તાજેતરની પોસ્ટસ

May 09, 2011

પ્રકરણ ૧૭. પૈડાથી પાઉન્ડ સુધી


બાર સાયન્સના આશ્ચર્યજનક પરિણામ બાદ મે સાહિત્યનો અભ્યાસ કરવાનું નક્કી કર્યું. ગુજરાતી સાહિત્ય તો હું જાતે જ વાંચી શકીશ માનીને અંગ્રેજી સાહિત્ય ભણવાનો નિર્ણય કર્યો. મુખ્ય વિષય અંગ્રેજી, પ્રથમ ગૌણ વિષય સંસ્કૃત અને દ્વિતીય ગૌણ વિષય ઈતિહાસ પસંદ કરીને હું આશ્રમરોડ પર આવેલ નવગુજરાત કેમ્પસની શ્રીમતી એસ. આર. એમ. આર્ટ્સ કોલેજમાં જોડાયો. ત્યાં શિક્ષકો માટે પ્રેરણારૂપ અને વિદ્યાર્થીઓ માટે આદર્શ સમાન શ્રીમતી ઈન્દિરાબેન નિત્યનંદમના માર્ગદર્શન હેઠળ અંગ્રેજી સાહિત્યનો અભ્યાસ કરવાની તક મળી.
અગિયારમાં અને બારમા ધોરણમાં કૉલેજ જેવા જલસા કર્યા હતાં માટે કૉલેજમાં બાર સાયન્સની ગંભીરતાથી ભણ્યો અને દરેક વર્ષે ખૂબ જ સરસ પરિણામ લાવ્યો. પ્રથમ વર્ષથી જ શિક્ષણને વ્યવસાય તરીકે સ્વીકારીને ટ્યુશન્સ આપવા પણ શરૂ કરી દીધા. મને મારા આ નિર્ણય માટે ઘણાએ મજાકને પાત્ર બનાવ્યો પણ કુછ તો લોગ કહેંગેમાની હું માત્ર અભ્યાસ કરતો રહ્યો. શિક્ષણને મે રોજી-રોટી કમાવાનું શીખવતાં અભ્યાસક્રમ તરીકે નહિ પણ માણસના વ્યક્તિત્વ વિકાસના એક મહત્વના સોપાન તરીકે જોયું છે. જીવનમાં જે કંઈ થોડો-ઘણો વિકાસ થયો છે તે એ અભ્યાસના પ્રતાપે જ. આજે મને મારા એ નિર્ણય પર ગર્વ છે.
મારા બાળપણમાંથી હું એક અગત્યનો બોધપાઠ પણ શીખ્યો. અહિ લંડનમાં, અને માનો કે વિદેશોમાં વસતા બધા ભારતીયોમાં, મહદઅંશે પોતાના બાળકોને લગતી એક સમાન પ્રકારની માનસિકતા જોવા મળે છે. મોટાભાગના વર્કિંગ-કપલ્સ પોતાના બાળકને જન્મ આપ્યા બાદ તેને ભારત દાદા-દાદી-નાના-નાની પાસે મોકલી દે છે અથવા દાદા-દાદી-નાના-નાનીમાંથી કોઈને લંડન બોલાવી લે છે. છેલ્લા ઉપાય તરીકે તેઓ મમ્મી બાળક સાથે ભારત જતી રહે છે અથવા તો કોઈ બેબી-સીટરના ભરોસે તે બાળકને મૂકી દેવામાં આવે છે.  તેઓ માત્ર ડોલર અને પાઉન્ડનો વિચાર કરે છે પણ પોતાના બાળકને માતા-પિતા બંનેનો પ્રેમ મળશે કે નહિ, તેનો વિચાર નથી કરતાં. માતા-પિતાથી દૂર રહેલ અથવા બંનેમાંથી એકની ગેરહાજરીમાં રહેલ બાળકનું બાળપણ ખંડિત થઈ જાય છે અને ખંડિત બાળપણ જીવનભર તેને ત્રસ્ત કરતું રહે છે. મે એ ખંડિત બાળપણ ભોગવ્યું છે અને જ્યારે મે એ બાળપણનું સરવૈયું કાઢ્યું ત્યારે એક નિર્ણય મે લીધો હતો કે હું મારા બાળકના બાળપણને ડોલર કે પાઉન્ડના ભોગે ખંડિત નહિ થવા દઉં. માટે અમે અમારી પુત્રી આર્નાને તમામ આર્થિક મુશ્કેલીઓ છતાં પણ અમારી સાથે જ રાખવાનો નિર્ણય લીધો છે. ઘણી મુશ્કેલીઓ છે છતાં આર્નાનું બાળપણ તેનાથી વધારે અગત્યનું છે તેમ અમે બંને જણા માનીએ છીએ.
કૉલેજકાળની વાતો તો ખૂબ છે પણ તે બાલ્યાવસ્થા અને કિશોરાવસ્થા વટાવીને યુવાવસ્થામાં પ્રવેશેલ યુવાનની વાતો છે માટે તેને અહિ અપ્રસ્તુત ગણું છું. છતાંય જીવનમાં શીખવાનું હંમેશા શરૂ રાખ્યું અને મિત્રોની યાદીમાં નામ ઉમેરવાના પણ શરૂ રાખ્યા છે.
મારા પપ્પા કદી વિડીયો ગેમ્સ નહોતા રમ્યાં અને મારી આર્ના સ્કૂટરના પૈડા ફેરવવાનો આનંદ નહિ લઈ શકે. મને ગર્વ છે કે મે એ બંને વસ્તુઓ માણી છે અને માટે જ એ બાળપણને આટલું બધું સ્મરુ છું.
આજે પણ જીવનમાં તે વખતની જેમ રોજના ચોવીસ કલાક અને અઠવાડિયામાં સાત વાર જ હોય છે છતાંય બાળપણમાં અને શાળા જીવનમાં એ ચોવીસ કલાકના જે મધુર પડઘમ હતા અને સાત વારના જે ઈન્દ્રધનુષી રંગો હતો તે ત્યારબાદ કદીય જોવા નથી મળ્યા. જ્યારે શાળામાં જતા હતા ત્યારે વર્ષમાં માત્ર ત્રણ જ પરીક્ષા આપવી પડતી અને બે વેકેશન પણ મળતા જ્યારે દુનિયાની મહાશાળામાં કોઈ જ વેકેશન નહિ ને રોજે-રોજ પરીક્ષા! નાનપણ હતું ત્યારે જલ્દી યુવાન થવા માગતા હતા, પણ હવે સમજાયું કે, અધૂરા સપના અને તૂટેલા સંબંધો કરતા અધૂરું હોમવર્ક અને તૂટેલા રમકડાં વધુ સારા હતાં! ક્યાંક વાંચ્યું હતું -


કદાચ ફરીથી તેવું નસીબ મળી જાય,
જીવનની સૌથી સુંદર ક્ષણ મળી જાય,
ચાલ ફરીથી બનાવીએ સાગર રેતનું મકાન,
કદાચ પાછું આપણું બાળપણ મળી જાય.
આ સ્વાર્થી, સંઘર્ષમય અને અપૂર્ણ અભિપ્સાઓથી ઊભરાતાં જગતને જોઈ હજી પણ દિલ પોકારી ઊઠે છેઃ
મેરે દિલ કે કોને મે બેઠા હુઆ એક બચ્ચા
બડોકી દુનિયા દેખકે બડા હોનેસે ડરતા હૈ.’
*     *     *
(નજર સામે રહેલ પુત્રી આર્નાનું બાળપણ અમે માણીએ છીએ અને એ આનંદ આ લખવા માટે સૌથી મોટી પ્રેરણા હતી. તે દરમિયાન જ આર. કે. નારાયણન લિખિત માલગુડી ડેજોવાનો મોકો મળ્યો. બ્લોગર મિત્ર શ્રી કાર્તિકભાઈએ પણ એ દરમિયાન જ તેમના બ્લોગ પર જ્યારે અમે નાના હતાં લખવાનું શરૂ કર્યું. માટે મને પણ એવું કંઈક લખવાની ઈચ્છા થઈ હતી. અને તાત્કાલિક કારણ બની પ્રિય મિત્ર ઘટા. તેણે પોતાના બાળપણની વાતો ઈમેલ દ્વારા કહેવાની શરૂ કરી અને તેના જવાબમાં મે આ લખવાનું શરૂ કર્યું. આ લખવામાં પ્રમુખ આઈ.એમ.. નો ઉપયોગ કર્યો છે અને જોડણી સુધારણા માટે ગુજરાતી લેક્ષીકોનનું ઓનલાઈન સ્પેલ ચેકર વાપર્યું છે. ઘણા મિત્રોએ મારા બ્લોગ ‘અભિન્ન’, ફેસબુક કે ગુજરાતી.એનયુ સાઈટ પર પ્રોત્સાહક પ્રતિભાવ આપ્યા છે. સૌનો ૠણસ્વીકાર કરું છું.)

4 comments:

  1. ઓહ. આ તમારું પ્રકરણ મારા ધ્યાન બહાર કેમ ગયું? :)

    ReplyDelete
  2. ચિરાગભાઇ કેમ છો? મારું નામ વલય છે ને હું દિવ્યભાસ્કર.કોમ સાથે સંકળાયેલો છું. મારે તમારી એક હેલ્પ જોઇએ છે. જો શક્ય હોય તો valayshah811@gmail.com પર મેઇલ કરજો.

    ReplyDelete

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.