અમારા ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં દરેક પાઠને અંતે ટિપ્પણીઓ મૂકેલી આવતી જેને આજની ભાષામાં ‘એક્ષપર્ટ કોમેન્ટસ’ કે એવું કંઈક કહી શકાય. તેમાં મને ખાસ રસ પડતો. કોઈ કવિતાને અંતે તેમાં આવતા અંત્યાનુપ્રાસ અલંકારની વાત હોય, તો કોઈ નવલિકાને અંતે લેખકની શૈલીની ચર્ચા હોય અને ક્યાંક કોઈ લલિત નિબંધ પછી તેમાં કરાયેલ કુદરતના વર્ણનની છણાવટ હોય. અને આ બધાને કારણે મારા મગજમાં પણ ભાષાકીય વિચારોએ આકાર લેવા માંડ્યો હતો. ભાષાનું મહત્વ મને સમજાવા લાગ્યું અને તેનો અસરકારક પ્રયોગ કઈ રીતે કરવો જોઈએ તે બાબતે મને વિચાર આવે રાખતાં. ખાસ કરીને હું મારી આસપાસ બોલાતી ભાષાને પકડતો રહેતો અને મારા મનમાં અનેકાનેક પ્રશ્નો ઊઠ્યા કરતા.
સહપાઠીઓ જોડે સૌથી વધારે સમય તો ધીંગા-મસ્તીમાં જ જતો, તો પણ મારા અંતરમનમાં તેઓ દ્વારા એકબીજાથી અલગ રીતે બોલાતી ભાષાની ગડમથલ ચાલ્યા કરતી. કોઈ કહે કે ‘આજે બીજા ‘પિડીયર’ માં ‘ગ્રાઇડ’માંથી જોઈને લખતો નહિ.’ ત્યારે હું વિચારતો કે ‘પિડીયર’ સાચું કે ‘પિરીયડ’ અને ‘ગ્રાઇડ’ બોલાય કે ‘ગાઇડ’? ‘અક્ષર’ શબ્દ સાચો કે ‘અસ્કર’ અને રૂપિયા ‘અબજ’ હોય કે ‘અજબ’ હોય? હું રહું તે ‘નિણીયય નગર’ છે કે ‘નિર્ણય નગર’ અને અગ્નિનો સમાનાર્થી શબ્દ ‘દેવતા’ કે ‘દેતવા’? ખાંડ અને મોરસ અલગ પદાર્થો છે કે સમાન? મારી બે’નને શું કહેવું ‘ચાંપલી’ કે ‘ચોપલી’? ‘ચા પીધી’ કહેવાય કે ‘ચા પીધો’ કહેવાય? પાણી ઢોળાયું કે વેરાયું? ગળામાં ‘ચે’ન’ પહેરી કે ‘પહેર્યો? Live ને ક્યારેક ‘લાઇવ’ વંચાય અને ક્યારેક ‘લિવ’ વંચાય – એવું કેમ? ‘વૃક્ષ’નું બહુવચન ‘વૃક્ષો’ સારુ લાગે છે પણ ‘ઝાડ’નું બહુવચન ‘ઝાડો’ કે ‘નાગ’નું બહુવચન ‘નાગો’ કેમ સારૂ નથી લાગતું? ‘બુક’નું બહુવચન ‘બુક્સ’ થાય કે ‘બુકો’? પુસ્તકો પર ‘પૂંઠું’ ચડાવવાનું હોય કે ‘પૂન્ઠુ’? અને માત્ર શાળા જ શું કામ અમારી ગલીમાં અને સગાઓ સાથેની મુલાકાતોમાં પણ મારા મનમાં આવી વાતો તો જાણે અજાણે નોંધાતી જ જતી. પેલા પ્રખ્યાત ‘દીપકલા એમ્પોરીયમ’ જોડેથી પસાર થતાં ત્યારે હું વિચારતો કે આને શું વંચાય – ‘દીપ-કલા’ કે ‘દીપક-લા’? ‘રઘુપતિ રાઘવ રાજા રામ, પતિતપાવન સીતારામ’ ભજન સાંભળવામાં આવે ત્યારે હું વિચારતો કે શું સાચું- ‘પતિત-પાવન’ કે ‘પતિ-તપાવન’? પ્રથમ પુરુષ, દ્વિતીય પુરુષ અને તૃતીય પુરુષ એટલે કોણ?
પ્રશ્નો એટલા બધા થતા કે ન પૂછો વાત? અને તેના જવાબો ક્યાંથી મેળવવા? શું મારા ભાષા શિક્ષકોને એટલો સમય હતો કે તેઓ મારા આ પ્રશ્નોના જવાબ આપી શકે? ના. તો ક્યાંથી મેળવવા આ જવાબો? ક્યાંક વાંચ્યું કે પૂછતા પંડિત થવાય પણ પૂછવું કોને એજ મોટો પ્રશ્ન હતો. મને ક્યારેય કોઈ એક વ્યક્તિ વિશેષ એવા નથી મળ્યા કે જેમણે મારા આ બધા જ પ્રશ્નોના જવાબ આપ્યા હોય પણ હું જ્યાં મળે ત્યાંથી આવા જવાબો મેળવ્યા કરતો અને મારી જિજ્ઞાસાને ઉદ્દીપ્ત રાખતો. જો કે સૌથી વધારે જવાબો તો મને વ્યાકરણના પુસ્તકમાંથી પ્રાપ્ત થતા અને માટે તેને હું વાંચે રાખતો. ત્યારે મને સમજાયું કે જો મેળવતા આવડે તો પુસ્તકો માત્ર આનંદ જ નહિ જ્ઞાનનો પણ અદભુત ખજાનો છે.
આ ઉપરાંત ભાષા સમૃધ્ધિનું એક બીજું માધ્યમ હતું દૂરદર્શન. અત્યારે ભલે લોકોને તે કંટાળા જનક લાગતું હોય પણ તે વખતે, કે જ્યારે અન્ય કોઈ ચેનલો આવતી જ નહિ ત્યારે, ટી.વી. અને દૂરદર્શન એકબીજાના સમાનાર્થી હતા. દિવસ આખો તો શાળા, ગૃહકાર્ય અને રમવામાં જતો પણ સાંજે પપ્પા આવે પછી તેઓ સમાચાર સાંભળવા ટી.વી. શરૂ કરતા અને અમે તેની સામે ગોઠવાઈ જતા.
પહેલા પ્રાદેશિક પ્રસારણ આવે અને તે વખતે અમદાવાદ દૂરદર્શન પર આવતી ઘણી ધારાવાહીક સિરીયલ ખરેખર શબ્દશઃ ‘ટોક ઓફ ધ ટાઉન’ બની જતી કારણ કે લોકો પાસે બીજો કોઈ વિકલ્પ હતો જ નહિ. તે વખતે હુતો-હુતી, વાનરસેના, કાકા ચાલે વાંકા, સાત પગલા આકાશમાં અને ગમ્મત ગુલાલ જેવા કેટલાય કાર્યક્રમ અત્યંત લોકપ્રિય હતા.
રાત્રે આઠ વાગ્યા સુધી પ્રાદેશિક પ્રસારણ આવતું અને પછી રાષ્ટ્રીય પ્રસારણ શરૂ થતું. આઠ થી નવ દરમિયાન અંગ્રેજી અને હિન્દીમાં સમાચાર આવતા અને પછી નવ થી સાડા દસ કે અગિયાર સુધી હમલોગ, ગુલ ગુલશન ગુલફામ, વ્યોમકેશ બક્ષી, જાસૂસ કરમચંદ, કિલે કા રહસ્ય જેવી ધારાવાહીક શ્રેણી આવતી. બધા કુટુંબો તેને સહપરિવાર જોતા અને માણતા. સાચા અર્થમાં તે પારિવારીક મનોરંજન હતું.
જ્યારે મ્યુઝિક ચેનલો નહોતી ત્યારે બુધવાર અને શુક્રવારે સાંજે આવતું ચિત્રહાર અને રવિવારે સવારે આવતી રંગોળી અત્યંત કર્ણપ્રિય લાગતા. મને યાદ છે કે સાતમા ધોરણમાં અમારે સૂર્યમંડળના તમામ ગ્રહોને ક્રમબધ્ધ યાદ રાખવાના હતા ત્યારે અમારા વિજ્ઞાનના શિક્ષિકા શ્રીમતી આશાબહેને અમને તે આવી રીતે યાદ રખાવ્યા હતાઃ બુધવાર અને શુક્રવારે પૃથ્વી પર ચિત્રહાર આવે માટે પ્રથમ ત્રણ ગ્રહ તે બુધ, શુક્ર અને પૃથ્વી. પછી અઠવાડીયાના વાર ગણતા જાવ અને જે ન આવ્યા હોય તે લખતા જાવ. અમારી રવિવારની સવાર વાનરસેના, જંગલબુક અને રામાયણથી શરૂ થતી. જે સમયે કાર્ટૂન ચેનલના અમને કોઈને સપના પણ નહોતા આવતા તે સમયે જંગલબુક તો અમને ગમે જ પણ સાથે-સાથે દૂરદર્શન પર ગમે ત્યારે આવતી ‘એક તિતલી, અને તિતલીયા’ પણ અમને એટલી બધી ગમતી કે તે અમે મોઢે કરી નાખી હતી. અને તે વખતનું ‘મિલે સૂર મેરા તુમ્હારા’ કોને યાદ નહિ હોય? આ ગીતમાં કેટલી ભાષા આવે છે તે ગણવાનો હું કાયમ પ્રયત્ન કરતો. રવિવારે રાત્રે રેણુકા શહાણે અને સિધ્ધાર્થ કાક દ્વારા પ્રસ્તુત થતો કાર્યક્રમ ‘સુરભિ’ મારા માટે ડિસ્કવરી ચેનલની ગરજ સારતો. અને જ્યારે કોઈ ક્રિકેટ મેચનું જીવંત પ્રસારણ થતું હોય ત્યારે તેની અંગેજી કોમેન્ટરી મને અંગેજી ભાષા શીખવતી.
પ્રાથમિક શાળા દરમિયાન જ એક વાર મને આર. એલ. સ્ટીવન્સનની અદ્દભુત સાહસ કથા ‘ટ્રેઝર આઇલેન્ડ’નો ગુજરાતી અનુવાદ ‘ખજાનાનો ટાપુ’ વાંચવા મળ્યો. તે પુસ્તક મને એટલું બધું ગમ્યું કે તેને મે આજ સુધીમાં અનેક વાર વાંચ્યું છે. એક વાર કોઈ સગાના ઘરે મને જુલે વર્ન ના ‘ટ્વેન્ટી થાઉઝન્ડ લીગ્સ અન્ડર ધ સી’ નો અનુવાદ પણ વાંચવા મળ્યો અને તે પુસ્તક પણ ખૂબ ગમ્યું. ત્યાર બાદ તો જુલે વર્નના તમામ અનુવાદિત પુસ્તકો વાંચી નાખ્યા અને તેમ છતાંય તેમના ઘણા પુસ્તકોના અનુવાદ મળતા નહિ. તે વખતે મને એમ થયું કે જો મારે સારા પુસ્તકો વાંચવા હશે તો મારે અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ મેળવવું પડશે. અને આમ આ રીતે મારા મનમાં અંગ્રેજી ભાષા અને તેના સાહિત્યને જાણવાનું બીજ વવાયું અને એ બીજ જ્યારે વટવૃક્ષ બન્યું ત્યારે મને અહેસાસ થયો કે મારૂ જીવન તેણે ધરમૂળથી જ બદલી નાખ્યું છે. અને એ દરમિયાન સંજોગો પણ એવા રચાતા ગયા કે હું અંગ્રેજી ભાષા શીખવા માટે જાતે જ પ્રયત્નો કરવા લાગ્યો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.