તાજેતરની પોસ્ટસ

જૂન 05, 2011

સ્ટીગ લાર્સનની 'મિલેનિયમ ટ્રાયોલોજી'


સ્ટીગ લાર્સન (Stieg Larsson)
જેમણે શ્રી અશ્વિની ભટ્ટની કટિબંધ વાંચી હશે તેમને એક વિચાર તો આવ્યો હશે કે ત્રણ ભાગમાં લખાયેલી નવલકથા ત્રણ અલગ-અલગ નવલકથા તરીકે પણ જરૂર સફળતાપૂર્વક ચાલી જાત એટલું વૈવિધ્ય તેમાં છે અને તેમ છતાં લેખકે તેમને બખૂબી એક તાંતણે બાંધીને માત્ર એક નવલકથા આપી છે. આવી એક બીજી ટ્રાયોલોજી લંડન આવ્યા બાદ વાંચવા મળીઃ સ્ટીગ લાર્સન (Stieg Larsson) કૃત મિલેનિયમ ટ્રાયોલોજી. જ્યારે સ્ટીગ લાર્સનનીમિલેનિયમ ટ્રાયોલોજીવાંચવા હાથમાં લીધી ત્યારે એવો કોઈ અણસાર નહોતો કે તેઓ આટલા પ્રિય થઈ પડશે. પણ તેમની ત્રણેય નવલક્થાઓ વાંચીને અનાયાસે એક હાયકારો નીકળી ગયો, ‘બસ, આટલું ? હજી લખો...’ પણ તેમનીમિલેનિયમ ટ્રાયોલોજીતો મરણોત્તર પ્રગટ થઈ હતી અને તેની પહેલા કે પછી તો માત્ર શૂન્યાવકાશ! જેમને કદી જોયા નહોતા કે જાણ્યા નહોતા, માત્ર વાંચ્યા હતાં તેમના હોવાથી કેમ અફસોસ થાય છે? કેમ ખાલીપો વર્તાય છે?
આની પહેલા આવું બન્યું હતું .. ૧૯૯૮માં. એક સાંજે શ્રી હરકિસન મહેતાનીજડ-ચેતનનો પહેલો ભાગ હાથમાં હતો ને મિત્રનો ફોન આવ્યો. જેવો ફોન ઉપાડ્યો કે તેણે કહ્યું, ‘તારા વાળા પેલા હરકિસન મહેતા તો ગયા.’ અને મને ધ્રાસ્કો પડ્યો. મે જે સાંભળ્યું અને હું જે સમજ્યો તે સાચું કે ખોટું તેની ખાતરી કરવા મે પૂછ્યું, ‘શું...ફરીથી કહે તો?’ મિત્રએ કહ્યું, ‘પેલા લેખક... તો ગયા હવે ભગવાનના ઘરે.’ અને મારાથીજડ-ચેતનબેક કવર પર તેમનો ફોટો જોવાઈ ગયો. દિલમાં ડૂમો ભરાઈ ગયો. કોઈની નજરે ના પડે એટલે ઘરના ઉપરના માળે જઈને છાનું-છાનું રડી પણ લીધું. તેમની બધી નવલકથાઓ મે તહેવારો ઉજવવા જે પૈસા મળતા તે બચાવી-બચાવીને વસાવી હતી અને યોગ્ય મિત્રોને હું આગ્રહ કરીને તે વાંચવા પણ આપતો આથી તેમના માટે તારા વાળા હરકિસન મહેતાહતાં. જેમને કદી સાક્ષાત જોયા પણ નહોતા તેવા એક વ્યક્તિની ગેરહાજરીથી આટલું બધું દુઃખ?
આજે વાત પર વિચાર કરતા એમ લાગે છે કે અમારા જેવા વાચકો માટે હરકિસન મહેતા કે સ્ટીગ લાર્સન એક વ્યક્તિ કરતા પણ વધુ નવલકથાકાર હતા. અમે તેમને મળ્યા તો નહોતા માટે તેઓ કેવા છે તેની ખાસ ખબર નહોતી. સાચી રીતે અમે તેમના નહિ તેમના સર્જનના ચાહકો હતાં. તેમના જવાથી એમ લાગતું હતું કે હવે તેમના જેવી રસપ્રદ નવલક્થાઓ કોણ લખશે? એમણે સર્જેલી તુલસી કે લિસબેથ સેલાન્ડર હવે કોણ સર્જશે? વાચક અને લેખક વચ્ચેનો સંબંધ ઘણીવાર લેખકે સર્જેલા પાત્રો થકી હોય છે તે લેખકોએ સમજાવી આપ્યું.
સ્ટીગ લાર્સન મૂળ તો તેમની માતૃભાષા સ્વીડિશમાં સર્જન કરી ગયા પણ અનુવાદ દ્વારા તેઓ જગવિખ્યાત છે. રેજ કીલન્ડે (Reg Keeland) તેમનીમિલેનિયમ ટ્રાયોલોજીનો અસરકારક અંગ્રેજી અનુવાદ કર્યો છે. તેના એક પછી એક ત્રણેય ભાગ વાંચ્યા અને ખૂબ ગમ્યાં. ઘણા સમય બાદ રાત્રે જાગીને પણ વાંચવા પડે તેવા પુસ્તકો તેઓ સર્જીને ગયા.
ટ્રાયોલોજીનો પ્રથમ ભાગ ગર્લ વિથ ડ્રેગન ટેટ્ટુ વાંચ્યો ત્યારે તે બહુ અસામાન્ય નહોતો લાગ્યો. (‘કટિબંધની જેમ .) એક ટાપુ પરથી એક છોકરી હેરિઅટ વેંગર રહસ્યમય રીતે ગાયબ થઈ જાય છે. તે સમયે ટાપુની પરિસ્થિતિ એવી હોય છે કે કોઈ ટાપુની બહાર જઈ શકે કે કોઈ અંદર આવી શકે, તો છોકરી ગઈ ક્યાં? તો તે છોકરી મળી કે તો તેનો પાર્થિવ દેહ. વાતને ચાલીસ વર્ષ વીતી ગયા. તેણીના દાદા ખૂબ ધનવાન હતા અને તે છોકરી દર વર્ષે દાદાને તેમના જન્મદિવસે પોતાના હાથ વડે બનાવેલી એક લાકડાની ફોટો ફ્રેમમાં કોઈ વિશિષ્ટ પ્રકારના ફૂલો મઢીને આપતી હતી. તેના ગાયબ થયા બાદ પણ ચાલીસ વર્ષ સુધી દાદાના જન્મદિવસ પર એ ફોટોફ્રેમ આવવાની ચાલુ હી. ધનવાન દાદાને તેણી ખૂબ પ્રિય હોય છે માટે આટલા વર્ષ બાદ પણ તેઓ આશા નથી છોડતા અને તેઓ નવલક્થાના નાયક મિકાએલ બ્લોમ્કવિસ્ત (Mikael Blomkvist)ને તપાસ ફરીથી કરવાની જવાબદારી સોંપે છે. વખાનો માર્યો નાયક નિરસ કામ ઉપાડી લે છે. બીજી બાજુ નાયિકા લિસબેથ સેલાન્ડર (Lisbeth Salander) પણ સંજોગોનો શિકાર બનેલી છે અને તેણી કામ કરીને પૂરતા પૈસા કમાવા છતાં ‘સિસ્ટમ’નો ભોગ બનેલી હોવાથી પરતંત્ર છે. કથાના મધ્યાંતર સુધી નાયિકા લિસબેથ  અને નાયક મિકાએલ એકબીજાને મળ્યા પણ નથી હોતા. પછી કોયડો ઉકેલવા તેઓ ભેગા થાય છે અને અંતમાં તેમને આશ્વર્યજનક પરિણામ મળે છે. છતાં નવલકથા વિશેષ પ્રભાવક લાગી પણ તેમાં નાયિકાનું પાત્રાલેખન એટલી સુંદર રીતે થયેલું છે કે તમને તે ગમવા માંડે. તે નથી સુંદર કે નથી વાચાળ. ઘણીવાર તેનું વર્ણન કરતાં લેખક એમ પણ કહે છે કે તેને કોઈકવાર તો યુવતીના બદલે યુવાન ગણવામાં આવે તેટલી બધી અનાકર્ષક લાગે છે. ભાગ્યે તેના સ્ત્રીત્વના વખાણ છે. તેને ફોટોગ્રાફિક મેમરી ધરાવતી એક્સપર્ટ હૅકર અને બાયસેક્યુઅલ તરીકે રજૂ કરી છે અને તે વાચકની પ્રીતિપાત્ર બને તેટલું પાસાદાર અને ખાસ તો બુદ્ધિગમ્ય પાત્રાલેખન છે. નાયક મિકાએલને પણ એક ખંતીલા પત્રકાર તરીકે સરસ રીતે રજૂ થયેલ છે. આખો પ્રથમ ભાગ વેંગર કુટુંબની આસપાસ પૂરો થાય છે અને અંતભાગમાં મિકાએલ પોતાનો બદલો લેવામાં પણ સફળ થાય છે.
પણ જેવો ટ્રાયોલોજીનો બીજો ભાગ ગર્લ હુ પ્લે વિથ ફાયર વાંચવો શરૂ કર્યો કે લેખકનીગ્રાન્ડ સ્કીમસમજમાં આવવા લાગી. લિસબેથના ભૂતકાળનો અછડતો ઉલ્લેખ પહેલા ભાગમાં આવે છે, તેની અહિંયા ઉંડાણપૂર્વક વાત છે. કથાની શરૂઆતમાં નાયિકા પર ત્રણ ખૂનનો આરોપ આવે છે અને તે ભાગેડુ જાહેર થાય છે. સત્ય શોધવા અને ખાસ તો લિસબેથને બચાવવા પત્રકાર મિકાએલ પોતાની બધી શકિતઓ કામે લગાડી દે છે. લિસબેથના ભૂતકાળની એક પછી એક પરતો ખૂલતી જાય છે અને સાથે-સાથે ખરા ખૂનીની તપાસ પણ ચાલુ રહે છે. આપણે લેખકની વાર્તા રજૂ કરવાની શૈલીથી અંજાઈ જઈએ એટલુ સુંદર નવલકથાનું આલેખન છે. છેલ્લે જ્યારે લિસબેથના શરીરમાં ત્રણ બુલેટ વાગે છે અને તેને કબરમાં દફનાવી દેવામાં આવે છે ત્યારે આપણે માનીએ છીએ કે આપણી પ્રિય નાયિકાનો અંત આવી ગયો. પણ ડેન બ્રાઉને (Dan Brown) લોસ્ટ સિમ્બોલમાં રોબર્ટ લેન્ગડન (Robert Langdon)ને જેમ ડૂબાડીને માર્યા બાદ પણ માની શકાય તેવી રીતે જીવતો કરી બતાવ્યો તેવી રીતે કબરમાં દફનાવેલી લિસબેથ પણ બહાર આવે છે અને આપણે માનવું પડે કે માત્ર શબ્દોની ફેકાફેક કરતો કોઈ બીબાઢાળ લેખક નથી પણ તેની લેખનીમાં ખરેખરકંઈકછે. ભાગમાં નાયક-નાયિકા ઉપરાંત બે નકારાત્મક પાત્રો એલેકઝાન્ડર ઝાલચેન્કો અને રોનાલ્ડ નીડરમેન પણ ખાસ્સા પ્રભાવક છે. શરૂઆતમાં ભાગેડું જાહેર થયેલ લિસબેથ બીજા ભાગના અંતમાં કાયદાના હાથમાં આવી જાય છે.
ત્રીજો ભાગ ગર્લ હુ કિક્ડ હોર્નેટ્સ નેસ્ટ ટ્રાયોલોજીની પરાકાષ્ઠા છે. ભાગ હોસ્પિટલ, કોર્ટ રૂમ અને મિલેનિયમ મૅગેઝિનની ઑફિસમાં આકાર લે છે. લિસબેથ પર કાયદેસરની કાર્યવાહી ચાલે છે. વખતે પત્રકાર તરીકે મિકાએલ ફરી એક વાર પોતાની તમામ શકિતઓ કામે લગાડીને સત્યને સપાટી પર લાવે છે. કાયદા અને કોર્ટ રૂમને લગતી ઝીણી-ઝીણી વાતો બહુ રોચક રીતે રજૂ થઈ છે. શેક્સપિયરનામર્ચન્ટ ઑફ વેનિસથી માંડીને અત્યાર સુધીના ઘણા લેખકોના અદાલતના દ્રશ્યો અને દલીલો વાંચી છે. પણ મને જો કોઈ એક દ્રશ્ય પસંદ કરવાનું કહેવામાં આવે તો હું નિઃસંકોચ ત્રીજા ભાગમાં લિસબેથ પર ચાલેલા કેસનું દ્રશ્ય પસંદ કરીશ. કાયદાકીય બારીકીઓ સાથે ચોટદાર સંવાદ અને તેજાબી તર્કનો ત્રિવેણી સંગમ ખૂબ અસરકારક રીતે રજૂ થયો છે. તેના દ્વારા સ્વીડનના સરકારી તંત્રની પોલ જે રીતે ખોલવામાં આવી છે અને હકારાત્મક પત્રકારત્વનો જે ઉપયોગ બતાવવામાં આવ્યો છે તે પ્રેરણાદાયી છે. આ ભાગમાં મિલેનિયમની તંત્રી એરિકા બર્ગરનો એક સબ પ્લોટ પણ આવે છે, જે વાંચવો ગમે તેવો છે. તેને મુખ્ય કથાપ્રવાહ સાથે બહુ લેવાદેવા નથી પણ પાત્રોના વિકાસ અને મનોવ્યાપાર રજૂ કરવાનો એક સુંદર મોકો તે પૂરો પાડે છે.
ટ્રાયોલોજી માટે તમામ વિવેચકો એક વાત તો અચૂક કહે છે કે ઘણા સમય બાદ વિશ્વ સાહિત્યમાં આટલું અદ્દભુત નારીપાત્ર સર્જાયું છે. લિસબેથને એક ગીક, હૅકર, રિસર્ચર, ખૂબ અંતર્મુખી, સંવેદનશીલ, અનાકર્ષક અને બાયસેક્સ્યુઅલ સ્ત્રી તરીકે રજૂ કરી તેના વ્યક્તિત્વના તમામ પાસાઓને બહુજ ઝીણવટથી આલેખવામાં આવ્યાં છે. તે નીતિમત્તાના ચોખલિયાવેડાથી જોજનો દૂર છે અને છતાં તેનું પોતાનું એક નીતિશાસ્ત્ર છે. તેણી સમય વર્તીને ચાલવામાં માને છે. પૈસાની જરૂરિયાત હોવાથી પોતાના ગાર્ડિયનની જબરદસ્તીને વશ થઈને તેને મુખમૈથુન કરી આપનારી લિસબેથ અને એજ ગાર્ડિયનને પોતાની જાળમાં ફસાવીને વિવશ જીવન જીવવા મજબૂર કરનાર લિસબેથ બંને એક છે તે માની શકાય. પણ પાત્રાલેખનની ગૂંચવણને લેખકે એટલી ચોક્સાઈથી ઉકેલી છે કે આપણને લિસબેથ ગમે . કોફી પીનારી, બિલિ પૅન પિઝા કે સફરજન ખાનારી લિસબેથ જેટલી અડૉરેબલ લાગે જે તેટલી એક હૅકર તરીકે કે બદલો લેવા તડપતી યુવતી તરીકે કે એક લેસ્બિયન લવર તરીકે પણ પ્રિય લાગે છે.
પાત્રાલેખનની સાથે સ્વીડનના સાચા રંગોને પણ લેખકે બખૂબી કાગળ પર ઉતારી આપ્યા છે. બરફની ચાદર હેઠળ ઠંકાયેલું સ્વીડન, મેટ્રો ટ્રેન જોડે દોડતું સ્વીડન, ડ્રગ્સ અને સેકસમાં ચૂર સ્વીડન, કુદરતી સૌંદર્યથી ભરપૂર સ્વીડન, પત્રકારો અને પોલીસની દ્રષ્ટિનું સ્વીડન, ધનકુબેરોનું સ્વીડન. ખોખલા અને કાલ્પનિ નહિ પણ સાચા અને તત્કાલીન સ્વીડનનું દર્શન પણ આપણને ગમે તેવું છે.
એવું વાંચવા મળ્યું હતું કે લેખક તો કામ પરથી ઘરે આવીને સાંજે-સાંજે નિજાનંદ માટે નવલકથાઓ લખતા હતાં અને બહુ લાંબા સમય સુધી તેમણે ટ્રાયોલોજીને પ્રકાશિત કરવાનો પ્રયત્ન પણ નહોતો કર્યો. તેમના મૃત્યુંના થોડાક સમય પહેલા તેમણે ટ્રાયોલોજીની મૅન્યુસ્ક્રિપ્ટ પ્રકાશકને આપી હતી, પણ પોતાની સફળતા અને ચાહકોને જોવા તેઓ જીવ્યા નહિ. તેમના લેપટોપમાં તેમની પાર્ટનરને આજ સીરીઝની ચોથી નવલકથાનું / જેટલું લખાણ પણ મળી આવ્યું. ઉપરાંત આજ પાત્રો સાથે તેઓ કુલ ૧૦ નવલકથાઓ લખવા માંગતા હતા અને તે બધાના ટૂંકસાર તેમણે નોંધી રાખ્યા છે તેમ પણ વાંચવા મળ્યું હતું. કાશ તેમના આયોજનો પાર પાડવા તેઓ હાજર હોત!
આવા મહાન લેખકો ભલે સ્થૂળ સ્વરૂપે વિદાય લે પણ તેમણે સર્જેલા પાત્રોમાં તેઓ હંમેશા જીવતા હોય છે, ખરૂને?
(ખાસ નોંધઃ જો તમે નવલકથા વાંચ્યા પહેલા તેના પરથી બનાવેલ મૂવીઝ જોવા માંગતા હોવ તો માંડી વાળજો. નવલકથાની વાર્તા અને પાત્રોનો તેમાં કચરો કરી નાખવામાં આવ્યો છે અને ઘણી વાર તો વાર્તા બદલી નાખેલી પણ જોવા મળે છે.)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.