એક વાર એક ઘુવડને તેની ઉંમરલાયક પુત્રી જોઈને ચિંતા થવા લાગી. માટે તેણે સઘન તપાસને અંતે દૂરના એક ગામના સ્મશાનની પીપળી પર વસતા અન્ય એક ઘુવડ કુટુંબના કુલદીપક સાથે પોતાની પુત્રીની વાત ચલાવી. છોકરા-છોકરીની મુલાકાત સફળ રહી અને બંન્નેએ એકબીજાને પસંદ કર્યા. હવે વાત રહી વડીલો અને તેમના વહેવારની.
કન્યાના પિતાએ કહ્યું, ‘જ્યારે મારી છોકરીને તમારો દીકરો અને ઘર બંને પસંદ જ છે ત્યારે મારે કશુંય કહેવાનું રહેતું નથી. તમે ફરમાવો,’
‘મારે તો શું કહેવાનું હોય’ છોકરાના પિતાએ કહ્યું, ‘મારી પાસે તો સર્વશક્તિમાનની દયાથી બધું જ છે. પણ તમારે તમારી પુત્રીની સુખાકારી માટે થોડુંક આપવું પડશે.’
‘ફરમાવો.’ કન્યાના પિતાએ અધીરતાથી કહ્યું.
‘મારે તો કંઈ જ જોઈતું નથી’ છોકરાના પિતાએ વાતમાં મોણ નાખતા કહ્યું, ‘પણ તમારી પુત્રીની સુખાકારી માટે તમારે ૧૦૦ ઉજ્જડ ગામ આપવા પડશે જેથી તેઓ ખાઈ-પીને મજા કરી શકે.’
પુત્રીના પિતા થોડીક ક્ષણો માટે ચિંતિત બની ગયા અને પછી તેણે પ્રાર્થના કરી, ‘હે સર્વશક્તિમાન, અમારા રાજાને એક વર્ષ વધું જીવાડજે.’
(કૉલેજકાળ દરમિયાન અમારા અંગ્રેજીના બહુશ્રુત અધ્યાપક શ્રી અનંત શુક્લ એ અમને આ Leo Tolstoy ની વાર્તા કહી સંભળાવી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે Leo Tolstoy નો ઉચ્ચાર ‘લૅવ ટોલ્સટોય’. અત્યારે જ્યારે કોંગ્રેસના કઠપૂતળી વડાપ્રધાન હેઠળ જાત-જાતના કૌભાંડ બહાર આવી રહ્યાં છે ત્યારે આ વાત યાદ આવી ગઈ. સાથે-સાથે પેલી પંક્તિઓ પણ યાદ આવીઃ
बरबाद गुलिस्तान करने को बस एक ही उल्लु काफी है;
अन्जाम-ए-गुलिस्तान क्या होगा, हर शाख पे उल्लु बैठा है।)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.