તાજેતરની પોસ્ટસ

એપ્રિલ 07, 2011

પ્રકરણ ૧૨. એકલવ્યની ટમેટાયુધ્ધ વાળી ‘સફારી’તું નાનો, હું મોટો -એવો ખ્યાલ જગતનો ખોટો;
આ નાનો, આ મોટો -એવો મૂરખ કરતા ગોટો.
આ કવિતા બીજા ધોરણમાં યાદ કરી હતી પણ જાણે કે તે આજ સુધી સમજ્યા નથી. પ્રાથમિક શાળામાંથી માધ્યમિક શાળામાં જવું એક સિધ્ધીની બાબત લાગતી હતી. હવે બાળપણમાંથી કિશોરાવસ્થામાં આવી ગયા હતા. બધા એમ કહેતા કે હવે હું મોટો થઈ ગયો છું અને મારે ધમાલ- મસ્તી ઓછા કરવા જોઈએ પણ ખરેખર એમ થતું નહિ. ઊલટાનું નવા-નવા તુક્કાઓ મનમાં આવ્યા કરતા અને શાળામાં નવા-નવા નુસખાઓ અમે અજમાવતા રહેતા. પેન્સિલના બદલે પેન વાપરવી અને ગણવેશમાં ચડ્ડીના બદલે પેન્ટ પહેરવું અમને ગમતું પણ તોફાન ઓછા કરવાની વાત આવે તો ગમે નહિ.
શ્રી પ્રવિણભાઈ પટેલ અમારા આઠમા ધોરણના વર્ગ શિક્ષક હતા. તેઓ અમને સમાજવિદ્યા ભણાવતા અને મારી પ્રત્યે તેમને વિશેષ અનુરાગ હતો. કારણ તો ખબર નથી પણ મને લાગે છે કે તેમની નજર સામે મે તેમની કોઈ આજ્ઞા અવગણી નથી માટે હું તેમનો પ્રીતિપાત્ર હોઈશ. તેઓ મને એક વિશેષ લહેકામાં સંબોધિત કરતા અને તે લહેકામાં જ હું તેમને જવાબ આપતો. તેઓ કહેતા ઠક્કરઅઅઅઅઅઅને હું જવાબ આપતો યસ સરઅઅઅઅઅ’. તેઓ વિશેષ અનુરાગની સાથે વિશેષ અપેક્ષાઓ પણ રાખતા અને જો મારુ પરિણામ ઓછું હોય તો મને બોલાવીને અંગત રીતે ઠપકો પણ આપતા. પણ એવું તો પખવાડિક પરીક્ષાઓમાં જ બનતુ; પ્રથમ, દ્વિતીય કે વાર્ષિક પરીક્ષામાં તેવું હું બનવા દેતો નહિ.
આ વર્ષે અંગ્રેજી વિષયમાં મે વિશેષ પ્રગતિ કરી હતી અને તેના બે કારણ હતા. એક તો અભ્યાસક્રમ ખૂબ જ સરળ હતો અને બીજું શ્રી દેસાઈ સાહેબ. દેસાઈ સાહેબને મૂળે તો મિલિટરીમાં જોડાવું હતું અને તેઓએ તેની તાલીમ પણ લીધી હતી પરંતું કુટુંબીજનોની નામરજીને કારણે તેઓ પાછા ફર્યા હતા અને અમારા અંગ્રેજી ભાષાના શિક્ષક બન્યા હતા. શિસ્તના આગ્રહી અને સ્વામી વિવેકાનંદના ચાહક. એ ચાહત તેમની નબળાઈ પણ હતી અને અમે તેનો પૂરો લાભ લેતા. જેવા તેઓ વર્ગમાં આવે કે પહેલી પાટલીમાંથી કોઈ કહે કે સાહેબ ગયા પિરીયડમાં તમે સ્વામી વિવેકાનંદની વાત અધૂરી રાખી હતીઅને જાણે પેટ્રોલ પર તિખારો પડે! પછી આખો તાસ તેઓ સ્વામી વિવેકાનંદની વાતો કરે અને પહેલી પાટલીને છોડીને બધા તેમનું અધૂરું ગૃહકાર્ય પૂરુ કરવા માંડે. ધૂની પણ એટલા જ. એકવાર તેમણે કોઈને એક્સિડન્ટની જોડણી પૂછી અને ચાર-પાંચ વિદ્યાર્થીઓને તે આવડી નહિ માટે તેમણે આખા વર્ગને આખો તાસ ‘a-c-c-i-d-e-n-t: એક્સિડન્ટ એટલે અકસ્માતએમ બોલાવે રાખ્યું. આમ અમારો અભ્યાસક્રમ હંમેશા બાકી જ હોય. જ્યારે પરીક્ષા નજીક આવે ત્યારે તેઓ એક તાસમાં ત્રણ-ત્રણ પાઠ ઝડપથી સમજાવવા માંડે અને બધું અમારા મગજની ઊપરથી જતું રહે. હવે આના કારણે પરિણામ બગડે તે તો ચાલે નહિ. માટે અંગ્રેજી વિષયમાં હું ઘરે વધારે અભ્યાસ કરતો અને તેને કારણે આઠમા અને નવમાં ધોરણમાં, જ્યાં સુધી દેસાઈ સાહેબ અમને અંગ્રેજી () ભણાવતા ત્યાં સુધી, મારા ગુણ સૌથી વધારે જ હોય. ૪૦ માંથી ૩૯ ગુણ મારે ચાર વખત આવ્યા હતા. પરિણામ જોઈને દેસાઈ સાહેબ કહે, ‘તું તો મારો અર્જુન છે, અર્જુન.’ મને મનમાં થાય કે ગુરુ દ્રોણ, હું અર્જુન નહિ પણ એકલવ્ય છું’!
એક બીજા સાહેબ હતા શ્રી મહેન્દ્રભાઈ ભાવસાર. એ અમારા ચિત્રના શિક્ષક હતા. એમને અમે ગમતા નહિ અને એ અમને ગમતા નહિ. અમારાથી મોટા મિત્રો અને ભાઈ-બહેનો પાસેથી તેમના વિષે અમે ઘણું સાંભળ્યું હતું અને તેમાંની એક વિશેષ વાત એ હતી કે ઘણા વર્ષોથી એ સાહેબનું ઉપનામ હતું દૂધીઅને અમે એ પરંપરા જાળવી રાખી હતી. હું ગમે તેટલા સરસ ચિત્રો બનાવું, તે મને ૧૦ માંથી ૨ કે ૩ ગુણ જ આપે અને કોઈએ સાવ ખરાબ ચિત્ર દોર્યું હોય તોય તેને ૧૦ માંથી ૮ કે ૯ ગુણ આપે. મને આ બાબત ખૂબ ખટકે અને તેને કારણે તેમને હેરાન કરવાનો એક રસ્તો અમે શોધી કાઢ્યો હતો. તેઓ ચાંદલોડીયાથી સાઇકલ લઈને શાળાએ આવતા હતા અને અમે રોજ મોકો જોઈને તેમની સાઇકલના બંને પૈડામાંથી વાલ્વ કાઢી નાખીએ. અત્યારે આ વાત અયોગ્ય લાગે છે પણ બાળપણની ધમાલ-મસ્તીમાં તે વખતે નહોતી લાગતી. એક વાર ગુસ્સામાં મે ચિત્રપોથીમાં શાકભાજી દોરવાના પાના પર મોટી દૂધી દોરી અને નીચે લખ્યું હતું દૂધીઅને અમે બધા ખૂબ હસ્યા હતા. જોકે તેને કારણે બીજા ધોરણથી અત્યાર સુધીમાં પહેલી વાર એવું બન્યું કે વાર્ષિક પરીક્ષામાં કોઈ એક વિષયમાં મારે ૬૦ થી ઓછા ગુણ આવ્યા હોય. તે વર્ષે મને ચિત્ર વિષયમાં ૫૭ ગુણ જ મળ્યા હતા અને માટે ચિત્રમાં મારો રસ ઘટ્યો હતો.
મે ધીમે-ધીમે અમારી ગલીમાં મિત્રતા ઓછી કરી નાખી હતી તો સામે શાળામાં મિત્રો વધતા જતા હતા. તેમાં એક ઉમેરો હતો નિલેષનો. તેમનું કુટુંબ મૂળે ઉત્તર પ્રદેશનું પણ તે બધા ભાઈ-બહેન અહિ અમદાવાદમાં જ જન્મ્યા હતા. તેની ગુજરાતીમાં ક્યારેક-ક્યારેક યુ.પી.ની છાંટ વર્તાઈ આવે બાકી પાક્કો ગુજરાતી. તેની સૌથી મોટી ખૂબી એ હતી કે તે પોતાની મૂર્ખામીઓ પર મુક્ત મને હસી શકતો અને હસવા માટે એવા કામ પણ કરી શકતો. જોકે નાનપણથી તેને ચશ્મા હતા અને ચશ્મા વિના તે જલ બિન મછલીજેવો બની જતો. બીજો મિત્ર હતો અલ્કેશ. તે અમારો વર્ગ પ્રતિનિધિ અને તેમ છતાંય તેને કોઈક વાર ચાલુ તાસમાં તોફાન કરવા માટે સાહેબનો માર ખાવો પડતો કારણકે તે મારી અને સંજુની સાથે બેસતો. અમે મસ્તી કરીને છટકી જઈએ અને તે બિચારો ફસાઈ જાય. તે વખતે ગુજરાતના મુખ્યમંત્રી હતા શ્રી ચિમનભાઈ પટેલ એટલે અમારા વર્ગ શિક્ષક પ્રવિણભાઈ અલ્કેશને ચિમન કહેતા અને અમે બધા પણ તેને ચિમનનું અશિષ્ટ સ્વરૂપ ચમનવડે સંબોધતા. ત્રીજો મિત્ર હતો વિરલ. સહપાઠી હોવાને લીધે અમે એકબીજાના પરિચયમાં આવ્યા. તેના પિતાજી ઇંગ્લેન્ડમાં હતા અને વહેલા મોડા તે પણ જતો રહેશે તેવી બધાને જાણ હતી. જ્યારે તેના માટે કોઈ નવી વસ્તુ આવે ત્યારે અમને બધાને તે ઉત્સાહપૂર્વક બતાવે અને અમે બધા કુતૂહલપૂર્વક તેને જોઈ રહીએ. તેના આ ઉત્સાહ અને મારા કુતૂહલે મારા જીવનમાં એક અત્યંત અગત્યનું અને રોચક પ્રકરણ લખ્યું છે. તેની એક ખાસિયત, કે જે હજી અમે બંને આનંદપૂર્વક યાદ કરીએ છીએ, તે તેના વાળ. રાત્રે પથારીમાં ખૂબ પડખા ફરવાને કારણે કે વાળંદની અણઆવડતને કારણે કે ગમે તે કારણ હોય પણ સવારે જયારે તે શાળામાં આવે ત્યારે તેના માથાના પાછળના ભાગના થોડાક વાળ કળા કરતા મોરના પીંછાની જેમ ઊંચા જ હોય. સંજુ તેને આદિવાસી કે જંગલી કહીને ખીજવતો અને અમે પણ એ ખીજ સ્વિકારી હતી. તે સામે મળે તો તેને કેમ છે?’ કે હાઇ!’ કહેવાને બદલે જીંગાલાલાકે હંબા-હંબાકહીને અમે ખીજવતા. મને પણ બ્લેક-એન્ડ-વ્હાઇટકે કલ્લુકહીને ચીડવવામાં આવતો અને  હું પણ ખૂબ ચીડાતો હતો.
આ વર્ષે મને શાળા ઉપરાંત સરસ્વતી ક્લાસીસમાં પણ મોકલવામાં આવતો. મમ્મી-પપ્પાને લાગ્યું હતું કે હવે મારે અભ્યાસમાં વધારે સમય ફાળવવાની જરૂર છે અને બેન તે જ ક્લાસીસમાં જતી હતી માટે મને પણ ત્યાં જવાનું ફરમાન મળ્યું હતું. માટે મારો વધારે સમય અભ્યાસમાં વીતતો હતો અને ક્લાસીસનું થોડુંક અલગ વાતાવરણ મને ગમતું હતું. અહિ વ્યાવસાયિક કરતા પારિવારિક અભિગમ વધારે હતો. મતલબ કે એક સાહેબ, તેમના પત્નિ, તેમનો નાનો ભાઈ અને તેમની બે પુત્રીઓ જ અમને બધા વિષયો ભણાવતા અને પરીક્ષાઓનું આયોજન કરતા. અત્યાર સુધી તો મે આખું કુટુંબ આખો દિવસ સાથે જ હોય તેવું જોયું કે અનુભવ્યું નહોતું (મમ્મી ભાવનગર, પપ્પા કામમાં અને ઘરે તો હું અને બેન એકલા જ!) એટલે મને ત્યાં જવું ગમતું હતું અને તેને કારણે મારો અભ્યાસ પણ સુધર્યો હતો. આ ઉપરાંત તે સાહેબ વિજ્ઞાનને ખૂબ ઉંડાણપૂર્વક સમજાવતા માટે મારો વિજ્ઞાનમાં રસ વધ્યો હતો. જોકે આના કારણે એક વાત એવી પણ બની કે મારા અને સંજુ વચ્ચેનો સંપર્ક થોડો ઘટ્યો હતો.
વિજ્ઞાનમાં મારો રસ વધવાનું એક બીજું કારણ પણ હતું- મારો મિત્ર વિરલ. તે એક દિવસ બુદ્ધિશાળી બાળકો માટેનું મેગઝિન સફારીલઈને આવ્યો. તેમાં આવતા સામાન્ય જ્ઞાન અને વિજ્ઞાનના લેખોએ તથા શ્રી નગેન્દ્ર વિજયની સરળ અને રસાળ શૈલીએ મને ખૂબ જ પ્રભાવિત કર્યો. ખરેખર સફારીએ મારા સમક્ષ એક નવા જ જગતના દ્વાર ખોલી આપ્યા. તેંત્રીસ કરોડ દેવી-દેવતાઓનો વાસ ધરાવતા ભારતદેશમાં શ્રધ્ધા અને અંધશ્રધ્ધા વચ્ચેની ભેદરેખા અત્યંત પાતળી છે. સામાન્ય વસ્તુ કે ઘટના પાછળના વિજ્ઞાન કરતા અંધશ્રધ્ધાઓને અહિં વધારે ચર્ચવામાં આવે છે અને હું પણ તેમાં અપવાદ નહોતો. પણ સફારીએ મારી સમગ્ર વિચાર શૈલીને ધરમૂળથી બદલી નાખી. વિજ્ઞાનની સાથે ઈતિહાસ અને દેશપ્રેમના સંસ્કારોનું તેણે મારા જીવનમાં સિંચન કર્યુ. જો મારે કોઈ એક એવા લેખકનું નામ આપવાનું હોય કે જેનો મારા જીવનમાં સૌથી વધારે પ્રભાવ હોય તો હું ક્ષણમાત્રનો વિચાર કર્યા વિના શ્રી નગેન્દ્ર વિજયનુ નામ આપીશ. હજી આટલા વર્ષો બાદ પણ હું નિયમિત સફારીખરીદું છું અને તે હવે બુદ્ધિશાળી વાચકો માટેનું મગેઝિનબની ગયું છે અને મને તે એટલું જ પ્રિય છે જેટલું મારી કિશોરાવસ્થામાં હતું અને તેના માટે હું વિરલને આજે પણ ફેસબુકપર ધન્યવાદ આપતો રહું છું.
વિજ્ઞાનમાં જાગૃત થયેલ રસને કારણે હું અમારી શાળામાં એજ વર્ષે સ્થપાયેલા સાયન્સ ક્લબમાં જોડાયો. આ ક્લબ દ્વારા અમને ઈસરો સંસ્થાનની શૈક્ષણિક મુલાકાત આપવામાં આવી. ખગોળશાસ્ત્ર અને બ્રહ્માંડમાં સફારીએ જાગૃત કરેલા રસને કારણે મને આ મુલાકાત ખૂબ પ્રેરણાદાયક લાગી હતી અને પછી મે તેને લગતા પુસ્તકો વાંચવા શરૂ કર્યા હતા.સાયન્સ ક્લબમાં સભ્યો તો ઘણા હતા પણ જ્યારે સાયન્સ ફેરમાં ભાગ લેવાની વાત આવી ત્યારે આખું ટોળું નાસી છૂટ્યું અને માત્ર પાંચ જ સભ્યો બચ્યા. હું, સંજુ, આજ વર્ષે અમારી શાળામાં દાખલ થયેલો હિતેષ અને અમારી આગળના ધોરણના બે છોકરાઓ. અમે તે વર્ષે બે પ્રોજેક્ટ નક્કી કર્યા. હું, સંજુ અને હિતેષ એક ગોબર ગેસ પ્લાન્ટનો નમૂનો બનાવવા લાગ્યા અને પેલા બે છોકરાઓએ સૌર શક્તિથી ચાલતી એક સોસાયટીનો નમૂનો બનાવવાનું શરૂ કર્યું.
વિજ્ઞાનમેળામાં અમારે ધોળકા જવાનું હતું અને સાહેબોએ નક્કી કર્યું કે તેઓ અમને તેમના સ્કૂટર પર જ ધોળકા લઈ જશે. અમારી શાળામાં વિજ્ઞાનના એક સાહેબ હતા શ્રી અરવિંદભાઈ. તેમની વિશાળકાય ઘેરાવદાર કાયાને કારણે તેમને બધા કોઠી સાહેબ કહેતા. નસીબજોગે મારે અને સંજુને તેમના સ્કૂટર પાછળ બેસવાનું આવ્યું. તેમણે આગળની આખી અને પાછળની અડધી બેઠક રોકી લીધી. બાકીની અડધી બેઠક પર હું તેમની અને સ્પેર વ્હીલની વચ્ચે દબાઈને બેઠો અને સંજુ તો બિચારો બોલ્યા વિના સ્પેરવ્હીલ પર બેસી ગયો અને મને તેણે સજ્જડ પકડી રાખ્યો. હજુ તો અમારી સવારી માંડ હાઈ-વે પર પહોચી હશે કે તેમના બિચારા સ્કૂટરમાં પંકચર પડ્યું હતું અને અમે માંડ-માંડ ધોળકા પહોંચ્યા હતા. અમારો નમૂનો માત્ર નામનો જ નમૂનો હતો, કાર્યાન્વિત નહી. માટે જ્યારે પ્રદર્શનમાં તેને મૂક્યો ત્યારે લોકો એક જ સવાલ પૂછતા આમાં ગેસ ક્યાં છે?’ અને આ સવાલ સાંભળી-સાંભળી અમારું માથું દુઃખી ગયું હતું. એક વાર હિતેષ મુલાકાતીઓને અમારો નમૂનો સમજાવતો હતો, ત્યારે ટોળામાંથી એક ટીખળી છોકરી બોલી, ‘આમાંથી ગેસ તો કાઢો.’ ગુસ્સાપૂર્વક હિતેષ કહે, ‘પહેલા ગોબર તો કાઢોઅને તે બધી ત્યાંથી હસતી-હસતી ભાગી ગઈ. અમને સ્પર્ધાના અંતે આશ્વાસન તરીકે એક મેમેન્ટો આપવામાં આવ્યો હતો અને શોખપૂર્વક તેની સાથે ફોટા પડાવ્યા હતા.
જો કે માનસિક પરિવર્તનની સાથે-સાથે જીવનમાં શારિરીક પરિવર્તન માટે પણ આ વર્ષ મારા માટે અગત્યનું હતું. આઠમા ધોરણની શરૂઆતમાં જ અમારી શાળામાં માર્શલ આર્ટસની એક સંસ્થા દ્વારા પ્રદર્શન યોજવામાં આવ્યું, અને તેમની અપેક્ષાથી ઘણા વધારે, અઢીસો વિદ્યાર્થીઓએ તેમાં નામ નોંધાવ્યા અને હું પણ તેમાં જોડાયો હતો. પપ્પાએ પણ એ વર્ગોમાં પહેરવા માટે મોંઘામાં મોંઘો ગણવેશ ખરીદી આપી મારો ઉત્સાહ વધાર્યો હતો. મારી સાથે નિલેષ પણ તેમાં શામેલ હતો. આના કારણે મને બે લાભ થયા. અઠવાડિયામાં ત્રણ દિવસ તેના વર્ગો રહેતા અને વર્ગની શરૂઆતમાં જ અમે પચાસથી પણ વધારે આસનો કરતા. પછી કંઈક નવું શીખવાનું અને ત્યાર બાદ તેનો અભ્યાસ. આમ બે કલાકના હિસાબે અઠવાડિયાના છ કલાક હું વિવિધ પદ્ધતિસરની શારિરીક કસરતો કરતો. જેને કારણે મારું પાચનતંત્ર ખૂબ જ સુધર્યું હતું અને ખારીકટ કેનાલની ડૂબકી બાદ જે માઠી અસરો તે તંત્રમાં આવી હતી તે ધીરે-ધીરે દૂર થઈ હતી. બીજો લાભ એ થયો કે આ વર્ગોમાં સાથે હોવાને કારણે મારી અને નિલેષની મિત્રતા ઘનિષ્ઠ બની હતી.
ઉંમરની સાથે-સાથે બેન સાથેની મસ્તી, આડોડાઈ અને ઝઘડા પણ વધતા જતા હતા. આ વર્ષે તે બારમા ધોરણમાં હતી માટે ઘરના કેટલાક કામ મને સોંપવામાં આવ્યા હતા. પાણી ભરવું, ફ્રિજમાંની ખાલી પાણીની બોટલ અને આઇસ-ટ્રે ભરવા, અમુક બિલ ભરવા જવા, બેંકોમાં ચેક ભરવા કે સ્ટેટમેન્ટ લાવવા અને મને-કમને હું એ કામો કરી નાખતો. રાત્રે કામ પતાવીને બધા સૂઈ જાય ત્યારે બેન અને તેની બેનપણી વાંચવા બેસતા અને ઊંઘ ના આવે માટે તેઓ ચા પીતા. ઘણીવાર મારે પણ તેમના માટે ચા બનાવવી પડતી અને મને આ કામની ખૂબ ચીડ ચડતી. કારણ કે ચા પીવાથી ઊંઘ ઊડે તેવો અનુભવ મને થતો નહિ. હું તો ચા પીને પણ ઘસઘસાટ ઊંઘી શકતો. મને થતું, ‘ચા પીવાથી તે કંઈ ઊંઘ ઊડતી હશે? આતો મારી પાસે ચા બનાવડાવવા માટે બેન બહાનું કાઢે છે.’ એક વખત હું દૂરદર્શન પર આવતી અલિફ-લૈલાજોતો હતો અને મને બેને, વાયા પપ્પા, ચા બનાવવાનો હુકમ આપ્યો. મને ગુસ્સો તો ખૂબ આવ્યો પણ પપ્પાની હાજરીમાં ના તો પડાય નહિ! માટે મે ચા બનાવતી વખતે તેમાં ખાંડને બદલે મીઠું નાખ્યું અને મારો ગુસ્સો ઉતાર્યો. જોકે તેની તાત્કાલિક ધોરણે હાઇકોર્ટમાં ફરિયાદ કરવામાં આવી અને મારે જાહેરમાં બે હાથ જોડી, બેનના ચરણસ્પર્શ કરી માફી માંગવી પડી. અને હા, આ ચરણસ્પર્શ વખતે હું તેના પગે ચૂંટલી ભરવાનું ચૂક્યો નહોતો.
પછી મે સાવ ઓછી બેઠકો જીતેલા વિપક્ષની ભૂમિકા ભજવવી શરૂ કરી અને તેના દરેક સારા કામમાં હું ભૂલો કાઢવા લાગ્યો. સવિશેષ તો હુ તેની રસોઈમાં ભૂલો કાઢતો રહેતો અને મને આ નથી ભાવતું કે તે નથી ભાવતુંની ફરિયાદો હંમેશા કરતો રહેતો. છેવટે પપ્પાએ એવો નિર્ણય લીધો કે રોજ શાક લેવા મારે જવું અને મને જે ભાવતું હોય તે લાવવું અને બેન તે જ શાક બનાવશે. મને થયું આ તો બકરું કાઢતા ઊંટ પેઠું. મારે આવા સ્ત્રૈણ કામ કરવાના? પણ પપ્પાને ના થોડી પડાય?
એક દિવસ એવું બન્યું કે હું શાક લેવા ગયો ત્યારે મે ટમેટા ભરેલી ઊંટગાડી જોઈ. ઘણીવાર આવી રીતે ખેડૂતો સીધા જ ઊંટગાડીમાં શાક ભરીને વેચવા આવી જતા અને તે શાક સારુ અને સસ્તું હોય તેમ મને ખબર હતી માટે હું ત્યાં ટમેટા લેવા ગયો. જોકે ત્યાં મારા સિવાય બધી જ સન્નારીઓ હતી અને તેઓ દબાવી-દબાવીને કડક ટમેટા લેવામાં વ્યસ્ત હતી. એક સન્નારી કડક ટમેટાની પસંદગીમાં કદાચ વધારે પડતું દબાણ આપી બેઠા અને ટમેટું પચકાઈ ગયું અને તેનો રસ તેમની બાજુમાં ઉભેલા સન્નારીની સાડી પર પડ્યો. તેઓ ચમક્યા અને ગુસ્સે થયા. તેમણે તેમના હાથમાં રહેલું ટમેટું છૂંદીને પ્રથમ સન્નારીની સાડી પર લગાવ્યું, ‘લે લેતી જા ચૂડેલ!’ આથી પ્રથમ સન્નારી બોલ્યા, ‘મારાથી તો ભૂલથી થયું હતું પણ તે તો હાથે કરીને લગાડ્યું, કુલટા.’ એમ કહીને તેણીએ ટમેટું બીજી સન્નારીના મોઢા પર માર્યું. યુધ્ધમાં લહુ-લોહાણ થયેલ યોધ્ધા જેવા લાલ ચહેરાવાળી બીજીએ પ્રથમ પર હુમલો કર્યો. હવે સન્નારીઓ શાક લેવા એકલી તો નીકળે નહિ, સાથે તેમનું સખીવૃંદ તો હોય જ ને? આમ, તે ઊંટગાડી પર બે મોરચા મંડાઈ ગયા અને હું અને ઊંટગાડીવાળો પ્રેક્ષક બની ગયા. અને પછી જે ઐતિહાસિક ટમેટાયુધ્ધ લડાયું તેમાં ગાળોનો શબ્દકોષ અને ઊંટગાડી, બંને ખાલી થઈ ગયા. અને મોકાનો લાભ લઈને કેટલાય લોકો મફતમાં ટમેટા ઉપાડીને ઘરભેગા થઈ ગયા. જોકે હું તો આ ઐતિહાસિક ક્ષણ માણવામાં વ્યસ્ત હતો માટે મને એવું કંઈ સૂઝ્યું નહિ તે સારૂ થયું. પછીથી મને થયું કે શાક લેવા જવામાં આવી મજા મળતી હોય તો વાંધો નહિ.
મારુ વાંચન મને ભાષાકીય વિચારો કરવા પ્રેરતું અને આ વિચારો મને લેખન માટે પ્રેરતા. માટે નિબંધ લેખન કે અર્થવિસ્તાર જેવા મુદ્દા મને ભણવામાં ગમતા. સાથે-સાથે મે પ્રથમ વાર જોડકણા જોડવા પણ ચાલુ કર્યા હતા અને પ્રતિ-કાવ્યો પણ બનાવ્યા હતા.
કોણ હશે આજે નિશાનો મારો,
જે હશે તે થશે ખુદાને પ્યારો.’
કોઈ નાટકના સંવાદ જેવા આવા જોડકણાઓની સાથે પ્રતિ-કાવ્ય પણ લખ્યા હતા, જોકે તેને પ્રતિ-કાવ્ય કહેવાય તે ખબર નહોતી.
તું જલેબી, હું ગોટો -એવો ખ્યાલ જગતનો ખોટો;
જલેબી, ગોટો -એવો મૂરખ કરતા ગોટો.
ચટણી-કઢીનો પડિયો ભરિયો, સાથે મરચાનો કટકો,
ભૂખ્યા માટે આ નાસ્તાનો મળે નહિ ક્યાંય જોટો.’
આવા તો કંઈક પાના ભર્યા હશે અને નિજાનંદ લૂંટ્યો હશે. લેખન કે અન્ય રચનાત્મક પ્રવૃત્તિ માણસના ખાલીપાને પણ કેટલો ભર્યો-ભર્યો કરી દે છે તેનો એ મારો પ્રથમ અનુભવ હતો. અત્યારે પણ એમ જ લાગે છે કે સુખ શોધવા માણસે ક્યાંય બહાર જવાની જરૂર ખરી?

2 ટિપ્પણીઓ:

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.