તાજેતરની પોસ્ટસ

ફેબ્રુઆરી 18, 2011

પ્રકરણ ૫. ગીતાબહેન અને લટપટિયું


ત્રીજું ધોરણ મને બહુ સારી રીતે યાદ છે કારણ કે પ્રાથમિક શાળાનું તે મારુ સર્વોત્તમ વર્ષ હતું. ઉપરાંત આ વર્ષથી જ મને અભ્યાસની સાથે ઈતર વાંચનની ધૂન ચડી હતી અને અભ્યાસ મારા માટે આનંદદાયક બન્યો હતો. આ બધાનું કારણ હતું અમારા વર્ગશિક્ષિકા શ્રીમતી ગીતા બહેન.

અમારી ગલીના મિત્રોમાંથી બે ભાઈઓ હતા સુલભ અને સુલક્ષ. સુલભ મારાથી એક વર્ષ મોટો અને સુલક્ષ એક વર્ષ નાનો. એટલે સુલભ પાસેથી નવા ધોરણ વિષે જાણવા મળતું અને સુલક્ષ પર મોટા હોવાનો રોફ ઝાડવા મળતો. હું જ્યારે બીજા ધોરણમાં હતો ત્યારે સુલભ ત્રીજામાં અને તેના તે વખતના વર્ગશિક્ષિકા એ ગીતા બહેન જ હતા. સુલભના મમ્મી ઘરે નાનુ-મોટુ સીવણકામ કરતા અને ગીતા બહેન તેમને ત્યાં તેમની સાડીના ફોલ-ઇન્ટરલોક કરાવવા કે એવા જ કોઈ પરચૂરણ કામ માટે આવતા. પછી જ્યારે હું ત્રીજા ધોરણમાં આવ્યો, ત્યારે પણ એ ક્રમ ચાલુ જ રહ્યો હતો.

એક રવિવારની તડકાવાળી હૂંફાળી સવારે હું તડકામાં બેઠો-બેઠો કંઈક અભ્યાસ કરતો હતો, પપ્પા વર્તમાનપત્ર વાંચતાં હતા અને મમ્મી શાક સમારતી હતી ત્યારે તેઓ સુલભના ઘરેથી પાછા વળતા હતા અને મારી મમ્મી તેમને જોઈ ગઈ. મમ્મી શાળામાં આવતી-જતી રહેતી. તેથી તેને જાણ કે આજ મારા વર્ગશિક્ષિકા છે. તેણે ગીતા બહેનને ઘરમાં આમંત્ર્યા. તેમની ઊંચાઈ સરેરાશ ગુજરાતી સ્ત્રીઓ કરતા થોડીક ઓછી, શરીર સામાન્ય ભારે અને તેમના ઊપરના દાંત થોડાક લાંબા હતા માટે તે સમયે-કસમયે બહાર દેખાતા રહેતા. તેમને ઘરે બોલાવીને મમ્મીએ આગતા-સ્વાગતા કરી અને ઔપચારિક વાતો કરીને પછી તેઓ બે સામાન્ય સ્ત્રીઓની જેમ વાતો કરવા લાગ્યા.

તેમણે મમ્મીને તેમના આખા જીવનની વાત લાઘવમાં કહી જે આ પ્રમાણે હતી. તેમનો જન્મ અને લગ્ન મધ્યમવર્ગમાં થયો હતો અને ઘર-સંસારના બે છેડા મેળવવા માટે તેઓ આ શિક્ષિકાની નોકરી કરતા. માસિક ત્રણસો રૂપિયાના પગાર અને થોડાક ટ્યુશનની આવક અને તેમના પતિની આવકના સરવાળામાં તેમના બે બાળકો અને પતિ-પત્નિનો સંસાર એક નાનકડા ભાડાના ઘરમાં બહુ મુશ્કેલીપૂર્વક નભતો હતો.

પછી તો તેઓ અમારા ઘરે આવતા-જતા રહેતા અને એક-બે વાર તેમણે મમ્મી-પપ્પા જોડેથી થોડાક પૈસા પણ ઉધાર લીધા હતા (અને પાછા પણ આપ્યા હતા). આવા ઘરોબાને કારણે તેઓ વર્ગમાં મારી પર ખાસ ધ્યાન આપતા. લાગવગ નહિ પણ વિશેષ ધ્યાન. મતલબ કે બીજા કોઈ વાતો કરતા હોય તો ચાલી જાય પણ હું વાતો કરતો હોઉં, તો મને તેઓ અચૂક ટકોરે. ભણવામાં મારુ શત-પ્રતિશત ધ્યાન રહે તે વાત તેઓ ખાસ જોતા. અને હા, કંઈક મોઢે કરવા આપ્યું હોય કે ગૃહકાર્ય કર્યુ છે કે નહિ તેવી નાની-નાની બાબતોમાં તેઓ મારો અંગત ખ્યાલ રાખતા. પરિણામે હું અભ્યાસમાં અતિ-નિયમિત થઈ ગયો હતો અને તે નિયમિતતા મને હજુ સુધી કામ આવે છે. ઉપરાંત મારા વિષેની બધી વાતો તે મમ્મી-પપ્પાને કરતા.

આમ તો તે સમયે અંગ્રેજી વિષય પાંચમા કે આઠમા ધોરણથી આપવામાં આવતો, પરંતુ તે વર્ષે એક પ્રયોગની જેમ તેને અમારી શાળામાં ત્રીજા ધોરણથી શરૂ કરવામાં આવ્યો હતો અને ગીતા બહેને તે વિષયમાં પણ મારુ વિશેષ ધ્યાન આપ્યું હતું. પ્રથમ વાર્ષિક પરીક્ષામાં તેનું પેપર હતું ૯૦ મિનિટનું પણ હું માત્ર ૧૦ મિનિટમાં જ તે પૂરૂ કરી ઘરે પહોચી ગયો હતો અને મને ૫૦ માંથી ૪૮ ગુણ મળ્યા હતા. આ વાતની ખૂબ પ્રશસ્તિ થઈ હતી અને ત્યારથી અંગ્રેજી મારો પ્રિયતમ વિષય થઈ પડ્યો હતો. કોને ખબર હતી કે આજ વિષય ભવિષ્યમાં મને આજીવિકા આપવાનો હતો? આગળ જતા અંગ્રેજી વિષયના ટ્યુશન કરવાનો વ્યવસાય જ મે સ્વીકાર્યો હતો.

હું અમારી શાળાએ ચાલતો જતો કારણ કે તે ખૂબ નજીક હતી. પછી સાઇકલ મળી, લ્યુના લીધું અને બાઈક સુધી પહોચ્યો પણ તે ગીતા બહેન મને હંમેશા એ નિર્ણય નગરના મુખ્ય રસ્તા પર ચાલતા જોવા મળ્યા છે. ઘણી વાર તેમને જય શ્રી કૃષ્ણકહેવા હું અટકતો અને તેમના મુખ પર તેમના વિદ્યાર્થીને આગળ વધ્યાનો સંતોષ અને આનંદ જોતો. તેમણે ક્યારેય પાછળ રહી જવાની ફરિયાદ કરી નથી. ભારતના ભવિષ્યના ઘડતરમાં આવા નિસ્વાર્થ શિક્ષકોનો કેટલો ફાળો છે તે વિષે કોઈ જ સંશોધન કરવું જરૂરી ખરૂ? દરેકના જીવનમાં આવા કોઈ ને કોઈ શિક્ષકનો અવિસ્મરણીય ફાળો જરૂર હશે.

તે વખતે અમને ઊંચાઈ પ્રમાણે વર્ગમાં બેસાડવામાં આવતા અને હજુ છોકરા-છોકરીઓને જોડે જ બેસાડવામાં આવતા. મને ગીતા બહેને વચ્ચેના વિભાગની પ્રથમ પાટલી પર બે છોકરીઓની વચ્ચે બેસાડ્યો હતો કારણ કે તે વખતે મારી ઊંચાઈ ખૂબ ઓછી હતી. માટે મને મારા મિત્રો છોકરી વચ્ચે છોકરો, બે પૈસાનો બોકડોએવું ખીજવતા હતા. મારી એક બાજુમાં અસ્મિતા નામની છોકરી બેસતી. ભણવામાં તે ખાસ હોશિયાર નહોતી પણ તેને હાથ-રૂમાલ અને કાગળની વિવિધ વસ્તુઓ બનાવતા આવડતી અને તે મને શીખવતી રહેતી અને બદલામાં હું તેને ગણિતના તાસમાં મારામાંથી દાખલાઓ જોવા દેતો.

પ્રાથમિક શાળા જીવનની રિસેસનો સમય ખાસ યાદ આવે છે. અમારે કુલ આઠ તાસ રહેતા. પ્રથમ બે તાસ પછી એક દસ મિનિટની નાની રિસેસ પડતી, ચાર તાસ પછી મોટી ત્રીસ મિનિટની રિસેસ પડતી અને છ તાસ પછી ફરી એક વાર દસ મિનિટની નાની રિસેસ પડતી. નાની બે રિસેસ તો શૌચાલયની મુલાકાતમાં જ વીતી જતી પરંતુ મોટી રિસેસમાં મજા પડતી. સૌ પહેલાતો બધા જ મિત્રો ગોળ કુંડાળું વળીને બધાના નાસ્તાના ડબ્બાની થપ્પી કરતા. પછી વારા-ફરતી એક-એક ડબ્બો ખૂલતો જાય અને બધા એક-એક મુઠ્ઠો ભરે તેટલામાં તે ડબ્બો ખાલી થઈ જાય. પછી બીજાનો વારો. તેમ સાથે મળીને નાસ્તો કરતા. પછી અમારી શાળાના વિશાળ મેદાનમાં દોડપકડ, થમ્સ-અપ કે સાકળ જેવી રમતો રમતા. છેલ્લે રિસેસ પૂરી થવામાં પાંચ મિનિટ બાકી હોય એટલે એક ચેતવણી આપતો ઘંટ વાગે. એટલે બધી રમતો બંધ થઈ જાય અને બધા દોડે પાણી પીવા. તે વખતે હેલ્થ એન્ડ હાઇજીનઆટલો મોટો મુદ્દો નહોતો. પછી શૌચાલયની મુલાકાત લઈને દોડતાં-દોડતાં શર્ટ કે ચડ્ડી પર હાથ લૂછતા-લૂછતા અમે વર્ગમાં અમારી જગ્યા એ ગોઠવાઈ જતા અને તે દરમિયાન રિસેસ પૂરી થયાનો ઘંટ પણ વાગતો. રિસેસ દરમિયાન કેટલાય ઝઘડા થતા, પડાતું, વાગતું અને છતાં તે ધમાલ-મસ્તી તો ચાલુ જ રહેતા.

અમારા પ્રાથમિક શિક્ષણમાં માત્ર બે જ સાહેબો આવ્યા હતાઃ એક તો સમાજવિદ્યાના શ્રી અશોકભાઈ અને ચિત્રના શ્રી શંકરભાઈ અને તે પણ પાંચમા ધોરણથી. ત્યાં સુધી તો આખું તંત્ર (પટાવાળાને બાદ કરતા) શિક્ષિકાઓ અને ઉપ-આચાર્યા કોકિલા બહેન દ્વારા જ ચાલતું માટે વાતાવરણમાં જરા લેડીઝ ટચ વધારે રહેતો. દર શુક્રવારે જે સ્પર્ધાઓનું આયોજન થતું તેમાં વાનગી સ્પર્ધા જાણે વિદ્યાર્થીઓ વચ્ચે નહિ પરંતુ શિક્ષિકાઓ વચ્ચે થતી. એક-બીજાની કાનાફૂસી પણ અમારી સામે જ ક્યારેક તેઓ કરી લેતા અને ગોરો કે રાંધણછઠમાં અમને ઘરે વહેલા જવા મળતું. આ વર્ષે પ્રથમવાર પરિણામ ૯૦% ની ઊપર ગયું હતું અને બીજો નંબર આવ્યો હતો.

હું બપોરે તડકામાં બહાર રખડપટ્ટી ન કરું અને ઘરમાં જ રહુ તે માટે મને મમ્મીએ એક વખત બે અતિસુંદર ચિત્રવાર્તાઓના પુસ્તક લાવી આપ્યાઃ એક હતું સિંદબાદની સાત સફર અને બીજું હતું બાળરામાયણ’. રામાયણની વાર્તાઓ તો બા અને મમ્મી પાસેથી ઘણી વાર સાંભળતો માટે મે શરૂઆત કરી હતી સિંદબાદથી. અને એજ દિવસે તે પુસ્તક પૂરૂ થઈ ગયું. એટલી તો મજા આવી કે તેને મે આઠ થી દસ વાર વાંચ્યું. બાળરામાયણમાં પણ તેમ જ થયું અને મને પહેલી વાર અહેસાસ થયો કે પુસ્તકોની દુનિયા કેટલી આનંદદાયક હોય છે. ત્યારથી તે આજ સુધી જીવનના દરેક તબક્કે પુસ્તકો મારા હ્રદયની સમીપ રહ્યાં છે અને તે બે ચિત્રકથાઓ મે આજ સુધી સાચવી રાખ્યા છે.

અમારી ગલીમાં પણ અમે નવી-નવી રમતો રમતા શીખ્યા હતા. છાપોને કે ચલચિત્રોના ફોટાને ઢગલાબાજીની જેમ કે ઉડાડીને રમવા, લંગસ લડાવવાને આવું ઘણું અમે શીખ્યા હતા. જોકે ચલચિત્રોના ફોટાની ઢગલાબાજીમાં હું હંમેશા હારતો. ખબર નહિ કેમ કે પણ મને ચહેરા યાદ રહેતા નહિ. પેલી ખારીકટ કેનાલની ઘટના પછી આ બન્યું હોય તો નવાઈ નહિ પરંતુ મને ચહેરા અને ખાસ કરીને સ્ત્રીઓના ચહેરા આજે પણ યાદ નથી રહેતા અને શબ્દોને હું તરત જ યાદ રાખી શકું પણ આંકડા યાદ કરવા મારા માટે એટલા જ મુશ્કેલ છે. એટલે હું એ ફોટાઓની રમતમાં હારી જ જતો અને તેમ છતાં પચીસ પૈસામાં પચીસ ફોટાનું એક આખુ પોસ્ટર મળતું માટે રમે રાખતા. છાપોમાં પણ બે વાત યાદ છે. અમે રમતમાંથી કપાસની છાપને પ્રતિબંધિત કરી હતી કારણે કે બધા જ પાસે તે અતિ વિપુલ માત્રામાં રહેતી અને તેને કારણે રમત લાંબી ચાલતી નહિ. એક વખતે જીગ્નેશ (રબડી) પાસે એક એવી છાપ આવી જેની પર અમિતાભની તસવીર હતી અને અમે બધા ખૂબ ઉત્તેજિત થઈ ગયા હતા. તેને મે તે એક છાપના બદલામાં મારી પાંચસો છાપ આપવાની વાત કરી હતી પણ તે નહોતો માન્યો.  લખોટીઓ રમવાની પણ મે શરૂઆત કરી હતી પણ હજી તે પાક્કી આવડતી નહિ.

અને હા, તે સાલ એક નવી રમત શોધાઈ હતી અથવા તો અમારી જાણમાં આવી હતી અને તે રમત એટલે લટપટિયું. બન્યું એવું કે ગલીમાંથી કોઈક તેના મામા કે માસી ના ઘરે રહેવા ગયુ અને ત્યાંથી આ રમત શીખી લાવ્યું. ગલીના બે સામસામેના મકાને અમે દોરીને બે-ત્રણ વડી કરીને બાંધતા અને તેની મધ્યમાં એક નીચે લોલકની જેમ લટક્તી દોરી બાંધવામાં આવતી. એ નીચે લટકતી દોરીની વચ્ચે પાછો એક પથ્થર કસીને બાંધવામાં આવે. તે અમારું લટપટિયું. પછી નીચે લટકતા છેડાને પકડીને સૌથી લાંબો છોકરો કે છોકરી તેને જોર-જોરથી ઘુમાવે અને પછી તેને છુટ્ટું મૂકી દેવાનું. તે એવું ઘૂમે કે કોઈના હાથમાં જ ન આવે. બે-ત્રણ મિનિટે જ્યારે તે ધીમું પડે ત્યારે તેને કોઈ પકડી પાડે, ખુશીથી તે બૂમ પાડે અને પછી ફરીથી તેને ઘૂમાવે અને એની એ વાત પુનરાવર્તિત થાય. સાવ સરળ એવી એ રમતનો અમને ખૂબ આનંદ આવતો. મારી બહેન પણ અમારી સાથે તે રમત રમતી. હુ મારી ઓછી ઊંચાઈના કારણે તેને ભાગ્યે જ પકડી શકતો પણ મારી બહેન મારાથી ચાર વર્ષ મોટી માટે તે પકડી શકતી. પછી મને તે ઘૂમાવા આપે તો મને ખૂબ આનંદ આવતો. માટે લટપટિયું રમવાનુ હોય ત્યારે હુ તેને બહુ વતાવતો નહિ. નહિ તો લટપટિયું ઘૂમાવવા મળે?

નાનપણથી જ માણસ પોતાનો સ્વાર્થ જોતા શીખે છે અને સંબંધોના ગણિત પણ તે ત્યાંથી જ ગણતા શીખતો હોય છે. પણ તે વાતની સમજણ મોટા થયા પછી ત્યારે પડે છે જ્યારે એ સ્વાર્થ અને એ ગણિત સ્વ-અસ્તિત્વનો એક ભાગ બની ગયા હોય છે. તેને જે પોતાનામાંથી દૂર કરતા શીખે તે જ માનવમાંથી મહામાનવ બનવા તરફ પગલા ભરી શકે છે. ‘સ્વથી સર્વતરફની ગતિને જ પ્રગતિ નહિ કહેવાતી હોયને?

  

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.