તાજેતરની પોસ્ટસ

મે 31, 2011

હરકિસન મહેતાની 'પીળા રૂમાલની ગાંઠ'

શ્રી હરકિસન મહેતા
શું તમે એવી કોઈ ગુજરાતી નવલકથા વાંચી છે જે ભારતમાં ધર્મના નામે ચાલતા તૂત, એક યુવકની કારકિર્દીની પસંદગીની મૂંઝવણ તથા શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની પાતળી ભેદરેખાના તાણાવાણાથી ગૂંથાયેલી હોય? અને તમને એમ કહેવામાં આવે કે આવા ‘બોલ્ડ’ વિષય પર ઈ.સ. ૧૯૬૮માં નવલકથા લખાયેલી હતી અને એ નવલક્થામાં ઓગણીસમી સદીની શરૂઆતના સમયનું આલેખન છે, તો તમે માનશો? એ નવલકથા એટલે ‘અમીરઅલી ઠગના પીળા રૂમાલની ગાંઠ’ અને એ સાહસિક નવલકથાકાર એ બીજા કોઈ નહિ પણ શ્રી હરકિસન મહેતા.
સુરેશ દલાલે એક વાર કહ્યું હતું કે હરકિસન મહેતા અને અશ્વિની ભટ્ટ ગુજરાતી સાહિત્યના બે લોચન સમા નવલક્થાકાર છે. બંને નવલકથાકારો પાસે વાચકની નાડ પારખવાની દ્દભુત સૂઝ છે. નાનકડા કથાબીજમાંથી નવલકથા ગાડવામાં અને વાચકોની રુચિને પહેલા પ્રકરણથી છેક અંત સુધી જાળવી રાખવામાં તેઓ માહેર છે. લોકપ્રિયતાની ટોચ પર બેસીને પણ તેમણે સાહિત્યકાર હોવાનો કદી દાવો નથી કર્યો અને પોતાને તેઓ વિનમ્રતાથી એક નવલકથાકાર ગણાવે. આટલી સમાનતા છતાં બંનેની શૈલીમાં એક પાયાનો તફાવત છે જે કોઈની પણ આંખે ઊડીને વળગે અને તે છે તેમણે વાપરેલી ભાષા. સાતમા ધોરણમાં ભણતા કિશોર માટે અશ્વિની ભટ્ટને વાચવા દુષ્કર તો નહિ પણ મુશ્કેલ જરૂર છે જ્યારે એ જ કિશોર હરકિસન મહેતાને જરૂર વાંચી શકશે. કહેવાનો મતલબ છે કે અશ્વિનીજી પાસે પોતાનો એક આગવો શબ્દકોષ છે અને યોગ્ય જગ્યાએ જરૂરત મુજબ ગુજરાતી ભાષા સિવાયના શબ્દો વાપરતા તેઓ બિલકુલ અચકાશે નહિ. જ્યારે હરકિસન મહેતા મોટાભાગે લોકકોષ વડે કામ ચલાવી લેતા અને છતાં પણ પોતાની વાતને તેઓ બખૂબી રજૂ કરી દેતા.
આજ કારણે અશ્વિની ભટ્ટની પહેલા હરકિસન મહેતાની લેખનીનો પરિચય થયો હતો. પહેલા તેમનીભેદ-ભરમવાંચી અને ત્યાર બાદ એક પછી એક તમામ નવલકથાઓ વાંચી. તેમની તમામ નવલકથાઓમાં સૌથી વધુ ગમેજડ-ચેતનકારણ કે તેના જેવી પ્રણયકથા આજ સુધી વાંચી નથી. અદ્દ્ભુત! (પન્નાલાલ પટેલનીમળેલા જીવઅને ભગવતીકુમાર શર્માનીઅસૂર્યલોકપણ ખૂબ ગમે છે.) બીજા ક્રમે આવેલય-પ્રલયઅનેવંશ વારસ’. બાળપણમાં આર. એલ. સ્ટીવન્સનાટ્રેઝર આઈલેન્ડનો અનુવાદ વાંચ્યો ત્યારથી દરિયાનું એક આકર્ષણ થઈ ગયું હતું. ત્યાર બાદ ગુણવંતરાય આચાર્યના ઘણા પુસ્તકો વાંચ્યા પણ તે પુરાતન સમયની કથાઓ કરતા આધુનિક સમયમાં સર્જાતીલય-પ્રલયવધારે સ્પર્શી ગઈ અને પ્રિન્ટ મિડિયાનું આકર્ષણ (તથા ઇરવિંગ વૉલેસનીધી લમાઈટીનો પયોગ) ‘વંશ વારસપ્રતિ આકર્ષિત રાખે છે. ત્રીજા ક્રમે પણ બે નવલકથાઓ મૂકું છું કારણ કે બંનેમાં ઘણી સામ્યતાઓ છે. બંનેના નાયક ખરેખર પ્રતિનાયક છે, બંને કાલ્પનિક નહિ પરંતું સાચા પાત્રો છે અને બંને નવલકથાઓ ત્રણ ભાગમાં વહેચાયેલી છેઃજગ્ગા ડાકુના વેરના વળામણાંઅનેઅમીરઅલી ઠગના પીળા રૂમાલની ગાંઠ’.
.. ૧૯૬૮માં ત્રણ ભાગ અને ૧૦૨ પ્રકરણમાં લખાયેલીઅમીરઅલી ઠગના પીળા રૂમાલની ગાંઠઆજે લગભગ પાંચ દાયકા બાદ પણ આટલી લોકપ્રિય છે એની નવાઈ નથી લાગતી? તેના ઘણા કારણો છે પણ મહત્વના કારણ બેઃ પહેલું કારણ વિષયવસ્તુ, બીજું કારણ તેને રજૂ કરનારની કલમ. નવલકથા વાંચ્યા બાદ મારા જેવા ઘણા લોકોને પહેલી વાર ખબર પડી હશે કે ખરેખરઠગશબ્દનો સાચો મતલબ શું થાય અને ધર્મના નામે એક સમયે આવું પણ ચાલતું હતું. માટે આવા વિષય પ્રત્યે વાચક આકર્ષાય તે તો સ્વાભાવિક છે પણ એકલી વિષયવસ્તુ રસપ્રદ હોવી પૂરતી નથી તેની રજૂઆત પણ રસપ્રદ હોવી જોઈએ અને રજૂઆત ખરેખર રસપ્રદ છે. (મહેશ યાજ્ઞિકની નવલકથાવેર શિખરની વાર્તા છે તો રસપ્રદ પણ અપરિપક્વ રજૂઆતને કારણે કેવી લાગે છે તે અહીં વાંચો.)
વાચકોના સદનસીબે હરકિસન મહેતાના હાથમાં કર્નલ મેડોઝ ટેલર રચિતકન્ફેશન્સ ઑફ ઠગપુસ્તક આવ્યું અને તેના પરથી નવલકથા તેમણે લખી છે તે વાતનો સ્વીકાર તેમણે પ્રસ્તાવનામાં કર્યો છે. અને પ્રસ્તાવનામાં તેઓ એમ પણ કહે છે કે તેમનો નવલકથા લખવાનો પ્રયાસ માત્ર જીવનકથા કે ઇતિહાસકથા નહીં હોય. સત્યઘટનાને આધારે કલ્પનાના રંગે રંગાયેલી નવલકથા લખવાનો પ્રયાસ છે.’ અને તેમણે ખરેખર પોતાના આગવા કલ્પનોને કથામાં ભેળવીને એક રોચક નવલકથાનું સર્જન કર્યું છે.
પાત્રાલેખન હરકિસન મહેતાની કલમનું જમા પાસું છે. સુરેખ અને જીવંત પાત્રો સર્જવામાં તેઓ પોતાના તમામ કસબનો ઉપયોગ કરતાં. તેમની પ્રથમ નવલક્થાની જેમ બીજી નવલકથામાં પણ એક પ્રતિનાયક (એન્ટિ હિરો)ને વાચક્ગણમાં પ્રિય બનાવવાનું સાહસ તેમણે કરવાનું હતું. પણ સાહસ પહેલા કરતાં ઘણું વધારે અઘરું હતું કારણ કે પ્રથમ નવલક્થાનો નાયક જગ્ગા ડાકુ તો તે સમયે જીવંત હતો અને પાછલા જીવનમાં આવેલા પલટાથી તે પોતે ઘણો લોકપ્રિય હતો, માટે તે વાચકોને પસંદ પડે તેમ રજૂ કરવો અઘરો નહોતો. જ્યારે અમીરઅલી અને તેનો ઠગીનો ધંધો બંને લોકોમાં અજાણ્યા હતાં અને અપરિચય હોય ત્યાં પહેલા ભય જન્મે અને જો ચૂક થઈ ગઈ તો ભયમાંથી પ્રીતિ થાય. છતાં લેખકે જોખમ લીધું અને તબક્કાવાર તેને પાર પાડ્યું.
નવલકથાની શરૂઆતમાં ઠગના ધંધાનું અને અમીરઅલીના વિવશ બાળપણનું આલેખન આપણા મનમાં તેના માટે સહાનુભૂતિ પેદા કરે છે. સેનાપતિ બનવાની તેની ઘેલછા તથા ગુલુ અને હાથી વાળો પ્રસંગ આપણા મનમાં તેની બહાદુરી અંકિત કરી જાય છે. ઠગની દીક્ષા લેવાની આગલી રાત્રે તેણે અનુભવેલું મનોમંથન કારકિર્દીની પસંદગીમાં મૂંઝાતા યુવાન જેવું છે. તે પહેલો શિકાર કરે છે ત્યાં સુધી તેનામાં ધંધાથી દૂર ભાગવાની ભાવના હોય છે માટે અહિં સુધી અમીરઅલીનું પાત્ર વાચકોની સહાનુભૂતિને પાત્ર છે. પણ એકવાર ઠગ બન્યા બાદ લેખક માટે કપરા ચઢાણ શરૂ થાય છે. સદનસીબે પોતાની પહેલી સફરમાં અમીરઅલી દ્દભુત પરાક્રમો દાખવે છે અને બે સ્ત્રીઓનો પ્રેમ પણ પ્રાપ્ત કરે છે. માટે તેની બહાદુરી અને શૃંગારિકતામાં તેના ઘાતકીપણાની અસર ભૂંસાઈ જાય છે અને વાચકો તેને નાયક તરીકે સ્વીકારી શકે છે. અફલા અને બદ્રીનાથના પાત્રો થકી તે એક વફાદાર મિત્ર તરીકે રજૂ થતો હોઈ વાચકોનો પણ વિશ્વાસ મેળવે છે. પિતા અને પુત્રનું મૃત્યું તેને ફરીએક વાર સહાનુભૂતિને પાત્ર બનાવી દે છે. વખતે તે સહાનુભૂતિમાં કરૂણાની છાયા પણ હોય છે. જીવનના દરેક પડાવે તે મનોમંથન અનુભવતો રહે છે. જ્યારે-જ્યારે તે ઠગના વ્યવસાયથી દૂર જવાનો પ્રયત્ન કરે છે ત્યારે-ત્યારે તેના જીવનમાં એવું કંઈક બની જાય છે કે તે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે ઝોલા ખાતો-ખાતો પાછો ઠગના વ્યવસાય તરફ ધકેલાય છે. જ્યારે તે ચિતુ પિંઢારાના લશ્કરમાં જોડાય છે ત્યારે વાચકો માની લે છે કે હવે અમીરઅલી ઠગ મટી ગયો. પણ ગફુરખાનની અસહ્ય ક્રુરતા અને અમીરઅલીનું ઋજુ હ્રદય તેને ફરી એક વાર ઠગ બનાવી દે છે. સમયે આપણને, એટલે કે વાચકોને, એમ થાય છે કે ખરેખર અમીરઅલી કરતા પણ મોટો ઠગ છે તેનું નસીબ જે તેને બાળપણથી ઠગતું આવ્યું છે. દરેક પગલે તેને સફળતા અપાવી એમ અહેસાસ કરાવે છે કે નસીબ તેની સાથે છે પણ હકીકતમાં તે અમીરની ઇચ્છાઓથી વિપરીત દિશામાં જતું હોય છે. તેની મૈત્રી માટે અફલો જ્યારે પોતે પણ ઠગ બનવા તૈયાર થાય છે ત્યારે અમીર ફરી વાચકોનો વિશ્વાસ અને પ્રેમ મેળવી લે છે. પણ જ્યારે એજ અફલો અમીરની ક્રુરતાથી રિસાઈને જતો રહે છે અને પુત્ર પામવાની ઘેલછામાં અમીર પોતાના હાથે પોતાની બહેનનું ગળું ભીંસી નાખે છે ત્યારે પાછો અપ્રિય થઈ જાય છે. અને વાચકોના મનમાં તેના પ્રત્યે જન્મેલી ધૃણા અમીરઅલી પકડાઈ જાય છે ત્યાં સુધી વધતે-ઓછે અંશે જળવાઈ રહે છે.
બરાબર આજ સમયે, પ્રકરણ ૭૩ માં, કથાના બીજા મહત્વના પાત્ર વિલિયમ સ્લીમનનો પ્રવેશ થાય છે અને આખું પ્રકરણ ભારતીય માનસમાં ધર્મના નામે રૂઢ થયેલી અંધશ્રદ્ધા અને પરંપરા પર લખાયેલું છે. માત્ર ધર્મને ખાતર હસતા મુખે સ્વેચ્છાએ ચિતાએ ચડી જતી સ્ત્રીને જોઈને સ્લીમન વિચારે છે કે આને અંધશ્રદ્ધાની જડતા કહેવાય કે શ્રદ્ધાનું બળ? એજ સમયે વાચકો પણ એમ વિચારવા લાગે છે કે અમીરઅલી જે કંઈ કરે છે તેની પાછળ પણ આજ કારણ હશે? અને ફરી પાછી અમીર પ્રત્યેની ધૃણા ધીમે-ધીમે ઘટતી જાય છે. જેલમાંથી મળેલા અણધાર્યા છૂટકારા બાદ ફરી એક વાર અમીરઅલી કથાનો અને વાચકોનો નાયક બનતો જાય છે. વખતે અમીર અને સ્લીમન વચ્ચેની ઊંદર-બિલાડીની રમતની પણ બધાને મજા આવે છે. સ્લીમનના હાથમાં ઝડપાઈ ગયા બાદ જ્યારે અમીર ખરેખરે પોતાની હકીકત જાણે છે ત્યારે કથામાં શેક્સપિયરનાઓથેલોજેવી કરૂણા ઉત્પન્ન થાય છે. કૅટેસ્ટ્રોફી સુધી પહોંચીને અમીરનું પાત્ર પસ્તાવાની આગમાં પાછું પ્રીતિપાત્ર બને છે. દરમિયાન આવેલા તમામ ચડાવ-ઉતાર એટલા સચોટ પણે રજૂ થયા છે કે સામાન્ય માં સામાન્ય માણસ પણ અમીરઅલીના મનની વ્યથાને સમજી શકે છે. સરળ, સબળ અને સચોટ રજૂઆત હરકિસન મહેતાની કલમની લોકપ્રિયતાનું સાચું કારણ પણ છે.
સમગ્ર કથાના તમામ અગત્યના મુખ્ય પાત્રોમાં માત્ર સ્લીમનનું પાત્ર એક માત્ર એવું પાત્ર છે કે જેના પ્રત્યે વાચકોને હંમેશા આદર અને પ્રેમ જળવાઈ રહે છે. અંગ્રેજ હોવા છતાં તે એક કર્મનિષ્ઠ અને સહ્રદયી પાત્ર તરીકે રજૂ થયેલ છે. માટે આઝાદીના માત્ર બે દસક બાદ લખાયેલ નવલકથા કે જ્યારે આઝાદીની લડતમાં ભાગ લેનારા અસંખ્ય સૈનિકો હજુ હયાત હતા ત્યારે પણ એક અંગ્રેજ પાત્રને આદર અને સ્નેહ મળી શક્યો તે પણ કંઈ નાની સિદ્ધી કહેવાય.
નવલકથામાં સ્ત્રી પાત્રો છે તો ઘણાંય પણ શિરિન, રોશન અને અઝીમાને બાદ કરતા બધા થોડાક સમય પૂરતા આવે છે, અને લગભગ બધાનો અંત કરૂણ છે. છતાં તેઓ પોતાની છાપ છોડીને જાય છે. અમીરની બાળપણની પ્રેયસી ગુલુ કે જોહરાની સાવકી મા કે સબ્ઝીખાનની બાંદી કરીમા કથાપ્રવાહમાં આવે છે માત્ર થોડાક સમય માટે પણ પોતાની લાક્ષણિકતાઓ બખૂબી દર્શાવી જાય છે. કથાના અંતભાગમાં પસ્તાવાની આગમાં જલતો અમીર એક સમયે એમ પણ વિચારે છે કે તે પોતાના જીવનમાં આવેલી બે મા થી માંડી પોતાની પુત્રી સુધી કોઈને પણ ન્યાય કરી શક્યો નથી ત્યારે આપણે તેની સાથે સહમત થવું પડે છે.
પ્રસ્તાવનામાં લખ્યું છે તેમ અમીરઅલીની જીવનકથા સાથે-સાથે કલ્પનાના ઘણા રંગ પણ ઉમેરેલા દેખાય છે. અફલાના પિતાનું મિલન, કે જોહરા સાથેનું પુનર્મિલન કે સબ્ઝીખાનની બાંદીની પાછળ સરફરોઝખાનનું ફકીર બની જવું નાટકીય અને કાલ્પનિક લાગે છે પણે પ્રસંગો દ્વારા લેખકે અલગ-અલગ પ્રસંગો અને વિભિન્ન લાગણીસ્તરોને સારી રીતે રજૂ કરી શકવાનો કસબ દર્શાવ્યો છે. અમીર-જોહરાની પ્રણયકથા આપણને જગ્ગા અને વીરોની પ્રણયકથાની યાદ પણ અપાવી દે છે. સાથે-સાથે જગ્ગાના જીવનમાં આવેલ જેલર મહેતાસાહેબની સરખામણી જાણે-અજાણે સ્લીમન સાથે થઈ જાય છે.
પાત્રાલેખનની સાથોસાથ વાર્તા રજૂ કરવાની તેમની શૈલી પણ ચોટદાર છે. મધુરી કોટક ‘સર્જન-વિસર્જન’ નામના પુસ્તકમાં (સંપાદનઃ શ્રી સૌરભ શાહ) લખે છે કે ‘(વજુ) કોટકે મૅગેઝિન શરૂ કરતાં પહેલાં ફિલ્મો લખેલી. ફિલ્મોમાં એક પછી એક દ્રશ્યરૂપે વાર્તા કહેવાની હોય. એ પ્રકારનું લખવામાં કોટકને સારી ફાવટ આવી ગયા બાદ તેમણે નવલક્થામાં પણ એ જ શૈલી જાળવી રાખી....એ જ શૈલી હરકિસનભાઈએ અપનાવી. છ વર્ષ સુધી કોટક સાથે કામ કરીને, એમનાં લખાણો વાંચીને તથા એમની સાથે કલાકોના કલાકો સુધીની ચર્ચાઓ દ્વારા એમણે કોટકની શૈલી બરાબર પચાવી હતી અને એના આધારે પોતાની એક આગવી શૈલી વિકસાવી હતી.’ (પાન નં. ૪૧) તેમની આ શૈલીને કારણે કથાનક ક્યારેય નિરસ લાગતું નથી અને આટલી મોટી નવલક્થા પણ એક રસપ્રદ ચલચિત્રની જેમ જ આંખ સામેથી પસાર થતી રહે છે.
કથા નાયક મુસ્લિમ હોવાથી ઉર્દૂ ભાષા છૂટથી વાપરવાનો અવકાશ હતો, અને તે ભાષાના ઘણા શબ્દો ગુજરાતી-હિન્દીમાં સ્વીકૃત બન્યા છે માટે લેખક ભાષાના વધારે શબ્દો વાપરી શકત પણ તેમણે પોતાની આગવી શૈલી મુજબ બાબતમાં સંયમ જાળવ્યો છે. પેદર, જનાના સવારી, દિલરૂબા, કાફિર, વાલિદ એવા બહુ ઓછા શબ્દો તેમણે વાપર્યા છે. સાથે નાયક ઠગ હોવાથી ઠગોમાં વપરાતી રામસી ભાષા પણ તેઓ વાપરી શક્યા હોત પણે ભાષાના પણ બિલ, મંજેહ, લુઘા, સોથા, ભૂત્તોત, થિબાવ, પિલાવ, બનીજ, તપોની જેવા જરૂર પૂરતા શબ્દો વાપર્યા છે. માટે ભાષાનો લેખક પર કાબુ નથી પણ લેખકનો ભાષા પર કાબુ છે તેમ આપણે જરૂર કહી શકીએ. અને તેમ છતાંય જ્યારે-જ્યારે નવલકથામાં હૈદરાબાદ, અમરાવતી કે મુંબઈ જેવા અલગ-અલગ માહોલ કે પ્રેમ, મૃત્યું, મિલન, વિદાઈ જેવા વિવિધ સંવેગો રજૂ કરવાના આવ્યા છે ત્યારે લેખકે કોઈ કચાશ છોડી નથી. બદ્રીનાથની કથામાંથી વિદાય સાવ અણધારી લાગે છે જ્યારે અફલાની વિદાય વસમી લાગે છે, તો સરફરોઝખાનની વિદાય નાટ્યાત્મક અને ઇસ્માઈલમિયાનીપોએટિક જસ્ટિસજેવી. દરેક વખતે લેખકે બહુ ઝીણું કાંત્યા વગર પણ વિદાયના વિવિધ રંગો દર્શાવી આપ્યા છે.
અમીરના પિતા ઈસ્માઈલમિયાની હાજરીમાં બંધાયેલ પીળા રૂમાલની ગાંઠ જ્યારે અમીરની પુત્રી માસૂમાની હાજરીમાં ખૂલે છે ત્યારે વાચકો એક ઊંડો ઉચ્છવાસ જરૂર છોડે છેઃ એ કથા પૂરી થયાનો રાજીપો છે કે અમીરની વિદાયનો નિસાસો, એ તમે જ નક્કી કરજો.
(શ્રી હરકિસન મહેતાની તસવીર શ્રી સૌરભ શાહના બ્લોગ પરથી સાભાર.)

23 ટિપ્પણીઓ:

 1. This novel was written in 1966 and published in 1968.
  Read Mulshankar Bhatt's translations of Jules Verns if you love adventures in sea.' Saahasiko ni srushti' is my all time favourite!

  જવાબ આપોકાઢી નાખો
  જવાબો
  1. આ નવલકથા મે 1994 મા વાચી હતી. હજી પણ રોમાંચીત થઈ જવાય છે. ભૂતકાળમા ઘણા વિષયો એવા હશે જે વતૅમાન મા લોકો કલપી ન શકે.

   કાઢી નાખો
  2. સત્ય. બ્લોગની મુલાકાત બદલ આભાર.

   કાઢી નાખો
  3. ખુબ જ મજા આવી..ત્રણેય ભાગ એક જ અઠવાડિયામા 22/9/20 શરૂ કરી ને 26/9/20 ઍ સમાપ્ત...ખુબ જ આનંદ થયો

   કાઢી નાખો
  4. આભાર મિત્ર. હરકિસન મહેતા અને અશ્વિની ભટ્ટ વાંચીને આનંદ થવો જ રહ્યો.

   કાઢી નાખો
 2. સૌરભભાઈ,
  બ્લોગની મુલાકાત લેવા માટે અને આપના બહુમૂલ્ય સૂચન આપવા બદલ આભાર.
  ફરી એકવાર નવલક્થામાં તપાસ્યું. તેમાં ઉલ્લેખ છે કે નવલક્થા તા. ૨-૧૨-'૬૮ થી ચિત્રલેખામાં પ્રસિદ્ધ થવી શરૂ થઈ અને તેની પ્રથમ આવૃત્તિ ઇ.સ. ૧૯૭૦ માં બહાર પડી હતી.
  આપની જેમજ, જુલે વર્નની 'સાહસિકોની સૃષ્ટિ' મારા ગમતા પુસ્તકોમાંનું એક પુસ્તક છે.
  આભાર.

  જવાબ આપોકાઢી નાખો
 3. મારા પ્રિય નવલકથા લેખક વિશે વાંચી આનંદ થયો.

  આપના બ્લોગને મારા બ્લૉગરોલમાં ઉમેરું છું.

  જવાબ આપોકાઢી નાખો
 4. વિનયભાઈ,

  આપની મુલાકાતથી આનંદ થયો. બ્લોગરોલમાં ઉમેરવા બદલ આભાર.

  સસ્નેહ.

  જવાબ આપોકાઢી નાખો
 5. Sir,

  From where i can buy EBOOK or soft copy of all the novel of shri Harkishan Mehta ? Please?

  જવાબ આપોકાઢી નાખો
  જવાબો
  1. પ્રણવભાઈ,
   ગુજરાતીભાષાના વાચકોની દિવાળી હજું આવી નથી. ઇ-બુકના પ્રકાશનક્ષેત્રે આપણા પ્રકાશકો પા-પા પગલી ભરી રહ્યાં છે એટલે અત્યારે તો તમે કહ્યું એ શક્ય નથી. ૨૦૧૩ના અંત સુધીમાં એવું કંઈક થાય એવી શક્યતા ખરી. જુઓઃ http://www.chiragthakkar.me/2012/11/Indie-Blues.html

   કાઢી નાખો
 6. ખુબ જ અદ્દભૂત નવલકથા. પહેલી વખત ‘પીળા રૂમાલની ગાંઠ’ વાંચતો હતો ત્યારે મને યાદ છે રાત્રે સુતા- સુતા પણ જાણે અમીર અલી સૈયદ સાથે મુસાફરી કરતો હોય તેવો ભાસ થતો હતો. ક્યારેક અમીરની ‘પાન લાવો....’ની બૂમ તથા હાથે કસકસાવીને પકડેલો પીળો રૂમાલ અને તડફડીયા મારતો ‘શીકાર’ બંધ આંખો સમક્ષ પ્રગટ થતો. તો ક્યારેક પીંઢારાઓની ક્રૂરતાથી ઉંઘમાંથી ઝબકી જતો.... મેં મારા ઘણા મિત્રોને આ નવલકથા વાંચવાની સલાહ આપી...

  જવાબ આપોકાઢી નાખો
  જવાબો
  1. આભાર હરેશભાઈ. આવો અનુભવ કરનારા તમે એકલા નથી. હું અને મારા જેવા ઘણા લોકોએ એમ અનુભવ્યું જ છે.

   કાઢી નાખો
 7. નવલકથા ખૂબ જ સરસ છે અને હવે તો ગુજરાતી ઓ એ ગર્વ લેવા જેવી છે કે આ નવલકથા ઉપર થી હિન્દી picture પણ reliease થવાં નું છે

  જવાબ આપોકાઢી નાખો
  જવાબો
  1. હા. પરંતુ હિન્દી મૂવી એના પરથી હોય એમ લાગતું નથી.

   કાઢી નાખો
 8. One of the best book , your style of writing is also like Harkishanjii...
  Ak dum shahaj... pan sachott...

  Blog Saras chee ...

  જવાબ આપોકાઢી નાખો
 9. વર્ષો પહેલા આ નવલકથા વાચી હતી. એનો રોમાંચ હજુ સુધી છે. આ નવલકથાના બધા જ ભાગ ફરીથી વાચવાની પ્રબળ ઈચ્છા છે. તો ઈ પુસ્તક તરીકે ફરીથી મુકવા વિનંતી છે.

  જવાબ આપોકાઢી નાખો
  જવાબો
  1. ઇ-બુક માટે તો તમારે તેમના પ્રકાશક પ્રવીણ પ્રકાશનનો જ સંપર્ક કરવો પડે. કોમેન્ટ માટે આભાર.

   કાઢી નાખો
 10. ચિરાગભાઇ આ નવલકથાની ઇબુક ઉપલબ્ધ હોયતો જણાવશો પ્લીઝ..

  જવાબ આપોકાઢી નાખો
  જવાબો
  1. મારી જાણમાં તો હરકિસન મહેતાની એક પણ નવલકથાની ઇ-બુક ઉપલબ્ધ નથી. તેમ છતાં તમે તેમના પ્રકાશક પ્રવીણ પ્રકાશનનો સંપર્ક કરીને વધારે માહિતી મેળવી શકશો. કોમેન્ટ માટે આભાર.

   કાઢી નાખો
 11. બાળપણ મા આ નવલકથા વાચી હતી ત્યારે હું કંઈક 12 વર્ષ નો હોઈશ એ ઉંમર થી અત્યાર સુધી નો એક જ વિચાર કે સુ આવી કોઈ બીજી નવલકથા જેમાં આટલુ સચોટ લેખન અને જાણે આંખ ની સામે બધું થતું હોઈ તેવી બીજી કોઈ નવલકથા હશે??

  જવાબ આપોકાઢી નાખો
 12. બાળપણ મા આ નવલકથા વાચી હતી ત્યારે હું કંઈક 12 વર્ષ નો હોઈશ એ ઉંમર થી અત્યાર સુધી નો એક જ વિચાર કે સુ આવી કોઈ બીજી નવલકથા જેમાં આટલુ સચોટ લેખન અને જાણે આંખ ની સામે બધું થતું હોઈ તેવી બીજી કોઈ નવલકથા હશે??

  જવાબ આપોકાઢી નાખો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.