તાજેતરની પોસ્ટસ

જૂન 20, 2011

ઘટનાથી વિચાર સુધી ટૂંકી વાર્તાની સફર


ગૌરીશંકર જોષીધૂમકેતુ થી ચંદ્રકાંત બક્ષી સુધી ટૂંકી વાર્તા સ્વરૂપે ઘણી લાંબી મુસાફરી કરી. દરમિયાન ટૂંકી વાર્તાના સ્વરૂપ અને રુચિમાં ઘણા ફેરફાર આવી ગયા. ‘ધૂમકેતુ જે વાર્તા સ્વરૂપનું બીજ રોપ્યું હતું તે મહદંશે ઘટનાપ્રધાન હતું. પન્નાલાલ પટેલની કેટલીક નવલિકાઓ માટે તો એવું કહેવાતું કે તેમાં એક લઘુ નવલ જેટલી ઘટનાઓ અને વિસ્તાર રહેતો. છતાં ટેલિવિઝન અને કેબલ કનેક્શન વિનાના સમયની વાર્તાઓ જનમાનસમાં લોકપ્રિય હતી. માત્ર ટૂંકી વાર્તાના સામાયિક પણ એક સમયે પ્રસિદ્ધ થતાં. ધીમે-ધીમે લોકપ્રિયતામાં ઓટ પણ આવી અને અત્યારે જાણે કે તેને નાશપ્રાયઃ સાહિત્ય પ્રકારની યાદીમાં મૂકવી પડે તેમ છે. પ્રકાશકો તેને છાપતાં ગભરાય છે અને લેખકો લખતા અચકાય છે માટે વાચકો વાંચતાં ખચકાય છે. જોકે બક્ષીબાબુએ તે ક્ષેત્રમાં એક વીરલાની જેમ પ્રયોગ કર્યાં છે અને તેમાંનો એક પ્રયોગ એટલે વિચારપ્રધાન ટૂંકી વાર્તા, જેમાં ઘટના નહિ પણ વિચાર અને માહોલ વધારે મહત્વનો છે. તેમની એક વિચારપ્રધાન વાર્તા કે જેમાં તેમણે એક વિચારને બ્સ્ટ્રેક્ટ વાતાવરણ આપી ગહન અસર અને ઘેરી સંવેદના નીપજાવ્યા છે.

અઢી મિનિટની વાર્તા  ચંદ્રકાંત બક્ષી

પૂર્વના પહાડોની પાછળના સુરમઈ આસમાને ઝૂકીને પૂછ્યું, ‘દુઃખી છે?’

ના.’ મે કહ્યું.

લીલાં જંગલોની હવામાં પાંખો ફેલાવીને બેઠેલો રવિવાર હસ્યો. ‘દુઃખી છે?’

ના.’

પહાડી દરખ્તો અને શિખરો પર મંડરાતા ધુમ્મસોએ પૂછ્યું. વૃક્ષોમાં ફૂલો-ફળોના ડેરા લગાવીને લહેરાતી મૌસમોએ પૂછ્યું, ધુંધલકામાં સરાબોર, કરવટો બદલી બદલીને ગુમડાતા, ચકરાતા, લયમાં બલખાતા, ખુલા ખુલા અવાજોએ પૂછ્યું.

ઊંધી થઈ ગયેલી રાતે પૂછ્યું, પૃથ્વીની ધરીએ પૂછ્યું, છેલ્લા પ્રહરે પશ્ચિમ તરફ ઢળતા આર્દ્રા નક્ષત્રે પૂછ્યું, મે કહ્યું, ‘ના.’

સતીઓએ, કબરોએ, ભૂતકાળે, ક્ષિતિજોએ પૂછ્યું.

મંદિરોની બહારની ધૂળમાં પડેલાં પગલાઓ પૂછ્યું, કાલિ પર ચઢેલા લાલ ને શંકરનાં પીળાં અને મહાવીરનાં શ્વેત ફૂલોએ પૂછ્યું.

ઝાડોની ખુરદરી તહો પર રેંગતા મંકોડાઓએ પૂછ્યું, નવા લાલ રંગેલા લોખંડના પાઈપોની અંદરથી લપકતી ગરોળીએ પૂછ્યું.

ગોલ્ડફિશની ફરકતી, અર્ધ-પારદર્શક પાંખોએ પૂછ્યું. ગરદન ઊંચી કરીને ચાંચ ફાડીને જોતા બૂઢા બતકની ગુલાબી જીભે થરકતાં પૂછ્યું, પહાડ જેવા હાથીઓના ગળાની ઘંટડીઓએ પૂછ્યું, ચિત્તાનાં પાંજરામાં ચટાઈ ચટાઈને સ્વચ્છ થઈ ગયેલા ઘોડાગાડીના ઘોડાના પગના હાડકાએ પૂછ્યું.

ઉતારી લીધેલા કબાબની કાળી સીકોએ પૂછ્યું, ચોખાનો દાણો લાવેલા ચકાએ પૂછ્યું, કાચી-પાકી કેરી ખાનારા પોપટે આંબાની ડાળ પરથી પૂછ્યું, પ્યાજની સલાદમાં ખવાયેલા લાલ-લીલાં મરચાંનાં કતરાઓએ પૂછ્યું, તવા પર ફૂલતી માની રોટલીએ પૂછ્યું. મે કહ્યું, ‘ના.’

ખરતા વાળની નીચે સંતાયેલા જૂના જખમોએ પૂછ્યું, બેઝબાન બાળકની પીઠની અળાઈએ પૂછ્યું, ક્રોમિયમ-પ્લેટેડ દિલોવાળા શ્રીમંતોના ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામોએ પૂછ્યું, કોઈએ વાંચી આપેલા ભીંજાયેલા પોસ્ટ-કાર્ડે ફાટેલા ખિસ્સામાંથી પૂછ્યું.

પાણીમાં પડીને ફેલાતાં સાબુનાં ટીપાંઓએ પૂછ્યું, સિગારેટના પૅકેટની ચાંદીએ પૂછ્યું. થરમૉમિટરના પારાની દોડતી લકીરે પૂછ્યું, તડ પડી ગયેલા ગોળાવાળા ફાનસમાંથી છનતા પ્રકાશે પૂછ્યું.

જીવતી આંગળીઓના સ્પર્શથી ચમકતા ટેલિફોનનાં ડાયલોએ પૂછ્યું, કૉપીયિંગ પેન્સિલોની ઘસાયેલી અણીઓના કાટે પૂછ્યું, હથેળીના પસીનામાંથી આવતી વપરાયેલા પ્લાસ્ટિકની વાસે પૂછ્યું.

લાલ બત્તીઓની સામે ટ્રાફિકમાં ઊભેલા સ્કૂટરના ભીના ટાયરે પૂછ્યું, તાશના કપાયેલા હુકમના બાદશાહોએ પૂછ્યું, શતરંજના મેદાનો પર શહ આપતા વજીરોએ પૂછ્યું, ઊભા ગ્લાસોમાંથી ઊભરાતી બિયરના ફેનિલ કેફે આંખો ઝપકાવીને પૂછ્યું. મે કહ્યું, ‘ના’.

લિફ્ટમાં પુરાયેલા નવા તેલે પૂછ્યું, એક્ઝોસ્ટમાંથી છૂટેલી ડીઝલની બૂએ પૂછ્યું, પાવર મશીનોમાં ગરમ થઈ ગયેલી ડાઈસોએ પૂછ્યું, આંગળીઓ પર ચોંટેલી નવા કાર્ટિજીસની ગ્રીસે પૂછ્યું.

તડકામાં છોકરીઓની વાતો કરીને થાકી ગયેલા બૂટ-પૉલિશવાળાઓની આંગળીઓએ પૂછ્યું, કૅલેન્ડરમાં ઊભી રહી ગયેલી તારીખે પૂછ્યું, ઘડિયાળમાં બગડી ગયેલા સેકન્ડના લાલ કાંટાએ પૂછ્યું, જવાન વિધવાની આંખો નીચેથી કાળાશે પૂછ્યું. મે કહ્યું, ‘ના’.

સ્કૂલ-બસમાં આઈસક્રીમ ચૂસતી બેબીના વાળમાં ઝાંખી પડેલી રિબને પૂછ્યું, લૉન્ડ્રીની ડિલિવરી વૅનના ડ્રાઈવરના મેલા યુનિફોર્મે પૂછ્યું, કબાટ પર ચડાવેલા સરાજની ખોળીની સિલવટોમાં જમા થઈ ગયેલી ગર્દએ પૂછ્યું, બુઢ્ઢી સ્ત્રીની ટોકરીમાં બળેલા કોયલા ઠારવીને વહી ગયેલા ગંગાના મટિયાલા પાણીએ પૂછ્યું.

હવાના ખુલા ખુલા બહલાવે પૂછ્યું, ખુશીની બૌછારે પૂછ્યું, પડઘાઓના ફૂહારે પૂછ્યું, દિશાઓમાંથી ઓગળતા ખુમારે પૂછ્યું, ચાંદનીમાં અંગડાતા મોજાંઓ જોઈ રહેલા તારાઓની ટમટમતી શાંતિએ પૂછ્યું, સૂર્યોદયનાં બાળકોએ પૂછ્યું. મે કહ્યું, ‘ના’.

ગરીબની ખાનદાનીએ પૂછ્યું, જુગારીના દિલે પૂછ્યું, વેશ્યાના વિશ્વાસે પૂછ્યું, ક્લર્કના સ્વમાને પૂછ્યું, અન્યાય થયેલા બાળકની સિસકે પૂછ્યું, મર્દની મજબૂરીએ પૂછ્યું.

ના.’ મેં કહ્યું.

અને સ્ત્રીના અવાજે પૂછ્યું, ‘દુઃખી છે?’

હા,’ મે કહ્યું, ‘હા....’

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.