તાજેતરની પોસ્ટસ

July 30, 2011

યુ.કે. બાઇટ્સ: પાનની પિચકારી મારવી નહી

ભારતીયોની, અને ખાસ કરીને ગુજરાતીઓની, બહુમતી ધરાવતા બ્રેન્ટ કાઉન્સિલના વિસ્તારમાં આપણે ભારતીયોએ કમાયેલી ઈજ્જતની તસવીરઃ

પ્રિયે, તું તો મારી ચોકલેટ છે.


તું મીઠી મધુરી છે,
પણ તને હની નહી કહું.

તું લીસ્સી નરમ છે,
પણ તને બટર નહી કહું.

તું કરકરી સ્વાદિષ્ટ છે,
પણ તને કુરકુરે નહી કહું.

ગમે તેવી ઠંડીમાં પણ
મારો હાથ લાગે ને
તું તરત જ પીગળવા માંડે છે.

એટલે તો કહું છું કે
પ્રિયે, તું તો મારી ચોકલેટ છે.

July 24, 2011

ધ્રુવ ભટ્ટની જડ થી ચેતન સુધીની અનુભૂતિ ‘સમુદ્રાન્તિકે’

પુસ્તકની શરૂઆતમાં વાંચ્યુંઅર્પણઃ મારા જીવન તથા લેખનનો નાભિ-નાળ સંબંધ જેની સાથે જોડાયેલો છે તે મારા કૌટુંબિક વાતાવરણનેઅને મગજમાં ઘંટડીઓ વાગવાની શરૂઆત થઈ ગઈ કે કોઈ બીબાઢાળ પુસ્તક નથી.
પત્નિ શ્રીમતી દિવ્યાબહેન ભટ્ટ સાથે શ્રી ધ્રુવ ભટ્ટ
પછી લેખકનું નિવેદન વાંચ્યુઃ સાહિત્ય જગતના અધિકારીઓએ પ્રબોધેલા નિયત લખાણ-પ્રકારોને ધ્યાનમાં લીધા વિના વાત મેં લખી છે.....મેં લખાણને કોઈ પ્રકારનું નામ આપવાનું ટાળ્યું છે. શું છે? તે નક્કી કરવાનું કામ મારું નથી. મારે તો જે છે તે અનુભૂતિ સીધી તમારી સંવેદનામાં મૂકવી છે. તમે ચાહો તે પ્રકારે અને નામે લખાણ માણી શકો છો.’ કોઈ પણ પ્રકારના દાવા વિના તદ્દન સાહજીક પ્રસ્તાવનાથી ધ્રુવ ભટ્ટ આપણી સમક્ષ તેમનું પુસ્તકસમુદ્રાન્તિકે’ (ISBN: 978-81-8480-157-6) રજૂ કરે છે. તેઓ પુસ્તકને નવલકથા કે અન્ય કોઈ સાહિત્ય પ્રકારમાં ગણાવતાં નથી અને માત્રલખાણશબ્દ વાપરી બધું આપણી પર છોડી દે છે એટલે વાચક તરીકે આપણી સફર થોડી જવાબદારી વાળી બની જાય છે.
પારંપરીક દ્રષ્ટિએ જોવા જઈએ તો તેમના લખાણનું માળખું નવલકથા જેવું ખરૂ પણ તેમાં આરંભ-મધ્ય-અંત જેવી એક ચોક્કસ વાર્તા નથી. વાર્તા રેખા છે પણ તે ખૂબ પાતળી છે અને તેની આપણને શરૂઆતમાં ખબર નથી પડતી. જ્યારે પેજ નંબર ૨૫ પર નાયક કહે છે કે નિર્જન બિનઉપજાઉ ધરા પર રસાયણોના કારખાનાં ઊભાં કરવા માટેની દરખાસ્ત તૈયાર કરવાનું મારું કામ શરૂ કરવાનું છે.’ ત્યારે આપણને નાયકનો અને વાર્તાનો હેતુ સમજાય છે. નાયક કુદરતને ખોળે સમુદ્રના હાલરડાં સાંભળતો જાય છે અને તેણે અત્યાર સુધી જોયેલા-જાણેલા જગતને જગત સાથે સરખાવતો જાય છે. ધીરે-ધીરે બધા પ્રાકૃતિક તત્વો અને તેમની કદર કરતા માણસો વચ્ચે રહીને તે પણ બધાના પ્રેમમાં પડતો જાય છે. શરૂઆતમાં આવા બધા માણસો વચ્ચે તે પોતાની જાતને અલગ અનુભવે છે અને જ્યારે ત્રણ-ચાર દિવસ બાદ તે તેના નિર્ધારિત મુકામે પહોંચે છે ત્યારે કહે છે, ‘ત્રણ-ચાર દિવસથી મારી ઓળખ ખોઈ બેઠેલો હું આજે મારી હકૂમતના પ્રદેશમાં પહોંચ્યાની હળવાશ અનુભવતો હતો.’ (પેજ નં ૨૧) પોતાના અત્યાર સુધીના જીવન અનુભવને બયાન કરતા નાયક કહે છે, ‘હું સભ્યતાનો પ્રતિનિધિ છું, જે એમ માને છે કે માનવી સિવાયનાં પ્રકૃતિનાં તમામ સર્જનો માનવીની સેવા કરવા સર્જાયા છે.’ (પેજ નં ૩૨) તેના જીવનમાં અવલ નામના પાત્રની દખલ જાણે તેના અહમને પડકારતી હોય તેમ લાગે છે અને તે મનોમન નક્કી કરે છે કે, ‘ અવલ જે હોય તે; પણ સ્થળ, જે સરકારી છે, મારા અધિકારમાં છે, તેના પરનું અવલનું આડકતરું આધિપત્ય હું તોડી-ફોડીને ફેંકી દઈશ.’ (પેજ નં ૨૮) પણ ધીમે-ધીમે પ્રકૃતિના ખોળે વિવિધ પાત્રોને મળતા અને માણતાં-માણતાં કથાના મધ્યાંતર સુધીમાં તેનો અહમ ઓગળવા માંડે છે. અમાસના દિવસે દરિયો નહાવા આવેલા ગ્રામ્યજનો સાથે તે એકરૂપ થઈ જાય છે અને પ્રસંગને માણવા માંડે છે ત્યારે તેને પોતાને પણ નવાઈ લાગે છે કેએકદમ સ્વાભાવિક રીતે હું લોકો સાથે ભળી કેમ શક્યો? તે મારામાં રહેલો સભ્ય જીવ સમજી નથી શકતો.’ (પેજ નં ૬૫) ધીમે-ધીમે નાયક પ્રાકૃતિક વાતાવરણ અને તેમાં વસતા લોકોને ચાહવા લાગે છે અને તેના મનમાં એક સંઘર્ષ આકાર લે છે. તે વિચારે છે કેવૃક્ષોનું હોવું, ખેડી શકાય તેવી ભૂમિનું હોવું, અને પાંખી માનવ વસ્તીનું હોવું એટલા માત્રથી કોઈ સ્થળ ઝેરી રસાયણો બનાવવા માટે યોગ્ય નથી બની જતું.’ (પેજ નં ૧૧૬) બે વર્ષના પ્રદેશના સહવાસ બાદ નાયક પોતે પણ ધરતી સાથે માયા અનુભવતો થઈ જાય છે. ‘એક દિવસ જે પ્રદેશ મને પોતાને અળખામણો લાગતો હતો, તેજ પ્રદેશમાં આવીને મારા મિત્રો રહે તેવી ઈચ્છા આજે મને થાય છે. ધરતીનો જાદુ છે.’ (પેજ નં ૧૩૬) વિવિધ સ્તરના અનેકાનેક પાત્રોને અખૂટ સંઘર્ષ કરી પણહાકલા છેવાળું જીવન જીવતાં જોઈને નાયકે વિચારે છે, ‘ શક્તિ ક્યાંથી આવે છે! તે વિચારું છું તો મનમાંથી ઉત્તર મળે છેપ્રકૃતિ પાસેથી.’ મેં અનુભવ્યું છે કે જે માણસ પ્રકૃતિની નિકટ રહે છે તેને પ્રકૃતિ પોતાના મૂળભૂત ગુણોનું દાન કરે છે, સ્વાભાવિકતા, નિર્દંભીપણું, અભય અને જેવા છીએ તેવા દેખાવા જેટલી સરળતા.’ (પેજ નં ૧૫૫) પ્રકૃતિથી વિમુખ થયેલા, ચેતન વિહીન અને જડ જીવનની પ્રકૃતિ તરફની, ચેતના તરફની ગતિ કથાનું મુખ્ય વિષય વસ્તુ બનીને તરી આવે છે. છેલ્લા પ્રકરણમાં નાયક બોલી ઊઠે છે કે , ‘હું સ્વીકારું છું કે ધરતી ખરેખર સાદ કરતી હોય છે અને કેટલાક વિરલ જનો સાદ સાંભળવા અને તેનો જવાબ આપવા શક્તિમાન હોય છે. પ્રકૃતિ અને માનવી વચ્ચે પરાપૂર્વથી સ્થપાયેલો વ્યવહાર છે . સચરાચરમાં ક્યાંક કોઈક છૂપો માર્ગ છે જે માર્ગે જડ અને ચેતન પરસ્પર વાર્તાલાપ કરી શકે છે.’ (પેજ નં ૧૮૦)
સામાન્ય રીતે પાત્રો થકી વાર્તા કહેવાઈ હોય છે અને વાર્તા દરમિયાન પાત્રો વિકાસ પામતાં હોય છે. પણ પુસ્તકમાં તેનાથી ઉલટું છે. અહીં વાર્તા થકી પાત્રો કહેવાયા છે અને પાત્રાલેખન દરમિયાન વાર્તા વિકાસ પામે છે. ઈસ્માઈલ, વાલબાઈ, જાનકી, સબૂર, પગી સરવણ, અવલ, નૂરભાઈ, બંગાળી બાબા, શામજી મુખી, વિષ્નો, ક્રિષ્નો ટંડેલ, બેલી, દયારામ, વિદેશી સાધ્વી, ગોપા આતા આવા ઘણા પાત્રો કથામાં આવતા રહે છે અને તેમના થકી કથાનક વિકાસ પામે છે. ઘણાં  પાત્રો અતિ લાઘવમાં રજૂ થયા છે છતાં બધા આપણને સ્પર્શી જાય તેવા છે કારણ કે તે આસમાનમાંથી ટપકી પડેલા પાત્રો નથી પણ લેખકે જોયેલા, અનુભવેલા પાત્રો છે. એજ કારણસર બધા પાત્રો વાસ્તવિક અને પોતિકા લાગે છે. કથામાં ઈતિહાસ સ્વરૂપે આવતા હાદા ભટ્ટ, લેખકનો ઘોડો કબીરો, કથાને પોતાનું પાલવ ધરતો દરિયો પણ અગત્યના પાત્રો છે. એક બીજી વાત પણ નોંધવા જેવી છે કે કથામાં પરાશર, ડોકટર નિખિલ, સૌમિલ અને દરિયાની જાત્રાએ આવેલા પ્રવાસી જેવા ઘણા શહેરી પાત્રો પણ આવે છે અને તેમના માટે પણ કથામાં જગ્યા છે. છતાં લેખકે તેમને સભાનતાથી માત્ર જરૂરત જેટલા આલેખ્યા છે જેથી કથાનું પ્રાકૃતિક પોત જળવાઈ રહે. આમ જોવા જઈએ તો પોતાના જીવનમાં ક્યાંક મળેલા પાત્રોની સ્મૃતિને ચિરંજીવ રાખવા લેખકે જાણે પુસ્તક સર્જયું હોય તેમ લાગે કારણ કે આટલા નાનકડા પુસ્તકમાં આટલા બધા પાત્રોની રૂર નથી.
સૌથી રસપ્રદ પાત્રાલેખન થયું છે અવલનું અને એમ કહેવામાં અતિશયોક્તિ નહિ થાય કારણ કે એજ પાત્ર લખાણને આછી-પાતળી કથા પૂરી પાડે છે. બાકી બધા પાત્રો તો આવતા જતાં રહે છે પણ અવલ દરેક જગ્યાએ ક્યાંકને ક્યાંક સંકળાયેલી લાગે છે. શરૂઆતમાં નાયકને અવલનું પાત્ર અળખામણું લાગે છે અને વાચકોને રહસ્યમય. પછી નાયકને એમ પણ લાગે છે તે અવલનો પીછો છોડાવવામાં સફળ થયા છે અનેહવે તે બંગલાની બાબતમાં દખલ કરવાની હિંમત નહીં કરે.’ (પેજ ૪૩) પણ ધીરે-ધીરે તે પોતે અવલથી પ્રભાવિત થવા લાગે છે. સબૂરને જમીન આપવાની બાબતે અવલનું નાયકને સંભળાવવું કેકર્યાનું ભાન રાખીએ તો ફળ મળે.’ (પેજ ૫૭), ‘રસેલ્સ વાઈપરનો અવલના મોઢેથી થતો ઉલ્લેખ (પેજ ૧૨૨), છોકરાઓને લાકડા ચોરવામાં અવલ દ્વારા થતી મદદ (પેજ ૧૫૭) અને અવલનું વીંછીને મારવા જતા નાયકને જે હોય તે. અત્યારે આપણે આશરે છે.’ (પેજ ૧૬૫) એમ કહીને રોકવું અવલના પાત્રના વિવિધ પરિમાણો ઉઘાડી આપે છે. અવલનો ઈતિહાસ જાણ્યાં બાદ પાત્રની ઊંચાઈ પણ વધી જાય છે. નાયકના પોતાના મનમાં પણ અવલ વિષેનું આખું ચિત્ર બદલાઈ જાય છે તેમ નાયક મનોમન કબૂલે છે (પેજ ૧૫૧). છેલ્લે જ્યારે દરિયાઈ તોફાન આવે છે અને અવલ બધાને કાળજીપૂર્વક સાચવે છે ત્યારે આપણને આખી કથામાં તે પાત્ર સૌથી ઉદાત્ત લાગે છે.
ઘણા સંવાદો ખૂબ સ્પર્શી જાય એવા છે. જેમ કેઃદરિયો ડોલમાં નો સામે બાઈ, ને ડોલમાં તો ઘેર ક્યાં નોતો લવાતો?’ (પેજ નં ૬૩) ‘નાવ ગણો કે લોંચ, જોખમ તો બધે સરખું. બધાને બે જણ હંકારે. એક ઉપરવાળો ને બીજો દરિયો.’ (પેજ નં ૭૨) ‘ દુનિયા માથે આદમીનો કેર ઓછો છે? ઈનું હાલે તો માનાં ધાવણ સૂકવી નાખે.’ (પેજ નં ૧૦૭) ‘એઠું વધારતા નંઈ. વધે તો ગાય-કૂતરાને નો નાખતાં. ઈનું એંઠું ખાવાની તમારી તિયારી હોય તો ખવરાવજો.’ (પેજ નં ૧૨૯) સંવાદો સ્વાભાવિક પણ લાગે કારણ કે લેખકને તે જીવનમાંથી મળેલા છે. સાથે સાથે ભાષાનો જે તળપદો લહેકો પુસ્તકમાં જીલાયો છે તે પુસ્તકના કલેવરને વધું માણવા જેવો બનાવે છે. ‘ર્યોકેર્યુજેવા તળપદા ઉચ્ચારણો સંવાદોમાં માટીની સુગંધ ભેળવી આપતા હોય તેમ લાગે છે. સમયનો ઘટના સંદર્ભઃ મોં-સૂઝણું, શિરામણટાણું, ધણવેળા, રોંઢાટાણું, ગોરજટાણું, ઝાલરટાણું (પેજ નં ૬૧) અને શુક્રના ગ્રહ માટેફાનુસઅનેછોકરાં ઢીબણિયોના ઉપનામ (પેજ નં ૧૦૦) હંમેશા માટે આપણા સ્મૃતિપટ પર અંકિત થઈ જાય તેવા છે. સાથે-સાથે પણ નોંધવું પડે કે શુદ્ધ છતાં સમજી શકાય તેટલા સરળ ગુજરાતીમાં ધ્રુવ ભટ્ટ જેવું લખનારા આપણી ભાષામાં જૂજ લેખકો હશે.
પ્રથમ પુરુષ એકવચનની કથનરીતિથી નવલકથા આલેખાયેલી છે એટલે લેખકનો અનુભૂતિ વાળો દાવો માની શકાય તેવો લાગે છે. ઘણીવાર કથક અને લેખક એકાકાર થતા જેવા મળે છે તો ક્યાંક-ક્યાંક લેખક કથકના મોઢેથી બોલી રહ્યાં હોય તેવું લાગે છે. જેમ કે પેજ નં ૩૪ અને ૩૫ પર શિક્ષણ વ્યવસ્થા વિષેની ટિપ્પણી વાળો પ્રસંગ અને તેના અંતમાં કથકનું વિધાન કેમને થયું કે આખીયે શિક્ષણ વ્યવસ્થા બદલાવી જોઈએ.’ બિનજરૂરી લાગે છે અને કથક દ્વારા લેખક પોતે બોલી રહ્યાં હોય તેવું લાગે. પણ આટલા મીઠા દૂધપાકમાં એકાદ ઈલાયચીનું ફોતરું આવી જાય તો દૂધપાકનો સ્વાદ થોડો બગડી જવાનો હતો? પણ દૂધ જોડે ગળા હેઠળ ઉતરી જાયને?
સૌથી છેલ્લે લેખક શામજી મુખીના ઘરે લખેલું ગીત ઉતારવાની લાલચ રોકી નથી શકતો કારણ કે આખા પુસ્તકની જેમ ગીત પણ માણવા જેવું છેઃ
ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે
આપણે તો કહીએ કે દરિયા-શી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે

ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે એમ છલકાતી મલકાતી મોજ
એકલો ઊભું ને તોય મેળામાં હોઉ એવું લાગ્યા કરે છે મને રોજ
તાળું વસાય નહીં એવડી પટારીમાં આપણો ખજાનો હેમખેમ છે
અને ઉપરથી કુદરતની રહેમ છે

આંખોમાં પાણી તો આવે ને જાય, નથી ભીતર ભીનાશ થતી ઓછી
વધઘટનો કાંઠાઓ રાખે હિસાબમ નથી પરવા સમંદરને હોતી
સૂરજ તો ઊગે ને આથમીએ જાય, મારી ઉપર આકાશ એમનેમ છે
અને ઉપરથી કુદરતની રહેમ છે
(ફેસબુકના GMCC - ગુજરાતી=મેગેઝિન, છાપા અને કોલમ્સ ગ્રુપ વડે રજની અગ્રાવતના તંત્રીપદ હેઠળ પ્રસિદ્ધ થતાં વાર્ષિક સામાયિક e_વાચક ના ત્રીજા અંકમાં શ્રી ધ્રુવ ભટ્ટની મુલાકાતએક સાક્ષાત્કાર (લેખિકામેઘા જોષી) વાંચી ત્યારથી તેમના પુસ્તકો વાંચવાની ઇચ્છા થઈ હતી અને તેસમુદ્રાન્તિકેદ્વારા ફળી. ધ્રુવ ભટ્ટનો પરિચય કરાવવા માટે ગ્રુપનો આભારી છું. સાથે-સાથે મેઘા જોષીનો પણ આભારી છું કે જેમણે તેમણે પાડેલ ફોટો વાપરવાની મંજૂરી આપી. ‘સમુદ્રાન્તિકેના ૨૦૦૯ ના પુનર્મુદ્રણનો લેખ માટે ઉપયોગ કરેલો છે.)