તાજેતરની પોસ્ટસ

મે 21, 2011

મહેશ યાજ્ઞિકની 'વેર શિખર' નવલકથા વિષે

શ્રી મહેશ યાજ્ઞિક
આમ તો મનમાં હંમેશા એક વાત રાખી છે કે બને ત્યાં સુધી નકારાત્મક વિચારોથી દૂર રહેવું, પણ વખતે શક્ય લાગ્યું નહિ. બન્યું એવું કે થોડા સમય પહેલા જ્યારે ઇલિંગ રોડ લાઈબ્રેરીની મુલાકાત લીધી ત્યારે બે ભાગની એક ગુજરાતી નવલકથા હાથમાં આવીઃ મહેશ યાજ્ઞિકનીવેર-શિખર’. લેખકની પ્રથમ નવલકથારેશમડંખ’ (આતિશ કાપડીયા સાથે) ચિત્રલેખામાં વાંચી હતી અને સારી લાગી હતી માટે બંને ભાગ હાથમાં લીધા. નવલક્થાના બેક-કવર પર લેખકના પરિચયની સાથે-સાથે વાંચ્યુંઆજના સૌથી લોકપ્રિય નવલકથાકારઅને માટે નવલકથા વાંચવાનો નિર્ણય કર્યો.

સૌ પ્રથમ પ્રસ્તાવના વાંચી અને કથાની શરૂઆત ક્યાંથી થશે તે જાણીને વાંચવાની આતુરતા વધુ તીવ્ર બની માટે પ્રસ્તાવનામાં કેટલીક વાંધાજનક વાતો લાગી, તે પણ અવગણીને વાંચવાનું શરૂ કર્યું. પ્રસ્તાવનામાં હતુંએક યુવાન કારમાં કોઈ વૃદ્ધને લિફ્ટ આપે અને ડોસો કારમાં મૃત્યું પામે..... ડોસાના અવસાન પછી લિફ્ટ આપનાર યુવાન ઉપર આફત તૂટી પડશે. ખેદાન-મેદાન થઈ ગયા પછી વેર લેવા માટે ઝઝૂમશે.’ માટે વાંચ્યા પહેલાં વેર લેવા માટે ભટકતા એક ખૂંખાર નાયકની કલ્પના-મૂર્તિ મનમાં ઘડાઈ ગઈ.

પ્રસ્તાવનામાં લેખકે એમ પણ લખ્યું છે કેઅગાઉથી નવલકથાનો ઢાંચો બાંધ્યા વગર એક પછી એક પ્રકરણ લખવાની મારી આદત છે. કોઈ ઢાંચો બાંધ્યા વગર નવલકથા લખવાનું જોખમી છે છતાં મને ગમે છે.’ એક વાત તેમણે એકદમ સાચી કહી! ખરેખર નવલકથાનું માળખું સુદ્રઢ નથી. એમણે તો નવલક્થાને સામાન્ય વાર્તાકથનની જેમ રજૂ કરી નાખી. નાયકનું જીવન તેની પત્નિ અને પુત્રીની હત્યાથી ખેદાનમેદાન થાય છે ત્યાંથી નવલકથાની શરૂઆત થઈ હોત અને લગભગ આખો પહેલો ભાગ ફ્લેશબેક તરીકે આવ્યો હોત, તો વાર્તાકથન પણ થોડુંક રસપ્રદ જરૂર બની શકત. પણ ઘટનાઓને સુરેખ સમયરેખામાં રજૂ કરીને તેમણે મને બાળપણમાં વાંચેલી બાળ-સાહસકથાઓની યાદ અપાવી. લેખક શ્રીને એટલું યાદ અપાવવાની જરૂર ઇચ્છા થાય છે કે વિશ્વના મહાનત્તમ બાંધકામ પહેલા કાગળ પર ચિતરાયા હતા અને પછી નિર્માણ પામ્યા હતાં. માળખા વિના લખશો તો સારી વાર્તા પણ ખરાબ રીતે અને ખરાબ ક્રમમાં રજૂ થાય તેવું બની શકે છે.

કાગળ પર રજૂ થતી વાર્તામાં પાત્રાલેખન ખૂબ અગત્યનું છે. મજબૂત પાત્રો વિના કોઈ પણ નવલક્થાને સુંદર ગણી શકાય. નવલકથાના નાયકનું પાત્રાલેખન હાસ્યાસ્પદ છે. શરૂઆત બરોબર રહી પણ પાછળથી પાત્રનો કચરો કરી નાખ્યો. શરૂઆતમાં નંદન પંડ્યાનું પાત્ર એક સેલ્સમેન અને કૌટુંબિક વ્યક્તિ તરીકે સારી રીતે રજૂ થયું. જ્યારે તેની પત્નિ અને પુત્રીની નિર્દયતાથી હત્યા કરવામાં આવી ત્યારે પણ તેની કરુણા થોડી-ઘણી સારી રીતે રજૂ થઈ શકી પણ જ્યારે તે પોતાનું વેર લેવા નીકળે છે ત્યારે હાસ્યાસ્પદ બની જાય છે. નવલકથાનું નામ છેવેર-શિખરમતલબ કે વેરની ટોચ પર બેઠેલા પાત્રની વાત, જેના મનમાં અહર્નિશ વેરની આગ ભભૂકતી હોય તેમ લાગ્યું હતું પણ તમે ખરેખર નવલકથા વાંચો ત્યારે તમને ઘણા સવાલ થાય. નાયક નંદન પંડ્યા પોતાનું વેર લેવા જ્યારે નીકળે છે ત્યારે તેની સાથે નાયિકા મંજુ ઉપરાંત અન્ય ત્રણ પાત્રો (રઘુવીર જાડેજા, ગીતા જાડેજા અને બિપીન) પણ હોય છે. માત્ર ત્રણ પાત્રોથી કામ ચાલી ગયું હોત. ઉદેપુર પહોચતા રઘુવીર જાડેજાનો ઓળખીતો હોટલનો માલિક મિસરીમલ એમ ઓફર કરે છે કે અહિં આવ્યા છો તો બે દિવસ ફરતા પણ જાવ (પાના નંબર ૨૮૫) ત્યારે વેરના શિખરે બેઠેલ માણસ (કચવાતા મને) બે દિવસ ફરવામાં વિતાવે છે. અજમેર આવે એટલેઅજમેર આપણે ચાહીને તો આવવાનાં નથી. આજે આવ્યાં છીએ તો દર્શનનો લાભ લઈએ’ (પાના નં ૪૧૩) એમ ગીતા દ્વારા સૂચન થાય છે અને પછી સારી હોટલ શોધીને જમવા જવાનું ગોઠવાય છે. ખાધા પછી તેઓ પાન ખાવા જાય છે (પાના નં ૪૧૪) કે મુખવાસનો ફાકડો મારે છે (પાના નંબર ૨૬૨). વાર્તામાં જ્યારે પુરાવા શોધવા માટેના સૌથી આખરી ચરણની વાત હોય ત્યારે નાયક નંદ પંડ્યા એમ કહે કેઆમ તો અત્યારે ત્યાં દોડી જવાની ઈચ્છા થાય છે, પણ બ્રાહ્મણત્વ નડે છે. દિલથી જમ્યો છું. ભારે ભોજન પછી એક કલાકનો આરામ અનિવાર્ય છે.’ (પાના નં ૩૩૮) ત્યારે આપણને મનમાં એમ સવાલ થાય કે ભાઈ વેર લેવા નીકળ્યા છે કે ફેમિલી ટૂર પર? પાત્રાલેખનમાં પાત્રની સુંદરતાના વર્ણન કરતાં પણ આવી નાની-નાની ક્રિયાત્મક બાબતો વધારે અગત્યની હોય છે કારણ કે વાંચતી વખતે દરેક વાચક જાણે-અજાણે પાત્રની (અને ખાસ તો નાયકની) સરખામણી પોતાની સાથે કરતો રહે છે. જ્યારે વાચકને એમ લાગે કે ઘટનાનો પ્રત્યાઘાત તેણે પોતે પણ આવો આપ્યો હોત ત્યારે તેને તે પાત્ર વાસ્તવિકતાની નજીક લાગે છે, પણ જો પાત્ર કોઈ વિપરીત વર્તન કરે તો વાચક અને પાત્ર વચ્ચે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સર્જાયેલ એકાત્મકતાનો તંતુ તૂટી જાય છે. છેલ્લે જ્યારે નાયકની મુલાકાત તેના જીવનને ખેદાન-મેદાન કરનાર વ્યક્તિ હનીફ ઈલ્યાસી સાથે થાય છે, ત્યારનું તેનું વર્તન પણ વિચિત્ર લાગે છે. તે સેલ્સમેનની જેમ પોતાની ઓળખાણ આપતા કહે છેમાય સેલ્ફ નંદન...નંદન પંડ્યા...’ (પાના નં ૪૩૮). ભલે તેને ખબર છે કે તે પોતાનીપ્રેયસીનો પિતા છે છતાંય પ્રેયસી પહેલાના જીવનના સૌથી અગત્યના ભાગ એવા પત્નિ અને પુત્રીનો હત્યારો છે કેમ ભૂલી ગયો? અને પછી જાણે બધી વાત કે વેરની વસૂલાત નાયિકાએ કરવાની હોય તેમ મંજુ આખી મુલાકાતમાં છવાયેલી રહે છે અને નંદપંડ્યાને તો જાણે બોલવાનો પણ મોકો નથી મળતો. વેરના શિખર પર બેઠેલ નાયકનું આવું હાસ્યાસ્પદ ચિત્રણ નવલકથાનું સૌથી નબળું પાસુ છે.

સાથે-સાથે ઘણીવાર પ્રકરણ પૂરુ કરવા વાતને બિનજરૂરી લંબાણથી રજૂ કરવામાં આવી હોય એમ પણ લાગે. બધા પ્રકરણોમાં જો સૌથી સારી રીતે લખાયેલ પ્રકરણ હોય તો તે છે પ્રકરણ નંબર-૪૫. તે વાંચવાની ઈંતેજારી જળવાઈ રહે છે કારણ કે તેમાં ફ્લેશબેક ટેકનિકનો ઊપયોગ થયેલો છે. સૌથી સારું અને સાતત્યપૂર્ણ પાત્રાલેખન થયું હોય તો તે લીલા બા અને મંજુની માતા રાધાનું . તે પણ એટલા માટે કે તેઓ થોડાક સમય માટે વાર્તાના પ્રવાહમાં આવે છે. જો તે પાત્રોનો સમયગાળો લાંબો હોત તો કદાચ તેઓના પાત્રાલેખનની પણ અન્ય પાત્રો જેવી હાલત હોત તે શક્ય છે.

પ્રસ્તાવનામાં લેખકનો એક દાવો પણ વાંચોઃઆવડત અને તક હોવા છતાં, છીછરાં વર્ણનોમાં વલખા મારવાની ટેવ નથી એટલે મારી નવલકથાઓમાં રોમાન્સ કે શૃંગાર જેવું ખાસ કંઈ હોતું નથી. રોમાન્સની બાદબાકી છતાં વાચકોને જકડી રાખવામાં સફળતા મળી છે એનું મને ગૌરવ છે.’ લેખકની તો માત્ર માત્ર બે નવલકથા વાંચી છે માટે તેમનીઆવડત અને તકવિષે બહુ વાત કરી શકું. પણ પ્રાચીન મહર્ષિ વેદ વ્યાસ અને વાલ્મિકી તથા ભર્તૃહરિ અને કાલિદાસ, અર્વાચીન ગોવર્ધનરામ ત્રિપાઠી અને કનૈયાલાલ મુનશીથી શરૂ કરીને કાજલ ઓઝા-વૈદ્ય અને અશ્વિની ભટ્ટ સુધીના ઘણાંય ભારતીય સારસ્વતોના શૃંગારીક વર્ણનો વાંચ્યા છે અને તેમાં ક્યાંયછીછરા વર્ણનોમાં વલખા મારવાની ટેવનથી દેખાઈ. લેખક શ્રી માફ કરજો, પણ આપનું વિધાન વાંચ્યા પછી મને કાકા સાહેબ કાલેલકરના પ્રકૃતિ નિબંધજોગનો ધોધમાં વાંચેલી એક વાત યાદ આવી ગઈ, ‘સૂગ કે સૌંદર્ય વસ્તુગત નહિ, પણ વ્યકિતગત છે.’ ઊલટાનું નવલકથામાં તો તક જતી કરીને તમે નાયક અને નાયિકા બંનેના પાત્રોને અન્યાય કર્યો છે અને માત્રહેપ્પી એન્ડિંગલાવવા માટે જાણે લાકડે માકડું વળગાડ્યું હોય તેમ માત્ર અંતિમ થોડાક પ્રકરણોમાં તેમની પ્રેમ કથાને લપેટી લેવામાં આવી છે. અને લેખકનેવાચકોને જકડી રાખવામાં સફળતા મળીછે કે નહિ તે વાચકોને નક્કી કરવા દો તેવી વિનંતી.

પુસ્તકના બેક-કવર પર રન્નાદે પ્રકાશન દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કેમહેશ યાજ્ઞિકઆજના સૌથી લોકપ્રિય નવલકથાકાર’. આવી વાતો તો પોકેટ-બુક્સ પર શોભે, હાર્ડ-બેક પર નહિ. નવલક્થા જે સામાયિકમાં ક્રમશઃ છપાઈ તેઅભિયાનમાં શ્રી અશ્વિની ભટ્ટની નવલકથાઓ પણ છપાતી રહી છે. નવલકથાકારની લોકપ્રિયતા વિષે તેમને અથવા સદ્ગત શ્રી હરકિસન મહેતાને યાદ કરીને વિધાન છાપ્યું હોત તો થોડી ગરિમા જળવાઈ રહેત. જે આખા યુરોપમાં ગુજરાતીઓની સંખ્યામાં બીજા નંબરે આવે છે તેવા બ્રેન્ટ કાઉન્સિલની કુલ ૧૨ લાઈબ્રેરીઓના આંકડા જણાવે છે કે ગુજરાતી ભાષામાં કાઉન્સિલમાં સૌથી વધારે વંચાતા દસ લેખકો પ્રમાણે છેઃ ઝવેરચંદ મેઘાણી, હરકિસન મહેતા, અશ્વિની ભટ્ટ, તારક મહેતા, ચંદ્રકાન્ત બક્ષી, ભગવતી કુમાર શર્મા, રજનીકુમાર પંડ્યા, કાજલ ઓઝા-વૈદ્ય, ગુણવંતરાય આચાર્ય અને પ્રિયકાન્ત પરીખ!

આ નવલકથા વાંચીને જરૂરથી થયું કે શું ‘રેશમડંખ’ આજ લેખકે લખી હતી?

8 ટિપ્પણીઓ:

 1. again good review. You are good reviewer buddy. મેં હમણા જ એક પુસ્તક "લખવું એટલે કે..." માં મહેશ યાજ્ઞિકની આ જ વાત વાંચી કે એ પહેલેથી પ્લોટ વિચારી રાખતા નથી પણ
  પ્રકરણો લખતા જાય એમ વિચારતા જાય છે. ત્યારે મને પણ આ જ વિચાર આવ્યો'તો કે આવું કરવામાં નવલકથાની ક્વોલેટી જોખમવાના પણ ચાન્સ છે. પણ સંખ્યાબંધ લેખકો એવા છે જે આ રીતે લખતા હોય છે (ગુજરાતી અને અંગ્રેજી બંને) પણ આ રીતે ફ્લોલેસ નવલકથા લખવાનું સામર્થ્ય અમુકમાં જ હોય છે. મને હરકિસન મહેતામાં પણ આ કારણે જ અમુક વખતે ખચકાટ અનુભવાય છે (કે આ સાલું હજુ સારું થઇ શક્યું હોત). આ રીતે છપાતી નાવલકથાઓમાં જો કે લેખક સામે ય એક ચેલેન્જ હોય છે-દરેક પ્રકરણના અંતને ઇંતેજારીને લાયક બનાવવાણો પણ એને કારણે અમુક વખતે નવલકથા આંચકા ખાતી હોય એવું પણ લાગવાનો ભય રહે છે. મેં તો મહેશ યાજ્ઞિકની હજુ સુધી એક પણ નવલકથા વાંચી નથી.

  જવાબ આપોકાઢી નાખો
 2. થોડા સમય પહેલા જ રાત ઉજાગરા કરી ને લેખક શ્રી એ લખેલ બધીજ નવલકથાઓ વાંચી...તમારા જેવા જ વિચારો મારા મનમાં પણ ઉદભવ્યા હતા..... તમે જે રેશમ ડંખ નવલકથા નો ઉલ્લેખ કરો છો એ લેખકે એકલા એ નથી લખી તેમાં સહલેખક તરીકે શ્રી આસિત કાપડિયા પણ હતા..... મહેશભાઈ એ લખેલ દરેક નવલકથામાં આ જ વાત ખટકે છે .... શરૂઆત જોરદાર હોય છે પણ જેમ જેમ આગળ વાંચતા જાવ તેમ તેમ કોથળામાં થી બિલાડા જ નીકળે છે ..... એમની નવલકથાઓ છળ કપટ અને વંશ વિચ્છેદમાં પણ આવો જ અનુભવ થયો

  આ ઉપરાંત બીજો પણ એક પ્રશ્ન થાય છે કે એમણે લખેલ છેલ્લી નવલકથા વંશ વિચ્છેદ ના બેક કવર પર લેખક વિષે શ્રી તારક મહેતા (with all due respect to Shri Tarak Mehta) એ આપેલ પ્રતિભાવ વાંચજો

  જેમાં શ્રી તારક મહેતા એ લખેલ એક વાક્ય છે કે

  "નવલકથા વાંચ્યા પછી વાંચક ને છેતરાયાની લાગણી ના થવી જોઈએ"

  પણ મહેશભાઈ એ લખેલ દરેક નવલકથા વાંચ્યા પછી છેતરાયા ની જ લાગણી થાય છે......

  જવાબ આપોકાઢી નાખો
  જવાબો
  1. અમરભાઈ આભાર. તમારી વાત સાથે સંપૂર્ણ સહમત છું. આવતા રહેજો.

   કાઢી નાખો
 3. ચીરાગભાઈ,

  ખુબ સરસ રિવ્યૂ, આપ ખરેખર વિવેચક તરીકે ખુબ સરસ લખાણ લખો છો.. મેં નવલકથા નથી વાંચી પણ આપના લેખ પરથી એ કેવી હશે એ ખ્યાલ આવી ગયો.

  Dhaval Soni

  જવાબ આપોકાઢી નાખો
  જવાબો
  1. પ્રતિભાવ બદલ આભાર ધવલભાઇ. આ લેખ જોકે કોઇ વિવેચનાત્મક લેખ નથી (અને વિવેચનની તો મારી ક્ષમતા પણ નથી). મને તો પુસ્તક વાંચતા વાંચતા જે વિચારો આવ્યા તે અહીં શબ્દોના માધ્યમમાં વહેતા કર્યાં છે.
   આમ જ મુલાકાત લેતા રહેજો.
   ચિરાગ ઠક્કર 'જય'

   કાઢી નાખો
 4. ખુબ જ સરસ રીતે પોતાનું મંતવ્ય રજુ કર્યું આપે

  જવાબ આપોકાઢી નાખો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.