તાજેતરની પોસ્ટસ

મે 02, 2011

પ્રકરણ ૧૬. લગ્ન, ઓથાર, પરિણામ અને કાંકરિયા


અગમનું સૂચન સાંભળવા છતાં મારા માટે હજુ ઓછામાં ઓછું એક વર્ષ સાયન્સ સાથે બથોડાં ભર્યા વગર છૂટકો નહોતો. ઓછામાં ઓછું એક વર્ષ એટલા માટે કારણ કે આજ વર્ષે હું પાસ થઈ જઈશ તેવો મને વિશ્વાસ નહોતો. એક સમય એવો હતો કે કોઈ શિક્ષક મને તેમનો અર્જુન ગણાવવામાં ગર્વ અનુભવતા હતા અને આ વર્ષે મોટા ભાગના શિક્ષકોની નજરમાં મને મારા માટે તુચ્છકાર દેખાતો હતો. અને એ કેટલું સ્વાભાવિક હતું! એક તો ચાલું તાસમાં હું ઘણી વાર મસ્તી કરતા પકડાતો, પરીક્ષામાં કોઈ સારો દેખાવ નહિ, અને શાળાના કોઈ શિક્ષકના ટ્યુશન પણ નહિ! પછી કોઈના માનીતા થવાનું એક પણ કારણ ખરૂ? આ વર્ષે અભ્યાસમાં મે કંઈ પણ ઊકાળ્યું હોય તેવું યાદ નથી. માત્ર અને માત્ર ધમાલ મસ્તી યાદ આવે છે.
પ્રથમ પરીક્ષાનું પરિણામ અતિશય ખરાબ હતું. માટે પ્રગતિપત્રકમાં પપ્પાની સહી કરાવવી અસંભવ હતી. પ્રગતિપત્રક મારા દફતરમાં જ હતું પણ મે બહાર કાઢ્યું નહોતું. પણ બન્યું એવું કે પપ્પાને પેન જોઈતી હતી અને ઘરમાંથી કોઈ ચાલુ પેન તાત્કાલિક હાથમાં આવી નહિ માટે તેમણે મારું દફતર ખોલ્યું અને તેમને મારું પ્રગતિપત્રક નજરે પડ્યું. ખલાસ! સાતમાંથી ચાર વિષયમાં નપાસ. હું જ્યારે ક્લાસીસમાંથી ઘરે આવ્યો ત્યારે તેમણે મારી ખૂબ ઊલટ તપાસ કરી અને મારે ઘણું સાંભળવું પડ્યું.
કહે છે ને વિનાશ કાળે વિપરીત બુદ્ધિ! ખરેખર સમસ્યાનું મૂળ હતો મારો નબળો અભ્યાસ પણ મને થયું કે આ સમસ્યાનું મૂળ છે પ્રગતિપત્રક અને તેનો નિકાલ લાવવો જોઈએ. બીજે જ દિવસે શાળામાં વહેલી સવારે પહોંચી ગયો. હજુ અમારા આખા માળ પર કોઈ આવ્યું નહોતું. આસપાસ કોઈ સાક્ષી તો નથી ને તેની ખાત્રી કરીને હું સ્ટાફરૂમમાં ગયો અને મારૂ પ્રગતિપત્રક અને મારી આગળ-પાછળના બીજા વીસ-પચીસ પ્રગતિપત્રકો ને લઈને ફાડીને વગે કરી દીધા. ન રહેગા બાંસ, ન બજેગી બાંસુરી! જોકે તેનાથી ન તો મારું પરિણામ સુધર્યું કે ન તો મમ્મી-પપ્પાની નજરમાં ગુમાવેલી ઈજ્જત જરા પણ પાછી મળી.
શાળામાંથી ગુલ્લી મારીને ઘણીવાર ક્યાંક ફરવા નીકળી જવું કે ઘરે વહેલા પહોંચી જવું જેવી નાદાનીઓ પણ થવા લાગી. એક વખત તો હદ થઈ ગઈ. અમારે ચાર તાસ પછી રિસેસ પડતી. બીજો, ત્રીજો અને ચોથો તાસ તે વખતે પ્રયોગશાળામાં વિતાવવાના હતા. પ્રયોગો વહેલા પૂરા થઈ જતા અમને અમારા વર્ગમાં પાછા જવાનું કહેવામાં આવ્યુ. પણ અમે તો પહેલેથી જ આયોજન કરી રાખ્યું હતું. અમે ચાર મિત્રોએ અમારી સાઈકલ પહેલેથી જ ઘાટલોડીયાના સિમંધર કોમ્પલેક્ષ આગળ મૂકી રાખી હતી અને જેવા પ્રયોગો પૂરા થયા કે અમે દફતર લઈને છાનાછપના નીકળી પડ્યા. અમારા વર્ગ શિક્ષક પણ ઓછા હોશિયાર નહોતા. તેમને તો દર વર્ષે અમારા જેવા ઘણા વિદ્યાર્થી મળતા હોય માટે તેઓ પ્રયોગશાળામાંથી તરત જ તપાસ કરવા નીકળી પડ્યા અને અમને શાળાનું મેદાન વીંધીને દફતર સાથે જોયા. તેમણે તરત જ બૂમો પાડી, ‘એ હિરેન પાછો આવ. એ વિસત પાછો આવ. એ ચિરાગ- એ જીગર પાછા આવો.’ મજાની વાત તો એ કે હિરેન એ વર્ષે અમારો વર્ગ-પ્રતિનિધી હતો. તેમની બૂમો સાંભળીને અમે તો દોડવાની ઝડપ વધારી દીધી અને ખરેખર ભાગી ગયા. પણ બકરે કી અમ્મા કબ તક ખેર મનાયેગી?’ બીજે દિવસે તો હલાલ થવા પાછા જવાનું જ હતુંને? અમને ચારેયને બીજો આખો દિવસ કેમેસ્ટ્રીની પ્રયોગશાળાની બહાર ઊભા રાખ્યા અને મેથીપાક મળ્યો તે નફામાં.
આ દરમિયાન મે બે હજારથી પણ વધારે પુસ્તકોનો સંગ્રહ કર્યો હતો જેમાં કોમિક્સ, સામાયિકો, બાળકથાઓ, કિશોર-સાહસકથાઓ, પોકેટ-બુક્સ અને નવલકથાઓ હતા. તે બધાને મે એક જૂના લાકડાના કબાટમાં વ્યવસ્થિત રીતે ગોઠવ્યા હતા અને જેમ કંજૂસ રોજ પોતાનો ધન-સંગ્રહ જોઈને ખુશ થાય તેવી રીતે હું તેની ખૂબ આળપંપાળ કરતો. ઘરમાં બધાને ખબર કે કોઈપણ વ્યક્તિએ મારા પુસ્તકોને મને પૂછ્યા વિના હાથ ન લગાવવો નહિતર હું ગુસ્સે થઈ જઈશ.
આ વર્ષે હું ખૂબ વાંચું છું એવી તો સૌને ખબર પડવી જ જોઈએ અને વાંચવામાં તો કંઈ રસ પડે નહિ માટે નવલકથાઓ વાંચતો રહેતો. એક વખત શ્રી અશ્વિની ભટ્ટની ફાંસલોહાથમાં આવી અને ખૂબ મજા પડી ગઈ. પછી તો તેમની બધી જ નવલકથાઓ વારા-ફરતી ખરીદી અને વાંચી. તેમાંય ઓથારતો એટલી બધી ગમી, એટલી બધી ગમી કે સળંગ ચાર વાર વાંચી નાખી. અને તેના પછી પણ જેમ તમને તમારા જીવનની એક પ્રિય વ્યક્તિને વારંવાર મળવું ગમે તેમ ઓછામાં ઓછી તે નવલકથા આજ સુધીમાં પચીસ વાર તો વાંચી જ છે. મારા ગમતા પુસ્તકોની યાદીમાં આજે પણ નિઃસંકોચ હું તેને પ્રથમ ક્રમે મૂકું છું અને શ્રી અશ્વિનીજીને એક્લવ્યભાવે ગુરુપદે સ્થાપ્યા છે.
એક વાર એવું બન્યું કે મારી અને બેન વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ અને તેણે ગુસ્સામાં એ કબાટમાંના બધાજ પુસ્તકોને નીચે ફેકી દીધા. પ્રિયતમાનો અગ્નિદાહ જોઈને વ્યથિત થઈ ઊઠેલ પ્રેમીની જેમ હું હાથમાં મારા ક્લાસીસને લગતા બે-ત્રણ પુસ્તકો લઈને ખાધા વિના જ ઘરેથી નીકળી ગયો. હડબડાટીમાં બેને માત્ર એટલું જ જોયું કે બપોરે એક વાગ્યે હું ઘરેથી ખાલી હાથે નીકળી ગયો છું. હું તો ત્યાંથી વિસતના ઘરે ગયો. એકાદ કલાક ત્યાં બેઠો અને ઘઉંની સેવ પર ઘી-ખાંડ નાખીને ખાધા અને ત્યાંથી ગયો હિરેનના ઘરે. તેના ઘરે સાંજ સુધી અમે બેઠા અને સાંજે છ વાગ્યે અમે બંને જણા ક્લાસીસ પર પહોંચ્યાં.
એ દરમિયાન બેને ઘરે સાંજ સુધી મારી રાહ જોઈ અને પછી પપ્પા સમક્ષ સાવ અલગ જ ચિત્ર રજૂ કર્યું. તેને એટલી ખબર કે મારો જીવ તો મારા પુસ્તકોમાં જ છે અને તેણે પુસ્તકો નીચે ફેંકી દીધા માટે હું ઘર છોડીને ચાલ્યો ગયો. મૂંઝવણમાં વધારો થયો હિરેનના કારણે. આમ તો મારા બધા જ મિત્રોને મમ્મી-પપ્પા જાણતા હોય અને તેમના સરનામા અને ફોન નંબર પણ હોય પણ હિરેન હજી નવો-સવો જ મિત્ર હતો અને મારા ઘરમાંથી કોઈને તે ક્યાં રહે છે તે ખબર નહોતી. માટે ઘરેથી જ્યારે બધે તપાસ કરવામાં આવી ત્યારે હિરેનના ઘરે કોઈ તપાસ થઈ શકી નહિ અને બધા એજ નિર્ણય પર પહોચ્યા કે હું ઘર છોડીને ભાગી ગયો છું. થોડા સમય બાદ મારા ક્લાસીસ પર તપાસ કરવામાં આવી તો ત્યાંથી જવાબ મળ્યો કે હું ક્લાસીસમાં ભણવા બેઠો છું. એટલે ફટાફટ પપ્પા ક્લાસીસ પર મને લેવા આવ્યા. હું જ્યારે ઘરે પહોચ્યો તો અમારી ગલીમાં ગણગણાટ થવા લાગ્યો કે, ‘આવી ગયોઅને મળી ગયો’! પછી ઘરે આવીને મે તેમને હકીકત જણાવી અને એ પણ કહ્યું કે હું ક્લાસીસ માટે પુસ્તકો તો લઈને જ ગયો હતોને? તેમ છતાં મારી વાત કોઈએ માની નહિ અને મારા પર તત્પુરતું ભાગેડુંનું લેબલ લાગી ગયું.
આજ વર્ષની શરૂઆતમાં બેનની સગાઈ થઈ. હજી પણ મને યાદ છે કે તે દિવસે થોડોક વરસાદ પડ્યો હતો અને જ્યારે તેની સગાઈ થઈ રહી હતી ત્યારે ગલીની સ્ત્રીઓનું ભજન મંડળ ભજન ગાતું હતું હું સાસરિયે નહિ જાઉ મોરી મા, મારુ મન લાગ્યું ફકીરીમાંઅને મને હસવું આવતું હતું. જોકે એ હાસ્યની પાછળ જ રૂદન પણ આવ્યું. અત્યાર સુધી બેન જ ઘર સંભાળતી હતી. એક સાંજે જ્યારે અમે ચારે જણા જોડે બેઠા ત્યારે મે પ્રશ્ન પૂછ્યો બેન જતી રહેશે પછી આપણા માટે જમવાનું કોણ બનાવશે?’ અને અમે ચારે જણા ચોધાર આંસુએ રડી પડ્યા. પણ સદનસીબે બેનના લગ્ન પહેલા જ મમ્મીની ધોળકા બદલી થઈ. માટે મમ્મી અમદાવાદમાં અમારી સાથે રહીને ધોળકા અપ-ડાઉન કરવા લાગી અને અમારા પરિવારની બહુ મોટી ચિંતાનો અંત આવ્યો. એજ વર્ષે ડિસેમ્બર મહિનામાં બેનના લગ્ન પણ નક્કી થયા અને એ ઘટનાએ મારા સમગ્ર જીવનની દિશા અને વિચારસરણી બદલવામાં અગત્યનો ફાળો આપ્યો.
થોડીક સમજણ આવી ત્યારથી જ બેને મને ઊછેરીને મોટો કર્યો હતો માટે તે મારી માતાની જગ્યાએ પણ હતી. માટે ઘણીવાર હું ઉત્સાહપૂર્વક કહેતો કે હું નસીબવાળો છું કારણ કે મને મારી મા ના લગ્ન જોવા મળશે. ઘરે દીકરીના લગ્ન હોય ત્યારે શું ધમાલ અને ઉત્સાહ હોય તે સૌ ક્યાં નથી જાણતા? આવા સમયે જ કોણ આપણું સારુ ઈચ્છે છે અને કોણ ખરાબ, તે દેખાઈ આવે. મે એવી આશા રાખી હતી કે ૯૦% સારુ ઈચ્છનારા હશે અને ૧૦% ખરાબ. જ્યારે વાસ્તવિકતા તેનાથી ઊલટી જ નીકળી. જેના પોતાના માનતા હતા તેના સાચા સ્વરૂપ જોઈને ખૂબ જ આઘાત લાગ્યો. એ ઉપરાંત લગ્નપ્રથાની તમામ બદીઓને પ્રત્યક્ષ સ્વરૂપે નિહાળી. પ્રથાઓ અને રિવાજોના નામે ચાલતી આંધળી દોડ જોઈ. આવી પ્રથાઓ પાછળના સાચા તર્ક અને કારણો ભૂલી જઈને આપણે માત્ર અંધશ્રધ્ધાપૂર્વક તેને અનુસરીએ છીએ. સૌથી ખરાબ તો એ બાબત લાગી કે જે પરિવાર આ પ્રસંગ યોજે છે, ખર્ચો કરે છે અને કષ્ટો વેઠે છે તેને એ પ્રસંગ માણવા જ નથી મળતો કારણ કે પાર વિનાના વાંધા-વચકા લઈને આપણા જ સગાઓ ઊભા હોય છે. આમ તો આ પ્રસંગ બે વ્યક્તિ અને બે કુટુંબના મિલનનો પ્રસંગ છે પણ તેને સામાજીક-તમાશો બનાવવામાં આપણે ગર્વ અનુભવીએ છીએ. આ પ્રસંગથી બે વાત મારા મનમાં પથ્થરની લકીરની જેમ કોરાઈ ગઈ કે સગા હોય છે તે વહાલા નથી હોતા અને વહાલા હોય છે તે સગા નથી હોતા (મતલબ કે વહાલા હોય તે માત્ર મિત્રો હોય છે) અને કોઈ પણ પ્રથા પાછળ એક તર્ક હોય છે જે ઘણીવાર વર્તમાન સમય સાથે સુસંગત ન પણ હોય. આ પ્રથાઓ વિના થયેલ સફળ લગ્ન અને પ્રથાપૂર્વક થયેલ નિષ્ફળ લગ્ન મે અને આપ સૌએ ક્યાં નથી જોયા?
ખેર! બેનને વળાવ્યા બાદ હંમેશા એક ખાલીપો અનુભવ્યો છે અને તેને પૂરવા અનેકાનેક પ્રયત્નો પણ કર્યા છે છતાંય એ ખાલીપો ક્યારેય પૂરાયો નથી. જોકે આ લગ્નપ્રસંગ મારી નિષ્ફળતા છુપાવવાનું એક સામાજીક બહાનું બની ગયો હતો. અભ્યાસમાં તો કોઈ રસ પડતો જ નહોતો માટે હું પાસ થઈશ તેવી મને બિલકુલ આશા નહોતી. મને તો શું મારા મમ્મી-પપ્પાને પણ નહોતી. મને યાદ છે કે મારા પપ્પા ભાગ્યે જ મારી શાળામાં આવતા. તેઓ મને બીજા ધોરણમાં શ્રી સ્વામિનારાયણ વિદ્યાલયમાં અને અગિયારમાં ધોરણમાં શ્રી નૂતન વિદ્યાવિહારમાં પ્રવેશ અપાવતી વખતે આવ્યા હતાં. બાકી ક્યારેય તેઓ મારી શાળાની અંદર આવ્યા હોય તેવું યાદ નથી. પણ જ્યારે મારું બાર સાયન્સનું પરિણામ આવવાનું હતું ત્યારે તેઓ આગ્રહપૂર્વક મારી સાથે આવ્યા હતાં. અત્યારે તો બધા વિદ્યાર્થીઓ ઈન્ટરનેટ કે મોબાઈલ પર પોતાનું પરિણામ જાણીને શાળામાં માત્ર ગુણપત્રક લેવા જ જતા હોય છે પણ અમારી વખતે તે સુવિધા નહોતી. પરિણામની આગલી રાત્રિ મારા જેવા ઠોઠ નિશાળીયા માટે અનંત ઓથાર સમી ભાસતી. દર પરિણામના બીજા દિવસે વર્તમાનપત્રોમાં કાંકરિયામાં જઈને આત્મહત્યા કરતા અને ઘરેથી ભાગી જતા વિદ્યાર્થીના સમાચાર જરૂર આવતાં. અરે, તે સમયે પ્રશાસન કાંકરિયા તળાવની આસપાસ પોલીસ બંદોબસ્ત પણ જરૂર કરતી. પપ્પાને કદાચ એજ બીક હશે કે હું પરિણામ લઈને સીધો જ કાંકરિયા જઈશ.
પણ તમે પેલી શાયરી નથી સાંભળી? ‘ફાનુસ બનકર જીસકી હિફાઝત હવા કરે, વો શમા ક્યા બુજે જિસે રોશન ખુદા કરે.’ ઉપરવાળો ફરી એકવાર મારી સહાયે આવ્યો હતો. મને પણ ખબર નથી કે એ ચમત્કાર કેવી રીતે બન્યો પણ હું પાસ થઈ ગયો હતો. પરિણામ તો માત્ર ૪૨% જ હતું પણ પાસ હતો એ વાત અગત્યની હતી. ગણિતમાં તો મને ગ્રેસીંગ-માર્ક્સ મળ્યા હતાં. આશ્ચર્યની વાત તો એ હતી કે મારા કરતા હિરેનના કુલ ગુણ વધારે થતા હતા અને તે અંગ્રેજી વિષયમાં ત્રણ-ચાર ગુણ માટે જ નપાસ થયો હતો. પરીક્ષામાં તેને ચોરી કરવાનો પણ મોકો મળ્યો હતો પણ તે પહેલેથી જ પાપભીરુ માટે કરી શક્યો નહિ અને તેની કારકિર્દીનું ત્યાં પૂર્ણવિરામ આવી ગયું હતું. શું ભોળા હોવું એ કળિયુગમાં પાપ છે? જોકે પછીથી મને મારા વર્ગશિક્ષકે સમજાવ્યું હતું કે પ્રેક્ટીકલમાં ત્રણેય વિષયમાં મારે વધારે ગુણ હતા માટે મને ગ્રેસીંગ-માર્કસનો લાભ મળ્યો હતો અને હિરેનને પ્રેકટીકલમાં તેટલા ગુણ નહોતા માટે તેને તે લાભ નહોતો મળ્યો. અને મારુ બહાનું તો તૈયાર જ હતું કે બેનના લગ્નની દોડાદોડમાં સરખુ વંચાયું નહિ.
ખેર, મે તો સીધો અર્થ એજ કાઢ્યો કે મને ફરી વાર અગમનું સૂચન થયું છે અને હવે હું મારા રસના વિષયોને જ ભણીશ. બીજા બધા જ મિત્રો બી.એસ.સી., એન્જીનિયરિંગ કે મેડિકલમાં જોડાયા હતાં અને મે અલગ જ નિર્ણય લીધો હતો. કદાચ જીવનમાં પ્રથમવાર સ્વતંત્રપણે છતાંય સાચો નિર્ણય લીધો હતો અને તેનો મને આજ સુધી ગર્વ છે.
(આવતા પ્રકરણે પૂરું. પ્રોમિસ!)

2 ટિપ્પણીઓ:

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.