તાજેતરની પોસ્ટસ

એપ્રિલ 20, 2011

પ્રકરણ ૧૪. પરિવર્તનોપરિવર્તન એ સંસારનો અફર નિયમ છે પરંતું પરિવર્તનો ક્યારેય આવકાર્ય નથી હોતા. તેને સ્વીકારવા પડે છે અને અસ્વીકાર આપણી પ્રગતિને અવરોધે છે. અત્યાર સુધીનું જીવન કલ્પના મુજબનું જ હતું જેમાં એક રાજા હતોની શરૂઆત હોય અને ખાધું, પીધું ને રાજ કર્યુંવાળો અંત હતો. તેમાં કશું જ કલ્પનાતીત નહોતું લાગતું. પરંતું શાળા જીવનનું દસમું ધોરણ પરિવર્તનોથી ભરપૂર હતું.
સૌ પ્રથમ પરિવર્તન આવ્યું મારા નામમાં. આ વર્ષે વર્ગ શિક્ષિકા હતાં શ્રીમતી સરલાબેન પણ પ્રવિણભાઈ હજી અમને સમાજવિદ્યા ભણાવવા આવતા અને અમારો સ્નેહસંબંધ યથાવત હતો. એક વાર મને મજાક સૂઝી અને મે તેમને ચાર પંક્તિઓ લખીને આપીઃ

હૈયામાં હામ રાખું છું,
ને હ્રદયમાં રામ રાખું છું,
સાહેબ તમારા પિરીયડમાં,
ખિસ્સામાં હું બામ રાખું છું.’
અને તે મારાથી રિસાઈ ગયા. આવતા-જતા મને કહેતા રહે, ‘ઠક્કર, તું પણ...’ અથવા તારી પાસેથી મે આવી આશા નહોતી રાખી!’ અને તેમના ચહેરા પર ખરેખર ખિન્નતા દેખાઈ આવે. મારી સાથે તેમણે બોલવાનું પણ ઘટાડી નાખ્યું. ત્રણ દિવસ આમ જ ચાલ્યું પણ પછી મારાથી રહેવાયું નહિ. મને થયું કે જે તીર તેમને વાગ્યું છે તેજ તેની દવા પણ બનવી જોઈએ. માટે ત્રીજે દિવસે મે બીજી પંકિતઓ લખીને આપીઃ
નિહાળ્યા તમારા ઘણા સ્વરૂપ સૌમ્ય અને રૂદ્ર,
માફ કરો મને, તમે પિતા, અમે તમારા પુત્ર.’
પછી તેમણે મને માફ તો કર્યો જ પણ આ બંને પંકિતો વર્ગમાં વાંચી સંભળાવી અને બધાની તાળીઓ વચ્ચે તેમણે મને કવિરાજનામ આપ્યું. સંસ્કૃતના શિક્ષક શ્રી મંગળભાઈએ પણ એ પ્રથા શરૂ રાખી અને મને તેઓ હંમેશા કવિરાજ તરીકે સંબોધતા. આને કારણે મારા મનમાં જે આકાંક્ષા ઉત્પન્ન થઈ હતી, તે જાગૃત રહેતી અને હું મારા લક્ષ્ય પ્રત્યે સજાગ રહેતો. પ્રવિણભાઈ જોડે દસમા ધોરણ પછી પણ સંપર્ક રહ્યો હતો. એક વાર (૨૦૦૬માં) જ્યારે હું મારી પત્નિ જોડે ક્યાંક જતો હતો ત્યારે રસ્તામાં જ તેઓ મળી ગયા હતા. તે વખતે મારા મનમાં એક ગડમથલ તો ચાલતી જ હતી અને તેમણે તેનો પડઘો પાડતા મને કહ્યું હતું કે મારે વિદેશ જવું જોઈએ. મારી ગડમથલમાં તેમણે સલાહ આપીને પસંદગીનો સિક્કો માર્યો હતો અને મે લંડન જવા માટે ગંભીરતાથી વિચારવાનું શરૂ કર્યું હતું. તેમણે જ મને કવિતાઓ લખવા માટે એક શોર્ટ, સ્વીટ એન્ડ સિમ્પલઉપનામ રાખવાનું પણ સૂચવ્યું હતું માટે મે આગળ જતા જયઉપનામ પસંદ કર્યું હતું. મારા અભ્યાસેતર જીવનમાં આ તેમના બે બહુમૂલ્ય યોગદાન રહ્યાં છે.
બીજું પરિવર્તન હોય તો તે એ કે અમારા મનમાં બોર્ડની પરીક્ષાનો ડર આવ્યો હતો. અત્યાર સુધી અમારી જ શાળાના કોઈ અલગ ખંડોમાં જાણીતા ચહેરાઓના નિરીક્ષણ હેઠળ અમે પરીક્ષાઓ આપતા હતાં અને હવે તે અલગ રીતે આપવાની હતી. ઉપરાંત અમને કહેવામાં આવતું કે આ વર્ષ બાદ અમારે અમારા જીવનની દિશા નક્કી કરવાની આવશે. પંદર વર્ષની ઉંમરે આ એક મોટી જવાબદારી લાગતી હતી. જીવન એટલે શું તે જ ખબર નહોતી, તો તેની દિશા કઈ રીતે નક્કી કરવાના? હજી કરિઅર કાઉન્સેલિંગઅને એપ્ટિટ્યુડ ટેસ્ટજેવા શબ્દો તો કોઈએ સાંભળ્યા પણ નહોતા. કૌટુંબિક અપેક્ષાઓ, મિત્રોની કારકિર્દીની પસંદગી અને સંજોગોઃ આ ત્રણ વસ્તુઓ જ મુખ્યત્વે એ નિર્ણય લેવામાં કારણભૂત બનતા.
ત્રીજું, આ વર્ષે પ્રથમ વાર અમને વિષયો પસંદ કરવાની તક મળી હતી. સંસ્કૃત, ચિત્ર, શારિરીક શિક્ષણ, સંગીત અને ટાઈપીંગમાંથી ગમે તે બે તથા હિન્દી અને અંગ્રેજીમાંથી એક વિષય પસંદ કરવાનો હતો અને અમારા વર્ગોનું વિભાજન આ વર્ષે તે મુજબ કરવામાં આવ્યું હતું. અમને શાળામાં સંસ્કૃત ફરજિયાત આપવામાં આવતું માટે ચિત્ર, શારિરીક શિક્ષણ, સંગીત અને ટાઈપીંગમાંથી ગમે તે એક વિષય પસંદ કરવાનો રહેતો. તે વખતે ટાઈપ ને વિષય તરીકે પસંદ કરવાનો એક શોખ હતો બધામાં. ૧૦-અ અને ૧૦-બ માં અંગ્રેજી અને ટાઈપ વાળા વિદ્યાર્થીઓ તથા ૧૦-ક અને ૧૦-ડ માં અંગ્રેજી અને શારિરીક શિક્ષણ વાળા વિદ્યાર્થીઓ હતાં. જેણે હિન્દી રાખ્યું હોય, તેઓ અંગ્રેજીના તાસમાં બીજા વર્ગમાં ભણવા જતાં. મે અંગ્રેજી અને ટાઈપ રાખ્યા હતા અને મને ૧૦-અ માં રાખવામાં આવ્યો. સંજુની ઈચ્છા તો ટાઈપ રાખવાની હતી પરંતું અમુક કારણોસર તેણે શારિરીક શિક્ષણ પસંદ કર્યું હતું માટે તે ૧૦-ક માં હતો. નિલેષને રમતોમાં વધારે રસ માટે તે પણ ૧૦-ક માં સંજુ જોડે હતો. અલ્કેશ પણ ત્યાં જ. વિરલ આ વર્ષે ઈંગ્લેન્ડ જતો રહ્યો હતો. માટે મારા વર્ગમાં મારી સાથે કોઈ જૂના અંગત મિત્રો નહોતા. આથી મને આ પરિવર્તન આવકાર્ય નહોતું લાગતું. પણ મને ખબર નહોતી કે આ પરિવર્તનના કારણે મને બીજા કેટલા સુંદર મિત્રો મળવાના છે!
સૌ પ્રથમ વાત કરું હેમાંગીની અને એમ્પલની. અત્યાર સુધી મારા મિત્રોની યાદીમાં માત્ર છોકરાઓ જ હતા. એવું નહોતું કે હું શરમાળ હતો કે છોકરીઓ સાથે બોલતો નહિ, પરંતું જેને મિત્રતા કહી શકાય તેવા કોઈ સંબંધો વિકસ્યા નહોતા. અને તેના માટે નિમિત્ત બન્યા પ્રિઝમ ક્લાસીસ. ધોરણ આઠ અને નવ મે સરસ્વતી ક્લાસીસમાં ગાળ્યા હતાં અને ત્યાં મને ગમતું પણ ખરૂ પણ એક ગેરસમજને કારણે મારે તે સાહેબ સાથે ગંભીર ખટરાગ થયો અને મે તે ક્લાસીસ નવમા ધોરણના અંતભાગમાં છોડી દીધા હતા. માટે દસમા ધોરણમાં હું પ્રિઝમ ક્લાસીસમાં જોડાયો. ત્યાં મને ઘણા મિત્રો મળ્યા. હેમાંગીની અને એમ્પલ શાળામાં અને ક્લાસીસમાં મારા જ વર્ગમાં હતાં અને અમે રોજ મળતાં અને ઘણી બધી વાતો કરતા. આ ઉપરાંત એકબીજાના ઘરે પણ જતા-આવતા માટે શિષ્ટાચારથી વધીને તે સંબંધમાં મિત્રતાની ભાવના આવી હતી. એમ્પલનું નામ જ સૌ પ્રથમ જિજ્ઞાસાપ્રેરક લાગ્યું હતું. તેનો સ્વભાવ મિલનસાર અને શબ્દોને તે જાણે ચાવીને બોલતી હોય તેવું લાગે. હેમાંગીનીનો સ્વભાવ તેનાથી બીજી જ દિશાનો- શરમાળ અને ગભરું. તેજ ક્લાસીસમાં જાનકી, જીજ્ઞા અને કિંજલ સાથે પણ મિત્રતા થઈ પણ આગળ જતાં સંપર્ક ઓછો થતો ગયો. જોકે લંડન આવ્યા બાદ જાનકી જોડે સોળેક મહિના એક જ ઘરમાં રહેવાનો સુખદ સંયોગ પ્રાપ્ત થયો પણ દસમા ધોરણમાં ખબર નહોતી કે આ મિત્રતા, આ સંબંધો આટલે સુધી સાથ આપશે. અમે હંમેશા જાનકીને તેના નિર્દોષ હાસ્ય બદલ વખાણતા. જીજ્ઞા સાથે મારે સારુ બનતું અને તે મારુ ખૂબ જ ધ્યાન રાખતી. કિંજલ એમ્પલની પિત્રાઈ બહેન હતી અને તેનો સ્વભાવ નિખાલસ. મનમાં હોય તે કહેવામાં તે સંકોચ રાખતી નહિ.
શાળામાં મિત્રતા થઈ સચિન અને દીપક સાથે. સચિન સાથે સ્નેહગાંઠ બંધાઈ એમ્પલના કારણે અને દીપક સાથે પ્રવિણભાઈ અને તેમના સમાજવિદ્યા વિષયને કારણે. તે બંનેને ધમાલ-મસ્તી કરતા અભ્યાસમાં વધારે રસ પડતો પણ મને તો બંનેમાં રસ. ભણવાના સમયે ભણી લેતો અને મોકો મળે ધમાલ કરવાનું પણ ચૂકતો નહિ. સચિનનો એક ગુણ મને તે સમયથી આજ સુધી હંમેશા આશ્ચર્યજનક લાગ્યો છે. તે કોઈ પણ પરિસ્થિતિનેઓબ્જેક્ટિવલીજોઈ શકે છે. દરેક વખતે એ કઈ રીતે થઈ શકે તેની મને આજ સુધી ખબર નથી પડી પણ મે હંમેશા તેનામાંથી તે ગુણ પ્રાપ્ત કરવાના નિષ્ફળ પ્રયત્નો કર્યા છે. જ્યારે દીપકને ગીકકહી શકાય. તે ધૂની અને અભ્યાસુ અને તેની પાસે અભ્સાસને લગતી વાતો વધારે થાય. એ વર્ષે જ્યારે અમે ઈતિહાસના વિષયની ચર્ચા કરતા હતાં ત્યારે એક સમયે મારા મનમાં અમુક દેશોના નામની ભેળસેળ થઈ ગઈ અને મે સચિન અને દીપક સમક્ષ એવો દાવો કર્યો કે દ્વિતીય વિશ્વયુધ્ધ વખતે ઈંગ્લેન્ડ ને જર્મની મિત્રો હતો અને પછીથી, એટલે કે મહિના એક પછી, મને ખબર પડી હતી કે આખું કોળુ જ મે શાકમાં નાખ્યું હતું. એટલે શાળા કે ક્લાસીસમાં જે બાબતમાં મને ગેરસમજ થતી કે સમજવામાં કચાશ રહી જતી, તેની હું તેમની સાથે ચર્ચા કરતો અને મને મારો અભ્યાસ સુધારવામાં મદદ મળતી. એ વર્ષે મિત્રો તો ઘણા બન્યા પણ મે એટલા જ નામનો ઉલ્લેખ કર્યો છે કે જેમની સાથે હજી સંપર્ક છે અને જે હજી અતિ પ્રિય મિત્રો છે.
ગુજરાતી પાઠ્યપુસ્તકના પદ્ય વિભાગમાં શ્રી ચિનુ મોદી ઈર્શાદની એક ગઝલ હતીઃ

પર્વતને નામે પથ્થર, દરિયાને નામે પાણી,
ઈર્શાદ આપણે તો ઈશ્વરને નામે વાણી.’

તેજ સમયે દિલવાલે દુલ્હનીયા લે જાયેંગેચલચિત્ર પણ રજૂ થયું હતું અને તેના ગીતોએ ધૂમ મચાવી હતી. તેમાંનું એક ગીત હતું, ‘મહેંદી લગાકે રખના, ડોલી સજાકે રખના’. આ જ ગીતના રાગ પર અમે ઉપરોક્ત ગઝલ ગળા ફાડીને ગાતા રહેતા. આ ઉપરાંત શ્રી મનોજ ખંડેરીયાની એક ગઝલ હતીપકડો કલમ ને કોઈ પળે એમ પણ બને, આ હાથ આખેઆખો બળે એમ પણ બને.’ આ બંને રચનાઓ મને ખૂબ જ ગમતી હતી અને તેને કારણે ગઝલ મારો પ્રિય સાહિત્ય પ્રકાર થઈ પડ્યો અને આજ સુધી ગઝલો મને સ્પર્શતી રહી છે.
તે વર્ષે પણ અમને દર વર્ષની જેમ લેસનડાયરી આપવાની હતી પણ પ્રથમ પરીક્ષા સપ્ટેમ્બર માસમાં પૂર્ણ થઈ ત્યાં સુધી અપાયી નહિ અને ઓક્ટોબર માસમાં તે આપવાની જાહેરાત થઈ. એ વખતે દસમા અને બારમા ધોરણના વિદ્યાર્થીઓમાં એવી પદ્ધતિ હતી કે શાળામાં તો જૂન થી ડિસેમ્બર સુધી જ જવાનું. ત્યાર બાદ ઘરે રહીને માર્ચ મહિના સુધી ભણવાનું. માટે મે ગણતરી કરી કે લેસનડાયરી જૂનના બદલે ઓક્ટોબર મહિનામાં આપે છે અને તે માત્ર ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર એમ ત્રણ જ મહિના કામ આવશે. માટે અમારી જોડેથી તેઓ બિનજરૂરી આઠ રૂપિયા ખર્ચાવે છે અને તેનો વિરોધ થવો જોઈએ. મે અડધા ઉપરાંત વર્ગને આ વાત સમજાવી અને બધા માની પણ ગયા કે આનો સામૂહિક વિરોધ થવો જોઈએ. પણ જ્યારે ખરેખર વર્ગ શિક્ષક સામે બોલવાનો સમય આવ્યો ત્યારે માત્ર હું અને એક બીજો છોકરો, એમ બે જ જણે વિરોધ નોંધાવ્યો. અમને આચાર્ય સાહેબની ઓફિસમાં લઈ જવામાં આવ્યા અને ત્યાં અમે અમારા કારણો રજૂ કર્યા પણ તેનો કોઈ ફાયદો થયો નહિ. અમારી વર્ગ શિક્ષિકાએ તો મને ખાનગીમાં પૂછ્યું પણ ખરૂ કે જો મારે પૈસાની કોઈ તકલીફ હોય તો તેઓ મારા પૈસા ભરી દેશે. પણ અહિં તો વાત પૈસાને લગતી હતી જ ક્યાં? આમ બે જણના વિરોધને નગણ્ય લેખીને બધાને તેજ દિવસે લેસન ડાયરી આપવામાં આવી. પણ હજી મારા મનમાંથી એ વાત જતી નહોતી. માટે મે લેસન ડાયરીમાંથી પાના ફાડીને તેમાંથી વિમાન ને રોકેટ બનાવ્યા અને આખા વર્ગમાં તેને ઉછાળ્યા અને ઘણા મારી જેમ કરવા લાગ્યા.
એક વિમાન હજી હવામાં જ તરતું હતું અને તેનો અકસ્માત થયો. આ વર્ષે અમને ગણિત તો અન્ય કોઈ સાહેબ ભણાવતા હતા પરંતું તે સાહેબ તે દિવસે હાજર ન હોવાને કારણે તે તાસમાં તેમની જગ્યાએ કરાટે વાળા નાથુભાઈ સાહેબ આવ્યા અને વિમાન તેમને જઈને ભટકાયું. જાણે ૯/૧૧ ના વિમાનો ટ્વિન ટાવરને અથડાયા! તેમણે વિમાન હાથમાં લીધું અને તેનું અવલોકન કરતાં જ તેમને ખબર પડી ગઈ કે તે લેસનડાયરીના પાનામાંથી બનેલું છે. તેઓને અમારા વિરોધની પણ જાણ હતી માટે તેમણે હુકમ કર્યો, ‘ચલો બધા જ લેસન ડાયરી કાઢો. હું તપાસીસ કે કોની ડાયરીમાંથી પાના ફાટ્યા છે.’ બધાનો જીવ તાળવે આવીને ચોટી ગયો. તેમને એ પણ ખબર હતી કે હું આ વિરોધમાં અગ્રેસરઅલ-કાયદાનો નેતા છું માટે તેમણે તપાસ અમારી બાજુથી જ શરૂ કરી. અને તેમાં ઝડપાયો મારી આગળની પાટલીએ બેસતો દર્શન. તેણે જાતે જ જોશમાં આવીને કંઈક પરાક્રમ કર્યું હતું. તેને નાથુભાઈએ ઉભો કર્યો અને પૂછતાછ કરી. આખો વર્ગ શાંત અને ડરેલો હતો.
મથુર, તે વિમાન બનાવ્યુંતું?’ તેમણે પૂછ્યું
ના સર, મે વિમાન નથી બનાવ્યું.’ તેણે ડરતા ડરતા જવાબ આપ્યો.
સાચુ બોલ...’ આખો વર્ગ ડરે છે.
ના સર...’
છેલ્લીવાર પૂછું છું, તે વિમાન બનાવ્યુંતું?’ બધા જ ચૂપ છે.
ના સર, મે તો....’ તેનું વાક્ય પૂરુ થાય તે પહેલા તો બધાને સટાકઅવાજ સંભળાયો અને દર્શન રોવા લાગ્યો. તેણે રડતા-રડતા વાક્ય પૂરૂ કર્યું, ‘મે તો નાગદાદા બનાવ્યા હતા..’ અને બધા ખડખડાટ હસી પડ્યા. નાથુભાઈથી પણ હસી પડાયું અને તેમણે ઈન્કવાયરી કમિશનબરખાસ્ત કર્યું. જોકે મારા કારણે બીજા કોઈને માર પડ્યો તે મને ગમ્યું નહિ અને આ ઘટનાથી મને ગાંધીજીએ કહેલી સાધન અને સિદ્ધિની વાત વિચારવા જેવી લાગી.
આજ વર્ષે મે વિધિવત્ મારું પુસ્તકાલય શરૂ કર્યું હતું. તેમાં એક રૂપિયો ભરીને સભ્ય બનવાનું. પ્રતિમાસ એક રૂપિયો ભરવાનો અને સામે જોઈએ તેટલા પુસ્તકો વાંચવા મળે. જે વ્યક્તિ પુસ્તકાલયમાં પુસ્તકો આપે તે ભાગીદાર બની શકે અને થતી આવકમાં તેની ભાગીદારી પણ ખરી. તેના બે ભાગીદાર પણ બન્યા હતા અને વીસ-પચીસ સભ્યો પણ થયા હતાં. પણ ક્યારેય એવું નહોતું બન્યું કે અમે પુસ્તકાલયમાંથી કંઈ કમાણી કરી હોય. જે પણ કંઈ પૈસા આવે તેમાંથી નવા પુસ્તકો જ લાવવામાં આવતા અને મુખ્યત્વે તે કોમિક્સ જ હોય.
આ વર્ષ દરમિયાન મને આંખોમાં બળતરા અને પાણી આવવું જેવી સમસ્યાઓ થવા લાગી. તપાસ કરાવતા ખબર પડી કે આંખોમાં દૂરના નંબર છે. મારા માટે ચશ્મા કઢાવવામાં આવ્યા અને મારા દેખાવમાં પણ પરિવર્તન આવ્યું. મારે શાળા, ક્લાસીસ અને ટાઈપ ક્લાસીસ એમ બધે દોડવું પડતું માટે મને મમ્મી-પપ્પાએ નવી સાઈકલ અપાવી હતી.
દસમાં ધોરણનું પરિણામ મારા માટે જીવન પરિવર્તક રહ્યું હતું. એ પરિણામથી ખબર પડી કે આપણી શિક્ષણ પદ્ધતિમાં શું ખામીઓ હતી અને તે ખામીના કારણે મારે શું ભોગવવું પડ્યું. તેના કારણે હું મારી મહેચ્છા વિસરીને અલગ જીવન જીવવા નીકળી પડ્યો હતો અને મારા જીવનના બહુમૂલ્ય એવા બે વર્ષ મે વેડફ્યા હતાં.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.