તાજેતરની પોસ્ટસ

February 04, 2011

પ્રકરણ 3. દુર્ઘટના અને વિસ્મૃતિ


જ્યારે હું પહેલા ધોરણમાં અભ્યાસ કરતો હતો, ત્યારે અમે અમદાવાદના વિરાટ નગર વિસ્તારમાં રહેતા હતાં. એ વિસ્તારના વિકાસની એ હજી શરૂઆત માત્ર જ હતી. અમારા ઘરની પાછળ એક મોટુ મેદાન હતું અને એ મેદાન પૂરુ થતા જ આવતી હતી 'ખારીક્ટ કેનાલ' અને તેની સાથે મારા જીવનની એક મોટી ઘટના જોડાયેલી છે.
તે સમયે મમ્મીની નોકરી ગારિયાધાર નામક સૌરાષ્ટ્રના એક ગામમાં હતી. ત્યાં અમને સારુ શિક્ષણ નહિ મળે તેમ જાણીને મમ્મી-પપ્પાએ જુદાઈ સ્વીકારી હતી. આમ તો તેમના પરજ્ઞાતિય પ્રેમ-લગ્ન છે પણ પોતાના બાળકો માટે તેઓ આ ભોગ આપવા તૈયાર થયા હતા! અમારા શિક્ષણ માટે પપ્પા, મારા બા, બહેન અને હું અમદાવાદ આવ્યા અને મમ્મી એકલી ગારિયાધાર રહેતી થઈ. તે દર સપ્તાહાંતે અહિ અમદાવાદ આવે અને બે દિવસમાં ઘરની જવાબદારીઓ અને સામાજીક વહેવારો પતાવીને અમને બીજું અઠવાડિયું ચાલે તેટલો પ્રેમ કરે ને સોમવારે સવારે જતી રહે.
આમ, સોમવારથી શુક્રવાર 'રાજાનો ઘોડો છુટ્ટો હોય. તેના બે કારણ હતાં. પહેલું તો એ કે મારું ધ્યાન મારા ઘરડા બા કે મારી બે રાખી શકતા નહિ. હું આખો દિવસ ઘરની બહાર રખડપટ્ટી કરે રાખું અને ઘરડા બા મારી પાછળ-પાછળ ક્યાં સુધી આવી શકે? અને મારી મોટી બહેન આમ તો મારાથી ચાર વર્ષ મોટી પણ તે વખતે તે પણ માત્ર પાંચમાં ધોરણમાં હતી. તેને અભ્યાસ ઉપરાંત ઘરનું કામ પણ શીખવું પડતું. અને શું તેની પોતાની દુનિયા ન હોય? એટલે મારી પાછળ તે પણ વધારે સમય આપી શકતી નહિ. અને બીજું કારણ હતું પપ્પાનું કામકાજ. તેમને વારસામાં દાદા તરફથી માત્ર સંસ્કારો અને શિક્ષણ જ મળ્યું અને તેમની આકાંક્ષા હતી કે તે તેમના બંને સંતાનોને પૂરતી સુખ-સુવિધા આપે. તેઓ ઇલેક્ટ્રિક સુપરવાઇઝરનું ભણ્યા હતાં અને પછીથી તેઓ ઇલેક્ટ્રિક ને લગતા કોન્ટ્રાક્ટ લેતા હતાં. માટે આખો દિવસ તે ઘરે ન હોય. ઘણી વાર તો સાંજે હું ઊંઘી ગયો હોઉં ત્યાર બાદ આવતા. એટલે આખો દિવસ મને રોકનારું કોઈ નહિ.
મોટા ભાગે હું અમારી સોસાયટીના મોટા છોકરાઓ જ્યાં રમતા હોય ત્યાં જતો રહેતો અને તેમને જોયે રાખતો. તેમની પાછળ ફરતો રહેતો. મને યાદ છે ત્યાં સુધી તે દુર્ઘટના આગલા દિવસે વરસાદ પડ્યો હતો. જમીનમાં એક ચાકુ કે લોખંડનો સળિયો ખૂંતાવીને તે બધા છોકરાઓ ભીની જમીનમાં ખૂચ્ચામણીની રમત રમતા હતાં અને તેમને તેમ કરતાં-કરતાં એક સ્થળેથી બીજા સ્થળે જવાનું રહેતું. અમારી સોસાયટીથી તેઓએ આ રમત શરૂ કરી અને દાવ લેતા-લેતા તેઓ સોસાયટી પાછળના મેદાનમાં ગયા અને હું પણ તેમની પાછળ-પાછળ રોજની જેમ ગયો. તેઓ કેનાલની એકદમ નજીક પહોંચ્યા પછી ખરેખર શું થયું તે મને સ્પષ્ટતઃ યાદ નથી પણ જેટલું યાદ છે તે મુજબ કોઈ એક છોકરાએ ગંદવાડથી છલોછલ એવા એક ખાબોચિયાને વિશિષ્ટ રીતે ઓળંગી બતાવ્યું અને બીજા છોકરાઓ તે જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. તે જોઈને હું તેની નકલ કરવા ગયો અને તે ગંધાતા પાણીમાં ડૂબ્યો અને તણાવા લાગ્યો.
ત્યારબાદ શું થયું તે મને બિલકુલ યાદ નથી પણ ઘણીવાર મને દુઃસ્વપ્ન આવે છે અને મને લાગે છે કે મને તે ઘટનાના જ દુઃસ્વપ્ન આવે છે. હું કેનાલમાં રીતસરનો ડૂબી ગયો હતો અને કાંઠે ઊભેલા છોકરાઓ બૂમો પાડતા હતાં. નજરે જોનારા લોકોએ પછીથી મારા બાને કહ્યું હતું કે માત્ર મારો એક હાથ બહાર દેખાતો હતો અને હું ખૂબ વેગથી તણાતો હતો અને એ છોકરાઓ કિનારે-કિનારે દોડતા હતાં અને મને વેગપૂર્વક અનુસરતા બૂમાબૂમ કરતા હતાં.
અંદર, પાણીમાં, હું ગટરની ગંદકી પીતો-પીતો જાગતો રહેવાનો પ્રયત્ન કરતો હતો. પણ છેવટે હું બેહોશ થઈ ગયો હતો. તે દરમિયાન બહાર પેલા છોકરાઓની બૂમાબૂમ સાંભળીને બે કૉલેજિયન છોકરાઓ દોડી આવ્યા હતા અને ગમે તેમ કરીને તેમણે મારો બહાર દેખાતો હાથ પકડ્યો હતો અને મને બહાર ખેંચી કાઢ્યો હતો.
હું જ્યારે ભાનમાં આવ્યો ત્યારનું દ્રશ્ય મને હજુ પણ યાદ છે. હું ત્યારે વસ્ત્રવિહીન હાલતમાં હતો! મારા બા મને ટુવાલ વડે કોરો કરી રહ્યાં હતા અને આસપાસ કેટલાય લોકોનું ટોળું હતું. તમાશાને તેડું થોડું હોય? જોકે હું તો કોઈ પરાક્રમ કરીને આવ્યો હોઉં તેમ બધા સામે હસતો હતો. આ ઘટનાના મારા ઘરમાં શું પ્રત્યાઘાત પડ્યા તે મે ક્યારેય જાણવાનો પ્રયત્ન નથી કર્યો પણ તે અચૂક આઘાતજનક હશે તે હું કલ્પી શકું છું.
જો કે તેનાથી મારા અંગત જીવનમાં શું ફેરફાર આવ્યા તે જણાવું તો આઘાત ન પામતા. મારો જન્મ થયો હતો સાવરકુંડલામાં. જન્મના ૧૫ દિવસ બાદ મમ્મીની બદલી થઈ હતી ગારિયાધરમાં. ત્યાં બે વર્ષ જેટલું રહ્યાં બાદ અમે અમદાવાદ આવ્યા હતાં. ત્યાં હું કોઈ ચંપાબેન ને ત્યાં ચાલતા બાલમંદિરમાં એક વર્ષ માટે ગયો હતો માટે અને પછી પહેલા ધોરણમાં હતો ત્યારે આ ઘટના બની હતી. તો એમ સમજોને કે મારા જન્મથી માંડીને પહેલા ધોરણ સુધીની જે ચાર કે પાંચ વર્ષની સ્મૃતિઓ હતી તે બધી વિસ્મૃત થઈ ગઈ. મતલબ કે મારા દિમાગની હાર્ડ-ડ્રાઇવ ફોરમેટથઈ ગઈ અને તે પહેલાનું મને કંઈ જ યાદ નથી. જાણે કે એ ઘટના મારા જીવનમાં પુનર્જન્મ સમાન હતી. તે પહેલાનું જે કંઈ ખબર છે (માત્ર ખબર છે, યાદ નથી કારણ કે તે પાછળથી મમ્મી, પપ્પા, બા કે બહેનના મોઢેથી સાંભળ્યું છે) તે બહુ થોડું જ છે અને કોઈ આપ્તજન જો તે યાદ અપાવવાનો પ્રયત્ન કરે તો યાદ આવે.
આ વિસ્મૃતિ ઉપરાંત, ખારીકટનું ગંદું પાણી પેટમાં ગયું હોવાથી મને પેટની જાતભાતની સમસ્યાઓ થવા લાગી હતી અને સૌથી મોટી સમસ્યા એટલે અપચો. ખાવાનું ખાધું નથી કે દોડ્યા નથી! આ સમસ્યાએ મને છેક આઠમા ધોરણ સુધી સાથ આપ્યો હતો અને મે જ્યારે કરાટેના ક્લાસીસ શરૂ કર્યા અને નિયમિતપણે ત્યાં એકાદ વર્ષ સુધી વિવિધ યોગાસન કર્યા ત્યારે દૂર થયો હતો.
અને હા, એક માનસિક સમસ્યા પણ થઈ જે મોડી-મોડી મારી સમજમાં આવી અને તે પાણીનો ડર’(એક્વાફોબિયા). હજુ પણ જ્યારે-જ્યારે મારે માથાબોળ સ્નાન કરવાનું હોય છે અથવા નાકની આસપાસ પાણી અડે ત્યારે મને અસહ્ય ગૂંગળામણ થાય છે અને હું માનું છું કે તેનું કારણ આ જ હશે. અને હા, પાણીમાં ડૂબી જવાના કે લપસી પડવાના દુઃસ્વપ્ન તો મારા દૈનિક જીવનનો ભાગ હતાં.
કદાચ આ વાતનો પડઘો તો મે મારી એક ગઝલ કેમ કહું?’ માં નહિ પાડ્યો હોયને? તે પંક્તિ હતીઃ
આજે પણ બચી ગયો તારી નજરોના કામણથી,
આવી તો ગઈ છે કેટલીય ઘાત, કેમ કહું?

શું વારા-ફરતી આવતા આઘાતોની વચ્ચેનો નાનકડો સમયગાળો એટલે જ સુખ? કઈ ઘાતની વાત મારા અજ્ઞાત મનમાં રમતી હશે આ પંક્તિઓ લખતી વખતે?
અને હા, મને તે કેનાલમાંથી ઉગારનાર બે છોકરાઓ કોણ હશે, તે વિચાર મને ઘણીવાર આવતો. છેવટે તેમાંથી એક વાત એ શીખવા મળી કે સત્કર્મ કદી ભૂલાતા નથી, ભલે ને તે કરનાર અજ્ઞાત જ કેમ ન હોય.
આ દુર્ઘટના, વરસાદમાં ભરાતા પાણીની સમસ્યા અને પ્રગતિની એષણાથી મમ્મી-પપ્પાએ નવી જગ્યાએ નવું ઘર લેવાનો નિર્ણય લીધો અને ઘરની સાથે-સાથે જીવનમાં બીજી ઘણું બધું બદલાયું હતું, જાણે કે એક નવી દુનિયા.

No comments:

Post a Comment

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.