ખુલ્લી નહિ, તો બંધ આંખોની શરમ જાળવી રાખજે,
પ્રેમ નહિ પ્રેમનો મોહક ભરમ જાળવી રાખજે.
ભલે ન સમજી હો આ દિલની વ્યથાના મતલબને,
રાખી મૌન વાતનો મોઘમ મરમ જાળવી રાખજે.
નહિ મળે મિલનના મોકા મુહબ્બતમાં વારંવાર,
થાય જો ઝાંઝવાનો તરસ્યો સંગમ, જાળવી રાખજે.
ન ગમતી હો જીવનની ક્ષણભંગુરતા પ્રિયતમ,
બંધ આંખે આપેલ શાશ્વત ચુંબન જાળવી રાખજે.
‘જયે’ વિચાર્યા વિના આપી દીધું તને પાષાણ-હ્રદયી,
લાગણી સભર મારું દિલ નરમ, જાળવી રાખજે.