તાજેતરની પોસ્ટસ

એપ્રિલ 12, 2011

પ્રકરણ ૧૩. શમણું, મહેચ્છા, અંતઃસ્ફુરણા અને નિર્ણય


નવમા ધોરણમાં એક નિર્ણય લીધો હતો, કહોને એક સપનું જોયું હતું અને તે નિર્ણયનો અમલ કરવા માટે કે તે સ્વપ્નને પૂરું કરવા માટે આજ દિન સુધી પ્રયત્નો શરૂ છે. અભ્યાસમાં મારે હજી વધારે માર્ગદર્શનની જરૂર છે તેમ માનીને મમ્મી-પપ્પાએ શાળા અને ક્લાસીસ ઉપરાંત મને મોર્ડન મેગેઝિનનું લવાજમ ભરી આપ્યું. ઈચ્છા તો હતી સફારીનું લવાજમ ભરવાની પણ આ વખતે બજેટમાં તેને મંજૂરી ના મળી. ‘મોર્ડન મેગેઝીનમાં જે અભ્યાસને લગતી માહિતી આવતી, તેમાં મને ખાસ નાવીન્ય લાગતું નહિ પણ તેમાં જે અભ્યાસેતર સમાચારો આવતા, તેમાં મને રસ પડતો. એક વખત એજ પાના પર મે પાદપૂર્તિ સ્પર્ધાની જાહેરાત જોઈ. પંક્તિ હતી, ‘એકય ક્ષેત્ર રહ્યું ના કોરું, જ્યાં જુઓ ત્યાં ભ્રષ્ટાચારઅને મે મારા જીવનની પ્રથમ પાદપૂર્તિ સ્પર્ધામાં ભાગ લીધો. શબ્દશઃ તો યાદ નથી, પણ તેમાં મે કંઈક આવી રચના મોકલી હતી,
અમીરોને છે ઘી-કેળા, ને ગરીબો છે લાચાર,
પૈસા પાછળ પાગલ માનવ ભૂલ્યો છે સદાચાર,
દુનિયા આખીએ બદલ્યા પોતાના આચાર-વિચાર,
એકય ક્ષેત્ર રહ્યું ના કોરું, જ્યાં જુઓ ત્યાં ભ્રષ્ટાચાર.’
અને આ રચના માટે મને દ્વિતીય નંબર આપવામાં આવ્યો હતો. હું હર્ષથી પુલકિત થઈ ઉઠ્યો હતો. જ્યારે અમારી શાળામાં પ્રાર્થનાસભા પછી આ ઈનામની ઉદઘોષણા કરવામાં આવી અને તાળીઓના ગડગડાટ વચ્ચે આ ચાર પંક્તિઓને મે વાંચી સંભળાવી, ત્યારે અંતરમનમાં એક શમણું આકાર લઈ રહ્યું હતું, એક મહેચ્છા જાગ્રત થઈ રહી હતી, એક અંતઃસ્ફુરણા થઈ રહી હતી અને એક નિર્ણય આકાર લઈ રહ્યો હતો. માતૃભાષા ગુજરાતીના સાહિત્ય ક્ષેત્રમાં કંઈક પ્રદાન કરવું, તે શું હશે તે ખબર નહોતી, પણ કંઈક કરવું એજ જાણે જીવન માત્રનો ધ્યેય બની રહે તેવી મહેચ્છા મારા જીવનમાં પ્રગટી હતી. અને જ્યારે અંતઃસ્ફુરણાની અવગણના કરવામાં આવે છે કે લીધેલા નિર્ણયોને ભૂલવામાં આવે છે કે ધ્યેયને ચૂકવામાં આવે છે ત્યારે સ્વપ્નભંગની કેટલી ભારે કિંમત ચૂકવવી પડે છે તેનો મને તે ક્ષણે કોઈ જ અંદાજ નહોતો. પણ બે વર્ષ બાદ મારાથી એ ભૂલ થવાની હતી.

આઠમા ધોરણની જેમ નવમા ધોરણમાં પણ જ્યારે અમારા વર્ગ શિક્ષક શ્રી પ્રવિણભાઈ પટેલ જ આવ્યા ત્યારે અમને બધાને ખૂબ આનંદ થયો હતો. અમને તો એવું લાગતું હતું કે અમારા તોફાની વર્ગની જવાબદારી લેવા કોઈ તૈયાર નહિ હોય અને શાળાના શિક્ષકગણમાં ચાલતા રાજકારણને કારણે પ્રવિણભાઈના ગળે ફરી એક વાર આ ફંદો નાખવામાં આવ્યો હતો અને માટે અમારા ચમનઅલ્કેશ પર પણ વર્ગ-પ્રતિનિધીત્વનો ફંદો ફરી એક વાર નાખવામાં આવ્યો હતો. અમને તો ફાયદો જ હતોને? આખા આઠમા ધોરણમાં પ્રવિણભાઈએ મને એક પણ વાર માર્યો નહોતો અને અલ્કેશે એક પણ વાર મારી ફરિયાદ નહોતી કરી. મામાનું ઘર ને માસી પીરસનાર, બીજું શું જોઈએ?
ગયા વર્ષની જેમ આ વર્ષે પણ અમારા ગણિતના શિક્ષક હતા શ્રી નાથુભાઈ પટેલ. તે વખતે એક વિશિષ્ટ શિક્ષકગણ હતો કે જે જૂના જમાનાની શિક્ષણ પદ્ધતિ, ‘સોટી વાગે ચમ-ચમ, વિદ્યા આવે ધમ-ધમના મહામંત્રમાં માનતો અને નાથુભાઈ પણ તેમાંના જ એક હતા. સોનામાં સુગંધ તો એ વાતથી ભળતી કે તેમનો એક પુત્ર અમારી શાળામાં ચાલતા માર્શલ આર્ટસના વર્ગોમાં શિક્ષક હતો. માટે નાથુભાઈ કોઈને મારે તો પણ એમ જ લાગે કે તેઓ કરાટેની શૈલીથી મારી રહ્યા છે. ગરમીના દિવસોમાં તેઓ ખભા પર એક નૅપ્કીન રાખીને આવતા જે તેમના કડક દેખાવમાં રમૂજી લાગતો. કોઈ પણ છોકરાને બોલાવવો હોય, તો તેને તેઓ મથુર કહીને જ બોલાવતા. અને તેમની અમને બધાને એટલી તો બીક લાગતી કે ગણિતના તમામ કાર્યો પૂરા જ હોય અને જો ન હોય તો દેસાઈ સાહેબ જ્યારે સ્વામી વિવેકાનંદની વાત કરતા હોય ત્યારે તે પૂરું કરી નાખવાનું.
એક વાર હું, સંજુ અને અલ્કેશ છેલ્લી પાટલીએ બેઠા હતા અને નાથુભાઈનો તાસ ચાલુ હતો. સંજુને મસ્તી કરવાની ઈચ્છા થઈ આવી અને તેણે અલ્કેશને કંઈક સળી કરી. અલ્કેશ ચમક્યો. શાળાજીવનમાં કોઈનું ઉધાર રાખવાનો રિવાજ નથી હોતો. માટે અલ્કેશે તેની પર વળતો હુમલો કરવાનો પ્રયત્ન કર્યો. એ દરમિયાન સંજુ ડાહ્યો થઈને બેસી ગયો હતો અને નાથુભાઈએ એટલું જ જોયું કે અલ્કેશ સંજુ પર હુમલો કરી રહ્યો છે. ખલાસ! ‘મથુર, ઊભો થા.’ તેમણે અલ્કેશ તરફ આંગળી ચીંધીને કહ્યું અને પવનમાં થરથરતા સૂકા પાંદડાની જેમ ચોવીસ કિલોનો ચમનઉભો થયો. નાથુભાઈને કંઈ કહેવા-પૂછવાની જરૂર ક્યાં હતી? તેમણે ખભે રહેલા નૅપ્કિનથી પરસેવો લૂછ્યો અને અલ્કેશની છાતીમાં એક જોરદાર મુક્કો માર્યો. અમે છેલ્લી પાટલીએ બેઠા હતા અને પાછળ જ દિવાલ હતી. અલ્કેશ એ દિવાલ જોડે અથડાયો અને હિબકા ભરવા માંડ્યો. તેને બોલવું હતું પણ શબ્દો તેની છાતીમાં જ ભરાઈ જતા હતા. સંજુ અને હું માંડ-માંડ હાસ્ય દબાવી રાખીને ચહેરો ગંભીર રાખીને બેઠા હતા. જેવો તાસ પૂરો થયો કે સંજુ અને અલ્કેશનો ઝઘડો ચાલુ થઈ ગયો અને છેવટે અલ્કેશે તેની જગ્યા બદલી નાખી.
અલ્કેશની જગ્યાએ અમારી સાથે બેસવા માટે આવ્યો નિમેષ. તેને ભણવામાં ખાસ રસ નહોતો માટે તેને તો છેલ્લી પાટલી વધારે અનુકૂળ હતી, પણ તેને ક્યાં જાણ હતી કે તે ક્યાં ભરાઈ ગયો છે! અમારી આગળની પાટલી પર નિમેષની બરોબર આગળ નિસર્ગ બેસતો હતો અને તે થોડો મિજાજી હતો. ભણવામાં હોશિયાર અને ગુસ્સો કરવામાં પણ! અમારી સાથે બેસવાના બીજે જ દિવસે નિમેષને કંઈક નવો અનુભવ થયો હતો. જ્યારે વિજ્ઞાનનો તાસ ચાલતો હતો ત્યારે મને કંઈક મસ્તી સૂજી. આપણે જેમ મધ્ય આંગળી અને અંગૂઠાને જોડીને કેરમમાં સ્ટ્રાઈકરને મારીએ, તેમ મે નિસર્ગના કાન પર જોરથી ચટકાવી અને પછી તરત જ વીજળીની ઝડપે એકદમ ડાહ્યો બનીને બેસી ગયો. ભણવામાં તલ્લીન નિસર્ગ અચાનક ચમક્યો અને ગુસ્સે થયો અને પાછળ ફરીને તેણે ચાલુ તાસમાં નિમેષને એક લાફો માર્યો. એ સાથે જ બધાની નજર ત્યાં ગઈ અને તે બંનેને વિજ્ઞાન શિક્ષક શ્રી પ્રદીપભાઈએ સજા કરી. મને મનથી એમ થયું કે આજે હવે નિમેષની જગ્યાએ બીજું કોઈ બેસવા આવી જશે, પણ તે ટકી ગયો. પ્રદીપભાઈની એક ખાસિયત હતી કે તે કોઈ પણ વિદ્યાર્થીને તુંકારે બોલાવતા નહિ. તે બધાને માન આપતા અને માટે બધા પણ તેમને માન આપતા. આગળ જઈને જ્યારે મે શિક્ષકનો વ્યવસાય અપનાવ્યો, ત્યારે આ ગુણને બને તેટલો અપનાવવાનો પ્રમાણિક પ્રયત્ન કર્યો હતો.
આ વર્ષે ચિત્ર શિક્ષક શ્રી મહેન્દ્રભાઈએ મારા પ્રત્યેની તેમની રણનીતિ બદલી હતી. તેઓ મારા ઘણા ચિત્રોને દસમાંથી નવ ગુણ આપતા અને મને બેટા કહીને બોલાવતા. બાળક માત્ર પ્રેમ ભૂખ્યું હોય છે અને તે હંમેશા પ્રેમનો પ્રતિસાદ પ્રેમથી જ આપે છે. તેમનામાં આવેલો બદલાવ શરૂઆતમાં મને આશ્ચર્યજનક લાગ્યો પણ પછીથી મે પણ મારી રણનીતિ બદલી નાખી. ચિત્રપોથીમાં બને તેટલા સુંદર ચિત્રો દોરવા અને તેમના તાસમાં તે કહે તેમ કરવું અને આમ તેમણે મને જીવનનો એક અગત્યનો પાઠ કશું પણ બોલ્યા વિના ભણાવ્યોઃ
શમે ના વેરથી વેર, ટળે ના પાપ પાપથી,
ઔષધ સર્વ દુઃખોનું મૈત્રીભાવ સનાતન.’
જોકે તોફાન-મસ્તી બંધ કર્યા હતાં, તેવું નહોતું પણ તેમને સતાવવાનું મે બંધ કર્યું હતું. એક વાર તેમણે મને અને અલ્કેશને હુકમ આપ્યો કે બધા વિદ્યાર્થીઓ ને રંગ બનાવવા પાણી જોઈએ છે માટે અમારે નીચેથી એક ડોલ ભરી લાવવી. હું અને અલ્કેશ નીચે ગયા, પાણીની ડોલ ભરી અને ઊપર પાછા આવતા હતાં ત્યારે અમને એક મસ્તી સૂઝી. ઝડપથી અમે તે ડોલને શાળાના શૌચાલયમાં લઈ ગયા અને તેમાં થોડીક ભેળસેળ કરી! વર્ગમાં પહોચીને ડોલ મૂકીને પછી થોડીવારમાં અમે જાહેર કર્યું કે હું અને અલ્કેશ રંગો ઘરે ભૂલી ગયા છીએ માટે આ વખતે અમે માત્ર ચિત્રો જ દોરીશું, રંગો નહિ પૂરીએ. બીજા કોઈને તો ખબર નહિ, માટે તેઓ કલર પ્લેટમાં પાણી લઈ આવ્યા અને ઘણાએ તો તેમની પીંછીઓ મોઢામાં પણ નાખી. જ્યારે ચિત્રના બંને તાસ પૂરા થયા ત્યારે અમે અમારું પરાક્રમ જાહેર કર્યું. પછી તો હંગામો! બધાએ પોતાની કલર પ્લેટ્સઅને પીંછીઓ ઘસી-ઘસીને ધોઈ અને ઘણાએ તો અમારી જોડે ઝઘડો પણ કર્યો પણ પછી બધા ખૂબ હસ્યા હતાં. આ વર્ષે પણ માર્શલ આર્ટસના વર્ગોમાં હું અને નિલેષ સાથે જતા હતા અને મે અન્ડર વ્હાઈટમાંથી વ્હાઈટ બેલ્ટમેળવ્યો હતો.
આ વર્ષે સાયન્સ ક્લબના ઉપક્રમે ફરી એકવાર મે વિજ્ઞાનમેળામાં ભાગ લીધો હતો. મારી સાથે સંજુ તો હોય જ અને આ વર્ષે અમારી સાથે નિસર્ગ પણ હતો. આગલા વર્ષે અમે ગોબર ગેસ પ્લાન્ટ નો જે નમૂનો બનાવ્યો તે નોન-ફંક્શનલહતો માટે આ વર્ષે કોઈ ફંક્શનલ નમૂનો બનાવવો તેવો અમે નિર્ણય કર્યો હતો. અને વૈકલ્પિક ઊર્જા વિભાગ હેઠળ સોલર-કૂકર બનાવવાનું શરૂ કર્યું. અમારો નાનકડો નમૂનો સરસ બન્યો હતો અને તેને અમે ત્રણેય જણા વારાફરતી સમજાવીશું તેમ નક્કી કર્યુ હતું. પણ નિસર્ગને કદાચ સમજાવવામાં (અથવા મુલાકાતીઓના ધ્યાનનું કેન્દ્ર બનવામાં) આનંદ આવતો હશે માટે તે અમારો વારો હોય તો પણ સ્ટૂલ પર બેસી રહે અને અમારો વારો આવે નહિ. બપોર સુધીમાં તો હું અને સંજુ ખૂબ જ કંટાળી ગયા અને તેને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. ચારેક વાગ્યે તે સ્ટૂલ પર બેઠા-બેઠા એક નાનકડી લાકડીની મદદથી મુલાકાતીઓને સોલર કૂકરના વિવિધ ભાગો દર્શાવીને સમજાવી રહ્યો હતો અને તેમ કરવા તે થોડોક આગળ ઝૂકેલો હતો. માટે સ્ટૂલના બે પાયા જમીન પર હતા અને બે હવામાં અને મને મોકો મળી ગયો. તે સમજાવતો હતો તે દરમ્યાન હું તેની પાછળથી પસાર થયો અને જાણે ભૂલથી અથડાયો હોઉં તેવો દેખાવ કરી તેના સ્ટૂલને એક લાત મારી. પછી તો સ્ટૂલ ઊપર અને નિસર્ગ નીચે! મુલાકાતીને કદાચ એમ થયું હશે કે આ સોલર-કૂકરના નમૂનામાં ગાયબ કરવાની શક્તિ પણ હશે. જોકે ત્યારબાદ નિસર્ગે મને જોરથી લાફો માર્યો હતો, તે અલગ વાત છે.
આ વર્ષે બેનનું શાળાજીવન સમાપ્ત થયું હતું અને તે કૉલેજમાં જોડાઈ હતી. તેણે નવગુજરાત (એસ. આર. એમ. આર્ટસ) કૉલેજમાં અંગ્રેજી સાહિત્યને મુખ્ય વિષય તરીકે પસંદ કર્યો હતો. તેનાથી મને બે લાભ થયા હતાં. એક તો એ કે શાળામાં મારી પર ચોકી કરવા વાળુ કોઈ નહોતું માટે ઘર સુધી વાત પહોચવાની બીક નહિ. બીજો ફાયદો એ થયો કે અંગ્રેજી સાહિત્ય અને સંસ્કૃત સાહિત્યનો પરોક્ષ પરિચય થવા લાગ્યો. તેને પરીક્ષા આવે ત્યારે બધું યાદ કરવા માટે મોટેથી બોલી-બોલીને વાંચવા જોઈએ અને મારે તે ફરજિયાત સાંભળવું પડે. જ્યારે તે મોઢે કરી લે (ગોખી નાખે તેમ વાંચવું) ત્યારે ઘણીવાર તેના પુસ્તકો મને આપી દે અને હું તે મોઢે લઉ. આનાથી મને શેક્સપિયરના ધ મર્ચન્ટ ઓફ વેનિસ’, ગોલ્ડસ્મિથના ધ ડિઝર્ટેડ વિલેજ અને શેલીની કવિતાઓ અને એવા ઘણા પુસ્તકોનો પરિચય થયો અને અંગ્રેજી સાહિત્ય તરફનું આકર્ષણ વધ્યું. તેણે સંસ્કૃતને તેના પ્રથમ ગૌણ વિષય તરીકે રાખેલો હતો. તેના ભાષાંતરો તો હું અચૂક વાંચતો. કાલિદાસનું વિક્રમોવર્શીયમ’, ભાસનું ઊરુભંગ ને ભર્તૃહરિના નીતિ શતકોએવી રીતે જ મે વાંચ્યા હતાં. આ વાતથી મનમાં સંસ્કૃત સાહિત્ય અને અંગ્રેજી સાહિત્યની જાણે-અજાણે તુલના શરૂ થઈ ગઈ હતી. ખબર નહિ કેમ પણ દર વર્ષના અંતે હું બેનને આગ્રહ કરતો કે તે તેના પુસ્તકો અને નોંધો કોઈને આપે નહિ. હું તેને મારા સંગ્રહમાં સાચવી રાખતો. કોને ખબર હતી કે કુદરતે એમાં કોઈ સંકેત પાઠવ્યો હશે?
જો કુદરતના સંકેતો સમજવાની માનવે આદત પાડી હોત તો આપણે પૃથ્વી પર આટલી ખુવારી કરી હોત? એ અવગણના મને મારા સ્વપ્નભંગ સુધી લઈ જશે તેવું મે નહોતું ધાર્યું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.