તાજેતરની પોસ્ટસ

માર્ચ 16, 2011

પ્રકરણ ૯. ચીકૂની કટલેસના ઇરેઝરજો કોઈ તમને એમ કહે કે તમારે તેમને એક-બે બટાટા અને એક નાનકડી બાટલી ભરીને તેલ અને થોડોક મીઠા-મરચા જેવો મસાલો આપવાનો છે, તો તમે તેના વિષે શું ધારો? અને તે વ્યક્તિ સુશિક્ષિત હોય તો? ખરેખર તે અંગ્રેજી સાહિત્ય સાથે સ્નાતક થયેલ હોય તો? અને તે વ્યક્તિ બીજુ કોઈ નહિ ને તમારી વર્ગ શિક્ષિકા હોય તો? હવે સમજ્યાને, આ તો અમારી શાળામાં યોજાયેલ વાનગી સ્પર્ધાની વાત છે. સાતમા ધોરણમાં અમારા વર્ગશિક્ષિકા હતા શ્રીમતી સ્મિતાબેન જે અમને અંગ્રેજી ભણાવતા હતા અને બીજી શિક્ષિકાઓની સરખામણીએ આચાર અને વિચારમાં આધુનિક હતા. અમને ભણાવતા પણ સરસ અને વાતો પણ સરસ કરતા અને તેમને અંગત વાત કરવાનો પણ ક્ષોભ થતો નહિ. તેઓ જો રવિવારે સહકુટુંબ ફરવા ગયા હોય તો સોમવારે અમને તેની વાત નિઃસંકોચ કરી શકતા, અંગેજી સાહિત્યની વાર્તાઓ ગુજરાતીમાં કહી શકતા, તોફાન કરનારને મારી પણ શકતા અને જરૂર પડે તો અમારા માટે બીજા શિક્ષકો સાથે લડી પણ શકતા. જો કે અમારી અભ્યાસને લગતી કોઈ આડોડાઈ તેઓ ચલાવતા નહિ માટે અમારે ધ્યાન આપીને ભણવું પડતું.
પ્રાથમિક શિક્ષણમાં આમ પણ શિક્ષિકાઓની બહુમતી જ હોય છે અને અમારી શાળામાં વાનગી સ્પર્ધા જાણે કે તેમની વચ્ચે થતી. નિયમાનુસાર તો વિદ્યાર્થીઓએ જાતે જ વાનગી બનાવવાની હોય પણ અમે તો પ્રત્યેક વર્ષે જોતા કે વિદ્યાર્થીઓ કરતા શિક્ષિકાઓ આ સ્પર્ધામાં વધારે જવાબદારી ઊઠાવતી. તે વર્ષે સ્મિતાબેને નક્કી કર્યું કે વાનગી સ્પર્ધામાં કટલેસ બનાવવી અને તે એટલી માત્રામાં બનાવવી કે સ્પર્ધાના નિર્ણાયકો તો ખાય જ, પણ તે ઉપરાંત આખા વર્ગને અને તમામ શિક્ષકોને પણ તે ખાવા મળે. માટે અમારા બધાની પાસે બે બટાટા, થોડુંક તેલ અને થોડોક મસાલો મંગાવવામાં આવ્યો. સ્પર્ધાના દિવસે લગ્નપ્રસંગમાં વપરાતું હોય તેવું એક મોટુ તપેલું પણ ક્યાંકથી મંગાવવામાં આવ્યું અને તેને મેજ પર રાખીને તેમાં ચટણી માટે આમલી પલાળવામાં આવી. બીજા મોટા તપેલામાં બટાટા બાફવામાં આવ્યા. અત્યાર સુધી આ બધુ કામ સ્મિતાબેન અને છોકરીઓ જ કરતી હતી પણ જેવા બટાટા બફાઈ ગયા કે અમને છોકરાઓને તેની છાલ ઉતારવાનું કામ સોપવામાં આવ્યું. અને પછી ચાર તાસ સુધી કટલેસ બનાવવાનું કામ ચાલ્યું. રિસેસ પછી સ્પર્ધાના નિર્ણાયકોએ આવીને તે વાનગી ચાખી અને અન્ય શિક્ષકોએ પણ તે ચાખી અને છેવટે અમને પણ ખાવા માટે આપવામાં આવી. અમને તો આમાં બમણી મજા મળી હતીઃ એક તો આખો દિવસ કશું જ ભણવાનું નહિ અને તે ઉપરાંત સ્વાદિષ્ટ વાનગી પણ ખાવા મળી અને જ્યારે સ્પર્ધામાં અમને પ્રથમ ઈનામ મળ્યું ત્યારે તો એ આનંદની માત્રા અનેક ગણી વધી ગઈ.
શાળામાં આ દરમિયાન અનેક મિત્રો બન્યા હતા પણ હજી સંજુ તો મારી સાથે જ હતો અને અમારો દૈનિક કાર્યક્રમ પણ એજ હતો. સવારે શાળામાં, બપોરે મારા ઘરે અને સાંજે તેના ઘરે. શાળામાં અમારે દરેક ધોરણમાં ચાર થી પાંચ વર્ગ રહેતા માટે દરેકને અ, , , ડ અને ઈ એમ ઓળખવામાં આવતા. અને બધા વર્ગો વચ્ચે દરેક બાબતમાં ગળાકાપ સ્પર્ધા રહેતી અને આ સ્પર્ધા અંગત દુશ્મની સુધી પહોચી જતી. અમારો વર્ગ હતો અને બધા એવું કહેતા કે આ વર્ગમાં સૌથી વધારે ડફોળ અને તોફાની છોકરાઓ છે. ડફોળની બાબત તો ખબર નહિ પણ તોફાની તો જરૂર હતા. અને માટે તે સમયે આ તો વાળો છેએવું કહેવું એ ઝઘડાને આમંત્રણ આપવાની વાત હતી. અને આ બધામાં અમારો વર્ગ સૌથી આગળ છે તેવું કહેવા અમે આવુ જોડકણું બનાવ્યું હતુઃ
વાળા એ આગ લગાડી,
વાળા બળી ગયા,
વાળા કાળા થઈ ગયા,
વાળા ડઘી ગયા,
વાળા ઇમ-ને-ઇમ રહ્યાં.
લાગતું હતું કે કોઈ કાઠિયાવાડીએ જ આ જોડકણું જોડ્યું હશે પણ અમને તો તે માફક આવી ગયું હતું. અને આવી સ્પર્ધા માત્ર પ્રાથમિક નહિ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં પણ હતી. મારી બહેન મારાથી ચાર વર્ષ મોટી હતી અને વર્ગમાં હતી જ્યારે સંજુની મોટી બેન પણ ઉંમરમાં મારી બેન જેટલી જ પણ તે માં હતી અને અને વાળાને તે સમયે જાણે કે બાપે માર્યા વેર હતા. એક વખત વાતમાંથી વાત નીકળી ત્યારે મારી બેનને ખબર પડી કે સંજુ તો શત્રુ-છાવણીના એક સૈનિકનો ભાઈ છે. બીજે દિવસે બપોરે જ્યારે સંજુ ઘરે આવ્યો ત્યારે મારી બેને તેને સંભળાવી દીધું, ‘એ સંજ્યા, તું તો વાળી ભાવલીનો ભાઈ છે માટે તારે મારા ઘરે નહિ આવવાનું. નહિતો...’ જો કે મારા મક્કમ વિરોધ બાદ તેણે તેનો સંજુને લગતો પૂર્વગ્રહ પડતો મૂક્યો હતો.
આ સમય દરમિયાન મારી વાંચનયાત્રા તો ચાલુ જ હતી. તેમાંય ચંપકમાં વાંચેલી બે વાર્તાઓની મારા પર પ્રગાઢ અસર પડી હતી. એક વાર્તા એવી હતી કે જેમાં ચીકૂ(ચંપકનું એક નિયમિત પાત્ર સસલું) ને તેના મિત્રો તેના સામાન્ય જ્ઞાન વિષે અભિનંદન આપે છે અને પછી કોઈ એક મિત્ર તેને ખાનગીમાં કહે છે કે તું મને તારુ આ જ્ઞાન આપી દે તો હું તને તું કહે તે આપું.’ ચીકૂ તેને જવાબ આપે છે કે તે એક જ શરતે તેના મિત્રને તેનું જ્ઞાન આપશે અને તે શરત હતી કે તેના મિત્રએ ચીકૂ પાસે હતા તે બધા જ પુસ્તકો વાંચવા. તે મિત્ર પુસ્તકો વાંચવાનું શરૂ કરે છે અને વાંચતા-વાંચતા જ તેને સામાન્ય જ્ઞાનનો ખજાનો પ્રાપ્ત થાય છે. આ વાર્તાએ મને સામાન્ય જ્ઞાન અને પુસ્તક વાંચનનું મહત્વ સારી રીતે સમજાવ્યું અને મે વાર્તાઓ ઉપરાંત વર્તમાનપત્રો પણ ધ્યાનપૂર્વક વાંચવાના શરૂ કર્યા. બીજી એક વાર્તા એવી હતી કે જેમાં ચંપકના ચાહક બાળકો પોતાની પાસે રહેલા ચંપકના જૂના અંકોના સંગ્રહથી એક નાનકડું પુસ્તકાલય શરૂ કરે છે અને તેમાં પુસ્તકાલયની તેમણે અપનાવેલી સાવ સાદી પદ્ધતિ પણ સમજાવેલી હતી. આ વાર્તા પરથી પ્રેરણા લઈને મે મારા પુસ્તક સંગ્રહની એક યાદી બનાવી, તેને ક્રમબદ્ધ રીતે એક લાકડાના કબાટમાં ગોઠવ્યા અને મારુ પોતાનું પુસ્તકાલય શરૂ કર્યુ.
હવે મને કિશોર સાહસકથાઓ વાંચવી ખૂબ ગમતી. યશવંત મહેતા અને હરીશ નાયકના પુસ્તકો મને વિશેષ ગમતા. મમ્મી-પપ્પાને હું મારા જન્મદિવસ પર ભેટ તરીકે એવા પુસ્તકો લાવવાનું જ કહેતો. ઉપરાંત દિવાળીમાં જ્યારે સગા-વહાલા મને હાથમાં જે કંઈ રૂપિયા આપે તેને પણ હું ભેગા કરીને પુસ્તકો ખરીદતો અને મારા પુસ્તકાલયને સમૃધ્ધ બનાવતો રહેતો.
સૌથી નોંધનીય બાબત એ બની કે મારી ગલીના મિત્રોને મારા પુસ્તકોમાં કોઈ રસ નહોતો અને મિત્રતા તો સમાન રસ ધરાવનારાઓ વચ્ચે જ પ્રગાઢ થાય ને? મને થતું કે તેમની સાથે રખડપટ્ટી કરવામાં કે અન્ય રમતોમાં મને રસ પડે છે તો તેમને મારા પુસ્તકોમાં કેમ રસ નથી પડતો? સંજુ મારી સાથે કોમિક્સ ને વાર્તાઓ વાંચતો તો આ બધા કેમ નહિ? માટે ધીમે-ધીમે તેમની સાથેનો મારો સંપર્ક ઘટતો ગયો અને એવા મિત્રો બનતા ગયા કે જે પુસ્તકો પ્રત્યે પ્રેમ કે લગાવ ધરાવતા હોય. આ વાતની સીધી અસર મારા અભ્યાસ પર દેખાઈ. મારા પરિણામો પહેલાથી વધારે સારા આવવા લાગ્યા અને મમ્મી-પપ્પા આ પરિવર્તનથી ખુશ હતા.
સાતમા ધોરણની વાર્ષિક પરીક્ષાની એક વાત મને હજુ પણ યાદ છે. અમારે સાતમા ધોરણ સુધી ફરજિયાત પેન્સિલ વડે જ લખવું પડતું અને અમને બધાને પેનનું ખૂબ જ આકર્ષણ રહેતું. રેનોલ્ડસ, રેનોલ્ડસ જેટર અને રોટોમેક (લિખતે લિખતે લવ હો જાયે!) તે સમયે બધાની મનપસંદ બ્રાન્ડસ. એટલે ભલે લખવાનું ન હોય, તો પણ અમે આવી બધી પેન ખરીદીને અમારા કંપાસમાં અચૂક રાખતા. જ્યારે સાતમા ધોરણની વાર્ષિક પરીક્ષા આવી ત્યારે અમે બધા એક બીજાને કહેતા હતા કે જેટલી પેન્સિલ આ પરીક્ષામાં ઘસવી હોય તેટલી ઘસી નાખો. આવતા વર્ષથી તો પેન!’ એ માત્ર બાલિશ આનંદ હતો. પેન વડે લખવાનું શરૂ કર્યા બાદ પેન્સિલ અને ખાસ તો તેના સદાયના સાથી ઇરેઝર (રબ્બર!)ની ખાસ યાદ આવતી.
હજુ પણ એમ થાય છે કે જીવનમાં એક શકિતશાળી ઇરેઝર હોય તો કેવું સારૂ? કેટકેટલી ભૂલો જીવનની કિતાબમાં છે જે આવા એક ઇરેઝરની રાહે ત્યાં હાજર છે. ઘણું બધું ભૂસીને ફરીથી લખવું છે. કુદરતે આપણા મગજની અંદર એક ઇરેઝર આપ્યું હોત તો કેવું સારૂ! તો ઘણી બધી દુઃખદ યાદોને ભૂસી નાખવાનું કેટલું સગવડદાયક હોત? શું માણસો માટે તમાકું, સિગરેટ કે વિવિધ પ્રકારના દારૂ કે અન્ય વ્યસનો આવા ઇરેઝરનું કામ કરતા હોય છે? મને તો જોકે આવું કોઈ ઇરેઝર આજ સુધી મળ્યું નથી. શું તમને મળ્યું છે? અરે! એમ જ થાય છે કે જીવેલા આ બધા જ વર્ષો જો કોઈ કાળના ઇરેઝરથી ભૂસાઈ જાય અને ફરી પાછો હું એ બાળપણમાં પહોચી જાઉ તો કેવું સારુ!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.