તાજેતરની પોસ્ટસ

માર્ચ 23, 2011

પ્રકરણ ૧૦. ઉમરાળાજો કોઈ અજાણી વ્યક્તિ દિવાળી વેકેશનના સમય દરમ્યાન નિર્ણય નગરની નજીક આવેલા રાણીપ વિસ્તારની મુલાકાત લે તો તેને જરૂર આશ્ચર્ય થાય. ત્યાંની બહુમતી વસ્તી મેહોણા’ (મહેસાણા) ના પટેલોની અને દિવાળી કરવા તે બધા જ ઘીરે’ (ઘરે) ગયા હોય. એટલે એ અજાણી વ્યક્તિને તો તે વિસ્તાર સાવ ખાલી-ખાલી લાગે અને તે એમ માની બેસે કે રેસિડેન્ટ ઇવીલજેવો કોઈ સૂક્ષ્મ જીવાણું આ વિસ્તારને ભરખી ગયો લાગે છે. અમારી ગલીમાં પણ આ સમયગાળો કંઈ અલગ નહોતો. ભલે અમારે ત્યાં પટેલ બહુમતી નહોતી પણ વેકેશન દરમ્યાન તો મોટાભાગના લોકો તેમના વતનમાં જ હોય અને વતન નહિ તો કાકા-મામા-માસી-ફઇ એમ ક્યાંકને ક્યાંક ગયા હોય. સંજુ પણ પટેલ એટલે તે પણ અડધું વેકેશન ગાયબ જ હોય.
મારો જન્મ ભલે સાવરકુંડલામાં થયો પણ હું તો મારી જાતને અસલ અમદાવાદી માનું કારણ કે પપ્પા પણ આ જ શહેરમાં ઊછર્યા છે અને મમ્મી પણ. અને અમારે પાછું કોઈ ગામ નહિ કે જેને અમે વતન તરીકે ઓળખીએ. મારુ વતન તો અમદાવાદ અને વેકેશન આ કારણસર કંટાળાજનક બની જવાની સંભાવના ખરી પણ તે નહોતું બનતું. તેનું કારણ એટલે ઉમરાળા. જોકે દિવાળીનું વેકેશન તો સાવ નાનકડું જ હોય અને તે તો દિવાળી ગૃહકાર્ય અને દિવાળીની ઉજવણીમાં જ વીતી જાય પણ ઉનાળાનું લાંબુ વેકેશન અમે ઉમરાળામાં આનંદપૂર્વક પસાર કરતા.
ઉમરાળા એટલે ભાવનગર જીલ્લાનો નાનકડો તાલુકો અને શબ્દશઃ ખોબા જેવડું ગામ. ત્યાં મમ્મીએ ૧૭ વર્ષ તાલુકા પંચાયતમાં નોકરી કરી અને અમે ત્યાં ઘણા યાદગાર વેકેશન ગાળ્યા છે. હજી પણ હું ને બેન ઉમરાળાને ખૂબ લાગણીથી યાદ કરીએ છીએ. અને તેની તો એટલી બધી યાદો છે કે જો માત્ર તેના વિષે લખવાનું હોયને તો પણ એક આખું અલગ પુસ્તક રચાય.
આમ તો અમને બંને ભાઈ-બહેનને સવારે વહેલા ઉઠવાનું ગમે નહિ અને વેકેશનમાં તો ખાસ. પણ જ્યારે ઉમરાળા જવાનું હોય ત્યારે સવારે ત્રણ વાગે મમ્મીના એક જ અવાજે અમે બંને જણા ઉઠી જઈએ એટલો બધો ઉત્સાહ હોય અમારો. અમારા કપડા, રમતો, પુસ્તકો અને નાસ્તો તો આગલે દિવસે જ મમ્મીએ ભરી લીધા હોય એટલે વહેલા સવારે તૈયાર થઈને અમે સાડાચાર વાગ્યે તો એસ. ટી. સ્ટેન્ડ પહોંચી ગયા હોઈએ અને બસ પકડીને બપોરે બાર વાગ્યાની આસપાસ તો ઉમરાળા પહોચી પણ જઈએ. ખોડિયાર આઇસ્ક્રીમની જાહેરાતો ચીતરેલું તેનું લાક્ષણિક ગ્રામ્ય બસ સ્ટેન્ડ પણ હજી મારી આંખોની સામે તરે છે.
ક્યારેય એ વાતાવરણમાં ઉતાવળ કે રઘવાટ જોયો નથી. ગ્રામ્ય જીવનની, શહેરમાં અલભ્ય એવી, મંથર ગતિ, લીલોતરી સભર પ્રદૂષણ રહિત વાતાવરણ અને શુધ્ધ આહાર એ તો અમને ગમતાં જ પણ એથી ય વધારે ગમતું મમ્મીનું નિરંતર સાંનિધ્ય. વર્ષના એ બે મહિના જ મમ્મી સતત આંખોની સામે રહેતી અને તેને પણ બે મહિના અમારી બધી જીદ પૂરી કરવાનો મોકો મળતો. માત્ર એક જ ખચકાટ રહેતો કે પપ્પા એકલા પડી ગયા પણ તેઓ અમારા આનંદ માટે આ પરિસ્થિતિ નભાવી લેતા. દર અઠવાડિએ તેઓ ટપાલ લખતા અને અમે તેની રાહ જોતા. જોકે બે મહિના દરમિયાન તેઓ એકાદ અઠવાડિયા જેટલો સમય ઉમરાળા રહેવા આવતા ત્યારે સંપૂર્ણ પરિવાર સાથે હોવાનો ખૂબ આનંદ થતો.
ગામ એટલું નાનું કે જ્યારે સાંજે મમ્મી નોકરી પછી ઘરે આવે અને અમે ફરવા નીકળીએ ત્યારે તે આખા ગામના રહેણાંક વિસ્તારનો આંટો અડધો કલાકમાં મરાઈ જાય. ગામને પાદરે આવેલ કાળુભાર નદીનો સૂકો પટ અને બાંધ પણ અમારા માટે રોજનું આકર્ષણ રહેતું. વિકાસ હજી વધારે નહોતો. કોઈએ બ્રેડ કે પાણીપુરી જોયા નહોતા અને ભાજીપાંઉ ખાવા હોય તોય છેક ભાવનગર જવું પડે. વસ્તી પણ એટલી પાંખી કે ગામના સરપંચ હોય કે સરકારી હોસ્પિટલનો ડોકટર હોય કે બસ સ્ટેન્ડે બેસતો મોચી હોય, બધા જ મમ્મીને ઓળખે અને બધા જ તેને માન આપે કારણ કે તેમના માટે એ જમાનામાં ઘરથી દૂર રહીને એકલા હાથે સરકારી નોકરી કરનાર સ્ત્રી એક મોટી વાત હતી.
ત્યાં અમારો દૈનિક કાર્યક્રમ આ પ્રમાણે રહેતો. હું કદી વહેલો ઉઠતો નહિ. બેન પણ તેના નિયમિત સમય કરતા મોડી ઉઠતી. મમ્મી ઓફિસે જતા પહેલા અમને ઉઠાડતી અને અમે નહાતા-ધોતાં અને ખાતા તે પછી તે ઓફિસે જતી. ઓફિસ પણ ઘરની સામે જ. ઘર એટલે આમ તો એક ઓરડો જ પણ અમારા ત્રણેય માટે તે પૂરતો હતો. પછી અમે અમારી મરજીના માલિક. ઈચ્છા થાય તો મમ્મીની ઓફિસે જવાનું અને તેના ટેબલની બાજુમાં ખુરસી લઈને બેસવાનું. કોઈ અમને રોકે-ટોકે નહિ. અમે તો શેરના ભાણાભાઈખરાને! મમ્મીને બધા બેન કહે અને અમને ભાણી-ભાણિયા ગણે. કંઈ નહિ તો છેવટે અમે વોટર કૂલરનું ઠંડુ પાણી ભરવા તો જરૂર ઓફિસે જઈએ. શહેરવાળાને માટલાનું પાણી થોડું ફાવે? જો ઓફિસે ન જઈએ તો ઘરમાં રમતો રમીએ અથવા તો ઝાડ પરથી બદામ તોડવા જઈએ નહિતર ગરમાળાના ખાટા ફૂલ ખાવા જઈએ. અને કંઈ ન હોય તો છેવટે ભાઈ-બહેન ઝગડા કરીએ. પણ જેવો તડકો ઓછો થાય કે અમે રમવા બહાર નીકળી જઈએ. ત્યાં ફાવે તે રમવાનું. આજુ-બાજુ રહેતા ઘણા છોકરા-છોકરીઓ હોય જે અમારી સાથે રમવા તત્પર હોય અને તેમની સામે અમદાવાદની ડિંગો મારવા અમે તત્પર હોઈએ. ત્યાંના મારા મિત્રોમાં મને બે મિત્રો ખાસ યાદ છે. એક તો મમ્મીના વરિષ્ઠ સહકાર્યકર મકવાણાદાદાનો પુત્ર જીતુ જે ઉંમરમાં મારી બેન જેટલો હતો અને બીજો હતો મકાનમાલિક કાળુભાઈનો સૌથી નાનો પુત્ર મહેશ જેને ઘરમાં બધા ઘૂઘો કહેતા. અમે બધા- હું, બે, જીતુ ને ઘૂઘો- ખાસ તો નવો વેપાર રમતા અને તે લગભગ આખું વેકેશન ચલાવતા.
મમ્મીનું કામ હતું આખા તાલુકામાં ચાલતી આંગણવાડીઓની તપાસ કરવાનું. માટે તેને જ્યારે આવી મુલાકાતોએ જવાનું હોય ત્યારે ત્યારે અમે પણ તેની સાથે જતા. ધોળા, બરવાળા, રંઘોળા, લંગાળા, ચોગઠ, સણોસરા, દડવા જેવા કેટલાય ગામોની મુલાકાત અમે લેતા અને આંગણવાડી ચલાવતી બહેનો અને તેમનો પરિવાર અમારી ખૂબ લાગણીસભર કે ગણતરીસભર આગતા-સ્વાગતા કરતો. તે વખતે પરિવહનના સરળ સાધનો ઉપલબ્ધ નહોતા માટે ઘણીવાર અમારે ખુલ્લા છકડા કે ટેમ્પા કે જીપમાં મુસાફરી કરવી પડતી જે અમને રોમાંચક લાગતી.
ઉમરાળામાં સોંઘવારી પણ હતી. પચીસ પૈસામાં લીબુંસોડા અને પચાસ પૈસામાં મસાલા સોડા મળે. અમે લગભગ રોજ સાંજે સોડા પીવા જતા. દૂધકેન્દ્રમાં સવારે જે માખણસભર છાસ મફતમાં મળતી તે આખા અમદાવાદમાં પૈસા ખરચીને પણ મળે નહિ. અને ખેડૂ-પરિવારોએ ઘરે બનાવેલી છાસ તો તેઓ સામેથી આગ્રહ કરીને આપતા. અમારી નજર સામે જ દોહેલું ગાયનું દૂધ પણ લાવવામાં આવતું. પચાસ પૈસામાં લીલા રંગની મધ જેવી ગળી ટેટી મળતી જેને તેઓ મધુરી કહેતા. મમ્મી જોડે જો આંગણવાડીની મુલાકાતે ગયા હોઈએ અને ચાલવાનું હોય તો ખેતરો અને વાડીઓમાંથી લીલા મરચા અને બોર તોડ્યાનું પણ યાદ છે. પચાસ પૈસામાં આઈસ્ક્રીમના કોન મળતા અને અમે બે-બે કોન ખાઈ જતા. ઓરેંજની ખાટી-મીઠી મોટા કદની ગોળીઓને તેઓ ટીકડા કહેતા. સરકારી નોકરિયાતો માટે જ બનાવેલ પથિકાશ્રમ, તેનું વિશાળ નદીની કાંકરીઓ પાથરેલું પટાંગણ અને તેના એક ખૂણે મૂકેલી એક મોટા ખંડ જેટલા કદની વિશાળ સિન્ટેક્ષની વીસ-પચીસ ટાંકીઓ એ બધું જાણે કે અમારા વેકેશનનો એક અભિન્ન હિસ્સો હતા. અમારી કોઈ માંગણી અધૂરી રહેતી નહિ અને મમ્મીનો પ્રેમ સતત વહેતો રહેતો.
આ બે મહિનામાં ચાર કાર્યક્રમ તો નક્કી જ હોય. એક તો અમે ભાવનગરની મુલાકાતે જતા જ્યાં ભરપેટ આઈસ્ક્રીમ ખાવાનો, પુસ્તકો, રમકડા અને રમતો ખરીદવાની. બીજુ હતું ધોળા ગામની મુલાકાત. તેના આંગણવાડી કાર્યકર બહેન ઈન્દ્રા બા અને તેમના પરિવાર સાથે અમને ભાઈ-બહેનને બહુ ગમતું અને ત્યાં જઈએ એટલે પત્તાની એક રમત ઠોંસો તો બધા સાથે બેસીને અચૂક રમતા. ત્રીજુ, ઉમરાળાથી પચીસ-ત્રીસ કિલોમીટર દૂર આવેલ રાજપરા ખોડિયાર મંદિરે પણ અમે પ્રતિવર્ષ જતા. મંદિરની આસપાસ આવેલી ટેકરીઓ અને એક પાણીસભર ઝરો અને આસપાસ ફેલાયેલું ઝાડી-ઝાખરાઓનું ગીચ વન જેવું વાતાવરણ અત્યંત આહ્લાદક અને રમ્ય લાગતું. અને ચોથું, દડવાની વાવમાં બિરાજમાન માતાજીના દર્શને પણ એકવાર તો જવાનું બનતું. મને હંમેશા તે વાવમાં પડી જવાની બીક લાગતી. મને એમ પણ થતું કે આ પૂજારી અહિ કેવી રીતે આટલો બધો સમય રહેતો હશે? ઉપરાંત અમે સાવચેતી રાખીએ માટે મમ્મી અમને કાયમ બિવડાવતી કે રાજપરા ખોડિયારનો ઝરો અને આ વાવ દર વર્ષે એક વ્યક્તિનો ભોગ લે છે માટે મારો ડર બેવડાતો.
આ ઉમરાળામાં જ મને જીવનના બે અગત્યના પાઠ પણ શીખવા મળ્યા હતા. ત્યાં જતાની સાથે હું ગુરુતાગ્રંથિ અનુભવતો. એક તો મમ્મી સરકારી નોકરિયાત માટે અમને આપો-આપ ત્યાંના લઘુમતીમાં આવતા શિક્ષિત ઉચ્ચવર્ગમાં પ્રવેશ મળતો. પાછો ગામડામાં શહેરથી આવ્યાનો ફાંકો પણ ખરો. અને એ સરળલોકોની સરળતા પણ એટલી કે અમને ભાણાભાઈ કે ભાણીબેન જેવા માનવાચક સંબોધન જ કરે. માટે હું જમીનથી થોડોક ઊપર ચાલું, શેર બનીને ફરું, તેમાં નવાઈ ખરી? વળી અમદાવાદમાં કેટલાક કામ (જેમકે ઝઘડા કે મારામારી) હું સરળતાથી કરી શકતો પણ અહિં મમ્મીનું માન-પાન એટલું કે તેને સાચવવા માટે પણ મારે આવું બધુ ન થાય તેનું ધ્યાન રાખવું પડતું.
ઉનાળો ત્યાંના ખેડૂતો માટે પાકની લલણી અને તેને વગે કરવાની ૠતુ ગણાય. મને પણ બધાની જોડે ખેતરોમાં આ બધા કામ કરવા માટે કે જોવા માટે દોડી જવાનું મન થતું પણ આવું કામ તે કંઈ શહેર વાળા કરતા હશે?’ એવા વિચાર સાથે હું જતો નહિ. એક દિવસ એવા સમાચાર મળ્યા કે ફલાણાભાઈના ઘરે મગફળીનો પાક ઊતર્યો છે અને મારા મિત્રો ફીફાં ફોડવાના કામે ત્યાં જાય છે. મતલબ કે તેઓ તે મગફળી ફોલીને તેમાંથી દાણા કાઢવા જાય છે અને તેઓને એક તગારું ભરીને ફીફા ફોડવાના પચાસ પૈસા મળે. મે કે બેને કોઈ દિવસ ખેતીવાડીને લગતું આવું કોઈ કામ કર્યુ નહોતું અને અમને બંનેને ખૂબ જ જિજ્ઞાષા થઈ. પહેલા તો વિચાર આવ્યો કે અમારાથી આવા કામે જવાય? મમ્મીનું કેવું લાગે? પણ બધા મિત્રો વાતો કરતા હતા કે મજા આવે તેવું સહેલું કામ છે અને પૈસા પણ મળશે. માટે બીજા દિવસે મમ્મી ઓફિસે ગઈ પછી તેની જાણ બહાર હું અને બેન તે કામ કરવા પહોચી ગયા. જોયું તો ત્યાં ઘણા છોકરા-છોકરીઓ એક હાથે મોઢામાં મગફળી નાખીને ફોડતા અને તે દરમિયાન બીજા હાથે પહેલા ફોડેલી મગફળીમાંથી દાણા કાઢતાં અને સરકસમાં બે હાથ વડે ત્રણ-ચાર દડા ઊછાળતા જાદુગરની જેમ ઝડપથી તેમનું તગારું ખાલી કરતા હતા. અમે પણ એક તગારું લીધું અને તેમની જેમ મગફળીના દાણા કાઢવાનો પ્રયત્ન કર્યો પણ અમને તેમ આવડ્યું નહિ. આ જોઈને તેઓ હસ્યા પણ કોઈએ અમારી મજાક ઉડાવી નહિ કે ન તો કોઈના ચહેરા પર અમારાથી ચડિયાતા હોવાના ગુરુતાના ભાવ દેખાયા. ઊલટાનું અમને તેમાંના કોઈએ બીજી સરળ પણ ઓછી ઝડપી રીત બતાવી અને અમે તેમ કરવા લાગ્યા. તેઓ બે તગારા ખાલી કરે ત્યારે અમે ભાઈ-બહેન થઈને માંડ એક તગારું ખાલી કરી શકતા હતા. તે વખતે મને સમજાયું કે દરેક શેર પર સવાશેર હોય જ છે માટે ગુરુતાનો ભાવ નિરર્થક છે.
બીજી વાત એવી બની કે સાંજે કામ પત્યા પછી અમને પૈસા મળ્યા અને ઘરે જતા રસ્તામાં મને વિચાર આવ્યો કે મમ્મી પૂછશે કે આ પૈસા ક્યાંથી આવ્યા તો અમે શું જવાબ આપીશું? તેને કહ્યું તો નથી કે અમે આવુંકામ કરવા જવાના છીએ. માટે ઘરે જતા રસ્તામાં આવતા પથિકાશ્રમની દિવાલમાં પડતી એક ખાંચમાં મે તે પૈસા નાખી દીધા. મમ્મીને છેવટે ખબર તો પડી જ કે અમે આવુંદાડીયું કરવા ગયા હતા પણ તે ગુસ્સે ન થઈ. જો કે જ્યારે તેને મારા અભિગમની ખબર પડી કે હું શું વિચારતો હતો અને મે પૈસાનું શું કર્યું છે ત્યારે તે જરૂર ગુસ્સે થઈ હતી. તેણે મને સમજાવ્યું કે કોઈ કામ નાનુ કે મોટુ નથી હોતું. આ દુનિયામાં તમામ પ્રકારના કામની જરૂરત સમાન જ છે અને કામ કરીને પૈસા કમાવા તે શરમ નહિ પણ ગર્વની વાત છે. છેવટે મકવાણાદાદાના જીતુએ એ પૈસા પથિકાશ્રમની દિવાલની ખાંચમાંથી અમને કાઢી આપ્યા અને અમે તે મમ્મીને આપ્યા.
લંડનમાં જ્યારે હું આવ્યો ત્યારે શરૂઆતનો સંઘર્ષમય સમય પસાર કરવા મે ઘણા એવા પરચૂરણ કામ કર્યા છે જેણે મને અહિ ટકવામાં મદદ કરી અને તે દરેક વખતે મમ્મીએ ભણાવેલ તે પાઠ મારો પથદર્શક બની રહેલ છે. બાળપણનું ઘડતર એ ખરેખર જીવનભરનું ભાથું છે.

3 ટિપ્પણીઓ:

 1. Myself Ashok Savani, born and brought up in Umrala. That's why I like the wiriting and I feel proud of my Umrala.

  Regards.

  U can reach me at ashok.savani@yahoo.co.in

  જવાબ આપોકાઢી નાખો
 2. dear Chiragbhai,

  Thanks for your reply. When you were in umrala as per your chapter 10 ? Because Umrala is my native place and I have experienced all the feelings of a village life as described by you. Can you please give more details of yourself being in Umrala if don't mind.

  Regards.

  Ashok

  જવાબ આપોકાઢી નાખો
 3. નાનકડું ઉમરાળા એ વિશ્વપ્રસિદ્ધ સોનગઢના સંત સદગુરુદેવ શ્રી કાનજીસ્વામીનું જન્મસ્થાન છે અને આજે લાખો દિગંબર જૈન મુમુક્ષુઓનું આસ્થાસ્થાન છે.

  જવાબ આપોકાઢી નાખો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.