તાજેતરની પોસ્ટસ

માર્ચ 29, 2011

પ્રકરણ ૧૧. વાનરસેનાનો ‘ખજાનાનો ટાપુ’અમારા ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં દરેક પાઠને અંતે ટિપ્પણીઓ મૂકેલી આવતી જેને આજની ભાષામાં એક્ષપર્ટ કોમેન્ટસકે એવું કંઈક કહી શકાય. તેમાં મને ખાસ રસ પડતો. કોઈ કવિતાને અંતે તેમાં આવતા અંત્યાનુપ્રાસ અલંકારની વાત હોય, તો કોઈ નવલિકાને અંતે લેખકની શૈલીની ચર્ચા હોય અને ક્યાંક કોઈ લલિત નિબંધ પછી તેમાં કરાયેલ કુદરતના વર્ણનની છણાવટ હોય. અને આ બધાને કારણે મારા મગજમાં પણ ભાષાકીય વિચારોએ આકાર લેવા માંડ્યો હતો. ભાષાનું મહત્વ મને સમજાવા લાગ્યું અને તેનો અસરકારક પ્રયોગ કઈ રીતે કરવો જોઈએ તે બાબતે મને વિચાર આવે રાખતાં. ખાસ કરીને હું મારી આસપાસ બોલાતી ભાષાને પકડતો રહેતો અને મારા મનમાં અનેકાનેક પ્રશ્નો ઊઠ્યા કરતા.
સહપાઠીઓ જોડે સૌથી વધારે સમય તો ધીંગા-મસ્તીમાં જ જતો, તો પણ મારા અંતરમનમાં તેઓ દ્વારા એકબીજાથી અલગ રીતે બોલાતી ભાષાની ગડમથલ ચાલ્યા કરતી. કોઈ કહે કે આજે બીજા પિડીયરમાં ગ્રાઇડમાંથી જોઈને લખતો નહિ.’ ત્યારે હું વિચારતો કે પિડીયરસાચું કે પિરીયડઅને ગ્રાઇડબોલાય કે ગાઇડ’? ‘અક્ષરશબ્દ સાચો કે અસ્કરઅને રૂપિયા અબજહોય કે અજબહોય? હું રહું તે નિણીયય નગરછે કે નિર્ણય નગરઅને અગ્નિનો સમાનાર્થી શબ્દ દેવતાકે દેતવા’? ખાંડ અને મોરસ અલગ પદાર્થો છે કે સમાન? મારી બેનને શું કહેવું ચાંપલીકે ચોપલી’? ‘ચા પીધીકહેવાય કે ચા પીધોકહેવાય? પાણી ઢોળાયું કે વેરાયું? ગળામાં ચેપહેરી કે પહેર્યો? Live ને ક્યારેક લાઇવવંચાય અને ક્યારેક લિવવંચાય એવું કેમ? વૃક્ષનું બહુવચન વૃક્ષો સારુ લાગે છે પણ ઝાડનું બહુવચન ઝાડો કે નાગનું બહુવચન નાગોકેમ સારૂ નથી લાગતું? ‘બુકનું બહુવચન બુક્સથાય કે બુકો’? પુસ્તકો પર પૂંઠુંચડાવવાનું હોય કે પૂન્ઠુ’? અને માત્ર શાળા જ શું કામ અમારી ગલીમાં અને સગાઓ સાથેની મુલાકાતોમાં પણ મારા મનમાં આવી વાતો તો જાણે અજાણે નોંધાતી જ જતી. પેલા પ્રખ્યાત દીપકલા એમ્પોરીયમજોડેથી પસાર થતાં ત્યારે હું વિચારતો કે આને શું વંચાય – ‘દીપ-કલાકે દીપક-લા’?રઘુપતિ રાઘવ રાજા રામ, પતિતપાવન સીતારામભજન સાંભળવામાં આવે ત્યારે હું વિચારતો કે શું સાચું- ‘પતિત-પાવનકે પતિ-તપાવન’? પ્રથમ પુરુષ, દ્વિતીય પુરુષ અને તૃતીય પુરુષ એટલે કોણ?
પ્રશ્નો એટલા બધા થતા કે ન પૂછો વાત? અને તેના જવાબો ક્યાંથી મેળવવા? શું મારા ભાષા શિક્ષકોને એટલો સમય હતો કે તેઓ મારા આ પ્રશ્નોના જવાબ આપી શકે? ના. તો ક્યાંથી મેળવવા આ જવાબો? ક્યાંક વાંચ્યું કે પૂછતા પંડિત થવાય પણ પૂછવું કોને એજ મોટો પ્રશ્ન હતો. મને ક્યારેય કોઈ એક વ્યક્તિ વિશેષ એવા નથી મળ્યા કે જેમણે મારા આ બધા જ પ્રશ્નોના જવાબ આપ્યા હોય પણ હું જ્યાં મળે ત્યાંથી આવા જવાબો મેળવ્યા કરતો અને મારી જિજ્ઞાસાને ઉદ્દીપ્ત રાખતો. જો કે સૌથી વધારે જવાબો તો મને વ્યાકરણના પુસ્તકમાંથી પ્રાપ્ત થતા અને માટે તેને હું વાંચે રાખતો. ત્યારે મને સમજાયું કે જો મેળવતા આવડે તો પુસ્તકો માત્ર આનંદ જ નહિ જ્ઞાનનો પણ અદભુત ખજાનો છે.
આ ઉપરાંત ભાષા સમૃધ્ધિનું એક બીજું માધ્યમ હતું દૂરદર્શન. અત્યારે ભલે લોકોને તે કંટાળા જનક લાગતું હોય પણ તે વખતે, કે જ્યારે અન્ય કોઈ ચેનલો આવતી જ નહિ ત્યારે, ટી.વી. અને દૂરદર્શન એકબીજાના સમાનાર્થી હતા. દિવસ આખો તો શાળા, ગૃહકાર્ય અને રમવામાં જતો પણ સાંજે પપ્પા આવે પછી તેઓ સમાચાર સાંભળવા ટી.વી. શરૂ કરતા અને અમે તેની સામે ગોઠવાઈ જતા.
પહેલા પ્રાદેશિક પ્રસારણ આવે અને તે વખતે અમદાવાદ દૂરદર્શન પર આવતી ઘણી ધારાવાહીક સિરીયલ ખરેખર શબ્દશઃ ટોક ઓફ ધ ટાઉનબની જતી કારણ કે લોકો પાસે બીજો કોઈ વિકલ્પ હતો જ નહિ. તે વખતે હુતો-હુતી, વાનરસેના, કાકા ચાલે વાંકા, સાત પગલા આકાશમાં અને ગમ્મત ગુલાલ જેવા કેટલાય કાર્યક્રમ અત્યંત લોકપ્રિય હતા.
રાત્રે આઠ વાગ્યા સુધી પ્રાદેશિક પ્રસારણ આવતું અને પછી રાષ્ટ્રીય પ્રસારણ શરૂ થતું. આઠ થી નવ દરમિયાન અંગ્રેજી અને હિન્દીમાં સમાચાર આવતા અને પછી નવ થી સાડા દસ કે અગિયાર સુધી હમલોગ, ગુલ ગુલશન ગુલફામ, વ્યોમકેશ બક્ષી, જાસૂસ કરમચંદ, કિલે કા રહસ્ય જેવી ધારાવાહીક શ્રેણી આવતી. બધા કુટુંબો તેને સહપરિવાર જોતા અને માણતા. સાચા અર્થમાં તે પારિવારીક મનોરંજન હતું.
જ્યારે મ્યુઝિક ચેનલો નહોતી ત્યારે બુધવાર અને શુક્રવારે સાંજે આવતું ચિત્રહાર અને રવિવારે સવારે આવતી રંગોળી અત્યંત કર્ણપ્રિય લાગતા. મને યાદ છે કે સાતમા ધોરણમાં અમારે સૂર્યમંડળના તમામ ગ્રહોને ક્રમબધ્ધ યાદ રાખવાના હતા ત્યારે અમારા વિજ્ઞાનના શિક્ષિકા શ્રીમતી  આશાબહેને અમને તે આવી રીતે યાદ રખાવ્યા હતાઃ બુધવાર અને શુક્રવારે પૃથ્વી પર ચિત્રહાર આવે માટે પ્રથમ ત્રણ ગ્રહ તે બુધ, શુક્ર અને પૃથ્વી. પછી અઠવાડીયાના વાર ગણતા જાવ અને જે ન આવ્યા હોય તે લખતા જાવ. અમારી રવિવારની સવાર વાનરસેના, જંગલબુક અને રામાયણથી શરૂ થતી. જે સમયે કાર્ટૂન ચેનલના અમને કોઈને સપના પણ નહોતા આવતા તે સમયે જંગલબુક તો અમને ગમે જ પણ સાથે-સાથે દૂરદર્શન પર ગમે ત્યારે આવતી એક તિતલી, અને તિતલીયાપણ અમને એટલી બધી ગમતી કે તે અમે મોઢે કરી નાખી હતી. અને તે વખતનું મિલે સૂર મેરા તુમ્હારાકોને યાદ નહિ હોય? આ ગીતમાં કેટલી ભાષા આવે છે તે ગણવાનો હું કાયમ પ્રયત્ન કરતો. રવિવારે રાત્રે રેણુકા શહાણે અને સિધ્ધાર્થ કાક દ્વારા પ્રસ્તુત થતો કાર્યક્રમ સુરભિમારા માટે ડિસ્કવરી ચેનલની ગરજ સારતો. અને જ્યારે કોઈ ક્રિકેટ મેચનું જીવંત પ્રસારણ થતું હોય ત્યારે તેની અંગેજી કોમેન્ટરી મને અંગેજી ભાષા શીખવતી.
પ્રાથમિક શાળા દરમિયાન જ એક વાર મને આર. એલ. સ્ટીવન્સનની અદ્દભુત સાહસ કથા  ટ્રેઝર આઇલેન્ડનો ગુજરાતી અનુવાદખજાનાનો ટાપુ વાંચવા મળ્યો. તે પુસ્તક મને એટલું બધું ગમ્યું કે તેને મે આજ સુધીમાં અનેક વાર વાંચ્યું છે. એક વાર કોઈ સગાના ઘરે મને જુલે વર્ન ના ટ્વેન્ટી થાઉઝન્ડ લીગ્સ અન્ડર ધ સીનો અનુવાદ પણ વાંચવા મળ્યો અને તે પુસ્તક પણ ખૂબ ગમ્યું. ત્યાર બાદ તો જુલે વર્નના તમામ અનુવાદિત પુસ્તકો વાંચી નાખ્યા અને તેમ છતાંય તેમના ઘણા પુસ્તકોના અનુવાદ મળતા નહિ. તે વખતે મને એમ થયું કે જો મારે સારા પુસ્તકો વાંચવા હશે તો મારે અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ મેળવવું પડશે. અને આમ આ રીતે મારા મનમાં અંગ્રેજી ભાષા અને તેના સાહિત્યને જાણવાનું બીજ વવાયું અને એ બીજ જ્યારે વટવૃક્ષ બન્યું ત્યારે મને અહેસાસ થયો કે મારૂ જીવન તેણે ધરમૂળથી જ બદલી નાખ્યું છે. અને એ દરમિયાન સંજોગો પણ એવા રચાતા ગયા કે હું અંગ્રેજી ભાષા શીખવા માટે જાતે જ પ્રયત્નો કરવા લાગ્યો.

માર્ચ 23, 2011

પ્રકરણ ૧૦. ઉમરાળાજો કોઈ અજાણી વ્યક્તિ દિવાળી વેકેશનના સમય દરમ્યાન નિર્ણય નગરની નજીક આવેલા રાણીપ વિસ્તારની મુલાકાત લે તો તેને જરૂર આશ્ચર્ય થાય. ત્યાંની બહુમતી વસ્તી મેહોણા’ (મહેસાણા) ના પટેલોની અને દિવાળી કરવા તે બધા જ ઘીરે’ (ઘરે) ગયા હોય. એટલે એ અજાણી વ્યક્તિને તો તે વિસ્તાર સાવ ખાલી-ખાલી લાગે અને તે એમ માની બેસે કે રેસિડેન્ટ ઇવીલજેવો કોઈ સૂક્ષ્મ જીવાણું આ વિસ્તારને ભરખી ગયો લાગે છે. અમારી ગલીમાં પણ આ સમયગાળો કંઈ અલગ નહોતો. ભલે અમારે ત્યાં પટેલ બહુમતી નહોતી પણ વેકેશન દરમ્યાન તો મોટાભાગના લોકો તેમના વતનમાં જ હોય અને વતન નહિ તો કાકા-મામા-માસી-ફઇ એમ ક્યાંકને ક્યાંક ગયા હોય. સંજુ પણ પટેલ એટલે તે પણ અડધું વેકેશન ગાયબ જ હોય.
મારો જન્મ ભલે સાવરકુંડલામાં થયો પણ હું તો મારી જાતને અસલ અમદાવાદી માનું કારણ કે પપ્પા પણ આ જ શહેરમાં ઊછર્યા છે અને મમ્મી પણ. અને અમારે પાછું કોઈ ગામ નહિ કે જેને અમે વતન તરીકે ઓળખીએ. મારુ વતન તો અમદાવાદ અને વેકેશન આ કારણસર કંટાળાજનક બની જવાની સંભાવના ખરી પણ તે નહોતું બનતું. તેનું કારણ એટલે ઉમરાળા. જોકે દિવાળીનું વેકેશન તો સાવ નાનકડું જ હોય અને તે તો દિવાળી ગૃહકાર્ય અને દિવાળીની ઉજવણીમાં જ વીતી જાય પણ ઉનાળાનું લાંબુ વેકેશન અમે ઉમરાળામાં આનંદપૂર્વક પસાર કરતા.
ઉમરાળા એટલે ભાવનગર જીલ્લાનો નાનકડો તાલુકો અને શબ્દશઃ ખોબા જેવડું ગામ. ત્યાં મમ્મીએ ૧૭ વર્ષ તાલુકા પંચાયતમાં નોકરી કરી અને અમે ત્યાં ઘણા યાદગાર વેકેશન ગાળ્યા છે. હજી પણ હું ને બેન ઉમરાળાને ખૂબ લાગણીથી યાદ કરીએ છીએ. અને તેની તો એટલી બધી યાદો છે કે જો માત્ર તેના વિષે લખવાનું હોયને તો પણ એક આખું અલગ પુસ્તક રચાય.
આમ તો અમને બંને ભાઈ-બહેનને સવારે વહેલા ઉઠવાનું ગમે નહિ અને વેકેશનમાં તો ખાસ. પણ જ્યારે ઉમરાળા જવાનું હોય ત્યારે સવારે ત્રણ વાગે મમ્મીના એક જ અવાજે અમે બંને જણા ઉઠી જઈએ એટલો બધો ઉત્સાહ હોય અમારો. અમારા કપડા, રમતો, પુસ્તકો અને નાસ્તો તો આગલે દિવસે જ મમ્મીએ ભરી લીધા હોય એટલે વહેલા સવારે તૈયાર થઈને અમે સાડાચાર વાગ્યે તો એસ. ટી. સ્ટેન્ડ પહોંચી ગયા હોઈએ અને બસ પકડીને બપોરે બાર વાગ્યાની આસપાસ તો ઉમરાળા પહોચી પણ જઈએ. ખોડિયાર આઇસ્ક્રીમની જાહેરાતો ચીતરેલું તેનું લાક્ષણિક ગ્રામ્ય બસ સ્ટેન્ડ પણ હજી મારી આંખોની સામે તરે છે.
ક્યારેય એ વાતાવરણમાં ઉતાવળ કે રઘવાટ જોયો નથી. ગ્રામ્ય જીવનની, શહેરમાં અલભ્ય એવી, મંથર ગતિ, લીલોતરી સભર પ્રદૂષણ રહિત વાતાવરણ અને શુધ્ધ આહાર એ તો અમને ગમતાં જ પણ એથી ય વધારે ગમતું મમ્મીનું નિરંતર સાંનિધ્ય. વર્ષના એ બે મહિના જ મમ્મી સતત આંખોની સામે રહેતી અને તેને પણ બે મહિના અમારી બધી જીદ પૂરી કરવાનો મોકો મળતો. માત્ર એક જ ખચકાટ રહેતો કે પપ્પા એકલા પડી ગયા પણ તેઓ અમારા આનંદ માટે આ પરિસ્થિતિ નભાવી લેતા. દર અઠવાડિએ તેઓ ટપાલ લખતા અને અમે તેની રાહ જોતા. જોકે બે મહિના દરમિયાન તેઓ એકાદ અઠવાડિયા જેટલો સમય ઉમરાળા રહેવા આવતા ત્યારે સંપૂર્ણ પરિવાર સાથે હોવાનો ખૂબ આનંદ થતો.
ગામ એટલું નાનું કે જ્યારે સાંજે મમ્મી નોકરી પછી ઘરે આવે અને અમે ફરવા નીકળીએ ત્યારે તે આખા ગામના રહેણાંક વિસ્તારનો આંટો અડધો કલાકમાં મરાઈ જાય. ગામને પાદરે આવેલ કાળુભાર નદીનો સૂકો પટ અને બાંધ પણ અમારા માટે રોજનું આકર્ષણ રહેતું. વિકાસ હજી વધારે નહોતો. કોઈએ બ્રેડ કે પાણીપુરી જોયા નહોતા અને ભાજીપાંઉ ખાવા હોય તોય છેક ભાવનગર જવું પડે. વસ્તી પણ એટલી પાંખી કે ગામના સરપંચ હોય કે સરકારી હોસ્પિટલનો ડોકટર હોય કે બસ સ્ટેન્ડે બેસતો મોચી હોય, બધા જ મમ્મીને ઓળખે અને બધા જ તેને માન આપે કારણ કે તેમના માટે એ જમાનામાં ઘરથી દૂર રહીને એકલા હાથે સરકારી નોકરી કરનાર સ્ત્રી એક મોટી વાત હતી.
ત્યાં અમારો દૈનિક કાર્યક્રમ આ પ્રમાણે રહેતો. હું કદી વહેલો ઉઠતો નહિ. બેન પણ તેના નિયમિત સમય કરતા મોડી ઉઠતી. મમ્મી ઓફિસે જતા પહેલા અમને ઉઠાડતી અને અમે નહાતા-ધોતાં અને ખાતા તે પછી તે ઓફિસે જતી. ઓફિસ પણ ઘરની સામે જ. ઘર એટલે આમ તો એક ઓરડો જ પણ અમારા ત્રણેય માટે તે પૂરતો હતો. પછી અમે અમારી મરજીના માલિક. ઈચ્છા થાય તો મમ્મીની ઓફિસે જવાનું અને તેના ટેબલની બાજુમાં ખુરસી લઈને બેસવાનું. કોઈ અમને રોકે-ટોકે નહિ. અમે તો શેરના ભાણાભાઈખરાને! મમ્મીને બધા બેન કહે અને અમને ભાણી-ભાણિયા ગણે. કંઈ નહિ તો છેવટે અમે વોટર કૂલરનું ઠંડુ પાણી ભરવા તો જરૂર ઓફિસે જઈએ. શહેરવાળાને માટલાનું પાણી થોડું ફાવે? જો ઓફિસે ન જઈએ તો ઘરમાં રમતો રમીએ અથવા તો ઝાડ પરથી બદામ તોડવા જઈએ નહિતર ગરમાળાના ખાટા ફૂલ ખાવા જઈએ. અને કંઈ ન હોય તો છેવટે ભાઈ-બહેન ઝગડા કરીએ. પણ જેવો તડકો ઓછો થાય કે અમે રમવા બહાર નીકળી જઈએ. ત્યાં ફાવે તે રમવાનું. આજુ-બાજુ રહેતા ઘણા છોકરા-છોકરીઓ હોય જે અમારી સાથે રમવા તત્પર હોય અને તેમની સામે અમદાવાદની ડિંગો મારવા અમે તત્પર હોઈએ. ત્યાંના મારા મિત્રોમાં મને બે મિત્રો ખાસ યાદ છે. એક તો મમ્મીના વરિષ્ઠ સહકાર્યકર મકવાણાદાદાનો પુત્ર જીતુ જે ઉંમરમાં મારી બેન જેટલો હતો અને બીજો હતો મકાનમાલિક કાળુભાઈનો સૌથી નાનો પુત્ર મહેશ જેને ઘરમાં બધા ઘૂઘો કહેતા. અમે બધા- હું, બે, જીતુ ને ઘૂઘો- ખાસ તો નવો વેપાર રમતા અને તે લગભગ આખું વેકેશન ચલાવતા.
મમ્મીનું કામ હતું આખા તાલુકામાં ચાલતી આંગણવાડીઓની તપાસ કરવાનું. માટે તેને જ્યારે આવી મુલાકાતોએ જવાનું હોય ત્યારે ત્યારે અમે પણ તેની સાથે જતા. ધોળા, બરવાળા, રંઘોળા, લંગાળા, ચોગઠ, સણોસરા, દડવા જેવા કેટલાય ગામોની મુલાકાત અમે લેતા અને આંગણવાડી ચલાવતી બહેનો અને તેમનો પરિવાર અમારી ખૂબ લાગણીસભર કે ગણતરીસભર આગતા-સ્વાગતા કરતો. તે વખતે પરિવહનના સરળ સાધનો ઉપલબ્ધ નહોતા માટે ઘણીવાર અમારે ખુલ્લા છકડા કે ટેમ્પા કે જીપમાં મુસાફરી કરવી પડતી જે અમને રોમાંચક લાગતી.
ઉમરાળામાં સોંઘવારી પણ હતી. પચીસ પૈસામાં લીબુંસોડા અને પચાસ પૈસામાં મસાલા સોડા મળે. અમે લગભગ રોજ સાંજે સોડા પીવા જતા. દૂધકેન્દ્રમાં સવારે જે માખણસભર છાસ મફતમાં મળતી તે આખા અમદાવાદમાં પૈસા ખરચીને પણ મળે નહિ. અને ખેડૂ-પરિવારોએ ઘરે બનાવેલી છાસ તો તેઓ સામેથી આગ્રહ કરીને આપતા. અમારી નજર સામે જ દોહેલું ગાયનું દૂધ પણ લાવવામાં આવતું. પચાસ પૈસામાં લીલા રંગની મધ જેવી ગળી ટેટી મળતી જેને તેઓ મધુરી કહેતા. મમ્મી જોડે જો આંગણવાડીની મુલાકાતે ગયા હોઈએ અને ચાલવાનું હોય તો ખેતરો અને વાડીઓમાંથી લીલા મરચા અને બોર તોડ્યાનું પણ યાદ છે. પચાસ પૈસામાં આઈસ્ક્રીમના કોન મળતા અને અમે બે-બે કોન ખાઈ જતા. ઓરેંજની ખાટી-મીઠી મોટા કદની ગોળીઓને તેઓ ટીકડા કહેતા. સરકારી નોકરિયાતો માટે જ બનાવેલ પથિકાશ્રમ, તેનું વિશાળ નદીની કાંકરીઓ પાથરેલું પટાંગણ અને તેના એક ખૂણે મૂકેલી એક મોટા ખંડ જેટલા કદની વિશાળ સિન્ટેક્ષની વીસ-પચીસ ટાંકીઓ એ બધું જાણે કે અમારા વેકેશનનો એક અભિન્ન હિસ્સો હતા. અમારી કોઈ માંગણી અધૂરી રહેતી નહિ અને મમ્મીનો પ્રેમ સતત વહેતો રહેતો.
આ બે મહિનામાં ચાર કાર્યક્રમ તો નક્કી જ હોય. એક તો અમે ભાવનગરની મુલાકાતે જતા જ્યાં ભરપેટ આઈસ્ક્રીમ ખાવાનો, પુસ્તકો, રમકડા અને રમતો ખરીદવાની. બીજુ હતું ધોળા ગામની મુલાકાત. તેના આંગણવાડી કાર્યકર બહેન ઈન્દ્રા બા અને તેમના પરિવાર સાથે અમને ભાઈ-બહેનને બહુ ગમતું અને ત્યાં જઈએ એટલે પત્તાની એક રમત ઠોંસો તો બધા સાથે બેસીને અચૂક રમતા. ત્રીજુ, ઉમરાળાથી પચીસ-ત્રીસ કિલોમીટર દૂર આવેલ રાજપરા ખોડિયાર મંદિરે પણ અમે પ્રતિવર્ષ જતા. મંદિરની આસપાસ આવેલી ટેકરીઓ અને એક પાણીસભર ઝરો અને આસપાસ ફેલાયેલું ઝાડી-ઝાખરાઓનું ગીચ વન જેવું વાતાવરણ અત્યંત આહ્લાદક અને રમ્ય લાગતું. અને ચોથું, દડવાની વાવમાં બિરાજમાન માતાજીના દર્શને પણ એકવાર તો જવાનું બનતું. મને હંમેશા તે વાવમાં પડી જવાની બીક લાગતી. મને એમ પણ થતું કે આ પૂજારી અહિ કેવી રીતે આટલો બધો સમય રહેતો હશે? ઉપરાંત અમે સાવચેતી રાખીએ માટે મમ્મી અમને કાયમ બિવડાવતી કે રાજપરા ખોડિયારનો ઝરો અને આ વાવ દર વર્ષે એક વ્યક્તિનો ભોગ લે છે માટે મારો ડર બેવડાતો.
આ ઉમરાળામાં જ મને જીવનના બે અગત્યના પાઠ પણ શીખવા મળ્યા હતા. ત્યાં જતાની સાથે હું ગુરુતાગ્રંથિ અનુભવતો. એક તો મમ્મી સરકારી નોકરિયાત માટે અમને આપો-આપ ત્યાંના લઘુમતીમાં આવતા શિક્ષિત ઉચ્ચવર્ગમાં પ્રવેશ મળતો. પાછો ગામડામાં શહેરથી આવ્યાનો ફાંકો પણ ખરો. અને એ સરળલોકોની સરળતા પણ એટલી કે અમને ભાણાભાઈ કે ભાણીબેન જેવા માનવાચક સંબોધન જ કરે. માટે હું જમીનથી થોડોક ઊપર ચાલું, શેર બનીને ફરું, તેમાં નવાઈ ખરી? વળી અમદાવાદમાં કેટલાક કામ (જેમકે ઝઘડા કે મારામારી) હું સરળતાથી કરી શકતો પણ અહિં મમ્મીનું માન-પાન એટલું કે તેને સાચવવા માટે પણ મારે આવું બધુ ન થાય તેનું ધ્યાન રાખવું પડતું.
ઉનાળો ત્યાંના ખેડૂતો માટે પાકની લલણી અને તેને વગે કરવાની ૠતુ ગણાય. મને પણ બધાની જોડે ખેતરોમાં આ બધા કામ કરવા માટે કે જોવા માટે દોડી જવાનું મન થતું પણ આવું કામ તે કંઈ શહેર વાળા કરતા હશે?’ એવા વિચાર સાથે હું જતો નહિ. એક દિવસ એવા સમાચાર મળ્યા કે ફલાણાભાઈના ઘરે મગફળીનો પાક ઊતર્યો છે અને મારા મિત્રો ફીફાં ફોડવાના કામે ત્યાં જાય છે. મતલબ કે તેઓ તે મગફળી ફોલીને તેમાંથી દાણા કાઢવા જાય છે અને તેઓને એક તગારું ભરીને ફીફા ફોડવાના પચાસ પૈસા મળે. મે કે બેને કોઈ દિવસ ખેતીવાડીને લગતું આવું કોઈ કામ કર્યુ નહોતું અને અમને બંનેને ખૂબ જ જિજ્ઞાષા થઈ. પહેલા તો વિચાર આવ્યો કે અમારાથી આવા કામે જવાય? મમ્મીનું કેવું લાગે? પણ બધા મિત્રો વાતો કરતા હતા કે મજા આવે તેવું સહેલું કામ છે અને પૈસા પણ મળશે. માટે બીજા દિવસે મમ્મી ઓફિસે ગઈ પછી તેની જાણ બહાર હું અને બેન તે કામ કરવા પહોચી ગયા. જોયું તો ત્યાં ઘણા છોકરા-છોકરીઓ એક હાથે મોઢામાં મગફળી નાખીને ફોડતા અને તે દરમિયાન બીજા હાથે પહેલા ફોડેલી મગફળીમાંથી દાણા કાઢતાં અને સરકસમાં બે હાથ વડે ત્રણ-ચાર દડા ઊછાળતા જાદુગરની જેમ ઝડપથી તેમનું તગારું ખાલી કરતા હતા. અમે પણ એક તગારું લીધું અને તેમની જેમ મગફળીના દાણા કાઢવાનો પ્રયત્ન કર્યો પણ અમને તેમ આવડ્યું નહિ. આ જોઈને તેઓ હસ્યા પણ કોઈએ અમારી મજાક ઉડાવી નહિ કે ન તો કોઈના ચહેરા પર અમારાથી ચડિયાતા હોવાના ગુરુતાના ભાવ દેખાયા. ઊલટાનું અમને તેમાંના કોઈએ બીજી સરળ પણ ઓછી ઝડપી રીત બતાવી અને અમે તેમ કરવા લાગ્યા. તેઓ બે તગારા ખાલી કરે ત્યારે અમે ભાઈ-બહેન થઈને માંડ એક તગારું ખાલી કરી શકતા હતા. તે વખતે મને સમજાયું કે દરેક શેર પર સવાશેર હોય જ છે માટે ગુરુતાનો ભાવ નિરર્થક છે.
બીજી વાત એવી બની કે સાંજે કામ પત્યા પછી અમને પૈસા મળ્યા અને ઘરે જતા રસ્તામાં મને વિચાર આવ્યો કે મમ્મી પૂછશે કે આ પૈસા ક્યાંથી આવ્યા તો અમે શું જવાબ આપીશું? તેને કહ્યું તો નથી કે અમે આવુંકામ કરવા જવાના છીએ. માટે ઘરે જતા રસ્તામાં આવતા પથિકાશ્રમની દિવાલમાં પડતી એક ખાંચમાં મે તે પૈસા નાખી દીધા. મમ્મીને છેવટે ખબર તો પડી જ કે અમે આવુંદાડીયું કરવા ગયા હતા પણ તે ગુસ્સે ન થઈ. જો કે જ્યારે તેને મારા અભિગમની ખબર પડી કે હું શું વિચારતો હતો અને મે પૈસાનું શું કર્યું છે ત્યારે તે જરૂર ગુસ્સે થઈ હતી. તેણે મને સમજાવ્યું કે કોઈ કામ નાનુ કે મોટુ નથી હોતું. આ દુનિયામાં તમામ પ્રકારના કામની જરૂરત સમાન જ છે અને કામ કરીને પૈસા કમાવા તે શરમ નહિ પણ ગર્વની વાત છે. છેવટે મકવાણાદાદાના જીતુએ એ પૈસા પથિકાશ્રમની દિવાલની ખાંચમાંથી અમને કાઢી આપ્યા અને અમે તે મમ્મીને આપ્યા.
લંડનમાં જ્યારે હું આવ્યો ત્યારે શરૂઆતનો સંઘર્ષમય સમય પસાર કરવા મે ઘણા એવા પરચૂરણ કામ કર્યા છે જેણે મને અહિ ટકવામાં મદદ કરી અને તે દરેક વખતે મમ્મીએ ભણાવેલ તે પાઠ મારો પથદર્શક બની રહેલ છે. બાળપણનું ઘડતર એ ખરેખર જીવનભરનું ભાથું છે.

માર્ચ 20, 2011

ઘુવડની દીકરીના લગ્ન

એક વાર એક ઘુવડને તેની ઉંમરલાયક પુત્રી જોઈને ચિંતા થવા લાગી. માટે તેણે સઘન તપાસને અંતે દૂરના એક ગામના સ્મશાનની પીપળી પર વસતા અન્ય એક ઘુવડ કુટુંબના કુલદીપક સાથે પોતાની પુત્રીની વાત ચલાવી. છોકરા-છોકરીની મુલાકાત સફળ રહી અને બંન્નેએ એકબીજાને પસંદ કર્યા. હવે વાત રહી વડીલો અને તેમના વહેવારની.

કન્યાના પિતાએ કહ્યું, ‘જ્યારે મારી છોકરીને તમારો દીકરો અને ઘર બંને પસંદ છે ત્યારે મારે કશુંય કહેવાનું રહેતું નથી. તમે ફરમાવો,’

મારે તો શું કહેવાનું હોયછોકરાના પિતાએ કહ્યું, ‘મારી પાસે તો સર્વશક્તિમાનની દયાથી બધું છે. પણ તમારે તમારી પુત્રીની સુખાકારી માટે થોડુંક આપવું પડશે.’

ફરમાવો.’ કન્યાના પિતાએ અધીરતાથી કહ્યું.

મારે તો કંઈ જોઈતું નથીછોકરાના પિતાએ વાતમાં મોણ નાખતા કહ્યું, ‘પણ તમારી પુત્રીની સુખાકારી માટે તમારે ૧૦૦ જ્જડ ગામ આપવા પડશે જેથી તેઓ ખાઈ-પીને મજા કરી શકે.’

પુત્રીના પિતા થોડીક ક્ષણો માટે ચિંતિ બની ગયા અને પછી તેણે પ્રાર્થના કરી, ‘હે સર્વશક્તિમાન, અમારા રાજાને એક વર્ષ વધું જીવાડજે.’

(કૉલેજકાળ દરમિયાન અમારા અંગ્રેજીના બહુશ્રુત અધ્યાપક શ્રી અનંત શુક્લ અમને Leo Tolstoy ની વાર્તા કહી સંભળાવી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે Leo Tolstoy નો ચ્ચારલૅવ ટોલ્સટોય’. અત્યારે જ્યારે કોંગ્રેસના કઠપૂતળી વડાપ્રધાન હેઠળ જાત-જાતના કૌભાંડ બહાર આવી રહ્યાં છે ત્યારે વાત યાદ આવી ગઈ. સાથે-સાથે  પેલી પંક્તિઓ પણ યાદ આવીઃ

बरबाद गुलिस्तान करने को बस एक ही उल्लु काफी है;
अन्जाम--गुलिस्तान क्या होगा, हर शाख पे उल्लु बैठा है।)