તાજેતરની પોસ્ટસ

ફેબ્રુઆરી 27, 2011

યુ.કે. બાઇટ્સઃ આ વખતનો વર્લ્ડ-કપ


આ વખતનો વર્લ્ડ-કપ મારા માટે અલગ છે. છેલ્લા વર્લ્ડ-કપ વખતે હું અતિ-વ્યસ્ત હતો માટે એક પણ મેચ જોઈ નહોતી (સારુ થયું.) પણ આ વખતે આપણી મોટા ભાગની મેચ વીક-એન્ડમાં છે અને હું ત્યારે ઘરે જ હોઉં છું. ઉપરાંત ઇન્ટરનેટ પર સ્ટ્રીમીંગ પણ સરળતાથી જોવા મળી જાય છે.


                  બીજી નવી વાત એ છે કે અત્યારે હું જ્યાં કામ કરુ છું ત્યાં ભારતીય ઉપરાંત બાંગ્લાદેશી, પાકિસ્તાની, શ્રીલંકન, વેસ્ટ-ઇન્ડિયન, કેન્યન, ઇંગ્લિશ અને આઈરીશ વ્યક્તિઓ પણ છે. માટે ત્યાં પહોચતા જ અલગ-અલગ દેશના સમર્થક સાથે વાતો કરવાનો મોકો મળે છે અને નવી-નવી વાતો જાણવા મળે છે. બાંગ્લાદેશી મિત્રો આ વખતે ખૂબ ઉત્સાહમાં છે અને તેમને પૂરો વિશ્વાસ છે કે તેમનો દેશ બીજા-તબક્કામાં તો જરૂર પહોચશે. પાકિસ્તાની મિત્રોની વાતો લાક્ષણિક હોય છે. જીતે તો ‘અચ્છા ખેલેઅને હાર્યા તો ‘મેચ ફિક્ષ હૈ!’. મતલબ કે તેમને બુકી સિવાય કોઈ ટીમ હરાવી શકે નહિ! શ્રીલંકનો ભાગ્યે જ તેમના દેશની ટીમ માટે સારુ બોલે છે કારણ કે તેઓ તમિલ છે અને ટીમના મોટા ભાગના ખેલાડીઓ સિંહાલી છે. વેસ્ટ-ઇન્ડિયન અને કેન્યન મિત્રો તેમની ટીમના પ્રદર્શનથી નિરાશ છે અને કદાચ આ પેઢીને ક્રિકેટમાં તેટલો રસ નથી. ઇંગ્લિશ મિત્રોનું પણ એવું જ છે. તેમને ફૂટબોલમાં છે તેનાથી દસમાં ભાગનો પણ રસ ક્રિકેટમાં નથી. આઈરીશ મિત્રને તો એ પણ ખબર નહોતી કે તેમની આંતરરાષ્ટ્રીય સ્તરની એક ક્રિકેટ-ટીમ છે અને તેઓ આ વર્લ્ડ-કપમાં રમવાના છે. જ્યારે એક ઈટાલીયન મિત્રને તો ક્રિકેટ જોઈને નવાઈ લાગી હતી કે ‘આ રમત તો વિચિત્ર છે. કંઈ ખબર જ નથી પડતીને!’ 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.