તાજેતરની પોસ્ટસ

ફેબ્રુઆરી 10, 2011

પ્રકરણ ૪. નવું ઘર, નવા મિત્રો, નવી શાળા અને નવું નામ


એ નવી દુનિયાનું નામ હતું નિર્ણયનગર. ગાંધીનગરની નાનકડી આવૃતિ જેવું તેનું આયોજન હતું. કુલ ૮ સેકટરમાં ૪૦૦૦ થી વધુ ઘર અને એક વિશાળ સ્કૂલ, મંદિર, બગીચો અને શૉપિંગ સેન્ટર. આવી બધી વાતો મને પપ્પા એ કરી હતી. જ્યારે હું પહેલી વાર તે ઘરે ગયો ત્યારે ઘરમાં હજુ ધોળવાનું કામ ચાલુ હતું. ત્યાંની એક દુકાનેથી મારા માટે ખમણ લાવવામાં આવ્યા હતા અને મે તે જ દિવસે પ્રથમ વાર એ ખમણની સાથે લીલું મરચું ખાવાનું સાહસ કર્યુ હતું જે તે દિવસે તો સફળ રહ્યું હતું. મારુ સમગ્ર બાળપણ કે જે મને યાદ છે તે અહિં જ વીત્યું હતું. તેની ઘણી બધી સ્મૃતિઓ છે.
અમારુ ઘર હતું સેકટર ૪ માં અને તેમાં કુલ ૪૦૦ જેટલા ઘર લગભગ ૧૮ હાર અને ૮ ગલીઓમાં પથરાઈને પડ્યા છે. અમારી ગલીને નામ આપવામાં આવ્યુ હતું કૃષ્ણધામકારણ કે વર્ષોથી એ ગલીના ૩૨ ઘરો એ સામૂહિક રીતે જન્માષ્ટમીની ઉજવણી કરી છે અને તે પ્રથા હજુ પણ ચાલુ જ છે. જો કે બીજુ એક કારણ એવું પણ હતું કે ગમે ત્યારે તમે અમારી ગલીમાં આવો, તમને એક બે ગાય તો જોવા મળે જ! ગલીમાં અમારું ઘર બરોબર વચ્ચે હતું. તેની આગળના ભાગને બધા ગોકુળ કહેતા અને પાછળના ભાગને મથુરા.
મારુ પહેલા ધોરણનું વેકેશન હતું ત્યારે અમે આ ઘરમાં રહેવા આવ્યા હતા અને વેકેશનના કારણે મને મિત્રો બનાવવામાં વાર નહોતી લાગી. તે વખતે અમારી ગલીમાં જે મિત્રો બન્યા હતા તેમના નામ હતા વિમલ (જેને ઘરે બધા મોલીઓ કહેતા), હસમુખ (ઘરનું નામ પિંકો) અને જીગ્નેશ (જેની ખીજ હતી રબડી’), સુલભ અને સુલક્ષ. દિવસ દરમિયાન હું, તડકો હોય અને મમ્મી-પપ્પાની મનાઈ હોય એટલે, ઘરની બહાર બહુ જતો નહિ પરંતું સાંજે પાંચેક વાગ્યે એટલે અમે દોડપકડ, થપ્પો, ચોર-પોલીસ, ઇંડું કે ક્રિકેટ રમતાં. વિરાટનગરમાં કદાચ મારી ઉંમરના છોકરાઓ સાથે મારે બહુ મિત્રતા નહોતી પણ અહિ આવીને ઝડપથી થઈ ગઈ હતી કારણકે અહિ મારી ઉંમરના છોકરાઓ વધારે હતા અને અહિના સલામત વાતાવરણને કારણે મમ્મી-પપ્પા-બાની રોક-ટોક ખૂબ જ ઓછી હતી. આ બધા મિત્રોમાંથી કોઈનું ધ્યાન ભણવામાં હતું નહિ અને તેમને ઘરેથી પણ એ બાબતમાં ટોકવામાં આવતા નહિ. જો કે સુલભ અને સુલક્ષ તેમાં અપવાદ હતાં કારણકે તેમના પપ્પા પોતે એક શિક્ષક હતા અને અભ્યાસનું મહત્વ સમજતા.
એ દરમિયાન જૂની શાળામાંથી મારુ લીવીંગ સર્ટિફિકેટલઈ લેવામાં આવ્યું હતું અને મને નવી શાળામાં દાખલ કરવામાં આવ્યો હતો. મને એવું કહેવામાં આવ્યુ કે મે પોતે જ મારુ નામ ચિરાગરાખવા માટે જીદ કરી હતી. કારણ શું હતું તે તો મને આજે પણ ખબર નથી પણ નવી શાળામાં મને ચિરાગના નામે દાખલ કરવામાં આવ્યો હતો. (કદાચ સદાય સળગતા રહેવાનું નસીબ મે સામે ચાલીને પસંદ કર્યુ હશે!) તે કમાલ કેવી રીતે થઈ તે પણ મને ખબર નથી પણ જૂની શાળાનું લીવીંગ સર્ટિફિકેટઆજે પણ મારી પાસે છે (જે હોવું ન જોઈએ) અને તેની પર મારુ નામ ચિંતન છે!
નવી શાળા એટલે શેઠ શ્રી ઈશ્વરદાસ નગીનદાસ પટેલ સ્વામિનારાયણ વિદ્યાલયજેને હું આજે પણ મારા જીવનનું સુવર્ણતમ પૃષ્ઠ માનું છું. તેને બધા ટૂંક્માં સ્વામિનારાયણ સ્કૂલના નામે ઓળખતા અને તે માત્ર નામથી જ સ્વામિનારાયણહતી માટે તેને અન્ય સ્વામિનારાયણ ગુરુકુળ સાથે ન સરખાવતા. તે ખૂબ વિશાળ શાળા છે. તેમાં ત્રણ માળની ત્રણ મોટી ઈમારતો છેઃ સત્યમ, શિવમ, સુંદરમ. અને બધુ મળીને કુલ ૮૦થી વધારે ઓરડા છે અને તે વખતે પણ ૧૦૦૦થી વધારે બાળકો તેમાં અભ્યાસ કરતા હતા. દરેક ધોરણના ચાર કે પાંચ વર્ગ ચાલતા અને તે સમયે ૧ થી ૭ ધોરણ બપોર પાળીમાં અને ૮ થી ૧૨ ધોરણ સવાર પાળીમાં ચાલતા હતા. મને અને મારી બહેનને તે સ્કૂલમાં સાથે જ દાખલ કરાયા હતા.
આ શાળાની શરૂઆતના દિવસો મને અજીબ લાગતા. બધુ નવું હતું તે તો એક કારણ ખરૂ જ પણ જુદુ પણ હતું. સૌ પ્રથમ તો અહિ પરમપિતા ઈશુને રોટી માટે પ્રાર્થના કરવામાં નહોતી આવતી. અહિ સરસ્વતી દેવીની પ્રાર્થનાથી શરૂઆત થતી અને પ્રાર્થના કે ભજન બાદ એક સુંદર ગીતથી તેનો અંત આવતો. અહિના વર્ગો વિશાળ હતા. બધાને બેસવા માટે પાટલીઓ હતી. અમારા દફતરમાં વજન પણ વધારે રહેતું અને અમારે ફરજીયાત પેન્સિલ વાપરવી પડતી. વિષયાનુસાર પુસ્તકો, નોટબુક અને સ્વાધ્યાયપોથી ઉપરાંત ચિત્રપોથી અને સુલેખનપોથી પણ મળતી. (તેના ખર્ચાની ચિંતા તો મમ્મી-પપ્પાને હોયને!) અને લેસન-ડાયરી પણ ખરી. ઉપરાંત ગણવેશ ફરજિયાત પહેરવો જ પડતો અને સમયપત્રક અનુસાર દરેક તાસમાં વિષયવાર અલગ-અલગ શિક્ષકો ભણાવવા આવતા. આ બધું જ પેલી ડબલું સ્કૂલકરતા અલગ હતું.
અમારા વર્ગ શિક્ષિકા હતા શ્રીમતી સંગીતાબહેન અને તે થોડાક કડક પણ હતાં. પણ અભ્યાસમાં મને રસ પડતો હતો. ગૃહકાર્ય હું નિયમિત કરતો (કારણ કે મારી બહેન અને પપ્પા તેનું ધ્યાન રાખતા) અને એકની એક વાત વર્ગમાં એટલી બધી વાર પુનરાવર્તિત થતી કે ત્યાં જ બધુ મોઢે થઈ જતુ હતું અને પરીક્ષામાં કશું ગોખવું પડતુ નહિ. માટે તે વર્ષની વાર્ષિક પરીક્ષામાં પરીણામ પણ ૮૦% ઊપર આવ્યુ અને ૧ થી નંબર માં મારું પણ નામ હતું.
આ ઉપરાંત તે વર્ષે મને નસીબે પણ એક અણમોલ ભેટ આપી અને તે મારા ખાસ મિત્રોમાંનો એક તેવો સંજય. આજે લગભગ એ મિત્રતાને અમારે ૨૩ વર્ષ પૂરા થયા અને અમે હજુ આટલા દૂર વસતા હોવા છતાં એકબીજાના સંપર્કમાં છીએ અને તેટલા જ સરસ મિત્રો છીએ. તે વખતે અમારી સાથે ભણતા ઘણાના નામ યાદ છે પણ મિત્ર તરીકે માત્ર આ એક જ નામ યાદ આવે છે કારણકે હું બહુ જલદી મિત્રો બનાવતો નહિ અને બનાવું તો તે મિત્રતા તોડતો નહિ. તે પણ ભણવામાં એટલો જ હોશિયાર. ધોરણ ૨ થી ૫ દરમિયાન હું, સંજય અને એક બીજો મિત્ર કિશોર હંમેશા ૧ થી ૩ નંબર માટે સ્પર્ધા કરતા. કિશોરને અમે કિશોરીલાલ કંજૂસ કહેતા અને મોટે ભાગે તે જ પહેલો નંબર લઈ જતો. તેણે ઘર બદલ્યુ પછી ભાગ્યે જ તે અમારા સંપર્કમાં આવ્યો છે પણ તે વખતે અમારી સારી મિત્રતા હતી.
એટલે છેવટે ચિત્ર એવું ઉભું થયું કે શાળામાં જે મિત્રો હતા તેમની સાથે ભણવાની સ્પર્ધા થાય અને ઘરે આવીએ એટલે ગલીના મિત્રો સાથે તોફાન કરવાની સ્પર્ધા થાય. હજી તો બીજા ધોરણમાં જ હતા એટલે ઘરની ગલી છોડીને બહાર જવાની હિંમત નહોતી થતી માટે અમારા બધા તોફાન ઘરની આસપાસ જ થતા અને દરેકની ફરિયાદ અમારા ઘરે પણ પહોંચતી.
          આગળ મે નોંધ્યું તેમ લીલું મરચું ખાવાની શરૂઆત મે આ ઘરમાં આવવાના પ્રથમ દિવસે જ કરી હતી પણ મને તે ખબર નહોતી કે તે મરચા આથેલા છે માટે મને તીખા લાગ્યા નહિ હોય. એક દિવસ ઘરે બધા જમતા હતાં અને હું ફોર્મમાં આવી ગયો. મે બધાને કહ્યું કે મને મરચું ખાતા આવડી ગયું છે અને મે ખાવાની જીદ કરી. માટે મને એક નાનકડુ લીલું મરચું ખાવા માટે આપવામાં આવ્યું. મારા બા તેવા મરચાને મીઠામાં બોળીને ખાતા હતા માટે મે પણ મીઠું લીધુ. મરચાને તેમાં બોળીને મરચાના એક તૃતીયાંશ જેટલા ભાગનું બટકું ભર્યું. તેને એક સેકન્ડ માટે ચાવ્યું. બીજી સેકન્ડે મારા શરીરે તેની તીખાસ પારખી અને પછી જાણે કે હું સળગતા તવા પર બેઠો હોઉં તેમ કૂદકો મારીને ઉભો થયો અને કત્થક, ભરતનાટ્યમ, કુચીપુડી, રાસ-ગરબા અને ભાંગડા એ તમામનો સમન્વય કરીને જે નૃત્ય બનાવવામાં આવે તે મે શરૂ કર્યું. જાણે મારા શરીરમાં મિરચીદેવી એ પ્રવેશ કર્યો હોય તેમ હું ધૂણતા-ધૂણતા બૂમો પાડતો હતો, ‘મમ્મી, તીખું લાગ્યું. મમ્મી, તીખું લાગ્યું. મમ્મી, તીખું લાગ્યું.’ મારુ તાંડવ શરૂ જ રહ્યું અને પછી મને ખાંડ ખવડાવવામાં આવી અને જીભ પર ઘી લગાડવામાં આવ્યુ અને પાણી પીવડાવવામાં આવ્યું ત્યારે માંડ ૧૦-૧૫ મિનિટે મારામાંથી મિરચીદેવીએ વિદાય લીધી અને મારા ભાણી-ભાણીયા માટે બીજી મનોરંજક બેડ-ટાઇમ સ્ટોરીબની ગઈ!


1 ટિપ્પણી:

  1. vishal dariya jevi a duniya ma ketlik yado hamensh ni mate khovai jay chhe............chmakata moti jevi yado ne shodhava mate ava j prasango ankh same pharithi avavani jaroor hoy chhe.........i have realised that..............thanks Chiragbhai

    જવાબ આપોકાઢી નાખો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.