તાજેતરની પોસ્ટસ

માર્ચ 09, 2011

પ્રકરણ ૮. ગબ્બર અને ચાચા ચૌધરીનું સ્વાર્થકારણ


અમદાવાદીના બે પાયાગત પ્રશ્નો હોય છે. () મને શું? () મારે કેટલા? અને બંને પ્રશ્નોમાં જે હુંપદ છે તેને વાસ્તવિક જીવનમાં દુનિયાદારી કહેવામાં આવે છે. અમદાવાદમાં રહો અને તેનો રંગ ન ચડે તેવું તો ક્યાંથી બને? જોકે, અમદાવાદ જ શું કામ, માણસ ગમે ત્યાં હોય, પોતાનો સ્વાર્થ જોતા તે વહેલો મોડો જરૂરથી શીખે છે અને હું આ સ્વાર્થકારણથી બાકાત નહોતો. હજી કંઈ મોટી વાતોમાં તો ગતાગમ થોડી પડે? પણ નાની-નાની વાતોમાં મારે અને બેનને ઝઘડા થતા. હું છઠ્ઠા ધોરણમાં આવ્યો હતો અને તે દસમાં ધોરણમાં. તેને બોર્ડની પરીક્ષા આપવાની હતી અને અમને બધાને બોર્ડની ફડક રહેતી. બેનને અભ્યાસ માટે વધારે સમય ફાળવવો પડતો. શાળા, ક્લાસીસ અને ટ્યુશન- આ ત્રણેયમાં તેને ધ્યાન આપવું પડતુ અને ઘરકામ પણ તેના ઊપર જ હતું. માટે પપ્પાએ એવો નિર્ણય કર્યો કે મારે પણ બેનને ઘરકામમાં થોડીક મદદ કરવી.
અત્યાર સુધી મારી મદદ વિપક્ષના નેતા જેવી હતીઃ જેમકે તે પોતા કરતી હોય તો પગલા પાડવા, કચરો વાળતી હોય તો હાથે કરીને નડવું, પાણી ભરતી હોય તો ત્યાં જ નહાવા બેસીને બે-ચાર ડોલ પાણી વધારે વાપરવું, તેની રસોઈ નથી ભાવતી તેવા વિવાદ સર્જવા, અભ્યાસ કરતી હોય ત્યારે તેને યેન-કેન પ્રકારે ખલેલ પહોંચાડવી અને ઊંઘતી હોય ત્યારે ચોટલા વડે તેને ખેંચીને ઘરની બહાર મૂકી દેવી. જોકે ગમે તેટલા મતભેદ હોય પણ ચૂંટણી આવે એટલે ઘીટ રાજકારણીઓ તેને નેવે મૂકીને એક જૂટ થઈને જીતવાના પ્રયત્નો કરે છે તેવી જ રીતે સાંજે પપ્પા આવે ત્યારે અમે બંને એકબીજા સાથે સમાધાન કરી લઈએ. ‘તેરી ભી ચૂપ, મેરી ભી ચૂપનો નિયમ સ્વીકારી બધા ઝઘડા બીજા દિવસની બપોર સુધી મુલતવી રાખીએ.
પણ બેન હવે બોર્ડમાં આવી હતી એટલે પપ્પાના આદેશ મુજબ અમારે ગઠબંધન કરીને સરકાર રચવી પડી અને મને જલપુરવઠા વિભાગ સોપવામાં આવ્યો. અમારા ઘરે સવારે આઠ વાગ્યે અને સાંજે સાડા પાંચે એમ બે વાર પાણી આવતું. સવારે જ્યારે અમે શાળામાં હોઈએ ત્યારે પપ્પા પીવાનું પાણી ભરી લેતા અને અન્ય કામ માટે જે વાપરવાનું પાણી હોય તે મારે ટાંકીમાં ભરવાનું રહેતું. પણ એ સમય એટલે રમવા જવાનો પ્રાઈમ ટાઈમએટલે હું પાણી નહિ ભરવાના નવીન બહાના શોધે રાખતો અને ઘણીવાર તો હાથે કરીને તે જ સમયે ઘરથી દૂર ક્યાંક રમવા જતો રહેતો. એટલે પાણી બેનને ભરવું પડતું અને તેની અચૂક ફરિયાદ પણ થતી. એક વખત મને આ બાબત પર સખત ઠપકો મળ્યો અને મારે ફરજિયાત પાણી ભરવું પડશે તેવી કડક સૂચના પણ મળી.
બીજે દિવસે સાંજે સાડા પાંચે ઘરે હાજર થઈ ગયો અને જલપુરવઠા વિભાગને સંભાળી લીધો. આ જોઈને બેનને મજા પડી અને તેણે તે બાબત પર મારી મજાક કરી. એક તો રમવાનું છોડીને મારે ઘરે આવવું પડ્યું, ઊપરથી કામ કરવું પડ્યુ પછી મજાક સહન થાય? તે વખતે હું પ્લાસ્ટીકની ડોલ વડે પાણી ટાંકીમાં રેડી રહ્યો હતો. મે તે ડોલ  બેન પર રેડી. તે આખી પલળી ગઈ અને એકદમના હુમલાથી હેબતાઈ ગઈ અને હું જોર-જોરથી હસવા લાગ્યો. તેણે પાણી ભરેલુ પ્લાસ્ટિકનું ટબ ઉપાડ્યું અને તેનો અભિષેક મારી પર કર્યો અને આમ અમે હોળી રમ્યા. મારા હાથમાં હજી તે ખાલી ડોલ હતી. મે તે ડોલને બે હાથ વડે તેના માથા પર મારી અને જવાબમાં તેણે તેના હાથમાં રહેલું ટબ મારા માથા પર માર્યુ અને અમે એકબીજાને મારી-મારીને ડોલ અને ટબ તોડી નાખ્યા. સદ્દભાગ્યે કોઈને ઈજા થઈ નહોતી પણ પાછળ રહેતા માસી આ ઘટનાના સાક્ષી હતા અને તૂટેલી ડોલ અને ટબ પણ તેમની પર થયેલા અત્યાચારના દાર્શનિક પુરાવા તરીકે હાજર હતા માટે અમને બંનેને આ બાબત પર ખૂબ ઠપકો મળ્યો અને હવેથી આવુ નહિ થાયની બાંહેધરી બાદ જ મને છોડવામાં આવ્યો.
તોફાનની સાથે-સાથે હું રમતોમાં પણ આગળ વધતો જતો હતો. આ વર્ષે હું ભમરડો ફેરવતા શીખી ગયો હતો અને ઘરમાં ભમરડા ફેરવીને તોડફોડ પણ કરી હતી. તેમાંય સાત જાળ શીખવાની તો એવી તાલાવેલી હતી કે દિવસમાં ઓછામાં ઓછો સો વાર તેનો પ્રયત્ન કરવામાં આવતો. ભમરડા ફેરવવાની પણ બે પદ્ધતિ હતી. નાના છોકરાને ક્રિકેટ રમાડવા માટે જેવી રીતે રગડતા દડા નાખવામાં આવે છે તેવી રીતે અન્ડર આર્મપદ્ધતિથી ભમરડો ફેરવવામાં આવે તો તેને લેડીઝ સ્ટાઇલગણવામાં આવતી અને જો તેને ઊપરથી નીચે નાખીને ફેરવવામાં આવે તો તેને જેન્ટસ સ્ટાઇલગણવામાં આવતી. મમ્મીએ મારી નવો વેપાર રમવાની ધગશ જોઈને પાંચમાંના ઉનાળુ વેકેશનમાં તે જ રમત અંગ્રેજીમાં અપાવી હતી – ‘બિઝનેસ ગે’ (આજે તે રમત ખરીદે લગભગ ૨૦ વર્ષ થયા હશે છતાં તે હજી મારી પાસે છે અને મારો ભાણિયો હવે તેનાથી રમે છે.) લખોટીઓ રમવામાં પણ હવે હાથ બેસી ગયો હતો અને તેમાં હું જીતતો પણ ખરો. આખો દિવસ ઘરમાં પણ હું લખોટીઓ કે ભમરડા રમે રાખતો.
એક વખત ભર બપોરે કોઈ મિત્ર મળ્યો નહિ માટે હું ઘરમાં પલંગ પર લખોટીઓ રમતો હતો. બેન પણ મારી સાથે આ રમતમાં જોડાઈ હતી. રમત એવી હતી કે એક ખેલાડી લખોટીને દૂર મૂકે એટલે કે છૂટે અને બીજો તેને ટાંકે. જો તે ટાંકી લે તો પ્રથમ ખેલાડીએ ફરીથી છૂટવાનું ને ચૂકી જાય તો પ્રથમ ખેલાડી તેની લખોટી જ્યાં હોય ત્યાંથી જ બીજાને ટાંકે. મે બેનની લખોટી એક વાર ટાંકી એટલે તેને છૂટવાનું હતું. તે છેક પલંગની ધાર પાસે આવીને બેઠી હતી અને આગળ જવાની કોઈ જગ્યા નહોતી. કહે છે ને વિનાશકાળે વિપરીત બુદ્ધિ! તેણે લખોટી તેના મોઢામાં મૂકી અને તે બોલી, ‘લે આ છૂટી’. મને પણ શું સૂઝ્યું કે મે પણ બરોબર નિશાન લઈને તેને ટાંકવાનો પ્રયત્ન કર્યો અને હું સફળ પણ થયો. તે તરત જ બોલી, ‘તે તો લખોટી તોડી નાખીઅને એમ બોલીને તેણે હાથમાં તે બંને લખોટી કાઢી. તેની સાથે જ તેના નીચેના જડબા પર બિરાજમાન મધ્ય દાંતનો ઊપરનો ભાગ પણ તેના હાથમાં આવી ગયો. સદ્દભાગ્યે આખો દાંત નહિ પણ તેનો ઊપરનો થોડોક ભાગ જ તૂટ્યો હતો અને હજી પણ ભાઈના પ્રેમની નિશાની તરીકે મારી બહેન તે તૂટેલા દાંત સાથે મને હંમેશા યાદ કરે છે.
અમારી ગલીમાં છોકરાઓના ત્રણ ભાગ પડેલા હતાં. એક તો સાવ નાના ટાબરિયા, બીજા થોડાક મોટા અને ત્રીજા દસમું-બારમું-કૉલેજમાં ભણતા મોટા છોકરાઓ. ટાબરિયાઓ એટલે ખાવું, રમવું અને શાળાએ જતી વખતે કકળાટ કરવો અને દસમા-બારમા વાળા મોટા છોકરાઓ રમત કરતા વધારે ધ્યાન અભ્યાસ અને વાતોમાં આપતા. માટે ગલીમાં ખરી ધમાલ મચાવનારું જૂથ હતું પેલા થોડાક તરુણો અને હવે મારી ગણતરી તેમાં થતી હતી. અને ધમાલ કરવામાં કદીય પાછા પડ્યા નહોતા. ગલીમાંથી કોઈ વડીલ જો તમને કંઈ કામ સોપે તો તે તમારી પર વિશ્વાસ ધરાવે છે અને તમને મોટો ગણે છે તેમ મનાતું અને તે ગર્વની વાત ગણાતી. મને પણ આવી રીતે જ્યારે કોઈ દૂધ કે દહીં કે શેમ્પુ કે એવી નાની મોટી ખરીદીનું કામ સોપતું ત્યારે હું હોંશે-હોંશે તે કરતો.
દર નવરાત્રિમાં બીજે બધે થાય છે તેમ જ અમારી ગલીમાં પણ મલ્લામાતાની સ્થાપના થતી અને ગબ્બર બનાવવામાં આવતો. આ વર્ષથી મને પણ તે મહોલ્લાની માતાના કાર્યમાં શામેલ કરવામાં આવ્યો હતો. નવરાત્રિના એકાદ મહિના પહેલા તે મંડળ સ્થપાતુ, તેના સભ્યો નક્કી થતા અને ગબ્બર ક્યાં બનાવવો તેની જગ્યા નક્કી કરવામાં આવતી. પછી બે-ચાર જગ્યાએ ફરીને માટીના નમૂના લેવામાં આવતા અને શ્રેષ્ઠ માટીની પસંદગી કરવામાં આવતી. પછી તે જગ્યાએથી અમે સાઇકલ પર કોથળાઓમાં માટી ભરીને લાવતા. આ કારણસર હું સાઇકલ ચલાવતા શીખ્યો હતો. જોકે સાઇકલ બેન માટે હતી કારણકે તે ક્લાસીસ તેના પર જતી અને મને તે ક્યારેક-ક્યારેક જ મળતી માટે આ સમય દરમિયાન હું ભાડાની સાઇકલ લાવતો. (એકવાર આવી ભાડાની સાઇકલ મે એક સ્કૂટર વાળા જોડે અથડાવી હતી અને તેની નુકસાનીના પૈસા ભરવા ન પડે માટે છાનોમાનો તે સાઇકલ તેની દુકાને પાછી મૂકી આવ્યો હતો.) માટી આવી જાય પછી ઇંટ-પથ્થર ભેગા કરી અમે ગબ્બરનું માળખું બનાવતા અને તેની પર માટીનો ગારો લગાવતા અને તેની બાજુમાં નાનકડું દૂધિયા તળાવ બનાવતા. ગબ્બર પર જવા માટેનો રસ્તો પણ હોય અને દૂધિયા તળાવમાં બોલ-પોઇન્ટ પેન ના પોઇન્ટ વડે રચેલ ફૂવારો પણ હોય. પછી ગલીના દરેક ઘરમાંથી પૈસા અને ઘી ઉઘરાવવામાં આવતા. પૈસામાંથી ગબ્બરને શણગારવાના રમકડા અને રોશની ખરીદવામાં આવતી જ્યારે ઘીના દીવા થતા. નવે-નવ દિવસ તેની પૂજા-આરતી થતી અને અંતે જે પૈસા વધે તેની લ્હાણી કરવામાં આવતી.
આ વર્ષે મને મારા એક્વાફોબિયાનો વરવો અનુભવ થયો હતો. પહેલા સંજુ અમારા સેકટર ૪ ની સામે આવેલા સેકટર ૮માં રહેતો હતો પણ પછીથી તેના પપ્પાએ થોડેક જ દૂર કેશવ નગરમાં પ્લોટ લઈને ઘર બનાવડાવ્યું હતું અને તેઓ ત્યાં રહેવા ગયા હતાં. તે સોસાયટી હજુ પૂરી બની નહોતી. કેટલાક પ્લોટ પર બાંધકામ હજુ શરૂ હતા. એવા જ એક નિર્માણાધીન ઘરની અંદર હું, સંજુ અને કિશોર રમી રહ્યાં હતા. રમતા-રમતા સંજુ અને કિશોર દોડીને તે ઘરના દરવાજાની બહાર કૂદકો મારીને નીકળ્યા. હું પણ તેમની પાછળ-પાછળ દોડ્યો પણ દરવાજાની બહાર નીકળવા કૂદ્યો નહિ. મને એમ કે દરવાજાની બહાર નીકળવા શું કૂદવાનું? પણ મને ખબર નહોતી કે નિર્માણાધીન ઘરના દરવાજાની આગળ જ કોઈ ચતુરકડિયાએ પાણીનો હોજ બનાવ્યો હતો. માટે હું તો સજ્જનની જેમ ઘરનો ઉંબરો વટાવવા ગયો. એકાદ ક્ષણ કદાચ મે હવામાં ડગલું ભર્યું હશે અને પછી ઓમ ધબાય નમઃ’! એ હોજમાં કોઈ ડૂબે તેટલું પાણી તો નહોતું પણ એક લીલા રંગનો દેડકો અને થોડાક પથ્થર જરૂર હતા. જેવો હું હોજમાં ચત્તોપાટ પડ્યો કે દેડકો કૂદીને મારી છાતી પર, પથ્થરો મારી નીચે અને પાણી આજુ-બાજું. હું પાણીમાં તો ડૂબ્યો નહિ પણ ખારીકટ કેનાલને લીધે મારામાં વસી ગયેલ એક્વાફોબિયા’ (પાણીથી ડરવાની ગ્રંથિ) જાગૃત થઈ ઉઠ્યો અને હું ગભરાઈને બૂમો પાડવા લાગ્યો, ‘સંજુ બચાવ, કિશોર બચાવ, કોઈક મને બચાવો.’ મારા આર્તનાદ સાંભળીને તે બંને હોજની ધાર પર આવીને ઊભા, બે-ચાર ક્ષણ મારી કળા કરતા મોર જેવી પરિસ્થિતિનો આનંદ લીધો અને પછી મને હાથ વડે ખેંચીને બહાર કાઢ્યો. મારો શર્ટ અને ચડ્ડી બને ફાટી ગયા હતા. તેઓએ મારી ખૂબ ખિલ્લી ઉડાવી અને હું રોવા જેવો થઈ ગયો. પછી સંજુની મમ્મીએ મને સંજુના કપડા કાઢી આપ્યા અને તે પહેરીને હું ઘરે ગયો. આ ઘટના બાદ ઘણા સમય સુધી તે બંને મને આ બાબત પર ચીડવતા રહેતા હતા પણ એકવાફોબિયાની જાણ ન તેમને હતી કે ન મને. ખરેખર! ઘણી વાર અજ્ઞાન વરદાન સમાન બની રહે છે, તે વાતે ખોટી નથી
છઠ્ઠા ધોરણમાં અમારા વર્ગ શિક્ષિકા હતા શ્રીમતી આશાબહેન જે ગણિત ભણાવતા હતા અને આ વર્ષે વિજ્ઞાન ભણાવવા એક સાહેબ પણ આવ્યા હતા. તેઓ ખૂબ કડક હતા અને અમને બધાને તેમનાથી ખૂબ ડર લાગતો માટે વિજ્ઞાનનું કોઈ કામ હું અધૂરું રાખતો નહિ. આ ઉપરાંત અમારા ચિત્રના શિક્ષક હતા શ્રી શંકરભાઈ અને તેમને મારા ચિત્રો ગમતા માટે તે મને પ્રોત્સાહન આપતા રહેતા. તેના પરિણામે મે ચિત્રસ્પર્ધાઓના દસેક પ્રમાણપત્રો મેળવ્યા છે. આ વર્ષે ચિત્રકામની મારી ધગશ જોઈને મને આશાબહેને રંગોળી સ્પર્ધામાં ભાગ લેવા કહ્યું અને તેમાં અમારા વર્ગનો પ્રથમ ક્રમ આવ્યો હતો.
શારિરીક શિક્ષણના વર્ગો મારા માટે ખૂબ કંટાળાજનક રહેતા. એક તો અમને મેદાનના બદલે ધાબા પર લઈ જવામાં આવતા અને પછી જાણે આખા અઠવાડિયાની કસરતો એક સાથે કરાવવામાં આવતી. મને આમ પણ પહેલેથી શારિરીક કરતા માનસિક કસરત કરવામાં વધારે મજા આવતી માટે આ તાસ દરમિયાન હું છટકવાના બહાના શોધતો રહેતો જે મોટેભાગે સફળ થતા નહિ. માટે હુ તે તાસ દરમિયાન મસ્તી કરતો રહેતો. બધા કરતા હોય તેનાથી અલગ કસરતો કરવી કે આજુ-બાજુ વાળાને કોણીઓ મારતા જવું કે કોઈનું ધ્યાન ન હોય ત્યારે કોઈ વિચિત્ર અવાજ કરવા અને તેમાં સાથીદારો પણ મળી રહેતા અને સદાયનો સાથી સંજુ તો ખરો જ.
વાંચનમાં હવે બે બાબતો ઉમેરાઈ હતી. એક તો ગુજરાત સમાચાર અને બીજું કોમિક્સ. પપ્પાને રોજ સવારે ધ્યાનપૂર્વક સમાચાર વાંચતા હું રોજ જોતો અને ઘણીવાર કોઈ ઘરે આવે કે કોઈના ઘરે જઈએ ત્યારે વડીલોમાં એવી ચર્ચા પણ થતી કે તમે આ સમાચાર વાંચ્યા હતા કે પેલો લેખ વાંચ્યો હતો. તેથી મને થયું કે દુનિયાના સાંપ્રત પ્રવાહો વિષે માહિતગાર રહેવા મારે વર્તમાન પત્ર તો અચૂક વાંચવા જોઈએ. શાળામાં પણ દરરોજ રસપ્રદ સમાચરો અમારા ભીંતપત્રોમાં ચોટાડવામાં આવતા જે વાંચવાની મજા પડતી. રાજ કોમિક્સ અને ડાયમંડ કોમિક્સ વાંચવાનું પણ મને ઘેલું લાગ્યું હતું. રાજ કોમિક્સનું એક પાત્ર હવાલદાર બહાદુરઅને ડાયમંડ કોમિક્સ વાળા પ્રાણનું સર્જન ચાચા ચૌધરી અને સાબુમને ખૂબ જ પસંદ હતા. આ કોમિક્સ હું મારા દફતરમાં પણ રાખતો. જ્યારે શાળામાં અમને ચૂપચાપ વાંચવાનું કહેવામાં આવતું ત્યારે હું મારા પાઠ્યપુસ્તકની વચ્ચે કોમિક્સ રાખીને વાંચતો. અને મારા મિત્રોને પણ કોમિક્સ ગમતી. તેઓ મારી પાસેથી વાંચવા લઈ જતા અને હું યાદ રાખીને તે પાછી માંગી પણ લેતો. પણ પછી એવું બનતું કે કોઈ લઈ જાય અને આપવાનું ભૂલી જાય કે હું માંગવાનું ભૂલી જઉ. માટે મે તેની પદ્ધતિસરની નોંધ રાખવાનું ચાલુ કર્યુ. કોણ, ક્યારે, કયું પુસ્તક લઈ ગયું અને ક્યારે પાછું આપ્યું તે હું નોંધતો રહેતો અને કદાચ આજ મારી સરક્યુલેટીંગ લાઇબ્રેરીની શરૂઆત હતી.
           આજના સમયની સબસે તેજન્યુઝ ચેનલોની સામે વર્તમાન પત્રો તો પોતાનું સ્થાન માંડ-માંડ ટકાવી રહ્યા છે પણ કાર્ટૂન ચેનલોની ભરમારમાં કદાચ કોમિક્સની રોમાંચકતા યથાવત રહી નથી. પણ જેણે એ રોમાંચ અનુભવ્યો છે તે મારી સાથે જરૂર સહમત થશે કે તમારી કલ્પનાના જે દ્વાર રંગબેરંગી કોમિક્સ અને પુસ્તકો ખોલી આપે છે તે અન્ય કોઈ માધ્યમ દ્વારા અશક્ય છે, ખરૂને?

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.