તાજેતરની પોસ્ટસ

એપ્રિલ 25, 2011

પ્રકરણ ૧૫. શામળા ગિરધારી ‘ઓર તેજ કરો!’શિક્ષક તરીકેની આઠ વર્ષની કારકિર્દીમાં શિક્ષણ જગતમાં ઘણા પરિવર્તનો પ્રત્યક્ષ થતા નિહાળ્યા છે. તેમાં સૌથી મોટુ પરિવર્તન એ લાગ્યું કે વિદ્યાર્થીઓમાં સ્પર્ધાત્મક ભાવનાનો આલેખ ઊપર ચડતો રહ્યો છે. એક જમાનામાં ફર્સ્ટ ક્લાસપરિણામ મેળવવું એ પ્રસંશનીય અને સંતોષજનક ગણાતું અને હું જ્યારે શિક્ષક હતો ત્યારે ૯૦% થી પણ વધારે પરિણામ હોવા છતાં વિદ્યાર્થીઓ અસંતુષ્ટ જણાતા હતા. અમારી વખતે એ આલેખ ૮૦% ની આસપાસ હતો. ૮૦% ની ઊપરનું પરિણામ સંતોષજનક ગણાતું અને તેની નીચેના પરિણામ અપૂરતા લાગતા. દસમા ધોરણનું મારુ પરિણામ એ દ્રષ્ટિએ સંતોષજનક નહોતું પણ તેની સરહદ નજીક જ હતું(૭૮%). પણ મોટું આશ્ચર્ય મારુ વિજ્ઞાનનું પરિણામ હતું. મને તેમાં ૧૦૦ માંથી ૯૮ ગુણ મળ્યા હતા.
જોકે હકીકત કંઈક અલગ હતી. દસમા ધોરણનો વિજ્ઞાનનો અભ્યાસક્રમ નવમા ધોરણની સાપેક્ષે અતિ સરળ હતો. ખરેખર જોવામાં આવે તો ૧૧-સાયન્સના વિજ્ઞાનના વિષયોનો પાયો નવમા ધોરણમાં હતો અને દસમા ધોરણનો અભ્યાસક્રમ સાવ જ અલગ હતો. માટે મારા જેવાને પણ ૯૮ ગુણ મળે તે નવાઈની વાત નહોતી. આ ઉપરાંત સૌથી મોટું આશ્ચર્ય હતું સચિનનું પરિણામ. તે અમારી શાળાના દસમા ધોરણના ચારેય વર્ગોમાં સૌથી વધારે પરિણામ લાવ્યો હતો અને બોર્ડના ટોપ ટેન થી માત્ર પંદરેક ગુણ જ પાછળ હતો. તેણે નિઃસંકોચ વિજ્ઞાન પ્રવાહ પસંદ કર્યો. મને ઘરેથી કોઈ પ્રત્યક્ષ દબાણ નહોતું છતાંય મે પપ્પાને ઘણીવાર સગા-વહાલા કે મિત્રો સમક્ષ એવું કહેતા સાંભળ્યા હતાં કે ચિન્ટુ પણ મારી જેમ ઈલેક્ટ્રીકની લાઈનમાં આવે તો સારુ’. અને સંજોગો પણ એવા સર્જાયા કે મને વિજ્ઞાનમાં ૯૮ ગુણ મળ્યા તેથી મને એમ થઈ ગયું હતું કે મારો અભિગમ અને મારી રુચિ વિજ્ઞાનમાં છે. આમ મિત્રોની કારકિર્દીની પસંદગી, પપ્પાની અપ્રત્યક્ષ ઈચ્છા અને સંજોગોએ મને છેલ્લી ઘડીએ વિજ્ઞાન પ્રવાહમાં જોડાવા માટે પ્રેર્યો.
મને ઘાટલોડીયામાં સ્થિત શ્રી નૂતન વિદ્યાવિહારમાં પ્રવેશ મળ્યો. અને શરૂઆતનો સમય મે વિજ્ઞાન પ્રવાહમાં રુચિ કેળવવાનો પ્રયત્ન કર્યો. શરૂઆત ખરાબ પણ નહોતી. પ્રથમ પરીક્ષામાં મે બાયોલોજીમાં ૪૦ માંથી ૩૯ અને કેમેસ્ટ્રીમાં ૪૦ માંથી ૩૨ ગુણ મેળવ્યા હતા. મારી રુચિ શેમાં છે તે તો મને સમજાયું નહિ પરંતુ શેમાં નથી તે સમજાવા લાગ્યું. ફિઝિક્સ મને સૌથી કંટાળાજનક લાગતું હતું કારણકે તેના શિક્ષક તેને રસપ્રદ રીતે ભણાવતા નહિ. બે-ત્રણ વર્ષ બાદ શ્રી નગેન્દ્ર વિજયની કલમે જ્યારે તે વિષયને લગતા અતિ રસપ્રદ લેખ વાંચ્યા ત્યારે સમજાયું કે ફિઝિક્સ જેવો સર્વવ્યાપી કોઈ વિષય જ નથી. પણ આપણી પુસ્તકીયા શિક્ષણ પદ્ધતિમાં મને તે વિષય ગમતો નહિ.
જીવનમાં પહેલી વખત ચાલુ તાસમાં મને ઊંઘ આવવા માંડી હતી, બારી બહાર જોવાનું મન થયે રાખતું હતું અને ભણવાનું કાર્ય મને કંટાળાજનક લાગતું હતું. જોકે પ્રયોગશાળામાં કરાવવામાં આવતા પ્રયોગો મને ગમતા અને છેક સુધી તેમાં મને રસ પડતો રહ્યો. એ વર્ષે મને માત્ર અંગ્રેજી અને સંસ્કૃત વિષયમાં જ અભ્યાસ કરવો ગમતો. જીવનમાં આવી પડેલી આ આપાધાપીમાં મે નવમાં ધોરણમાં સાહિત્યને લગતું જે સ્વપ્ન જોયું હતું તે વિસરાવા લાગ્યું હતું અને એ અભિલાષા ઓસરવા લાગી હતી. વચ્ચે બે-ત્રણ મહિના તો એવા વીત્યા કે મારુ ઈતર વાંચન સદંતર બંધ થઈ ગયું હતું અને લેખન પણ બંધ થઈ ગયું હતું.
મને એ દિશામાં પુનઃપ્રવૃત્ત કર્યો શ્રી વિમલભાઈએ. જ્યારે સચિન દસમાં ધોરણમાં સમગ્ર શાળામાં સર્વોચ્ચ ગુણ લાવ્યો હતો ત્યારે તે શ્રી એસ. જી. શાહ ક્લાસીસમાં જતો હતો. માટે અગિયારમાં ધોરણમાં હું પણ તેની સાથે તે જ ક્લાસીસમાં જોડાયો હતો. જ્યારે હું એ ક્લાસીસમાં જોડાયો ત્યારે વિમલભાઈ એ ક્લાસીસના મુખ્ય કર્તા-હર્તા હતા. આપણે અંગ્રેજીમાં જેને એસ્થેટિક કહીએ છીએ તેવી સૌદર્યલક્ષી તેમની દ્રષ્ટિ છે. વ્યવસાયની સાથે-સાથે તેઓ કલામાં પણ રસ ધરાવતા હતા. વાંચનની વાત હોય કે ચલચિત્રોની, અમારી રુચિ એકબીજાને ખૂબ મળતી આવતી અને એ સમાનતાએ અમને મિત્રતાના એક સુંદર બંધનમાં બાંધ્યા હતાં. તેમના હાથ નીચે વિદ્યાર્થી તરીકે તો હું માત્ર બે જ વર્ષ રહ્યો હતો પરંતું એ મિત્રતા હજી પણ એટલી જ આનંદદાયક છે.
મને ફિઝિક્સના વિષયમાં ખૂબ જ કંટાળો આવતો માટે તેના ચોપડા જેટલા આગળથી ભરાતા તેનાથી વધારે પાછળથી ભરાતા. હું પાછળની બાજુ કવિતાના નામે જોડકણાઓ જોડે રાખતો અને પાના ભરે રાખતો. અગિયારમા ધોરણના મધ્યાંતરમાં મારા એ જોડકણાઓ વિમલભાઈના વાંચવામાં આવ્યા અને તેમણે મને તે બાબતે પ્રોત્સાહિત કર્યો. હું જે કંઈ પણ લખતો તેને તેઓ સામેથી માંગીને વાંચતા અને મને બિરદાવતા પણ ખરા. મને તેનાથી ઘણું પ્રોત્સાહન મળતું અને ધીમે-ધીમે મારું વિસરાયેલું સ્વપ્ન પુનઃ જાગૃત થવા લાગ્યું. એ અભિલાષા અને એ મહેચ્છા પુનર્જીવીત થવા લાગી.
જેમ દસમા ધોરણમાં પરિવર્તનની સાથે નવા મિત્રો મળ્યા હતાં તેવું જ અગિયારમાં ધોરણમાં પણ બન્યું. આમ પણ અભ્યાસમાંથી રસ ઘટતો જતો હતો માટે તે વર્ષે શાળામાં ધમાલ-મસ્તી કરવા ઘણા નવા મિત્રો બનાવ્યા હતાઃ હિરેન, વિસત, જીગર. જોકે સમયની ચારણીમાંથી ચળાઈને જેણે હજી સુધી સાથ આપ્યો તે એક માત્ર હિરેન. સ્વચ્છ હ્રદયના નિષ્કપટ માનવીનો નમૂનો જો કોઈએ જોવો હોય તો તેણે હિરેનને મળવું. બીજા શબ્દોમાં તેને પાપભીરુ ભોળો માણસ પણ કહી શકાય. અને એ તો બધા જાણે જ છે કે આજના કળિયુગમાં એવા ભોળા માણસોનું કામ નથી હોતું. તેની એજ પાપભીરુતા તેને બારમા ધોરણમાં લઈ ડૂબવાની હતી તે કોણ જાણતું હતું.
આ વર્ષે સીટી તાલુકા વ્યાયામ પ્રચારક મંડળ દ્વારા યોજાયેલ ૨૯મી યુવાપ્રતિભા શોધ સ્પર્ધામાં મે શાળા તરફથી પાદપૂર્તિમાં ભાગ લીધો અને મને યાદ છે ત્યાં સુધી શ્રી ધૂની માંડલિયા તેમાં નિર્ણાયક તરીકે હતા અને તેમાં મને પ્રથમ નંબર મળ્યો હતો. આ સ્પર્ધાએ પણ મને વાંચન-લેખન તરફ પુનઃ દોર્યો હતો.
આજ વર્ષથી મે ચિત્રલેખા અને અભિયાન સામાયિકનું વાંચન પણ શરૂ કર્યું હતું. સાથે સાથે મે હરકિસન મહેતા અને ચંદ્રકાંત બક્ષીની નવલકથાઓ પણ એકથી વધારે વાર વાંચી નાખી હતી. આ બંને નવલકથાકારોની કથાવસ્તુ અને કથનશૈલીના તફાવત વિષે હું વિચારતો રહેતો અને તેની નોંધ પણ કરતો. જોકે તેમાં કંઈ સાહિત્યિક મીમાંસાનો અભિગમ નહોતો કે એ વિષયનું કંઈ જ્ઞાન પણ નહોતું પણ જ્યારે કૉલેજકાળ દરમિયાન સાહિત્યિક મીમાંસાનો વિષય ભણવામાં આવ્યો ત્યારે મને મારી આ માનસિક કસરત ખૂબ જ ઉપયોગી થઈ હતી.
નરસિહ મહેતાની હૂંડી સ્વીકારવા ક્રિષ્ન ભગવાન આવ્યા હશે કે કેમ તેની મને શંકા થતી પણ આ વર્ષે ભગવાને મને એ શંકામાંથી મુક્ત કર્યો હતો. બન્યું એવું કે દ્વિતીય પરીક્ષાનું પરિણામ સાવ નબળું આવ્યું હતું અને મનમાં વિટંબણા હતી કે વાર્ષિક પરીક્ષામાં પાસ થઈશ કે કેમ. પરીક્ષાનું સમય પત્રક હાથમાં આવ્યું ત્યારે ખરેખર પરીક્ષાની બીક લાગી હતી. પણ બીજે જ દિવસે મારા શરીરમાં કંઈક વિચિત્ર ફેરફારો થવા લાગ્યા. થોડોક તાવ રહેવા લાગ્યો અને બીજા બે-ત્રણ દિવસ બાદ શરીર પર ઠેક-ઠેકાણે નાની-નાની ફોડલીઓ થવા લાગી. અને અઠવાડિયામાં તો આખા શરીરે મને અછબડા નીકળી આવ્યા. મુશ્કેલી કઈ રીતે વરદાનરૂપ બની શકે છે તે બાબત મને ત્યારે સમજાઈ હતી. અછબડાના કારણે હું સવા મહિના જેટલો ઘરે રહ્યો હતો અને મારે પરીક્ષા આપવા જવું નહોતું પડ્યું. ડોકટરે શરીરમાં ઠંડક થાય તેવું ખાવાનું કહ્યું હતું અને હું માત્ર દ્રાક્ષ અને આઈસક્રીમ પર જ દિવસો કાઢતો હતો. એ સવા મહિના દરમિયાન મે દ્રાક્ષના નવ ખોખા અને ઓછામાં ઓછો પંદરેક લીટર આઈસક્રીમ ખાધો હતો. જોકે છેલ્લે-છેલ્લે તો મોઢું કોઈ નવા સ્વાદ માટે એટલું તરસી ગયું હતું કે મને પાણીપુરીના સપના આવતા હતાં. સપનામાં હું બબડતો, ‘ભૈયાજી ઓર તેજ કરો! ઓર તેજ કરો!’
શામળા ગિરધારીને કોઈ દિવસ ભજ્યા નહોતા છતાંય તે જાણે મારું એક વર્ષ બચાવવા આવ્યા હતાં! મને જાણે કે અગમનું સૂચન થઈ રહ્યું હતું કે મારે વિજ્ઞાન નહિ પણ સાહિત્યની દિશામાં જવાની જરૂર છે, પણ પલાળ્યું હોય એટલે મૂંડાવે જ છૂટકો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.