્ર ખોટું ઠેરવે છે. પહેલા તો તે ખુમારીથી એક ડાકુને પરણવા તૈયાર થાય છે, જગ્ગાના નિષ્ઠુર વર્તનને નભાવી લઈને પણ તેને સતત ચાહતી રહે છે, તેના મા-બાપની સેવા કરવાની નિરંતર ખેવના રાખે છે. પોતાના પતિને અન્ય સ્ત્રી ગમે છે તે બાબતને સૃષ્ટિના સહજ નિયમની જેમ તે સ્વીકારી લે છે, એજ સ્ત્રી માટે સ્વજન જેવો ઉચાટ રાખે છે અને પોતાના પતિ સાથે તેને ભાગી જવામાં મદદરૂપ બને છે. કોર્ટમાં ચાલતા એક પછી એક કેસ દરમિયાન અખંડ ધીરજ દાખવી ને જગ્ગાના મા-બાપને પણ તે હિંમત બંધાવે છે, પતિથી કંઈક છુપાવ્યાનો ડંખ અનુભવતી રડી પડે છે અને ઘરમાં ધૂસી આવેલ મિયા પર તલવાર ચલાવવાની બહાદુરી પણ બતાવે છે. પેરોલ પર આકરી પરીક્ષા આપવા આવેલ જગ્ગાને ખોટું પગલું ભરતા તે અટકાવે છે અને જીવનના અંતભાગમાં બધું થાળે પડી ગયા બાદ પણ અન્ય એક સ્ત્રી (ગુરુબલ્લી)ને તે જગ્ગાના જીવનમાં સ્વીકારે છે. વાચકોની ચાહના ભલે વીરોને વધારે મળી હોય પણ લેખકની ચાહના ચંદનકૌરને મળી હશે તેમ લાગે છે, નહિતર આટલું બધું પાસાદાર પાત્ર લેખકે કેમ સર્જયું હોય?
હરકિસન મહેતાએ માત્ર પાસાદાર પાત્રો નથી સર્જ્યા પણ પાત્રોની આસપાસ રચાતી ઘટનાઓને પણ કુનેહથી ગૂંથી છે. જેમ કે જગ્ગા જ્યારે-જ્યારે જેલમાં હોય ત્યારે તેના પરાક્રમો વિના કથાની ગતિ ઓછી થાય તેની તેમણે સતત કાળજી રાખી છે. ચંદનકૌરે તલવારથી કાપેલો મિયાનો અંગૂઠો કે ક્રિપાલનું મૃત્યું જગ્ગાના જેલવાસ દરમિયાન રજૂ થાય છે અને કથારસ જળવાઈ રહે છે. પહેલા બે ભાગમાં પ્રકાશિત થયેલ નવલકથાના ત્યારબાદ ત્રણ ભાગ કરવામાં આવ્યાં હતાં. પહેલા ભાગના અંતે જગ્ગા વીરોથી અલગ થાય છે અને બીજા ભાગમાં જગ્ગા વતનથી અલગ થાય છે અને બંને જુદાઈના પ્રસંગો ખૂબ સ્પર્શી જાય છે અને આપણાથી તરત પછીનો ભાગ વાંચવા માટે હાથમાં લેવાઈ જાય છે.
હરકિસન મહેતાની ઘણી નવલકથાઓમાં પરલૌકીક ઘટનાઓ, ભવિષ્યવેત્તાઓ, શ્રદ્ધા અને અંધશ્રદ્ધાના તથા જોગ-સંજોગના કિસ્સા જોવા મળે છે અને તે તેમની પ્રથમ નવલકથામાં પણ હાજર છે. ચંદનકૌરનું ભવિષ્ય ભાખતા હિમાલયના સાધુ, વીરોનું તાવીજ અને જગ્ગાનું વાળ કાપવું જેવી ઘટનાઓના નિરૂપણ વખતે લેખક આપણને શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની પાતળી ભેદરેખાની બેય બાજુ ઘૂમાવે રાખે છે અને તેને શું માનવું તે આપણા પરે છોડી દે છે. જ્યારે જગ્ગા ફસાયેલો હોય ત્યારે તેને અણધારી મદદ પણ મળી રહે છેઃ ફોજમાંથી સમયસર ભાગવા માટે ગુરુબક્ષની મદદ મળે છે, પહેલી વાર પોલીસના ઘેરામાં ફસાય છે ત્યારે ગામના મુખીની મદદ મળે છે, વીરોની તલાશના બહાને બીજી વાર ફસાય છે ત્યારે તેણે માનેલ બહેનની અણધારી મદદ મળી રહે છે અને છેલ્લે કાયમ ને માટે જેલમાં પૂરાઈ ગયા બાદ તેને મદનમોહન મહેતાની મદદ મળે છે. જોકે બધી બાબત હરકિસન મહેતાએ તો માત્ર આલેખી છે પણ તેનો યશ તો જગ્ગાના નસીબને આપવો પડે.
નવલકથાના છેલ્લા પ્રકરણમાં હરકિસન મહેતા જ્યારે પોતે કહે છે કે નવલકથાના ચાલીસ પ્રકરણ લખાયા બાદ તેઓ પહેલી વાર પંજાબ ગયા હતાં ત્યારે આપણા માટે માનવું જરાક અઘરું બને છે કારણ કે તેમણે તો પંજાબના ગામ, ખેતરો, લસ્સી, પરોઠા અને અચારથી પંજાબને જીવંત રાખ્યું છે.
નવોદીત નવલકથાકારો નવલકથા પરથી એક બોધપાઠ જરૂર લઈ શકે છે. જો તમે પહેલી નવલકથા કોઈ સત્યઘટના કે પાત્રની આસપાસ ગૂંથવાનો પ્રયત્ન કરશો તો તેની વાર્તા નક્કર બની શકશે (અંગ્રેજીમાં કહે છે ને Story without holes.) અને તમે પાત્રાલેખન અને વાતાવરણની માવજત જેવી અન્ય બાબતો પર વધારે ધ્યાન આપી શકશો. જોકે સત્યઘટના કે પાત્રની પસંદગીથી પોતાની પહેલી નવલકથા એક અજાણ્યા વ્યક્તિ (શ્રી મદનમોહન મહેતા)ને અર્પણ કરવાની હરકિસન મહેતા જેવી ઉદાત્તતા નહિ આવે, નક્કી.

( લેખ દરમિયાન શ્રી સૌરભ શાહ સંપાદિતહરકિસન મહેતાસર્જન-વિસર્જનપુસ્તકનો અને તેમાંની ત્રણ તસવીરોનો ઉપયોગ કર્યો છે.)

8 ટિપ્પણીઓ:

 1. tame koi pan book no khub saras review lakhi sako cho.. review ma aakhi novel no saar aavi jay che ane vanchela ke na vanchela loko novel vanchvani iccha roki nathi sakta.

  જવાબ આપોકાઢી નાખો
 2. if possible, can you put some more pictures of jagga daaku? we really want to see his pictures. if you can get the family pictures, it would be great and greatly appreciated.

  જવાબ આપોકાઢી નાખો
  જવાબો
  1. મારા માટે તો એ શક્ય નથી પણ તમે ગૂગલ ગુરુને પૂછી જુવો.

   કાઢી નાખો
 3. Wow, I have not yet read Jagga Daku na Ver na valamana but after reading this review I must read this great Gujarati book by Harkishan Mehta.

  જવાબ આપોકાઢી નાખો
  જવાબો
  1. આભાર ધર્મેશ ભાઈ. ઝડપથી વાંચીને જણાવજો કે કેવી લાગી.

   કાઢી નાખો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.