તાજેતરની પોસ્ટસ

એપ્રિલ 17, 2011

ધૂમકેતુનું ‘તણખા મંડળ’

શ્રી ગૌરીશંકર જોષી 'ધૂમકેતુ'
મારી ઉંમરના મિત્રો કદાચ તેમના દસમા ધોરણના ગુજરાતીના પાઠ્ય પુસ્તકમાં ‘જુમ્મો ભિસ્તી’ વાર્તા ભણ્યા હશે અને માટે તેઓ તેના લેખકના નામ ‘ધૂમકેતુ’થી તો જરૂર પરિચિત હશે. માતબર ગજાના સાહિત્યકાર શ્રી ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી ‘ધૂમકેતુ’ ને કયો સાહિત્યપ્રેમી ગુજરાતી નહિ ઓળખતો હોય?

શ્રી ઉમાશંકર જોશીએ એકવાર લખ્યું હતું કે, ‘ટૂંકી વાર્તાનો કલારોપ ગુજરાતી સાહિત્યમાં શ્રી ધૂમકેતુને હાથે હંમેશ માટે રોપાયો અને દ્રઢમૂલ થયો......ધૂમકેતુની પ્રતિભાની કક્ષાએ કામ કરતા એ વખતે હિંદમાં પાંચ-છ વાર્તાલેખકો હોય તો પણ મોટી વાત છે.’ તેમણે કુલ અગિયાર ખંડમાં પથરાયેલી તેમની નવલિકાઓ દ્વારા વાચકોને મહાલવા માટે એક નવા સંસારનું નિર્માણ કરી આપ્યું છે. આ ઉપરાંત ચૌલુક્ય યુગની સોળ, ગુપ્ત યુગની તેર અને સાત સામાજિક નવલકથાઓ તથા સાત જીવનલક્ષી કૃતિઓ, નવ ચિંતનાત્મક કૃતિઓ અને બાલસાહિત્યના બાંસઠ જેટલા પુસ્તકો પણ આપ્યા છે. એમના વિષે અને એમના સર્જનો વિષે ઘણું બધું લખાયું છે અને મારા જેવાની વાત તો નગારખાનામાં તતૂડીના અવાજ જેવી જ લાગે. છતાંય અહિં તેમણે ટૂંકી વાર્તા વિષે પોતાના જે વિચારો રજૂ કર્યા છે તેની વાત કરવી છે.

 ‘તણખા મંડળના પ્રથમ ભાગની પ્રસ્તાવનામાં ધૂમકેતુ ટૂંકી વાર્તાના સ્વરૂપ વિષે પોતાના ખ્યાલ રજૂ કરે છે. વિચારો .. ૧૯૨૬ માં રજૂ થયા છે અને ત્યારે બાદ ઘણા ફેરફારો આવી ગયા, તેમ છતાં તેમના વિચારો જાણવા, માણવા અને વિચારવા જેવા છે. તેઓ કહે છેઃ


ટૂંકી વાર્તાની કલા વિષે સર્વમાન્ય સિદ્ધાંતો હજી ઘડાયા નથી તે પહેલા બે-ત્રણ ભૂલ ભરેલા મતો પ્રચલિત થયા છે તે દૂર થવા જોઈએ. નવલકથાનું નાનું સ્વરૂપ તે ટૂંકી વાર્તા નથી; પણ ટૂંકી વાર્તાની કલા તદ્દન સ્વતંત્ર છે. તેમજ નવલકથાનો કોઈ પણ નિયમ ટૂંકી વાર્તાને ખાસ બંધનકર્તા પણ નથીઃ ટૂંકી વાર્તા માત્રરંજનાર્થ હોય તો તે સર્વોત્કૃષ્ટ ગણાય વિચાર પણ બરાબર નથી. કલાની કૃતિ રંજનાર્થ હોય છે, છતાં તેમાં ધ્વનિ ભર્યો હોય છે. એટલે વાર્તા હેતુપ્રધાન, ભાવપ્રધાન, કે રંજનપ્રધાન હોય એટલા એટલા ઉપરથી તે કલાત્મક છે કે નહિ કહેવું મુશ્કેલ છે. વાર્તા રજૂ કરવાની રીતમાં જે હથોટી જોઈએ, મર્યાદા જોઈએ તથા કલ્પના, લાગણી અને સિદ્ધાંતોને છૂટ આપવાની, ખેંચવાની, મર્યાદિત કરવાની અચ્છા સવારની જેવી તાલીમ જોઈએ. જ્યાં હોય ત્યાં કલાત્મક કૃતિ સરજાય છે તેમ કહી શકાય.’
કરુણ અંતથી કલાનું સ્વરૂપ સચવાય છે, માન્યતા પણ અર્ધસત્ય કે અસત્ય રજૂ કરે છે. અંત કરુણ હોવો જોઈએ એવો અનિવાર્ય નિયમ નથી, કરુણ અંત કે સુખી અંત સાથે ટૂંકી વાર્તાની કલાને અગત્યનો સંબંધ પણ નથી. ટૂંકી વાર્તા ત્રણ હજાર કે બે હજાર શબ્દોની હોય, અને એક બેઠકમાં વંચાઈ જાય, એવું ગણિત પણ સાચું નથી ઠર્યું.’
તેમના આ સંગ્રહનું નામ ‘તણખા મંડળ’ આપવાનું કારણ દર્શાવતા તેઓ કહે છેઃ 

જે વીજળીના ચમકારાની પેઠે એક દ્રષ્ટિબિંદુ રજૂ કરતાં કરતાં સોંસરવી નીકળી જાય અને બીજી ઝાઝી લપછપ વિના અંગુલિનિર્દેશ કરીને સૂતેલી લાગણીઓ જગાડી, વાંચનારની આસપાસ એક નવી કાલ્પનિક સૃષ્ટિ ઘડી કાઢે, ટૂંકી વાર્તા. નવલક્થા જે કહેવાનું હોય તે કહી નાખે છે, ટૂંકી વાર્તા કલ્પના અને લાગણીઓ જગાવીને જે કહેવાનું હોય તેનો માત્ર ધ્વનિ તણખો મૂકે છે.’
બીજી આવૃત્તિની પ્રસ્તાવનામાં તેઓ ચર્ચા જરા આગળ ચલાવતાં કહે છેઃ

ટૂંકી વાર્તાઓનો સુંદરમાં સુંદર ફાલ ઊતરે ત્યારે પ્રજા જીવન પલટો લે છે એમ સમજવું....અતિશયોક્તિ વિના કહી શકાય કેસીધું, સરળ ને સચોટએવું ટૂંકી વાર્તાનું નાનું સરખું કલેવર, કદના પ્રમાણમાં વધારેમાં વધારે પ્રાણતત્વ સાચવી શકે તેમ છે.’
 ‘તણખા મંડળ’ ના બીજા ભાગમાં ટૂંકી વાર્તા સ્વરૂપ વિષેના પોતાના વિચારો તેઓ આગળ વધારે છે અને આ સાહિત્ય સ્વરૂપના કાર્ય-કારણની ચર્ચા કરે છે. તેઓ કહે છેઃ

‘ટૂંકી વાર્તાને માત્ર મોજમજા કે આનંદના સાહિત્ય તરીકે ગણવાનો વખત હવે પૂરો થવો જોઈએ.....[સાહિત્ય એટલે] જીવનને જે સ્વરૂપ આપવા માટે આત્મા અવાજ કરે છે, તે સ્વરૂપને બરાબર સમજવાનો પ્રયત્ન છે; તે સ્વરૂપ સિદ્ધ કરવાની માનસિક પ્રક્રિયા છે.’
‘આજે જ્યારે સમય અને સ્થળની મર્યાદા સંકોચાતી જાય છે, ત્યારે તો સાહિત્યનું જે સ્વરૂપ થોડામાં થોડા શબ્દોમાં ઘણામાં ઘણું કહેવાની શક્તિ ધરાવશે, તે સ્વરૂપ લોકપ્રિય અને લોકોત્તર નીવડશે.’
ટૂંકી વાર્તાના વિષય-વસ્તુ વિષે તેઓ કહે છેઃ

‘જીવનમાં જ્યાં રસ, સૌંદર્ય ને સાચો પ્રેમ દેખાય, ત્યાં સર્વ સ્થળમાં ને સર્વ સમયમાં, ટૂંકી વાર્તા માટે વિષય પડેલા છે....પોતે જે સમાજમાં રહે છે, તે સમાજને અસ્પર્શ્ય ગણીને કોઈ પણ સાહિત્યકાર ઉત્તમ સર્જન આપી શકે જ નહિ.’
‘જૂના વખતની ટૂંકી વાર્તાઓ હાલની વાર્તાઓથી અનેક રીતે જુદી પડે છે....જ્યારે છાપખાનાં નહોતાં, અને ઘણુંખરું કામ યાદશક્તિ ઉપર જ નભતું, ત્યારે વસ્તુ એ જ વાર્તાનો આત્મા હોય, એ તદ્દન સમજી શકાય તેવી વાત છે. તેમ જ આ વાર્તાઓ પણ ધ્વનિપ્રધાન હોવાને બદલે ઉપદેશપ્રધાન હોઈ શકે. આજે મનુષ્યનો બુદ્ધિવિકાસ થયો છે અને સીધા ઉપદેશ કરતાં એને ધ્વનિમાં વધારે આનંદ આવે છે, તેમ જ આજે એને વસ્તુની ખાસ અગત્ય નથી લાગતી, એટલા માટે જીવનમાં થયેલા ફેરફારને અનુરૂપ, સાહિત્યના રૂપમાં પણ ફેરફાર થયા છે.’

‘‘વસ્તુ’ વાર્તામાં જરૂરનું નથી, એવો અર્થ આમાંથી નીકળતો નથી. ‘વસ્તુ’ એ હાલની વાર્તાઓમાં ગૌણ સ્વરૂપ લીધું છે, અને એમ થવાનાં કારણ છે એટલું જ. બાકી સર્વોત્તમ વાર્તાઓ તો વસ્તુવિધાન, પાત્રાલેખન અને શૈલી – ત્રણેના સુંદર મેળમાંથી જ જન્મે.’
છેલ્લે તેમણે ટૂંકી વાર્તા સ્વરૂપની શક્તિ વિષે જે ઉલ્લેખ કર્યો છે, તે આ મુજબ છેઃ

‘ટૂંકી વાર્તાને જીવનના પ્રશ્નો સાથે અતિ નિકટનો સંબંધ છે. જીવનના પ્રશ્નો તે જેવી રીતે છેડી શકે છે, એને જરાક ઇશારત કરી આખું સ્વરૂપ દેખાડી શકે, તેવી રીતે કદાચ સાહિત્યની બીજી કોઈ પણ કૃતિ નહિ કરી શકતી હોય.’

ટૂંકી વાર્તાના નાનકડા ફલકમાં પણ લાઘવ સ્વરૂપે ધૂમકેતુ વાર્તાને અનુરૂપ વાતાવરણ સફળતાથી સર્જી શકતા હતાં અને તેમના પાત્રો પણ સમાજના તમામ સ્તરના પ્રતિનિધિ પાત્રો તરીકે આવતાં. તેમની વાર્તાઓમાં મહદ્‌અંશે એક સ્પષ્ટ ધ્વનિ જરૂર હોય છે. અને તેમની ઘણી વાર્તાઓના અંત કરૂણ હોય છે માટે એવી છાપ ઊભી થઈ હોય કે ટૂંકી વાર્તાનો અંત કરૂણ હોવો જોઈએ, પણે તેમણે પોતે જ આ વાતને નકારી છે.
તેમની પ્રખ્યાત વાર્તા ‘પોસ્ટઑફિસ’નો કોઈ સબળ અનુવાદકે કરેલો અંગ્રેજી અનુવાદ ધોરણ બારના અંગેજી (એલ. એલ.)ના પાઠ્યપુસ્તકમાં સમાવિષ્ટ હતો અને તેને ઘણીવાર સાનંદ વિદ્યાર્થીઓને ભણાવ્યો છે.
સ્નેહરશ્મિએ યોગ્ય જ કહ્યું છે કે ‘ગુજરાતી ટૂંકી વાર્તાના આધુનિક સ્વરૂપના જનક તરીકેનું બિરુદ જો કોઈ એક વ્યક્તિને અપાય તો તે ધૂમકેતુને જ મળે.’

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.