તાજેતરની પોસ્ટસ

એપ્રિલ 04, 2011

ચાલો ફરવા જઈશું?

જો કોઈ ઉત્કૃષ્ટ કલાકારની કદર કરવી હોય તો તમે શું કરશો? તેની કલાકૃતિને, તેના સર્જનોને જોયા વિના માત્ર તેની સામે બેસીને તેની મહાનતાનો જાપ જપ્યા કરશો કે તેના સર્જનોને જોવા જશો? કલાની કદર કર્યા વિના કલાકારની કદર કેમ થઈ શકે? આમ તો વાત સરળ લાગે છે પણ આપણે, એટલે કે ભારતીયો, સરળ વાતને મહદંશે અવગણતા હોઈએ છીએ તેમ નથી લાગતું?

વાત આપણી ફરવા જવાની આદતોની છે. આપણે ક્યાંય ફરવા જવાનું આયોજન કરીશું તો સૌ પ્રથમ એવા સ્થળની પસંદગી કરીશું કે જ્યાં કોઈ મંદિર હોય કે માથું નમાવવાની જગ્યા હોય. તેના વિના જાણે કે આપણું પર્યટન અધૂરું ગણાશે. જગતના મહાનતમ કલાકારને આપણે શોધતા ફરીએ છીએ પણ તેની કલાની કોઈ કદર ક્યાં છે? ફરવા જવા માટે અનેકાનેક નૈસર્ગિક સ્થળો છે જ્યાં આપણે મહાનતમ કલાકારની કલાને મુક્તકંઠે પ્રશંસી શકીએ છીએ અને પ્રશંસા આપણી પ્રાર્થના બની શકે છે. પરંતું આપણે આપણી માનસિકતામાંથી મુક્ત થઈ શકતા નથી.

તેના મૂળ પણ બહુ ઊંડા હોય, અતિ પ્રાચીન હોય તેમ લાગે છે. જ્યારે પરિવહનના સાધનો અને માર્ગ સુગમ નહોતા ત્યારે મોટા ભાગે પગે ચાલીને ફરવા જવાનું થતું. (चरन वै मधु विदन्ति) પણ પાછું જોખમ વાળું રહેતું કારણ કે માર્ગમાં ચોર, ડાકુ, લૂંટારા, પીંઢારા અને ઠગનો ભય રહેતો. માંદગી, સર્પદંશ અને જંગલી પ્રાણીઓનો પણ એટલો ત્રાસ. અને પ્રવાસ એટલો ધીમો રહેતો કે તેમાં મહિનાઓ અને ઘણીવાર વર્ષો વીતતા. માટે તે સમયે માત્ર આનંદ-પ્રમોદ માટે કેડે આઉટિંગમાટે ફરવા જવાનું ચલણ નહિવત્ હતું. જ્યારે માણસ પોતાના જીવન અને જવાબદારીઓથી પરવારી જતો, ત્યારે બધાની વિદાય લઈને ચારધામની જાત્રાએ પગપાળા જવા નીકળતો. અને જો તે મહિને, વર્ષે કે બે વર્ષે સહીસલામત અને સફળ થઈને પાછો આવે તો તે બડભાગી ગણાતો. માટે આપણા મનમાં સદીઓથી એક પ્રથા ઘર કરી ગઈ છે કે ફરવા જવું અને જાત્રાએ જવું તેમાં કોઈ ફેર નથી. માનસિકતા હજી આપણી સાથે છે. લંડનમાં આવી વસેલા ભારતીયોને પૂછજો કે ઇંગ્લેન્ડથી બહાર આવેલવેલ્સમાં માતાજીનું મંદિર જોયું છે?’ તો ઓછામાં ઓછા ૫૦% તેનો જવાબ હકારમાં આપશે. પણે જો તમે કોઈને પૂછશો કેઇંગ્લેન્ડનું જગવિખ્યાતસ્ટોન હેન્જજોયું છે?’ તો ૭૫% થી વધારે લોકોને તો છે શું તેની ખબર નહિ હોય. આપણે આપણા પ્રાચીન ગ્રંથોની વાત માનીએ, તો કણ-કણમાં ભગવાન વસેલા છે અનેમન ચંગા, તો કથરોટ મે ગંગાપણ આપણે ક્યાં નથી જાણતા? છતાંય, મંદીર એટલ મંદીર!

કાકા સાહેબ કાલેલકરના પ્રવાસ વર્ણનોમાં ક્યાંક વાંચ્યું હતું કેપ્રવાસ એટલે અગવડો ભોગવવાની બાદશાહી ઢબપણ આપણને, તેમાંય ખાસ કરીને ગુજરાતીઓને તો જરા પણ બાંધછોડ કરવી નથી હોતી. આપણેરોમમાં રસપૂરી અને પેરિસમાં પાત્રાઇચ્છીએ છીએ અને ઉપરાંત ખાખરા, ઢેબરા, અથાણા અને ચવાણાનો એટલો ભાર આપણી સાથે હોય છે કે જાણે આપણે ફરવા નહિ પણ ખાવા માટે નીકળ્યા હોઈએ?

અંગ્રેજીમાં એક કહેવત છેટુ ઇઝ કંપની એન્ડ થ્રી ઇઝ ક્રાઉડઅને આપણને હંમેશા ક્રાઉડમાં રસ પડે છે. ફરવા જવા માટે આપણે ધાર્મિક સ્થળ અનેરસ-પૂરી-પાત્રાની સાથે-સાથે સહપ્રવાસીઓનો પણ પ્રબંધ કરીએ છીએ. સગાવહાલા કે મિત્રોમાંથી જો કોઈ આપણી સાથે આવવા તૈયાર થાય તો આપણે કૃતાર્થતા અનુભવીએ છીએ. પછી પ્રવાસ દરમિયાન આપણે વધારે ધ્યાન સંબંધને સાચવવામાં આપીએ છીએ. ‘તેમને ખરાબ તો નહિ લાગેને?’ જેવા વિચાર હેઠળ આપણે કેટલીય વાર આપણા ગમતા કામ મોકૂફ રાખીએ છીએ. સંબંધો અગત્યના છે તેની ના નહિ પણ કોઈ હનીમૂન પર જવા માટે પણ ઓળખીતા યુગલની સાથે જવાનો આગ્રહ રાખે તો તે કેવું વિચિત્ર લાગે!

જોકે હકારાત્મક બાબત છે કે ભારતીયો અને તેમાંય ગુજરાતીઓ પર્યટનની બાબતમાં મોખરે છે માનવું પડશે. તમે ગમે ત્યાં જાવ તમને કોઈ ને કોઈ ગુજરાતી જરૂર મળી જવાના અને સાથે ખાખરા, ઢેબરા, અથાણા અને ચવાણા તો હોય ! તો ચાલો ફરવા જઈશું?

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.