તાજેતરની પોસ્ટસ

April 03, 2011

યુ.કે. બાઇટ્સઃ ભારતના વિજયની ઇલિંગ રોડ પર ઉજવણી

          આ તસવીરો નથી અમદાવાદના સી.જી. રોડની કે નથી દિલ્હીના ચાંદની ચોકની. આ તસવીરો છે લંડનમાં ગુજરાતીઓના ગઢ ઇલિંગ રોડની. ભારતીય ટીમે વિશ્વકપ હાથમાં લીધો પછી ઉત્તર લંડન માંથી બધા જ રસ્તાઓ ઇલિંગ રોડ તરફ જતા હતાં અને જોતજોતામાં તો હજારો ભારતીયો, ખાસ કરીને ગુજરાતીઓ, તિરંગા ફરકાવતા આવી પહોંચ્યા હતા. કોઈ 'ઇન્ડિયા' તો કોઈ 'ધોની', કોઈ 'સચિન' તો કોઈ 'યુવરાજ'ના નામના નારા લગાવતા હતાં. ઢોલના તાલ પર આવડે તેવો ડાન્સ કરતાં-કરતાં આ 'રૅવેલર્સે' આખો ઇલિંગ રોડ જામ કરી નાખ્યો હતો. આમ તો આવી જાહેર ઉજવણી માટે અગાઉથી પરવાનગી લેવી પડતી હોય છે પરંતું અહિના પ્રશાસને જનતાના આ સ્વયંભૂ આનંદની અભિવ્યક્તિને હંમેશની જેમ નભાવી લીધો હતો અને તેમાં બને તેટલો સહકાર આપ્યો હતો. પોલીસ કોન્સ્ટેબલ્સ તો આ તમાશાને માણતા પણ હતાં. તેમણે ઇલિંગ રોડના વાહન વ્યવહારને બીજે વાળી દીધો હતો અને અધવચ્ચે ફસાયેલી બસોને ખાલી કરાવીને ત્યાં રસ્તા વચ્ચે જ પાર્ક કરાવી દીધી હતી. ભારતીયોનો ઉત્સાહ ગગનચુંબી હતો અને મોડે સુધી આ ઉજવણી ચાલી હતી. ત્યાર બાદ ધીમે ધીમે લોકો રેસ્ટોરેન્ટ, મીઠાઈની દુકાનો, પબ કે છેવટે ઘર તરફ વળ્યા હતાં.

આ ઉજવણીની વિડીયો ક્લીપઃ

No comments:

Post a Comment

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.