તાજેતરની પોસ્ટસ

માર્ચ 02, 2011

પ્રકરણ ૭. ચામડાનું તાળું, સ્વતંત્રતા અને જવાબદારી


પાંચમું ધોરણ જીવનમાં ઘણી રીતે પરિવર્તનકારક રહ્યું હતું. અને તેમાં સૌથી અગત્યના બે પરિવર્તન હતા. જન્મથી અત્યાર સુધી મને મમ્મી કરતા બા એ વધારે સાચવ્યો હતો. અને તેમાંય પેલી ખારીકટ કેનાલ વાળી ઘટના પછી તો તેઓ મારા માટે સવિશેષ ચિંતિત રહેતા અને મારુ ખાવા-પીવાનું ધ્યાન તેઓ ખૂબ જ રાખતા. ગલીનો કોઈ છોકરો જો મને હાથ પણ અડાડે અને તેમને ખબર પડે તો તે છોકરાને તેઓ બરોબર ખખડાવી નાખતા. એક વખત હું કોઈ દાખલો ગણતો હતો અને તેનો જવાબ નહોતો આવતો. તે જ વખતે બા રસોડામાથી પાણી પીને પાછા આવતા હતા. તેઓ ચાલતા ત્યારે પગ બહુ ઉપાડી શકતા નહિ કારણ કે તેમની અવસ્થા હવે વર્તાઈ આવતી હતી. માટે તેઓ ચાલતા ત્યારે પગ ઘસડાવાનો અવાજ આવતો. મારો જવાબ આવતો નહોતો અને તે જ સમયે તેઓ ત્યાંથી પસાર થયા. મે કહ્યું, ‘બા તમે ચાલસો નહિ, મારા દાખલાનો જવાબ નથી આવતો’. તેઓ તરત જ હસીને જતા રહ્યા અને પછી હું ભણતો હોઉં ત્યારે મને ઓછા-માં-ઓછી ખલેલ પહોચે તે રીતે તેઓ તેમના કામ કરતા.
ફરી એક વાર ગાયને રોટલી ખવડાવતા તેઓને અકસ્માત નડ્યો હતો અને આ સમયે તેઓ ગંભીર માંદગીમાં પટકાયા હતા. તેમને લાંબા સમય માટે હોસ્પિટલમાં રખાયા હતા અને ત્યાં પણ તેમને ખાસ સારુ નહોતુ થયું. ઘરે લાવ્યા બાદ તેમની માંદગીમાં થોડીક બીજી વસ્તુઓ ઉમેરાઈ હતી. જેમકે તેઓ પડખુ ફરી શકતા નહિ અને એક જ પડખે સૂઈ રહેવાને કારણે તેમની પીઠમાં મોટા ચાંદા પડ્યા હતા અને પછી તેમાં પરૂ થયું અને તેમની અવસ્થા વધુ બગડી હતી. ઘણીવાર તેની વાસ એટલી અસહ્ય બનતી કે અમે તે બેઠક ખંડમાં રહી શકતા નહિ. મારી મમ્મી સિવાય તેમની આસપાસ કોઈ લાંબો સમય રહેતું નહિ.
એક દિવસ રાત્રે નવ વાગ્યાની આસપાસ હું રમતો હતો અને મને ઘરે બોલાવવામાં આવ્યો અને મને પપ્પા એ કહ્યું કે ડોકટરને ઘરે બોલાવી લાવ. હું તરત દોડતો-દોડતો નજીક જ રહેતા ડો. દીપક કોટડીયાને ત્યાં ગયો અને તેમને ઘરે બોલાવી લાવ્યો. ઘરનું વાતાવરણ જોઈને મને લાગ્યું હતું કે કશુંક અજુગતું છે પણ હજી એટલી સમજણ નહોતી પડતી કે શું છે? ડોકટરે તેમને તપાસીને જાહેર કર્યું કે તેઓ સ્વર્ગવાસી થયા છે. મૃત્યુ શબ્દનો પ્રથમ પરિચય મને ત્યારે થયો હતો. જો કે હજી મને અર્થ તો નહોતો સમજાયો માટે બીજા બધા કેમ શોકાર્ત છે કે કેમ રડે છે તે મને નહોતું સમજાયું અને મને ત્યારે રડવુ પણ નહોતુ આવ્યુ. પણ બા ના પાર્થિવ દેહને જ્યારે બીજા દિવસે સવારે અંતિમ યાત્રા માટે લઈ જવામાં આવ્યો ત્યારે પહેલીવાર મને એમ થયુ કે હવે તે મને કદી જોવા નહિ મળે અને ત્યારે હું રડ્યો હતો.
ઘરમાં હવે અમે પાંચમાંથી ચાર જ સદસ્યો રહ્યા હતા. તેમાંય મમ્મી તો તેની નોકરી કરવા ભાવનગર હોય અને આખો દિવસ પપ્પા પણ તેમના કામમાં વ્યસ્ત હોય એટલે ઘરમાં હુ અને બેન બે જ જણ હોઈએ. મમ્મી પપ્પા બંનેને અમારી ચિંતા રહેતી. મમ્મી તો એમ કહેતી કે બા હાજર હતા ત્યારે ઘર પર જાણે એક ચામડાનું તાળું મારેલું રહેતું. હવે તે પણ નહોતુ અને અમારી સ્વતંત્રતા અને જવાબદારી બંને વધ્યા હતાં. જો કે સાચી રીતે તો એમ કહેવાય કે મારી સ્વતંત્રતા અને બેનની જવાબદારી વધી હતી.
બીજો અગત્યનો ફેરફાર આવ્યો હતો અમારી શાળામાં. આમ તો અત્યાર સુધી ૧ થી ૭ ધોરણ બપોર પાલીમાં અને ૮ થી ૧૨ સવાર પાલીમાં તેવી વ્યવસ્થા હતી. પણ હું પાંચમાં ધોરણમાં આવ્યો ત્યારે ધોરણ ૫ થી ૧૨ ને સવાર પાલીમાં બોલાવવાનું શરૂ થયુ હતું. શરૂઆતમાં સવારે વહેલા ઊઠવામાં તકલીફ પડતી હતી પણ પછી નવી જીવનશૈલી વધુ માફક આવી હતી. સવારે ૭ થી ૧૨ અભ્યાસ અને પછી સાંજે પપ્પા ઘરે આવે ત્યાં સુધી આખો દિવસ જલસા. હવે તો બા પણ હતાં નહિ અને બેનનું તો કોણ સાંભળે?
સવારે છ વાગ્યે મને બેન ઉઠાડીને બાથરૂમ જોડે ઢસડીને લઈ જાય અને ધક્કો મારીને બાથરૂમમાં પૂરી દે. ઘણીવાર તો એવું પણ બનતું કે હું બાથરૂમનો દરવાજો બંધ કરીને અંદર જ ઊંધી જઉં. આ દરમિયાન બેન રસોઈ કરતી હોય. પછી તે દરવાજો ખખડાવે ત્યારે એકાદ ટમલર પાણી નીચે રેડી, થોડોક અવાજ કરીને હું પાછો ઊંઘી જઉં. છેવટે પોણા સાતની આસપાસ હું જાગૃત થઈને ફટાફટ સ્નાન કરીને તૈયાર થઈને શાળા એ જવા નીકળું. બાળપણથી જ બ્રેકફાસ્ટ નહિ કરવાની આદત આ કારણે પડી જે હજી પણ છે.
ઘરેથી નીકળીને હું અમારા સેકટરના નાકે ઉભો રહુ. ત્યાં મને સંજય મળે. પછી અમે વાતો કરતા-કરતા શાળાએ જઈએ, એક પાટલીએ નહિ તો આગળ પાછળ બેસીએ. આખો દિવસ ધમાલ-મસ્તી અને અભ્યાસ થતો રહે. પણ એ ભણતરનો ભાર કદી લાગ્યો નથી. પોણા બારે અમે છૂટીએ પછી સંજુ તેના ઘરે જાય અને હું મારા ઘરે.
પછી હું ને બેન બ્રેકફાસ્ટ કે લંચ કે જે કહો તે લેવા બેસીએ. અમે બંને સ્ટીલની વાટકીઓમાં દૂધ લઈએ અને તેમાં ખાંડ નાખી ચમચી વડે તેને ઓગાળીએ. પછી રોટલી-શાક જોડે ચમચી વડે દૂધ પીવાનું. બેન ચમચી વડે દૂધ પીવા જાય તે વખતે હું તેના માથા પર ટપલી મારુ. ચમચીનું દૂધ તેના નાક પર લાગે અને હું ખી..ખી..ખી.. કરતો હસવા લાગું. તે મને ધમકી આપે કે હવે તું પી જો. પછી જ્યારે હું પીવા જઉં ત્યારે તે મને માથામાં ટપલી મારે અને દૂધ મારા નાક પર લાગે અને ખી..ખી..ખી.. હસવાનો તેનો વારો. આમ કરતા-કરતા અમે અડધું દૂધ ઢોળી નાખીએ અને અડધુ જ પીવાનું. તે વખતે નુકસાન નહિ પણ મસ્તીના જ ખ્યાલ હોય ને? મમ્મી-પપ્પા પણ આ વાત જાણે પણ અમને કદી આ બાબત પર તે વઢ્યા હોય તેવું યાદ નથી. તેઓ તો એટલું જ જોતા કે ભલે અડધી વાટકી દૂધ ઢોળાય છે પણ અડધી વાટકી તો અમે પી લઈએ છીએને? અન્ય બાળકોની જેમ દૂધ પીવામાં નખરા તો નથી કરતાને?
સાડાબાર-એક થાય ત્યારે સંજુ મારા ઘરે આવી જાય ગૃહકાર્ય માટે બધુ લઈને. આખી બપોર અમે ગૃહકાર્ય કરીએ અને તે પતે પછી બોર્ડ-ગેમ્સ અને ઇન-ડોર ગેમ્સ રમીએ. અમારી રમતોમાં પત્તા, ચેસ અને નવો વેપાર જેવી રમતો હોય. મમ્મી અઠવાડિયાનો જે નાસ્તો બનાવીને ગઈ હોય, મમરા કે ધાણી કે શીંગપાક, તે ખાતા જઈએ અને રમતા જઈએ. નવો વેપાર તો ઘણી વાર અમે મહિના-મહિના સુધી ચલાવીએ. આ ઉપરાંત જાત-જાતના પ્રયોગો પણ કરવાના. એકવાર અમે મોટી બેટરી બનાવી હતી, એક વાર એક પ્રોજેક્ટર બનાવ્યુ હતું, એક વાર ભડાકો કરીને ઘરનો ફ્યુઝ ઉડાડી નાખો હતો. સાંજે પાંચેક વાગ્યે અમે બહાર નીકળીએ અને અમારી ગલીમાં કે સંજુના ઘરની બાજુમાં પડતા મોટા મેદાનમાં ક્રિકેટ કે દોડપકડ કે સાકળ જેવી શારિરીક રમતો રમીએ. સાંજે સાત-આઠ વાગે અંધારું થાય પછી હું ને સંજુ છૂટા પડીએ. આમ આખો દિવસ સાથે ને સાથે વીતતો અને છતાં અમારા સાહસો પૂરા થતા નહિ કે રમતો ખૂટતી નહિ.
પાંચમાં ધોરણમાં અમને એક નવો વિષય આપવામાં આવ્યો હતો- ઊદ્યોગ અને તે અમને શિખવતા હતા અમારા વર્ગશિક્ષિકા શ્રીમતી સવિતાબહેન. આ વિષયમાં અમને ખાખી કાગળ પર કપડાની કોઈ ડિઝાઇન બનાવતા શિખવાડવામાં આવતી અને તેને અમે તે મુજબ કાપીને નોટબુકમાં ચોટાડતા. કોઈ વખત કાગળના માવાની વસ્તુઓ તો કોઈ વખત બંગડીના ટુકડાઓની રંગોળી તો કોઈ વાર પૂંઠાનું ઘર અને આવું કેટલુંય અમે આનંદપૂર્વક બનાવતા. દિવાળીના વેકેશન દરમ્યાન તેઓ તેમના કુટુંબ સાથે ક્યાંક જતા હતા અને અકસ્માત દરમિયાન તેમના પતિનું મૃત્યું થયું હતું તેવા અમને સમાચાર મળ્યા ત્યારે મનમાં એક સવાલ થયો હતો કે શું બધા જ લોકો મરી જતા હશે? અને એવું હોય તો અહિ આટલા બધા લોકો ક્યાંથી આવે છે?
પાંચમા ધોરણમાં એક બીજા શિક્ષિકા હતા શ્રીમતી હસુમતીબહેન અને તેમનો વિષય હતો ગુજરાતી. પહેલી વખત તેમનું નામ સાંભળ્યું ત્યારે તે મને યાદ નહોતુ રહ્યું કારણ કે તે ખૂબ લાંબુ લાગ્યું હતું. શરૂઆતમાં તો તેમને હું કોઈકવાર હતીબેન કહી બેસતો. તેઓ ગુજરાતીની વાર્તાઓ અમને ખૂબ આનંદદાયક રીતે ભણાવતા અને હું તેમના સવાલ-જવાબમાં ઉત્સાહપૂર્વક ભાગ લેતો. મને તે ખાસ યાદ એટલા માટે છે કારણકે તેઓએ મને પ્રથમવાર શિક્ષકદિનમાં ભાગ લેવા પ્રેર્યો હતો. આમ તો હું વકતૃત્વ સ્પર્ધા કે ચિત્રસ્પર્ધા કે વર્ગ સુશોભન વગેરેમાં ભાગ લેતો હતો પણ કદી શિક્ષકદિનમાં મે ભાગ નહોતો લીધો. કદાચ અમારે એક થી ચાર ધોરણમાં શિક્ષકદિન ઉજવાતો જ નહિ હોય. પાંચમાં ધોરણમાં પહેલીવાર શિક્ષકદિન ઉજવાયો અને મને હસુમતીબહેને ગુજરાતીનો શિક્ષક બનાવ્યો. હજુ મને યાદ છે કે તે દિવસે મે અંબાજીને લગતો કોઈ પાઠ પસંદ કર્યો હતો અને ગુરુદેવ દત્તના પગલાની વાત તેમાં ભણાવી હતી. ત્યારથી શરૂ કરીને કૉલેજના તૃતીય વર્ષ સુધી પ્રત્યેક વર્ષે મે શિક્ષકદિનમાં ભાગ લીધો અને અંતે વાસ્તવિક જીવનમાં પણ મે શિક્ષક બનવાનો નિર્ણય લીધો હતો.
આજ વર્ષે હું જીવનમાં પહેલી વાર પ્રવાસે ગયો હતો. હકીકતમાં મે અને સંજુ એ પોત-પોતાના ઘરે ખૂબ જીદ કરીને મંજૂરી મેળવી હતી. પ્રાંતિજ, સાંપડ અને ઉત્કંઠેશ્વર કે ગલતેશ્વર કે એવા જ કોઈક સ્થળ હતા, જે યાદ નથી. યાદ છે પપ્પાએ આપેલી એક શિખામણ. તે પ્રવાસમાં અમને ઘરેથી વીસ-વીસ રૂપિયા વાપરવા મળેલા. મારી પાસે છુટ્ટા અને સંજુની પાસે વીસની નોટ. જ્યાં કંઈક લેવા જઈએ ત્યાં સંજુને છુટ્ટા મળે નહિ માટે તેના બદલે હું ચૂકવી દઉં અને ગણતો રહું. સાંજ પડે મે સંજુના બદલે સાડા આઠ રૂપિયા ચૂકવ્યા. જ્યારે અમે પાછા પહોંચ્યા ત્યારે મને લેવા પપ્પા જ આવ્યા હતાં. તે આવ્યા કે મે તરત જ કહ્યું, ‘પપ્પા, મારે સંજુ પાસે થી સાડા આઠ રૂપિયા લેવાના છે.’ પહેલી જ વાર પ્રવાસે ગયેલ પુત્રના મોઢેથી તેમણે તો પ્રવાસની વાતો સાંભળવાની આશા રાખી હશે અને મે જઈને સીધી જ પૈસાની વાત કરી માટે તેમને આશ્ચર્ય થયું હશે. તેમણે મને કહ્યું, ‘મિત્રતામાં રૂપિયા-પૈસા નહિ આનંદ-પ્રમોદની વાત કરવાની.’ અને ધીમે-ધીમે એ વાત અમને સમજાવા લાગી. પછી અમારી મિત્રતામાં એ ગણતરી કદી આવી નથી. જ્યારે મારે લંડન આવવાનું હતું ત્યારે તેણે સામેથી મને ઘણી મોટી રકમની સગવડ કરી આપી હતી અને તેને પાછા માંગવાની કે વ્યાજની કોઈ વાત તેણે કાઢી નહિ, મારા પર જ છોડી દીધું હતું.
ફૂલવાડીનું વાંચન તો ચાલતું જ હતું પણ આ ઉપરાંત હવે અમને ચંપક, ચાંદામામા અને નિરંજન પણ વાંચવા મળતા. ત્રણે સામાયિકો જાણે અમારા મિત્રો જેવા બની ગયા હતા અને તેમાં આવતી વાર્તાઓ હું રોફપૂર્વક મારા મિત્રોને કહી સંભળાવતો. બધા એમ કહે છે કે ગુજરાતીઓ પુસ્તક પાછળ પૈસા વાપરતા નથી પણ તેમાં અપવાદ તરીકે હું મારા માતા-પિતાને ગણવાનું કહીશ. તે બંને આનંદપૂર્વક વાંચતા અને અમને વાંચનની પ્રેરણા આપતા. આ ઉપરાંત શાળાના પુસ્તકાલયમાંથી પણ અમને દર બીજે અઠવાડિયે એક-એક પુસ્તક વાંચવા મળતું. હું મને મળેલા પુસ્તકો તો વાંચતો જ પણ મિત્રોને મળેલા પુસ્તકો પણ તેમની પાસેથી લઈને વાંચતો. તે સમયે માત્ર અમદાવાદ દૂરદર્શન જ આવતું અને રાત્રે સાડા આઠ થી સાડા દસ રાષ્ટ્રિય પ્રસારણ આવતુ, આજના જેટલી ચેનલોની ભરમાર નહોતી. માટે ટી.વી.નુ આકર્ષણ રહેતું છતાં તે આદત નહોતું બની ગયું અને અમને પુસ્તકો વાંચવાનો સમય મળી રહેતો.
            આમ તો આ જગતની પ્રગતિ મને ગમે છે અને હું ઈચ્છુ કે મારી પુત્રી આર્ના આ વિકસિત જગતના માહોલમાં જ ઉછરે પણ માત્ર આ ચેનલોની બાબતમાં ઘડીયાળ પાછળ ફેરવવાનું મન થાય છે કે જેથી હું તેને પુસ્તકોની અદભૂત દુનિયા બતાવી શકું!

2 ટિપ્પણીઓ:

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.