તાજેતરની પોસ્ટસ

માર્ચ 05, 2011

યુ.કે. બાઇટ્સઃ Ubiquitous UK (28-2-11 to 4-3-11)

આ સપ્તાહ પાંચેય દિવસ મુખપૃષ્ઠ પર અલગ-અલગ મુદ્દા રહ્યાં. સોમવારે મહિલા અને પુરુષના કાર-ઇન્સ્યોરન્સનો મુદ્દો, મંગળવારે ગદ્દાફી પર હુમલો કરવા (અમેરિકાના વાદે) બ્રિટિશ સૈનિકો તૈયાર છે ના સમાચાર, બુધવારે પેટ્રોલમાં ભાવ વધારાના કારણે ફરવા જવાનો ખર્ચ વધારે થશેની વાત હતી, ગુરુવારે એક બાળકને જીવીત રાખવા ત્રણ દિવસ ફ્રોઝન અવસ્થામાં રાખવામાં આવ્યાની હ્યુમન-ઇન્ટરેસ્ટ સ્ટોરી હતી તો શુક્રવારે અહિં મળતી (માત્ર) આઠ રજાઓમાંના એક ફેરફારની વાત હતી.
  •  જનતા જનાર્દનને લિબિયા કરતા વધારે સ્પર્શતા કાર-ઇન્સ્યોરન્સના પ્રશ્નમાં વધું રસ હતો. બન્યું એવું કે અહિં એક જોડિયા ભાઈ-બહેને કાર-ઇન્સ્યોરન્સ માટે અરજી કરી. બંનેની ઉંમર અને અનુભવ સમાન જ હતાં છતા કંપનીએ તેમને અલગ-અલગ પ્રિમિયમ ભરવાનું કહ્યું જેને તેઓએ ભેદભાગ ગણ્યો અને તેના વિરુદ્ધ કેસ કરવામાં આવ્યો. કંપનીઓનું કહેવું એવું છે કે સ્ત્રીઓ કાર ચલાવે છે પણ ઓછી અને અકસ્માત પણ ઓછા કરે છે માટે તેમનું પ્રિમિયમ ઓછું છે. હવે યુરોપિયન-કોર્ટના ચુકાદા બાદ વર્ષે દહાડે સ્ત્રીઓને £૧૦૦ થી £૯૦૦૦ વધારે ભરવાના થશે. અનુસંધાન

  • લોકોના ખિસ્સામાંથી પાઉન્ડ જવાના હોય અને તેઓ બોલે નહિ એમ તો કેમ બને? મંગળવારથી તેના વિષે જનતાએ વર્તમાનપત્રને વિવિધ પ્રતિભાવ ઇ-મેલ દ્વારા મોકલવા માંડ્યા. પુરુષોનો પ્રતિભાવ એમ હતો કે આ તેમને વર્ષોથી થયેલ અન્યાયનું તર્પણ છે, સ્ત્રીઓનું ડ્રાઇવિંગ સલામત નહિ પણ ઓછું હોય છે માટે તેમના અકસ્માત ઓછા થાય છે, અને જ્યારે ફાયદો લેવાનો આવે ત્યારે ‘લેડીસ ફર્સ્ટ’ કહીને આગળ આવતી સ્ત્રીઓ આમાં કેમ આગળ નથી આવતી. જ્યારે સ્ત્રીઓનું કહેવું એમ છે કે આંકડા તેમની તરફેણમાં છે માટે તેમને ઓછું પ્રિમિયમ આવે છે, ઇન્સ્યોરન્સ કંપનીઓને પ્રિમિયમ વધારવાનું બહાનું મળી જશે. મંગળવારના પ્રતિભાવ, બુધવારના પ્રતિભાવ, ગુરુવારના પ્રતિભાવ, શુક્રવારના પ્રતિભાવ.

  • યુ.કે. માં વર્ષ દરમિયાન માત્ર આઠ જાહેર રજાઓ હોય છે. (ગુજરાતમાં કેટલી છે?) તેમાંની એક રજા મે મહિનામાં આવે છે અને દુનિયાના ઘણા દેશ (ભારત સમેત) તેને ‘મે-ડે’ તરીકે ઊજવે છે. તેને ઘણા લોકો સામ્યવાદી વિચારધારાને લગતી રજા પણ ગણતા હોય છે. હવે એવી દરખાસ્ત કરવામાં આવી કે આ ‘મે-ડે’ ની રજા રદ્દ કરી તેના બદલે એપ્રિલમાં ‘સેંટ જ્યોર્જ ડે’ પર કે ઑક્ટોબરમાં ‘ટ્રફાલ્ગર ડે’ નિમિત્તે રજા આપવી. જ્યારે જનતા-જનાર્દન કહે છે કે આખા યુરોપમાં સૌથી ઓછી રજા આમ પણ યુ.કે. માં જ છે, તો ‘મે-ડે’ને રદ્દ કરવાને બદલે એક વધારાની રજા આપોને.


  • આવતા મહિનાથી ફ્રાન્સમાં બુરખો પહેરવા પર કાયદેસર પ્રતિબંધ લાગી જશે તેના પણ સમાચાર આવ્યા હતાં. સલમાન રશ્દીએ તેના પુસ્તકમાં કંઈક લખ્યું હતું (માત્ર લખ્યું જ હતું) ત્યારે તેનો ખૂબ જ વિરોધ થયો હતો. જ્યારે ફ્રાન્સમાં તો કંઈક થવાનું છે, તેનો એટલો જલદ વિરોધ કેમ નથી થતો? કે પછી એવું હોય છે કે લોકો પોદરા પર જ પથ્થર મારે છે?


  • બ્રિટન પ્લેબ્સનું રાષ્ટ્ર છે (PLEBS- People Lacking Everyday Basic Skills) તેવા એક સંશોધનના સમાચાર છપાયા. મતલબ કે અહિ ઘણા બધા એવા લોકો છે કે જેમને દૈનિક જીવનના નાના-નાના કામ – જેવા કે લાઇટ બલ્બ બદલબો, ઈંડા બાફવા, કે કારના ટાયર બદલવા – માં તકલીફ પડે છે અને તેનો દોષ આ સંશોધનકારો શાળામાં ‘પ્રેક્ટિકલ’ કાર્યો ન કરાવવાને આપે છે. તેમને ક્યાં ખબર છે કે ભારતની શાળામાં બાળકોને ભાગ્યેજ પ્રેક્ટિકલ્સ કરવા મળે છે પણ તેઓ આવા દૈનિક કાર્યો તેમના ઘરેથી શીખે છે.

  • એક નાનકડા એક જ કોલમના ‘ફીલર ન્યુઝ’માં એવો ઉલ્લેખ છે કે બાળકોને ઉત્ક્રાંતિ વિષે ભણાવવું હોય તો તેમને મોટા-મોટા ઉદાહરણો આપવાની જરૂર નથી, તેમને ચામડીના રંગોની વાત સમજાવો તો તે સમજી જશે. બાત મે કુછ દમ હૈ!  • અંતમાં જરા મરક-મરક.

(તમામ ન્યુઝ-ક્લિપ્સ 'મેટ્રો' પરથી લીધેલ છે.) 

સંપાદનઃ ચિરાગ ઠક્કર 'જય'

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.