તાજેતરની પોસ્ટસ

ફેબ્રુઆરી 23, 2011

પ્રકરણ ૬. બીજા માળે રંગપૂરણીમાં ગબ્બો


જ્યારે હું ચોથા ધોરણમાં આવ્યો ત્યારે મમ્મી-પપ્પાએ અમારા ઘરની ઊપર માળ ચણવાનું નક્કી કર્યું. અત્યાર સુધી તો અમને અમારા ઘરની વચ્ચે આવેલો નાનકડો ખંડ અભ્યાસ માટે ફાળવવામાં આવ્યો હતો. ઊપરના માળે એક મોટો ખંડ અમારા બંને ભાઈ-બહેનના અભ્યાસ માટે જ અલાયદો રાખવામાં આવશે તેવું સાંભળીને અમને ખૂબ ખુશી થઈ હતી.
મારા બાની ઉંમર હવે વર્તાતી હતી. તેમની આદત હતી કે રોજ સવારે ગાયને રોટલી ખવડાવવી. જો બા થોડા મોડા પડે તો ગાય આવીને ઘરનો ઝાંપો ખખડાવે. પણ આ કારણસર બે વખત ગાયે તેમને શીંગડું મારીને પાડ્યા પણ હતા અને તેમને ફ્રેકચર થયુ હતું અને બંને વખત માંદગી લાંબી ચાલી હતી. કદાચ તે ગાય રોજ આવતી નહિ પણ બીજી હશે અથવા તે ગાય અને બીજી ગાય વચ્ચે ખાવા માટે સંઘર્ષ થયો હશે પણ તેનો ભોગ મારા બા એ બનવું પડ્યું હતું. આ પછી પણ તેમણે પોતાનો ક્રમ છોડ્યો નહિ છતાં તેમના ચાલવામાં, ઉઠવા-બેસવામાં તેમેને તકલીફ પડતી.
જ્યારે ઊપરના માળનું બાંધકામ પૂરૂ થયું ત્યારે તેઓ અનહદ ખુશી અનુભવતાં હતા. શૂન્યમાંથી સર્જન કરીને પુત્રએ માને બે માળનું ઘર બાંધી આપ્યું તેની ખુશી કઈ માને ન હોય? તેઓ ખૂબ શ્રમ સાથે સીડી ચડીને ઊપર આવ્યા હતા અને ઊપરના માળે ઓસરીમાં લગાવેલ હીંચકામાં બેઠા હતા. અને અમે બંને ભાઈ-બહેન પણ ખુશ હતા કારણકે અમને ભણવા માટે એક અલાયદો ખંડ મળ્યો હતો અને બંને માટે થોડા સમય બાદ નવા ટેબલ પણ બનાવડાવામાં આવ્યા હતા. જો કે તેનાથી અભ્યાસમાં કેટલો ફાયદો થયો હશે તે તો કોણ જાણે, પણ અમને બંનેને મમ્મી-પપ્પાની નજરથી દૂર ધમાલ-મસ્તી કરવા માટે જાણે કે મોકળાશ મળી ગઈ હતી. મને યાદ છે ત્યાં સુધી મારા બા સ્વર્ગવાસી થયા તે પહેલા માત્ર ત્રણ વાર જ ઊપરના માળે આવ્યા હતા. એક વાર તો ઊપર જણાવ્યા મુજબ, બીજી વાર તેમની બહેનની સાથે તેમને ઘર બતાવવા અને ત્રીજી વાર મને અને મારા પરમ મિત્ર સંજયને ટોકવા માટે.
હા, અત્યાર સુધીમાં શાળામાં ઘણા મિત્રો બની ગયા હતા પણ તેમાંથી સંજય અને કિશોર સાથે ખાસ મિત્રતા થઈ હતી. જોકે કિશોરને મમ્મી ઉપરાંત બે મોટી બહેનો પણ હતી જે તે સમયે કદાચ કૉલેજમાં હતી. માટે તેને ઘણા બંધનો રહેતા. જ્યારે હું અને સંજય આઝાદ પંખીની જેમ રહી શકતા. આ વર્ષે અમારા વર્ગ શિક્ષિકાનું નામ શ્રીમતી લલિતા બહેન હતું. તેઓ સ્વભાવે થોડાક કડક હતા. માટે ચિત્ર એવું બનતું હતું કે ગીતા બહેન જેવા પ્રેમાળ શિક્ષિકામાંથી શિસ્ત આગ્રહી લલિતા બહેન આવ્યા અને બંદા તો મિત્રોની સોબતમાં થોડાક વધારે બિન્દાસ બન્યા હતાં. આ વખતે ઘરે ખબર પહોંચાડનારા ગીતા બહેન નહિ માટે થોડીક વધારે મોકળાશ અનુભવાતી હતી. જો કે બેસવાનું હજુ પહેલી પાટલી પર જ હતું, પરંતુ આ વખતે વચ્ચેના વિભાગમાં નહિ પણ દરવાજા બાજુના વિભાગની પહેલી પાટલી પર બેસવાનું હતું માટે સતત શિક્ષકની નજરમાં આવતા નહિ અને તોફાન-મસ્તી થોડા વધી ગયા.
એક વખત અમને છેલ્લા તાસમાં સમય પસાર કરવા કોઈ કવિતા કે ગીત ગવડાવતા હતા. તે દરમિયાન વર્ગની બારી બાજુના વિભાગમાં ગડબડ થઈ માટે લલિતા બહેન તે બાજુ ગયા. અને અમારી બાજુ પર તેમની બિલકુલ નજર રહી નહિ. અમે તો આવો મોકો જ શોધતા હતા. જેવી તેમની નજર ફરી કે અમે ગીતના સૂર અને તાલનો ત્યાગ કર્યો. જાણે કે વિદેશી માલનો બહિષ્કાર કરીને સ્વદેશીની ગાંધીજીની ચળવળમાં જોડાયા હોઈએ તેમ અમે અમારા પોતાના સૂરતાલને અપનાવ્યા અને રીતસરની બૂમો પાડવા લાગ્યા. પછી લલિતા બહેનનો ગુસ્સો કાબુ બહાર ગયો અને પહેલી પાટલી પર બેસનારો એવો ભોળોબાળક હું ઝડપાઈ ગયો. આમ તો ગુનેગારો ને તેમની પાટલીએથી વર્ગની વચ્ચે અદાલતમાં બોલાવવામાં આવતા અને લોકશાહીની પદ્ધતિ પ્રમાણે તેમને પોતાના બચાવનો મોકો આપવામાં આવતો અને પછી જ શિક્ષા કરવામાં આવતી પણ આ વખતે તેઓ એટલા ગુસ્સે થયા હતા કે તેમણે સરમુખત્યારશાહી જ અપનાવી અને કોઈ પણ કેસ ચલાવ્યા વિના શૂટ એટ સાઇટની જેમ મને ત્યાં જ માર્યો. મને માર પડ્યાની માનહાનિ તો લાગી પણ મને મારા બચાવનો મોકો ન મળ્યો તેનો ગુસ્સો વધારે આવ્યો. માટે શાળા છૂટ્યા બાદ હુ ઘરે ગુસ્સાપૂર્વક ગયો અને તે દિવસે પપ્પા વહેલા આવી ગયા હતા તે જોઈને મને પહેલીવારખુશી થઈ. તેમની આગળ મે એવી રીતે વાત રજૂ કરી કે જાણે મારો કોઈ વાંક જ નથી અને મને ખૂબ જ માર પડ્યો છે. તેમને આગ્રહ કરીને મારી શાળાએ ફરિયાદ કરવા માટે તૈયાર કર્યા. અમે જતા હતા અને રસ્તામાં જ ઘરે જઈ રહેલ લલિતાબહેન મળી ગયા. પપ્પાને ઈશારો કરીને મે કહ્યું કે પેલા જાય અમારા લલિતા બહેન. પણ તેમણે બે જ મિનિટમાં પપ્પાને સમજાવી દીધું કે તમારો સિક્કો ખોટો છે માટે નહિ ચાલે! લાંબા ગાળે આ અનુભવે મને સમજાવ્યું કે વકીલાત એ મારા રસની કારકિર્દી નથી!
જો કે મે જેમ આ ઘટનાથી એક બોધપાઠ લીધો, તેમ અમારા વર્ગ શિક્ષિકાએ પણ લીધો અને નક્કી કર્યું કે હવેથી છેલ્લા તાસમાં ગીતો ગવડાવવા નહિ, નહિતર આપણા ભારતદેશને હિમેશ રેશમિયા આટલો મોડો મળ્યો ન હોત! પછી અમને છેલ્લા તાસમાં અમારુ ગૃહકાર્ય કરવાનું કહેવામાં આવતું. ગૃહકાર્યમાં ઘડિયા અને અંગ્રેજીમાં શીખેલા નવા શબ્દો તો પાંચ વાર કે દસ વાર લખવાના હોય જ. આ ઉપરાંત નિયમિત વિષયોનું કામ પણ ખરૂ. પાછી અમને એવી લાલચ આપવામાં આવતી કે જે વહેલું ગૃહકાર્ય પૂરૂ કરશે તેને ઘરે તે કરવું નહિ પડે અને માટે તેમને રમવાનો સમય વધારે મળશે. અમારા માટે આટલી લાલચ બહુ થઈ પડતી. અમે જાણે એક-બીજાની સ્પર્ધા કરતા હોઈએ તેમ ખૂબ ઝડપથી લખવા માંડતા અને વાતો કે ધમાલ કરતા નહિ. આનાથી મને એક ફાયદો એ થયો કે મારી લેખનની ઝડપ અને અક્ષર બંને સુધર્યા અને ગૃહકાર્ય પૂરૂ કરવાનું વ્યસન થઈ પડ્યું. ઘણીવાર એવું બનતું કે ગૃહકાર્ય થોડુંક જ બાકી હોય અને અમે છૂટી જતા. અમારી શાળા છૂટે ત્યારે જાણે કે નિર્ણય નગરના મુખ્ય રસ્તા પર ચાલવાની જગ્યા રહેતી નહિ. મસ્તી કરતા-કરતા અમે ઘરે જવા નીકળતા ત્યારે મારા મનમાં એજ ચટપટી રહેતી કે ક્યારે ઘરે જઉં, ક્યારે મારૂ ગૃહકાર્ય પૂરૂ કરુ અને ક્યારે રમવા જઉં. ઘરે પહોચતા જ ઘરનો ઝાંપો ખોલીને હું મારા બૂટ કે ગણવેશ ઉતાર્યા વિના ઘરના ઉંબરામાં દફતર ખોલીને બેસી જતો અને ત્યાં જ બાકી રહેલું ગૃહકાર્ય પૂરૂ કરી નાખતો. પછી બધું ફટાફટ દફતરમાં ભરી, તેને પલંગમાં નાખી અને રમવા દોડી જતો.
આ વર્ષે એકવાર એવું બન્યું કે મમ્મીએ તેની વાર્ષિક રજાઓ પૂરી કરવા કે અન્ય કોઈ કારણસર બે અઠવાડિયાની રજા લીધી અને રોજ તે સવારે અને સાંજે દાળ-ભાત-શાક-રોટલી બનાવીને જમાડતી અને મને મજા પડી જતી. ખાસ કારણ તો એ કે મને રોજ મમ્મી ઘરે હોય તે જ આશ્ચર્યજનક લાગતું. પપ્પા સવારે જમતા તો નહિ પરંતું આ બધું જ ટિફિનમાં લઈ જતા અને હું તે જોઈ રહેતો. પપ્પાની નકલ તો કરવી જ પડે ને? બે-ત્રણ દિવસ બાદ મે મમ્મીને પૂછ્યું, ‘મમ્મી, હું સ્કૂલમાં ટિફિન લઈ જઉં?’ મમ્મી તો શું કરવા ના પાડે? બીજે જે દિવસે ચાર ડબ્બા વાળું ટિફિન ભરીને હું શાળામાં ગયો. ચાર તાસ સુધી રિસેસ ક્યારે પડે તેની જ રાહ જોતો રહ્યો. જેવી રિસેસ પડી અને બધા બહાર ગયા કે મે ટિફિન ખોલીને ઝપાટો બોલાવી દીધો. આખી પાટલી પર દાળ અને શાકની નિશાનીઓ પણ રહી ગઈ હતી. ત્રણ-ચાર દિવસ તો ચાલ્યું પણ પછી મારી બાજુમાં બેસતા છોકરાઓની મમ્મીઓ વારાફરતી ફરિયાદ લઈને આવવા લાગી કે તેમના છોકરાઓના ગણવેશ પર કોઈ વિદ્યાર્થી દાળ-શાક ઉડાડે છે. લલિતા બહેને તપાસ કરી અને બધાએ કહ્યું કે આ તો ચિરાગનું પરાક્રમ કારણ કે એ જ એકલો ટિફિન લાવે છે. બાકી બધા તો કોરો નાસ્તો લાવે છે.’ માટે મને સખત શબ્દોમાં ઠપકો આપવામાં આવ્યો અને જણાવવામાં આવ્યું કે જો મારે ટિફિન લાવવું હોય તો સાફ-સફાઈ પણ કરવી પડશે. મે હા પાડી પણ સાફ-સફાઈ કરી નહિ એટલે છેવટે બે અઠવાડિયા બાદ મારા ટિફિન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો.
હવે ધીરે-ધીરે લખોટીઓ રમતા આવડી ગઈ હતી. લખોટીમાં મને બે રમતો ખાસ યાદ છે. એક તો ઢૂંસ- જેને ઘણા ઢોસ પણ કહેતા. એક મોટું કૂંડાળુ કરી તેમાં નક્કી કરી હોય તેટલી બે કે પાંચ કે દસ લખોટીઓ વ્યકિતદીઠ લઈ ને સુંદર રીતે ગોઠવવામાં આવતી. પછી વારાફરતી તેમાંથી લખોટીઓ કાઢીને એક-બીજાને ટાંકીનેઆઉટકરીને છેલ્લે જે બચે તે બધી લખોટીઓ લઈ જતો. બીજાને આઉટ કરતા પહેલા કૂંડાળામાંથી એક લખોટી બહાર કાઢવી ફરજિયાત અને જો તેમ કરવા જતા કાઢનારની પોતાની લખોટી કૂંડાળામાં રહી જાય તો તે વ્યક્તિ ઢૂંસ થયેલી ગણાતી. ત્રણ પ્રકારની લખોટીઓ અમે આ રમતમાં વાપરતા. કૂંડાળામાં પૂરવા માટે સામાન્ય કદની લખોટી વપરાતી, કોઈને ટાંકવા માટે મોટો લખોટો કે અંટોવાપરતા અને જ્યારે આપણી લખોટીને કોઈ ટાંકવા આવે ત્યારે સાવ નાનકડા કદની પીંચીવાપરતા. બીજી રમત હતી એકી-બેકી. જમીનમાં નાનકડો ખાડો કરવામાં આવતો જેને ગબ્બો કહેતા. પછી દાવ પર લગાડવા માટે લખોટી નક્કી કરવામાં આવતી તે મુજબ બે જણા એકબીજાને લખોટી આપતા. પછી એક ખેલાડી તે બધી લખોટીઓ હાથમાં લઈને ગબ્બાથી દૂર ઉભો રહે અને બીજો એકી કે બેકી બોલે. પછી પહેલો ખેલાડી હાથમાંથી બધી લખોટીઓને ગબ્બા તરફ રગડાવે. ગબ્બામાં આવેલી લખોટીની સંખ્યા એકી છે કે બેકી અને કોણ શું બોલ્યું છે તેના પરથી વિજેતા નક્કી થાય.
મને આ ધોરણમાં પતંગ ચગાવતા પણ આવડી ગયા હતા. દીવાળી પતે અને અમારી ઉત્તરાયણ શરૂ થઈ જતી. કપાયેલા પતંગ પકડવા, દોરી લૂંટવી ને તેના લચ્છા મારવા કે પિલ્લા બનાવવા અને ફાટેલા પતંગને ગુંદર પટ્ટીથી સાંધવા, જે પતંગનો ઢઢ્ઢો તૂટી ગયો હોય તેને ઓપરેશનકરી ઊડવા લાયક બનાવવો, એક બાજુ નમતા પતંગને બીજી બાજું કંઈક બાંધીને સ્થિર કરવો, આપણા ઊડતા પતંગ વડે કપાયેલા પતંગને લપટાવવો, તુક્કલ (કે ટુક્ક્લ) ચગાવવી અને આવી કેટલી બધીનેટ પ્રેકટીસઅમે ઉત્તરાયણના બે દિવસ માટે કરતા. પતંગના થોડાક નામ પણ યાદ છેઃ ફૂદી, ચાંદેદાર, આંખેદાર, ઢાલ, બાબલો, ચીલ. દોરીઓના પણ વિવિધ પ્રકાર રહેતાઃ સાત તાર, સાકળ આઠ, નવ તાર, ગેંડા દોરી, કાચ પાયેલી. એક એકદમ પાતળી અને કાળા રંગની દોરી આવતી. તે કાળી રહેતી તેથી તેને બધા બળેલીદોરી કહેતા. થોડા મોટા થયા પછી ખબર પડી હતી કે તે બરેલીનામક સ્થળથી પ્રખ્યાત થયેલી દોરી હતી માટે તે બળેલી નહિ, બરેલી દોરી હતી.
દિવાળીનું પણ તેટલું જ આકર્ષણ રહેતું. દિવાળી વેકેશન પડે ત્રણ અઠવાડિયાનું. મારો ધ્યેય એ રહેતો કે પહેલા અઠવાડિયા દરમિયાન દિવાળી ઘરકામપતાવી નાખવું ને પછી બે અઠવાડિયા દરમિયાન જલસા કરવા. જેવું દિવાળી ઘરકામ પતે કે હું અને બેન ફટાકડાની યાદી બનાવવા બેસતા. દિવાળીની તૈયારી સ્વરૂપે ટીકડી અને રોલ તો આવી જ ગયા હોય. પછી અમે તારામંડળ, કોઠી, ચકરડી, લક્ષ્મી ટેટા, તાજ ટેટા, ૫૫૫ ના બોમ્બ, સૂતળી બોમ્બ, રોકેટ, સાપોલિયા, બપોરીયા, ભીંત ભડાકા એવી યાદી બનાવતાં અને તેની સામે તે કેટલા જોઈએ છે તેની સંખ્યા પણ લખતા. જ્યારે પપ્પા આ બધું લઈને આવે ત્યારે હું અને બેન તેના ભાગ પાડતા અને એકબીજાથી અલગ-અલગ જગ્યાએ તેને છુપાવી રાખતા. દિવાળીના પાંચ દિવસ દરમિયાન અમારી ગલીમાં રાત્રે એટલા બધા ફટાકડા ફૂટતા કે નીચે રહેલો ડામરનો રસ્તો દેખાતો નહિ. અતિશયોક્તિ નથી કરતો, પણ તે વખતે બધાને શિવાકાશીનું તે દારૂખાનું પોષાતું અને બધા જ ભરપેટ ફટાકડા ફોડતાં.
હવે મારો ઈતર વાંચનનો રસ વધ્યો હતો માટે અમારા માટે ફૂલવાડીસાપ્તાહિક બંધાવવામાં આવ્યું હતું. તે વખતે તેના છેલ્લા પાને ફ્લેશ ગોર્ડનની ચિત્રવાર્તા આવતી હતી અને વચ્ચેના પાને વેકેશન દરમિયાન રંગપૂરણીની સ્પર્ધા આવતી. તેને કારણે મને ચિત્રો દોરવામાં પણ રસ પડ્યો હતો. મને યાદ છે કે એકવાર અમારે બંને ભાઈ-બહેનને તે રંગપૂરણી સ્પર્ધામાં ભાગ લેવો હતો માટે અમે તે અઠવાડિયે એકના બદલે બે ફૂલવાડી મંગાવી હતી અને બંને જણે તેમાં રંગો પૂરીને તેને પોસ્ટ કરી હતી. ઘણી વાર તેમાં વાર્તા એક કરતા વધારે અંકોમાં હપ્તાવાર છપાતી માટે અમે નવા અંકની આતુરતાપૂર્વક રાહ જોતા. આગળ જતા આજ શોખ મને નવલકથા વાંચન તરફ દોરી ગયો જે હજુ સુધી મને વળગેલ છે અને તેને માટે ફૂલવાડીને સલામ! આ ઉપરાંત મને મમ્મીએ અલીબાબા અને ચાલીસચોર’, ‘અલાદ્દીન અને જાદુઈ ચિરાગ’, ‘બાળ મહાભારતજેવા પુસ્તકો લાવી આપ્યા હતા જે મે ઘણી વાર વાંચ્યા છે.
ખરેખર બાળપણની જે આદતો પડે છે તે જીવનભર એક યા બીજી રીતે તમારી સાથે જ રહે છે માટે બાળઉછેર એક ભગીરથ કાર્ય છે તે મને હવે સમજાય છે.

1 ટિપ્પણી:

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.